অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હોર્મોન

હોર્મોન્સ શું છે?

‘હોર્મોન્સ’ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં અતિસુક્ષ્મ તત્વો છે. જે શરીરની અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓની દોરવણી કરે છે. શરીરના અનેક અવયવોનાં કાર્ય તથા વિકાસમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જીવનથી મૃત્યુ સુધી જીવંત પ્રાણીના દરેક તબક્કામાં હોર્મોન્સ આવશ્યક છે. હોર્મોન્સ વગર જીવ ઉત્પત્તિ શક્ય નથી. જીવનો વિકાસ શક્ય નથી, જીવન શક્ય નથી. હોર્મોન્સની અછત અથવા અતિરેક કદાચ સમસ્યાઓ સર્જી શકે, પરંતુ યોગ્ય માત્રામાં શરીરમાં હોર્મોન્સનું હોવું તે નોર્મલ જીવન જીવવા માટે અનિવાર્ય છે.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓઃ

શરીરનાં જુદાં-જુદાં ભાગોમાં હોર્મોન્સ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા એન્ડોક્રાઈન ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. આ ગ્રંથિઓ ખૂબ જ નાની હોય છે અને અતિસૂક્ષ્મ પ્રમાણમાં અમુક તત્વો બનાવે છે. આ તત્વો લોહીની નસોમાં ભળી શરીરનાં જુદાં-જુદાં અવયવો સુધી પહોંચે છે અને આ અવયવોના વિકાસ અને કાર્યમાં મદદરૂપ થતાં હોય છે. આ તત્વો અથવા રસાયણોને હોર્મોન્સ કહેવામાં આવે છે.

શરીરમાં અગત્યની સાત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે જે વિવિધ પ્રકારના હોર્મોન્સ બનાવે છે અને આ દરેક હોર્મોન વિશિષ્ટ પ્રકારની અસર અને ઉપયોગિતા ધરાવે છે. શરીરનાં જુદાં-જુદાં અવયવો ઉપર ‘રિસેપ્ટર’ આવેલાં હોય છે. હોર્મોન્સ આ રિસેપ્ટર સાથે જોડાઈને તેમને ઉત્તેજિત કરે છે તથા આ અવયવોને કાર્યન્વિત કરે છે.

પિચ્યુટરી ગ્રંથિઃ

પિચ્યુટરી ગ્રંથિ ત્રીજા નેત્રના સ્થાને મગજની વચ્ચોવચ સ્થિત છે. આ ગ્રંથિ મકાઈના દાણાની સાઈઝ ધરાવતી હોય છે. આ ગ્રંથિને ‘માસ્ટર ગ્લેન્ડ’ પણ કહેવામાં આવે છે. આ ગ્રંથિ અનેક હોર્મોન્સ બનાવે છે. જેનું કાર્ય શરીરની અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કંટ્રોલ કરવાનું હોય છે. એટલે જ તેને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સૌથી અગત્યનો હોર્મોન છેઃ ગ્રોથ હોર્મોન. આ હોર્મોન શરીરનાં હાડકાંમાં આવેલી ‘ગ્રોથ પ્લેટ’ કે જ્યાંથી વ્યક્તિની ઊંચાઈ વધે છે, ત્યાં અસર કરતો હોય છે. આ હોર્મોનની અછતને કારણે વ્યક્તિની ઊંચાઈ વધતી નથી અથવા વધારે માત્રમાં હોય તો ઊંચાઈ વિશેષ વધી જતી હોય છે. ગ્રોથ હોર્મોન સિવાય પિચ્યુટરી ગ્રંથિ બીજાં અનેક હોર્મોન્સ જેવાં કે TSH, LH, FSH, ACTH. અને Prolactin બનાવે છે. આ હોર્મોન્સનું કાર્ય થાયરોઇડ, અંડપિંડ, શુક્રપિંડ, એડ્રિનલ ગ્રંથિ વગેરેને કાર્યન્વિત કરવાનું હોય છે. પિચ્યુટરી ગ્રંથિના આ હોર્મોન્સની ઉણપને કારણે થાયરોઇડ, એડ્રિનલ, અંડપિંડ અથવા શુક્રપિંડ કાર્ય કરતાં નથી અને આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં હોર્મોન્સની ઉણપ શરીરમાં વરતાય થાય છે.

