વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વાઈ-ત્રાસજનક વ્યાધિ

વાઈ-ત્રાસજનક વ્યાધિ વિશેની માહિતી

આયુર્વેદમાં વાઈને 'અપસ્માર' અને લોક ભાષામાં ફેફરું કે વાઈ નામથી ઓળખવામાં આવે છે. હૂમલો આવવાનો હોય એ પહેલાં થોડીવાર વ્યક્તિને બેચેનીનો અનુભવ થાય છે. માથું દુખે છે અથવા તો ભારે થઈ જાય છે. ચક્કર આવતા હોય એવું લાગે છે. મન મુંઝાય છે અને એકાએક આંખ સામે જાણે અંધકાર છવાઈ ગયો હોય એમ ભાન ન રહેતા વ્યક્તિ જ્યાં હોય ત્યાં અચાનક પડી જાય છે. એના હાથ-પગ અને આખું શરીર ખેંચાવા લાગે છે. બેત્રણ જણ દબાવે કે પકડી રાખે તો પણ હાથમાં ન રહે એટલા જોરથી શરીર ખેંચાય છે. દાંત સખત રીતે ભીડાઈ જાય છે અને ક્યારેક જો દાંત વચ્ચે જીભ આવી જાય તો કચડાઈ પણ જાય છે. મોંમાંથી લાળ કે ફીણ નીકળે છે. આંખો ઉપર ચડી જાય છે.
શ્વાસ જોર જોરથી ચાલવા લાગે છે. શરીર કંપે છે અને ક્યારેક તો (કફની પ્રબળતાવાળા દરદીને) રીતસર ઠંડી પણ લાગે છે અને વધુ સમય સુધી બેભાન અવસ્થામાં રહે છે. પિત્તની પ્રબળતા હોય તો દરદીને તરસ લાગે છે. એ પાણી માગે છે અને પરસેવો પણ થઈ શકે છે. મોટે ભાગે વ્યવહારમાં વાયુની પ્રબળતાના લક્ષણો જોવા મળે છે. દરદીની સંભાળ લેનારી બહારની વ્યક્તિને આ બધું જોવા મળે છે. પરંતુ જેના પર વાઈનો હૂમલો આવ્યો હોય એવી વ્યક્તિને પૂછવામાં આવે તો એને કશો જ ખ્યાલ હોતો નથી. એની સ્મૃતિ એ સમય દરમિયાન જાણે કે ચાલી જાય છે. તત્પુરતું કશું યાદ ન રહેતું હોવાથી કદાચ એને ''અપસ્માર'' નામ આપવામાં આવ્યું હશે. વેગ (એટેક) ચાલુ હોય ત્યાં સુધી આ બધા લક્ષણો દેખાય છે. પણ એ શમી જાય ત્યારે એકાએક શરીર ઢીલું પડી જાય છે. હિસ્ટીરિયા (યોષાપસ્માર) અને એપિલેપ્સી (વાઈ) વચ્ચે તફાવત માત્ર એટલો છે કે હિસ્ટીરિયા હળવો વ્યાધિ છે. જ્યારે એપિલેપ્સી તીવ્ર અને ગંભીર છે. હિસ્ટીરિયામાં દરદીની અતૃપ્ત અભિલાષાઓની પૂર્તિ થઈ જાય તો એ ચાલ્યો પણ જાય છે. જ્યારે અપસ્મારની સારવાર લાંબા સમય સુધી કરવી પડે છે. હિસ્ટીરિયામાં તાણ તો આવે છે પણ મોંમાંથી ફીણ નીકળતા નથી. વાઈના દરદીની જીભ દાંત વચ્ચે આવી જાય તો પણ ખ્યાલ નથી રહેતો. જ્યારે હિસ્ટીરિયામાં દાંત વચ્ચે જીભ આવી જવાના બનાવ ભાગ્યે જ બને છે.

વાઈ-એપિલેપ્સીના કારણો

અતિ સંવેદનશીલ છતાં નબળું મન ધરાવતા લોકોને અપસ્માર (વાઈ)નું દરદ સરળતાથી લાગુ પડી શકે છે. નાની નાની વાતોથી જેમનું હૃદય સતત ઘવાયા કરતું હોય, ઘરમાં કજિયા-કંકાસનું વાતાવરણ હોય, લાગણીઓના સંઘર્ષ વચ્ચે જીવવું પડતું હોય, પોતાનો ખાસ કશો વાંક-ગુનો ન હોય છતાં અપમાન થયા કરતું હોય, શારીરિક ખોડખાંપણ, નબળી આર્થિક સ્થિતિ, અતિશય જાડું કે પાતળું શરીર આવા બધા કારણોથી લઘુતાગ્રંથિ (ઈન્ફિરિયોરિટી કોમ્પલેક્સ)નો અનુભવ થતો હોય, નાના કે મોટા ભાઈ-બહેન સાથે સરખામણી થવાથી પોતાને શરમાવા જેવું લાગતું હોય, - અભ્યાસમાં, વ્યવસાયમાં કે વ્યવહારમાં પોતે બીજા કરતાં એકદમ પાછળ રહી ગયેલ છે એવું મનમાં મનમાં ઘુમરાયા કરતું હોય તો એવી વ્યક્તિને અચાનક ક્યારેક વાઈનો હુમલો થાય છે અને એ જ રીતે રોગ ધીમે ધીમે ઘર કરતો જાય છે.

