વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વાઈ અને હીસ્ટીરીયા

વાઈ અને હીસ્ટીરીયા વિશેની માહિતી

વાઈ અને હીસ્ટીરીયા બંને જુદા રોગ છે

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે હીસ્ટીરીયા અને વાઈ (એપીલેપ્સી) વિશે લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ હીસ્ટીરીયા અને વાઈ (જેને ફેફરું પણ કહે છે.) બંને તદ્દન જુદા જ રોગો છે. અગાઉ જોયા પ્રમાણે હિસ્ટીરીયા તો કોઈપણ રોગનું રૂપ ધારણ કરી શકે છે, જેમાંનો વાઈ પણ એક રોગ છે અને પરિણામે ગેરસમજ ઉભી થાય છે. આજે આપણે ખૂબ જ સામાન્ય મગજની બીમારી વાઈ એટલે કે એપીલેપ્સી વિશે જોઈશું.

એપીલેપ્સી લગભગ દર સોએ એકથી બે વ્યક્તિમાં જોવા મળે છે. જેમાં બાળકો અને કિશોરોનું પ્રમાણ વઘુ છે. આપણા દેશમાં વઘુ પડતા અકસ્માતો, અંધશ્રદ્ધા અને ગરીબીને કારણે દવા ન કરાવવાનો અભિગમ, લાંબો સમય દવા ચાલુ ન રાખવી, સારવાર અને યોગ્ય નિષ્ણાતોનો અભાવ વગેરે કારણોસર અન્ય દેશોની સરખામણીમાં આ પ્રમાણ વધારે છે.

આ એપીલેપ્સી માટે ઘણાબધા કારણો જવાબદાર છે. પરંતુ તેમાં મુખ્યત્ત્વે ઇડીયોપેથીક (એટલે કે જેનું કોઈ ચોક્કસ કારણ શોધી શકાતું નથી), જન્મ વખતે મગજને થતી ઇજાઓ, જન્મ સમયે મગજને પ્રાણવાયુ, ગ્લુકોઝ વગેરે ઓછું મળવું, ખૂબ જ વઘુ તાવ, મગજનાં તાવ, અકસ્માત, પડવા વાગવાથી થતી મગજને ઇજા વગેરે જવાબદાર છે.

જ્યારે વયસ્કોમાં મુખ્યત્ત્વે મગજની ગાંઠ, મગજમાં પરું ભરાવું, માથાની ઇજા, મગજની લોહીની નળીઓમાં ચરબી જામવી, (સેરેબ્રલ એથેરોસ્કેલેરોસીસ), હૃદયના ધબકારા ચૂકાઈ જવા, વ્યસન ખાસ કરીને આલ્કોહોલ ન્યુરોસીફેલીસ મગજનો તાવ (ઍન્કે ફેલાઇટીસ - મેનીન્જાઇટીસ) વગેરે જવાબદાર છે.

એપીલેપ્સીના ઘણા પ્રકાર છે. પરંતુ આપણે તેના ખૂબ જ સામાન્ય પ્રકાર જનરલાઇઝડ એપીલેપ્સી વિશે જ માહિતી મેળવીશું. સામાન્ય રીતે બાળપણમાં કે કિશોરાવસ્થામાં આ રોગ હુમલા સ્વરૂપે આવતો હોય છે.

ઘણીવાર દર્દીઓને અને ક્યારેક સગાઓને પણ આ હુમલાઓ આવવાના હોય ત્યારે અગાઉથી જ જાણ અમુક ચોક્કસ લક્ષણોને કારણ થઈ જતી હોય છે. આ લક્ષણો કે જેને ઓરા કહે છે. તેમાં મુખ્યત્ત્વે મેન્ટલ કન્ફયુઝન, બીકની લાગણી, ઉત્પન્ન થવી, ગંધ, સ્વાદ, દ્રષ્ટિ અથવા શ્રવણ શક્તિને લગતા જુદા જુદા વિભ્રમો (હેલ્યુસીનેશન્શ) થવા, પેટમાં ગોટા વળવા, બોલતાં બંધ થઈ જવું, આંખો સ્થિર થઈ જવી વગેરે છે.

ત્યારબાદ વાઈની ખેંચ શરૂ થાય છે. ઘણીવાર દર્દીના મોંઢામાંથી ચીસ નીકળે છે. દર્દી પોતાનું સમતોલન ગુમાવી બેસે છે અને પડી જાય છે. આમ પડવાથી તેને ઘણીવાર ઇજાઓ પણ થાય છે, જેવી કે દાંત પડી જવા, ફ્રેકચર થવું વગેરે. હવે વ્યક્તિનું આખું શરીર ખેંચાય છે. મોઢું વાંકુ થઈ જાય અને તેમાંથી ફીણ આવે, આંખો ફરી જાય અને આખાય શરીરમાં ઝાટકા શરૂ થાય છે. આ હુમલો સામાન્ય રીતે થોડીક મિનિટો ચાલતાં હોય છે. પરંતુ ઘણીવાર રોગ વધી જવાથી અથવા દવાઓ એકદમ છોડી દેવાથી આ હુમલો કલાકો સુધી ચાલુ રહી શકે છે અને વ્યક્તિને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવો પડે છે.