થાયરોઇડઃ

થાયરોઇડ ગ્રંથિ ગળામાં શ્વાસનળીની આજુબાજુ પતંગિયાના આકારમાં સ્થિત હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે જે શરીરનાં અનેક અવયવો ઉપર અસર કરતાં હોય છે. થાયરોક્સિનની ઉણપને કારણે હાઇપોથાયરોઇડિઝમ થાય છે અને તેની અતિરિક્તતાને કારણે હાયપરથાયરોઇડિઝમ થાય છે.

પેરાથાયરોઇડઃ

થાયરોઇડ ગ્રંથિની પાછળ ચાર અથવા વિશેષ, ઘઉંના દાણાની સાઇઝની ગ્રંથિઓ આવેલી છે. જેને પેરાથાયરોઇડ ગ્રંથિ કહેવાય છે. આ ગ્રંથિ પેરાથોર્મોન અને કેલ્સિટોનિન નામના હોર્મોન્સ બનાવે છે. આ હોર્મોન્સ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવામાં, હાડકાંના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે.

એડ્રિનલ ગ્રંથિઃ

શરીરમાં બે એડ્રિનલ ગ્રંથિઓ હોય છે. જે કિડનીની ઉપર ત્રિકોણ આકારમાં આવેલી હોય છે. આ એડ્રિનલ ગ્રંથિ અનેક જાતના હોર્મોન્સ જેવાં કે એડ્રિનાલિન, કોર્ટિકોસ્ટેરોઈડ અને આલ્ડોસ્ટેરોન નામનાં હોર્મોન્સ બનાવે છે. આ તમામ હોર્મોન્સ વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રાખવામાં, લોહીમાં સોડિયમ, પોટેશિયમનું પ્રમાણ જાળવી રાખવામાં, કોઈપણ ઈમર્જન્સી માટે શરીરને જરૂરી ‘ઉર્જાશક્તિ’ ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શુક્રપિંડઃ

શુક્રપિંડ પુરૂષના પ્રજનનતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે. શુક્રપિંડ શુક્રાણુઓ સિવાય ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ બનાવે છે. ટેસ્ટોસ્ટેરોન દ્વારા સ્નાયુઓનો વિકાસ, ઉંચાઈ વધવી, મૂછ-દાઢી આવવી જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. પ્રજનનકાર્યમાં ટેસ્ટોસ્ટેરોન અતિઆવશ્યક હોર્મોન છે.

અંડપિંડઃ

અંડપિંડ સ્રીઓનાં પ્રજનનતંત્રનું એક મહત્વપૂર્ણ અંગ છે. અંડપિંડ અંડકોષ સિવાય ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જેવાં હોર્મોન્સ બનાવે છે, જે સ્ત્રીઓનાં અંગોના વિકાસમાં અને પ્રજનનકાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે.

પેન્ક્રિઆસઃ

પેન્ક્રિઆસમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન નામનાં હોર્મોન્સ બનાવે છે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તથા ચરબીનાં મેટાબોલિઝમમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઇન્સ્યુલિનની અછતને કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે.

સમસ્ત શરીરમાં સ્થિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું વજન ૧૦૦ ગ્રામ જેટલું જ છે અને તેઓ જે હોર્મોન્સ બનાવે છે તે મિલિ અથવા નેનો ગ્રામમાં હોય છે. પરંતુ તેનાં કાર્યો વિભિન્ન, વ્યાપક અને અત્યંત મહત્વપૂર્ણ હોય છે. શરીરની જુદી-જુદી ક્રિયા પ્રક્રિયાઓમાં હોર્મોન્સ અગત્યનો ફાળો આપે છે. હોર્મોન્સ વગરનું જીવન અસંભવ છે. હોર્મોન્સનો દુરુપયોગ શરીરને ચોક્કસ નુકશાન કરી શકે છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અનેક બીમારીઓને મટાડવામાં અને અમુકવાર નવું જીવન આપવામાં આવશ્યક થઈ શકે.

