অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાયાબિટીસના પ્રકારો

ડાયાબિટીસના પ્રકારો

ડાયાબિટીસ મેલાઇટસ (મધુપ્રમેહ) ના અનેક પ્રકારો આજ સુધીમાં શોધવામાં આવ્યા છે અને તેનું છેલ્લામાં છેલ્લું વર્ગીકરણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આપ્યું છે. આ વર્ગીકરણ મુજબ (૧) ડાયાબિટીસ મેલાઇટસ (ર) ગ્લુકોઝ - નિયમનમાં ખામી અને (૩) સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ - એમ ત્રણ મુખ્ય વિભાગો છે. દરેક વિભાગના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઇએ એની વિગત સાથેના કોષ્ટકમાં જે નીચે પ્રમાણે છે.

ડાયાબિટીસના નિદાન માટે જરૂરી ગ્લુકોઝનું પ્રમાણ

લોહીમાં ગ્લુકોઝ (મીલીગ્રામ/ડે.લી)

તંદુરસ્ત

ડાયાબિટીસ મેલાઇટસ

અપરતું

ગ્લુકોઝ નિયમન

સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ

ભૂખ્યા પેટે(ખોરાક લીધા  પછી ૮ થી ૧૦ કલાક )

૧૧૦ થી ઓછું

૧૨૬ થી વધુ

૧૧૦ થી ૧૨૬

૧૦૫ થી વધુ

ગ્લુકોઝ પીધા પછી અડધા / એક કે દોઢ કલાકે

૧૮૦ થી ઓછું

૨૦૦ થી વધુ

૨૦૦ કે તેથી વધુ

૧૯૦થી વધુ

ગ્લુકોઝ પીધા બે કલાકે

૧૪૦ થી ઓછું

૨૦૦ થી વધુ

૧૪૦ થી ૨૦૦

૧૬૫ થી વધુ

ગ્લુકોઝ પીધા પછી ત્રણ કલાકે

૧૪૦ થી ઓછું

 

 

૧૪૫ થી વધુ

 

પહેલો અને સૌથી મોટો વિભાગ ડાયાબિટીસ મેલાઇટસ – બીજા ચાર પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે.

  • ઇન્સલ્યુલિન - આધારિત ડાયાબિટીસ (ટાઈપ-૧)
  • ઇન્સલ્યુલિન - બિનઆધારિત ડાયાબિટીસ (ટાઇપ-ર)
  • કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસ અને
  • અન્ય કારણોસર થતો ડાયાબિટીસ.

વિકસિત દેશોમાં મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઇપ-૧ અથવા ટાઇપ-ર ડાયાબિટીસના જ હોય છે. આશરે ૨૦% દર્દીઓને ટાઇપ-૧ અને ૮૦% દર્દીઓને ટાઇપ-ર ડાયાબિટીસ હોય છે. વિકસતા અને અલ્પવિકસિત ગરીબ દેશોમાં આ બંને પ્રકારો ઉપરાંત એક ત્રીજો જ પ્રકાર શોધી કાઢવામાં આવ્યો છે, જે કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. જો કે કુપોષણ અને ડાયાબિટીસને શો સબંધ છે તે હજી સુધી ચોકકસપણે જાણી નથી શકાયું. આ કુપોષણ અંગે વધુ સંશોધન ચાલુ છે અને થોડાં વર્ષો પછી એ અંગે વધુ જાણકારી મળી શકશે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને સુચવેલાં છેલ્લામાં છેલ્લા સુધારા પ્રમાણે કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસને મુખ્ય પેટાવિભાગમાંથી કાઢી નાંખવો જોઇએ. હાલ તુરત આપણી ચર્ચા ટાઇપ-૧ અને ટાઇપ-ર પ્રકારના ડાયાબિટીસ પૂરતી સીમિત રાખીશું.

ટાઈપ-૧ ડાયાબિટીસ એ ઇન્સલ્યુલિન આધારિત ડાયાબિટીસ કહેવાય છે. કારણ કે આ દર્દીઓમાં ઇન્સલ્યુલિનનું ઉત્પાદન એટલું બધું ઘટી ગયું હોય છે (અથવા ઉત્પાદન બંધ થઇ ગયું હોય છે) કે જેથી ઇન્સલ્યુલિનના અભાવે દર્દીને કીટોએસિડોસીસ  જેવા ગંભીર (કયારેક જીવલેણ) કોમ્પિલકેશન થઇ શકે છે અને બહારથી ઇન્સલ્યુલિનનાં ઇન્જેકશન આપવાં અનિવાર્ય બને છે. સામાન્ય રીતે બાળપણમાં જ આ પ્રકારના ડાયાબિટીસની શરૂઆત થઇ જાય છે. સરળતા ખાતર હવે પછી ટાઇપ-૧ ડાયાબિટીસનો ઉલ્લેખ બાળપણના ડાયાબિટીસ તરીકે કર્યો છે. ટાઈપ ૨  અથવા  ઇન્સલ્યુલિન બિનઆધારિત ડાયાબિટીસમાં  દર્દીઓમાં ઇન્સલ્યુલિનની અછત સાપેક્ષ હોય છે અથાત્ દર્દીના શરીરમાં ઇન્સલ્યુલિનનું ઉત્પાદન બરાબર જેવું જ થતું હોય, પણ શરીરમાં ઇન્સલ્યુલિનની જરૂરિયાત વધી જાય. (મોટા ભાગના દર્દીઓનું વજન જરૂર કરતાં વધુ હોય છે). સામાન્ય રીતે પુખ્તવયે, ચાળીસ વર્ષ પછી, આ પ્રકારનો ડાયાબિટીસ થાય છે, જેને સરળતા ખાતર હવે આપણે પુખ્તવયના ડાયાબિટીસ તરીકે ઓળખીશું. આ પ્રકારનાં ડાયાબિટીસના દર્દીઓને બહારથી ઇન્સલ્યુલિન ન મળે તો પણ કીટોએસિડોસીસ જેવાં ગંભીર કોમ્પિલકેશન નથી થતાં. ઘણીવાર કસરત અને ખોરાકના પરિવર્તનથી જ આ પ્રકારનો ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે. કયારેક દવા લેવી પડે છે અને અમુક દર્દીઓમાં ઇન્સલ્યુલિનનાં ઇજેકશનો આપવાં પડે છે. આ સિવાય અન્ય કારણોસર થતા ડાયાબિટીસ (સેકન્ડરી ડાયાબિટીસ) માં કોઇક રોગ કે ઓપરેશનથી સ્વાદુપિંડ (પેન્ક્રીયાસ) માં નુકસાન થવાથી ઇન્સલ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અને દર્દીને બહારથી ઇન્સલ્યુલિનનાં ઇજેકશન આપવાં પડે છે. સગર્ભાવસ્થા દરમ્યાન જો સગર્ભા માતાના લોહીમાં વધુ પડતો ગ્લુકોઝ હોય તો એની આડઅસર ગર્ભ પર પડે છે. ડાયાબિટીસને લગતાં કોમ્પિલકેશન પણ સગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં વધુ થાય છે અને યોગ્ય સારવાર કરવાથી આ આડઅસરો અટકી પણ શકે છે. ઘણી સ્ત્રીઓને, માત્ર સગર્ભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસ રહે અને સુવાવડ પછી બધું નોર્મલ થઇ જાય એવું પણ બને છે. આવી સ્ત્રીઓને ઘણાં વર્ષો પછી કાયમી ડાયાબિટીસ થઇ શકે.

સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate