હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / સામાન્ય સમસ્યા / નસકોરા / રાત્રીની નીરવ શાંતિમાં નસકોરાંના નગારાં
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાત્રીની નીરવ શાંતિમાં નસકોરાંના નગારાં

નસકોરાંના અસહ્ય ત્રાસથી છૂટાછેડા ફાઈલ કર્યા હોય એવા પણ દાખલા છે!

આખો દિવસ મહેનત કર્યા પછી કે આરામ કર્યા પછી બંને સંજોગોમાં માણસ માત્રની ઇચ્છા અને જરૂરિયાત શાંતિથી ઉંઘવાની હોય. આવા વખતે હવનમાં હાડકા પડે એવી રીતે તમારા કાનમાં નસકોરા પડે. શાંતિથી ઉંઘતા માણસો નસકોરાના પડઘમથી ઝબકીને જાગી જાય. આવા ગગનભેદી નસકોરા જેના બોલતા હોય એને તો આબાબત ‘ઓય ઈસમેં કી ગલ હૈ...' જેવી હોય અને જેને સાંભળવા પડતા હોય એને માટે ‘નીંદ ન મુજકો આયે' જેવી હોય.

નસકોરાના અવાજ એમ પણ એનોઈંગ હોય અને એનાથી તમારી ઉંઘ બગડે, ત્યારે એ વધારે એનોઈંગ લાગે અને મજાની વાત એ છે કે જેના નસકોરા બોલતા હોય એ ઉપદ્રવિઓની ઉંઘ પાછી પાક્કી હોય અને જેને નસકોરા સહન કરવા પડતા હોય એવા લોકોની ઉંઘ કાચી હોય. ઘણી વાર તો સ્ટેશન પરથી ટ્રેઈન ઉપડે એમ ધીમી લયથી અને ધીમા અવાજે નસકોરા વિવેકપૂર્વકનો સ્ટાર્ટ લે. પહેલા થોડી મિનિટો નસકોરાની લયકારી નોર્મલ તબક્કે રહે. આસપાસ સૂતેલા લોકો પેલા નસકોરા બોલાઉની દયા ખાતા પડ્યા રહે, કે હશે. આટલો અવાજ તો સહ્ય ગણીને કાનંદાજ કરી નાખીશું, પરંતુ થોડી મિનિટ પછી ટ્રેઈન સ્પીડ પકડે. મોટા અવાજમાં ઘટરર....પટરર.... ચાલુ થાય. નસકોરાની સ્પીડ અને વૉલ્યુમ ધીરે ધીરે વધતું જાય અને આજુ બાજુ સૂતેલાઓએ બતાડેલું ખાનદાની જેશ્ચર ફરીથી ફરકે જ નહિ. બાજુમાં સૂતેલા નસ્કોરાબાજને હળવેથી ટપલું મારીને નસ્કોરા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે, પણ આ નસ્કોરા તો આગમનની બાબતમાં પાણી કરતાં પણ રસ્તો કરી લેવામાં હોંશિયાર આવેગ કહેવાય. ટપલું જરા ભૂલાય એટલે પાછો ફૂંફાડો મારે. પેલું હલકું ટપલું કારગત ના નિવડતા ગાઢ નિંદ્રા માણતા નસ્કોરાબાજને જોરથી પડખું ફેરવાવી દેવામાં આવે. આવી કરવટ બે મિનિટ તો નસ્કોરાને રોકીને ઉભી રહે. સમગ્ર શાંતિ પથરાઈ જાય, પરંતુ એટલી વારમાં તો હિન્દી ફિલ્મમાં મરવા પડેલો વિલન અચાનક બેઠો થઈને એટેક કરે એ રીતે પેલા નિંદ્રાધીન નસ્કોરાબાજ ચત્તા થઈને ડબલ જોશથી નસ્કોરાં બોલાવે અને પછી ખરરાટાનો ગોળીબાર ચાલુ થાય. આ નસ્કોરાના અવાજની ખૂબી એ છે કે એ હંમેશા આરોહથી ચાલુ થાય અને અવરોહ પછી જ અટકે અને એ અવરોહને બીજો આરોહ તરત પકડી લે. આ આરોહનો અંત અને અવરોહનો આરંભ થતો હોય એવા દુર્લભ સમન્વય વખતે હૃદયદ્રાવક સૂસવાટો સંભળાય..