એપીલેપ્સીના હુમલા દરમ્યાન જીભ કચડાઈ જવી, મુખમાંથી લોહી નીકળવું, પેશાબ અને ક્યારેક ઝાડો કપડામાં થઈ જવો, ભૂરા પડી જવું વગેરે પણ સામાન્ય છે. આ હુમલો પતી જતાં દર્દી અમુક મિનિટોથી લગભગ અડધો કલાક સુધી બેભાન રહે છે.

ઘણીવાર ત્યારબાદ તે સીધો જ ઊંઘમાં સરી પડે છે, તો ક્યારેક માથાના દુઃખાવા સાથે જાગે છે. શરૂઆતમાં આવા હુમલાઓ વર્ષનાં એક બે-વાર કે મહિનામાં એકાદવાર આવતા હોય છે. પરંતુ જેમ જેમ રોગ વધતો જાય છે તેમ તેમ હુમલાઓની સંખ્યા અને ગંભીરતા વધતી જાય છે. હવે આ અંગે પ્રશ્નો ઘણા ઊઠે છે. શું આ રોગ મટી શકે છે ? શું આ રોગ વારસાગત છે ? આ દર્દીઓના લગ્નનું શું ? વગેરે આ રોગની યોગ્ય અને લાંબો સમય એટલે કે ત્રણથી પાંચ વર્ષ (વ્યક્તિગત અને અન્ય પરીબળો મુજબ) સારવાર કરવાથી મટી શકે છે.

દવાઓ જો વચ્ચેથી એકદમ મૂકી દેવામાં આવે તો ક્યારેક ગંભીર ખેંચ આવી શકે છે અને ફરી નવેસરથી દવાઓ શરૂ કરવી પડે છે. લગભગ ૩૦ થી ૫૦ ટકામાં આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે. જ્યારે બીજા દર્દીઓમાં તેને દવાઓથી કાબૂમાં રાખી શકાય છે. જેથી તે સામાન્ય માણસની જેમ જ જીંદગી જીવી શકે અને રોગના હુમલાથી થતા અકસ્માત નિવારી શકે. ખાસ કરીને આ રોગના દર્દીઓએ ઉજાગરા ન કરવા જોઈએ, આલ્કોહોલ કે અન્ય વ્યસનોનું સેવન ન કરવું જોઈએ. ખૂબ જ તડકામાં અથવા સીધા જ પ્રકાશમાં લાંબો સમય ન રહેવું જોઈએ, ભૂખ્યા ન રહેવું, વાહન ન ચલાવવું, અગ્નિ કે અકસ્માત થઈ શકે તેવી જગ્યાઓથી દૂર રહેવું, ક્યારેય દવાઓ બંધ ન કરવી, સુવાવડ કે ઓપરેશન પહેલાં પોતાના આ રોગ વિશે ડૉક્ટરને અચૂક જણાવવું વગેરે બાબતો ઘ્યાન રાખવા જેવી હોય છે. લગ્ન અને આ રોગને કાંઈ સીધો સંબંધ હોતો નથી. પરંતુ બંને પક્ષે આ રોગની વિસ્તૃત ચર્ચા પહેલેથી જ થવી હિતાવહ છે. આ રોગ સીધો જ વારસામાં ઉભરતો નથી. પરંતુ વીસ ટકા શક્યતાઓ તેમના બાળકના મગજમાં ખેંચ માટેની ઓછી ઉત્તેજીત્તાની (લૉ સીઝર થ્રેસોલ્ડ) રહે છે. પરિણામે સામાન્ય વ્યક્તિને જેટલી ઇજાથી ખેંચ આવે તેના કરતાં ઓછી ઇજાથી આ વીસ ટકામાં ખેંચ આવી શકે. જ્યારે બાકીની એંસી ટકા શક્યતાઓ સામાન્ય વ્યક્તિ જન્મવાની જ રહે છે.

આમ વાઈ (એપીલેપ્સી)ને હિસ્ટીરીયા ન ગણતાં તેની યોગ્ય અને લાંબો સમય દવાઓ લઈ સારવાર કરવી જરૂરી છે. તેની અને હિસ્ટીરીયાની સારવાર તદ્દન જુદી જ છે.

સ્ત્રોત: સ્વસ્થવૃત , ગુજરાત સમાચાર

2.95652173913
Yuvrajsinh Dec 10, 2018 08:20 PM

મને અચકી વખતે જાણ નથી રેહતી .... તેનું શું કારણ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top