હોર્મોન્સ અંગેની માન્યતાઓ

હોર્મોન્સ અંગે પાર વિનાની સાચી અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. હોર્મોન્સનું નામ સાંભળતા જ અનેકવાર વીજળીનો કરંટ લાગતો હોય તેવી અભિવ્યક્તિ થતી હોય છે. શરીરમાં કંઈ પણ ખરાબ અથવા અણગમતું થાય તો તે હોર્મોન્સને લીધે છે એવી વ્યાપક માન્યતા હોય છે. જો કોઈ બીમારી માટેની દવા હોર્મોન્સ સ્વરૂપે હોય તો એ જણાવવામાં ડૉક્ટરને અનેકવાર તકલીફ પડતી હોય છે. હોર્મોન્સ જાણે અસ્વીકાર્ય, અસ્પૃશ્ય, અનાવશ્યક અને કદાચ નુકશાનકર્તા તત્વ છે, એવી સમાજમાં પ્રબળ માન્યતા હોય છે. ‘હોર્મોન્સને કારણે શરીર ફુલી જાય છે’, ‘પુરુષ સ્ત્રી બની જાય છે’, ‘સ્ત્રી પુરુષ બની જાય છે’, ‘જાડા-પાતળા થઈ જવાય છે’, ટૂંકા-લાંબા થઈ જવાય છે’ એવી અનેક સાચી-ખોટી માન્યતાઓ લોકોના દિમાગમાં છવાઈ ગઈ હોય છે. આ બધી માન્યતાઓ માટે આપણું અધકચરું જ્ઞાન જવાબદાર છે.

સ્પોર્ટ્સમાં હોર્મોન્સનો દુરુપયોગ

વર્ષ ૧૯૮૮ ના સિઓલ ઓલમ્પિકમાં કેનેડાના સ્પ્રિન્ટર બેન જોન્સને ૧૦૦ મીટરની રેસમાં નવો વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો. બેન જોન્સન રાતોરાત સુપરહીરો બની ગયો. હજુ તો વિશ્વમાં તેના માટે થયેલો તાળીઓનો ગડગડાટ શાંત પડ્યો ન હતો, તેના પહેલાં તો લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો કે બેન જોન્સન શક્તિવર્ધક દવાઓ – એનાબોલિક સ્ટેરોઈડનું સેવન કરે છે. ગેમના નિયમો અનુસાર બેન જોન્સનથી સુવર્ણચંદ્રક પાછો લઈ લેવાયો અને તેને તરત જ કેનેડા પાછા ફરવું પડ્યું.

અનેક હોર્મોન્સ શરીરનાં સ્નાયુઓનો વિકાસ કરે છે અને તેમની કાર્યદક્ષતા વધારે છે. આ હોર્મોન્સનો દુરુપયોગ ઘણા બધા રમતવીરો હરિફાઈ જીતવા માટે કરતા હોય છે.  હરિફાઈમાં ભાગ લેવા સિવાય અનેક વ્યક્તિઓ શરીર સૌષ્ઠવ વધારવા અને તેમની કાર્યક્ષમતા વધારવા માટે રોજિંદા જીવનમાં પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. હોર્મોન્સના દુરુપયોગમાં એનાબોલિક સ્ટેરોઈડ સૌથી મોખરે છે.