જે ઘરમાં આવા બે કે બેથી વધારે નસ્કોરાવાદકો રહેતા હોય એ ઘરનો દિવસ રાત કરતાં શાંત જણાય, કારણ કે બે જણાં ભેગા થઈને આખું બેન્ડ વગાડે. નસકોરાની જુગલબંદી ચાલે જેમાં જાતજાતની લયકારી અને જાતજાતની મેલોડી સંભળાય. આ નસકોરાના અવાજની બુલંદી એવી ગગનભેદી હોય છે કે જો સોસાયટીમાં આવા ત્રણ-ચાર નસ્કોરાબાજ સૂતા હોય તો એ સોસાયટીમાં આવવાની કોઈ ચોર હિંમત ના કરે, કારણ કે એ સોસાયટીના વૉચમેનને આ નસકોરા મટકુંય ના મારવા દે. રાત પડે કૂતરાઓના ભસવાની ઘટના પણ સ્વાભાવિક છે, પરંતુ કૂતરા પણ થોડીવાર ભસાભસી કરીને શાંત થઈ જાય, આ નસકોરા તો એકવાર ઘોંઘાટ ચાલુ કરે પછી છેક સવારે જ છૂટકારો થાય. આવા નસ્કોરા બોલાઉઓ સાથે જો બે-ત્રણ રાત ઉંઘવાનું આવે તો તમે અનિંદ્રાના રોગી બની જાઓ. આવા ભયંકર અવાજો સાંભળીને નાના બાળકો ઉંઘમાં જ ડરીને રડવા ચડે, મોટાઓ તકીયા, ઓઢવાનામાં મોં સંતાડે.

ઘણાં તો વળી નસ્કોરાના અવાજની સાથે નાકમાંથી વાવાઝોડા જેવાં ફૂંફાડા પણ મારતા હોય. એ ઉચ્છવાસના સૂસવાટાથી હલકી-ફૂલકી વસ્તુઓ તો ક્યાંય ફંગોળાઈ જાય. આવા નસ્કોરાવાદકોના ઘોંઘાટ કરવાની કેપેસીટી મુજબ પાછા અલગ અલગ પ્રકાર હોય. ઘણાં તો નાકના ઘૂઘવાટાની સાથે બે હોઠથી ફટફટીયા વાળી મોટરસાયકલનો અવાજ પણ કાઢી જાણે, તો કેટલાક નાકમાંથી તીણી વિસલો પણ વગાડે. ક્યારેક રસ્તા પરથી ખટારો પાસ થતો હોય એવો પણ ભાસ થાય, તો કેટલાક નસ્કોરા ગગન ગાજે હાથીઓ જેવા ભીષણ હોય.નસકોરાનો અવાજ રાત્રીની નીરવ શાંતિમાં આખું રાક્ષસી માહોલ ઉભું કરે. ભલભલી ચૂડેલ કે ભલભલું ભૂત જો ભૂલમાં આવા કોઈ નસ્કોરાબાજના ઘરમાં આવી ચડે તો એ હદે ડરી જાય કે હનુમાન ચાલીસાનું રટણ કરતું કરતું ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગે. ભૂત અને પિચાશ તો દૂરની વાત પણ નસકોરાંના અસહ્ય ત્રાસથી છૂટાછેડા ફાઈલ કર્યા હોય એવા પણ દાખલા છે. આસપાસ સૂતેલા નસ્કોરાના અનોઈંગ અવાજથી નોઈઝ પોલ્યુશન કરતા લોકોના નાક પર કપડાં સૂકવવાની પીન લગાવી દેવાથી વાત પતે એવું નથી હોતું. આ એક કુદરતી આવેગ છે અને કુદરત સામે આપણું ક્યાં ચાલ્યું છે? નસ્કોરા બોલાવતા નસ્કોરાવીરના નાકના બણગામાં રૂના પૂમડાં ખોસવા શક્ય નથી, પણ એની આસપાસ સૂવાનું આવે તો આપણા કાનમાં એ પ્રયોગ કરી શકાય.

સ્ત્રોત: ફેમિના

3.23076923077
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top