તરુણ કે યુવાન વયમાં કામેચ્છાનો ઉદય થતાં સાચી સમજના અભાવે હસ્તદોષ કે એવી કોઈ આદત પડી જવાથી વ્યક્તિ મનોમન હિઝરાયા કરતી હોય, યોગ્ય વય થવા છતાં લગ્ન ન થતાં હોય, સહજ સંવેદનાઓનું દમન કરવું પડતું હોય અથવા તો લગ્ન પછીય કામતૃપ્તિ ન થતી હોય તેવી વ્યક્તિને અપસ્માર (એપિલેપ્સી)નો રોગ લાગુ પડી શકે છે. પોતાનો બળતરિયો કે શોકમગ્ન સ્વભાવ હોય, ગુસ્સો, વિષાદ કે ઉદ્વેગ સતત મન પર છવાઈને રહેતો હોય, કોઈ મોટો આઘાત લાગી ગયો હોય, સતત અહિત અથવા તો અપવિત્ર ભોજન કરવા જેવી સ્થિતિ હોય, મસ્તક પર માર કે ધક્કો લાગ્યો હોય અથવા તો વારસાગત રીતે પણ વાઈનો રોગ લાગુ પડી શકે છે. આ રોગના હૂમલા ઘણીવાર દસ કે પંદર દિવસના અંતરે આવે છે તો ક્યારેક મહિનામાં એકાદવાર આ તકલીફ થઈ જાય છે. આમ છતાં હૂમલા થવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો.

વાઈ ના ઉપચાર

વાઈના દરદીને અચાનક હુમલા આવતા હોવાથી અને પોતાને કશો ખ્યાલ ન રહેતો હોવાથી પરિવારના લોકોએ આવી વ્યક્તિને આગ, ઊંડું કે વહેતું પાણી, પહાડ, ખીણ અથવા તો જ્યાંથી પડી જવાય તેવું હોય તેવી જગ્યાથી દૂર રાખવી. વૃક્ષ પર ચડવાની મનાઈ કરવી. દરદીના મનને ઠેસ પહોંચે તેવું કશું જ ન કરવું. વાયુ કરે તેવા આહાર વિહાર બંધ કરવા.

જે કોઈ ઉપાયથી મનોવહ સ્રોતસ અને હૃદય ઉત્તેજિત થાય તેનું આયોજન કરવું. વ્યક્તિના શરીરમાં વાયુની પ્રબળતા હોય તો ઔષધિ સાધિત બસ્તિઓ આપવી. પિત્તની પ્રબળતા હોય તો વિરેચન કરાવવું અને કફની પ્રબળતા હોય તો વમન દ્વારા શરીરની શુદ્ધિ કરવી.

વાઈના દરદીને બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાંસી, મેધ્યરસાયન, સ્મૃતિ સાગર રસ, શૃંગભસ્મ અને સારસ્વત ચૂર્ણ આટલા દ્રવ્યોનું મિશ્રણ કરી તેની કેપ્સૂલ ભરી બેબે સવાર સાંજ પાણી સાથે આપવી. આ સિવાય અમર સુંદરી રસ, અપતંત્રકારિ વટી અથવા અપસ્માર હર ટીકડી બેબે સવાર સાંજ પાણી સાથે લેવી. બ્રાહ્મીધૃત અથવા તો પંચગવ્યધૃત એક એક ચમચી જમતાં પહેલાં ચાટવું અને જમ્યા બાદ સારસ્વતારિષ્ટ તથા અર્જુનારિષ્ટ બે-બે ચમચી, ચાર ચમચી પાણી ઉમેરીને પીવું.

કઠનું ચપટીક ચૂર્ણ એક ભુંગળીમાં ભરી ફૂંક મારીને પ્રધમન નસ્ય આપવું. દરદી બેભાન હોય ત્યારે રૃ કે કપડાંની પાતળી વાટ બનાવી નાક અથવા તો કાનમાં ગલગલિયા થાય એ રીતે સ્પર્શ કરવો. કેટલીકવાર ડુંગળી અથવા તો ચામડા જેવી ઊગ્ર ગંધથી પણ દરદી ભાનમાં આવે છે. પીપર, હિંગ, મીઠું, કાકોલી અને કાકનાસા આ પાંચ દ્રવ્યોને ખાંડી બીડી જેવા ભૂંગળામાં ભરી તેનું ધૂમ્રપાન કરાવવું. જેને આપણે હિસ્ટીરિયા કે ફીટ (ખૈા) આવવાનું દરદ કહીએ છીએ તેમાં પણ ઉપરોક્ત ઔષધો પરિણામપ્રદ છે.

સ્ત્રોત  :વત્સલ વસાણી, શતદલ, ગુજરાત સમાચાર

3.03703703704
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top