એનાબોલિક સ્ટેરોઈડઃ

પુરુષના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પ્રજનનતંત્રના વિકાસ અને કાર્યમાં મદદ તો કરે જ છે, એ સિવાય સ્નાયુઓનો વિકાસ અને કાર્યદક્ષતા પણ વધારે છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા સ્ટેરોઈડમાં અમુક કેમિકલ રૂપાંતરણ કરીને તેનો ઉપયોગ સ્નાયુઓના વિકાસ માટે કરાય છે. આ બાયોકેમિકલ પ્રોજેક્ટ્સને ‘એનાબોલિક સ્ટેરોઈડ’ કહે છે. હાલમાં સો જેટલા એનાબોલિક સ્ટેરોઈડનું ગેરકાયદેસર ઉત્પાદન થાય છે. તેમની વૈજ્ઞાનિક ઢબે તપાસ થયેલી હોતી નથી. એનાબોલિક સ્ટેરોઈડ સૌથી વિશેષ એથ્લિટ દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેમનાં નામ ‘ટેસ્ટોસ્ટેરોન’, નાનડ્રોલોન, સ્ટેનોઝોલોલ અને મેટાન્ડીએનોન વગેરે છે.

અસરોઃ

આ દવાઓના ઉપયોગ અને એક્સરસાઈઝ, ટ્રેનિંગ દ્વારા સ્નાયુઓ વિકસિત થાય છે. તેમનું ડિજનરેશન ધીરે ધીરે થાય છે. ઉપરાંત શરીરમાં ચરબી ઘટાડે છે અને પ્રોટીન વધારે છે. તેના સતત ઉપયોગ અને એક્સરસાઈઝ ટ્રેનિંગ દ્વારા એથ્લિટ વધુ સારું પરફોર્મન્સ કરી શકે છે.

ઉપયોગઃ

એનાબોલિક સ્ટેરોઈડનો મેડિકલ ઉપયોગ ટેસ્ટોસ્ટેરોનની કમી ધરાવતા પુરુષોમાં, અમુક જાતની લોહીની ઉણપમાં, એઈડ્સ જેવી બીમારી કે જેમાં ‘મસલ વેસ્ટિંગ’ થતું હોય છે તેમાં થતો હોય છે. સ્પોર્ટ્સમાં તેનો ઉપયોગ છેલ્લાં પચાસ વર્ષથી પ્રચલિત છે. તેનો ઉપયોગ વેઈટ લિફ્ટર્સ, ડિસ્ક થ્રોઅર્સ, ફુટબોલર્સ, સ્વિમર્સ, રનર્સ વગેરે કરતાં હોય છે. ૧૯૯૧ માં અમેરિકામાં થયેલાં એક સર્વે પ્રમાણે લગભગ દસ લાખ અમેરિકનો એનાબોલિક સ્ટેરોઈડનો ઉપયોગ કરતાં હતાં. હાલમાં તેની સંખ્યા વધીને ત્રીસ લાખ જેટલી થઇ ગઇ છે.

આડઅસરોઃ

એથ્લિટ દ્વારા ઉપયોગ કરવામાં આવતાં એનાબોલિક સ્ટેરોઈડની માત્રા નોર્મલ મેડિકલ ઉપયોગ કરતાં દસથી ચાલીસ ગણી હોય છે. તેના કારણે શરીર ઉપર અનેક આડઅસરો થતી હોય છે. બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, હિમોગ્લોબિન વધવાને કારણે હૃદયની દિવાલો જાડી થાય છે અને હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટી જાય છે. પુરુષોમાં ખીલ થવાં, સ્તનનો ભાગ વધવો, વાળ ખરી જવા અને ચામડી ઉપર ડાઘ પડવાં, શુક્રાણુઓનું ઉત્પાદન બંધ થવું, પ્રોસ્ટેટ વધવી અને નપુંસકતા જેવી આડઅસરો થતી હોય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મની અનિયમિતતા, ખીલ થવાં, ચહેરા ઉપર વાળ ઉગવાં, અવાજ ઘોઘરો થવો વગેરે આડઅસરો થતી હોય છે. આ દવાઓની લિવર ઉપર ખાસ આડઅસર થતી હોય છે. તેનાથી લિવર ઉપર સોજો આવવો, કમળો થવો અને લિવરના કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે. એનાબોલિક સ્ટેરોઇડની સૌથી વિશેષ માનસિક આડઅસરો થતી હોય છે. તેના સતત દુરુપયોગને કારણે ચંચળતા, આક્રમકતા, ચિંતા, ડિપ્રેશન એડિક્શન જેવી બીમારીઓ થતી હોય છે. તેના કારણે ક્રાઈમનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે.

ગ્રોથહોર્મોનઃ

ગ્રોથ હોર્મોન સામાન્ય રીતે બાળકની ઊંચાઈ વધારવા માટે વપરાતો હોર્મોન હોય છે. ૧૯૮૦થી આ હોર્મોનનો દુરુપયોગ એથ્લિટ્સ કરતાં હોય છે. આ હોર્મોન ફક્ત ઇન્જેક્શન દ્વારા જ લેવાય છે. તે સ્નાયુઓનો વિકાસ કરે છે, પરંતુ તેની કાર્યદક્ષતા વધારવા માટે એક્સરસાઈઝની વિશેષ જરૂર પડતી હોય છે. અમુક લોહીની તપાસ દ્વારા ગ્રોથ હોર્મોનનો દુરુપયોગ પકડી શકાય છે.

ઈરિથ્રોપ્રોઇટીન:

ઈરિથ્રોપ્રોઈટીન કિડનીમાં ઉત્પન્ન થતો હોર્મોન છે. જે રક્તકણોનું ઉત્પાદન વધારી હિમોગ્લોબિન વધારે છે. ઘણા એથ્લિટ, ખાસ કરીને સાયકલિસ્ટ, આ હોર્મોન્સનો ઉપયોગ કરતાં હોય છે. હિમિગ્લોબિન વધવાને કારણે તેમની ઓક્સિજન પ્રાપ્ત કરવાની કાર્યદક્ષતા વધે છે, તેથી તેઓ સારું પ્રદર્શન કરી શકે છે. આ ડ્રગની પણ હાર્ટએટેક, હાર્ટ ફેઇલ, ખેંચ આવવી, પલ્મોનરી એમબોલિઝમ અને અચાનક મૃત્યુ જેવી ગંભીર આડઅસરો થતી હોય છે. ૧૯૯૭ થી ૨૦૦૦ માં ૧૮ જેટલા સાયકલિસ્ટનાં અચાનક મૃત્યુ માટે આ દવાનું સેવન જવાબદાર માનવામાં આવે છે.

ડોપિંગ કંટ્રોલઃ

એથ્લિટ્સ દ્વારા સ્ટેરોઇડ અને હોર્મોન્સનો દુરુપયોગ રોકવા માટે લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટને ડોપિંગ ટેસ્ટ કહે છે. યોગ્ય યુરિનની તપાસ દ્વારા લોહીમાં અતિરિક્ત સ્ટેરોઈડની માત્રા જાણી શકાય છે. જરૂર લાગે તો બીજા વિશેષ ટેસ્ટ દ્વારા તેને પાકું કરવામાં આવે છે. અનેક પદ્ધતિઓ દ્વારા એથ્લિટ્સ સ્ટેરોઈડ લેતાં હોવા છતાં ન પકડાય તે માટે પ્રયત્ન કરતાં હોય છે.

દવાઓનો સદુપયોગ વ્યક્તિને નવજીવન આપી શકે. પરંતુ દુરુપયોગ ક્વચિત ટૂંકા ગાળાનો લાભ આપી શકે, પરંતુ સમયાંતરે અનેક ગંભીર અને ઘાતક પરિણામો આપી શકે. અનેક યુવાનો શરીર સૌષ્ઠવ વધારવા સ્ટેરોઈડ લેવા માંગતા હોય છે. પરંતુ તેના ગંભીર પરિણામો ધ્યાનમાં રાખી તેનાથી દૂર રહેવુ સારું. ચાલો જોઈએ, કોમનવેલ્થ ગેમ્સમાં શું જોવા મળે છે!

સ્ત્રોત : નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate