অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રોસ્ટેટ કેન્સરની આગોતરી જાણ કરતો PSA ટેસ્ટ

સ્ત્રીમાં જેમ ઓવરી કે ગર્ભાશય હોય છે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે અને એમાં થતા કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર ૬૦ વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે. કેટલાક કેસમાં ૫૦ વર્ષની ઉંમર પછી પણ એ જોવા મળી શકે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ શરીરની ખૂબ અંદરની તરફ આવતી હોવાથી એમાં થતી તકલીફ જલદી નજર સામે આવતી નથી. આથી જ ઘણી વખત પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ-૧ અને સ્ટેજ-૨ સુધી પહોંચી જાય તો પણ સરળતાથી ખબર નથી પડતી. ક્યારેક કેટલાક કેસમાં એવું પણ બને છે કે કેન્સર ખૂબ જ વધી જાય અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી પણ ખબર ન પડે કે તેને પ્રોસ્ટેટ કેન્સર હતું. આથી જ આ લેખમાં પ્રોસ્ટેટ કેન્સરના અમુક દેખીતાં લક્ષણો, આગોતરા નિદાન માટે શું કરી શકાય અને નિદાન બાદ એનો ઇલાજ કઈ રીતે શક્ય છે તે અંગે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો

પ્રોસ્ટેટ કેન્સરનાં ખાસ કોઈ લક્ષણો નથી હોતાં. આ કેન્સર જેને થાય એ વ્યક્તિ એકદમ હેલ્ધી વ્યક્તિ જેવી જ રહે છે. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તેનું કેન્સર ખૂબ વધી ન જાય. એ વધી જાય પછી જણાતાં અમુક લક્ષણો કેવાં હોઈ શકે એ વિશે વાત કરતાં યુરો-ઓન્કોલોજી સર્જ્યન કહે છે કે આ પ્રકારના દરદીઓને વારે-વારે યુરિન પાસ કરવું પડે છે. ખાસ કરીને રાત્રે યુરિન પાસ કરવા માટે ઘણી વાર ઊઠવું પડે છે. યુરિન પાસ કરતી વખતે એ શરૂ કરવામાં કે ચાલુ કર્યા બાદ એનો ફ્લો કાયમ રાખવામાં પણ એને તકલીફ પડી શકે છે. એવું પણ બને કે યુરિનમાં બ્લડ જતું હોય કે યુરિન પાસ કરવામાં દુખાવો થતો હોય. જો કેન્સર ખૂબ વધુ એડ્વાન્સ સ્ટેજમાં પહોંચી ગયું હોય તો દરદીને હાડકામાં દુખાવો, પગમાં કમજોરી, યુરિન પરનો કન્ટ્રોલ જતો રહે એવું થઈ શકે છે.

PSA ટેસ્ટ કઇ રીતે ઉપયોગી?

આ લક્ષણો જે આપણે જોયાં એ ખૂબ આગળના સ્ટેજનાં લક્ષણો છે, જ્યાં સુધી પહોંચી ગયા પછી વ્યક્તિના બચવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. જો પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન જલદી થઈ શકે તો એનો ઇલાજ શક્ય છે અને એનાથી મુક્તિ પણ શક્ય છે. આ વહેલા નિદાન માટે આપણે શું કરી શકીએ એ બાબતે જાગ્રત કરતાં તબીબી નિષ્ણાતો કહે છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ એક PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન નામનું પ્રોટીન બનાવે છે. આ પ્રોટીનના ઉત્પાદન પાછળ પુરુષના હોર્મોન્સ જવાબદાર હોય છે. આ પ્રોટીન વીર્યને પ્રવાહી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. જ્યારે પ્રોસ્ટેટ બને છે ત્યારે એની અમુક માત્રા લોહીમાં ભળી જાય છે. આમ, પુરુષની બ્લડ-ટેસ્ટ કરીએ તો ચોક્કસપણે એનું PSA-લેવલ જાણી શકાય. આ એક સાધારણ ટેસ્ટ છે. જો PSA-લેવલ વધારે હોય તો નક્કી પ્રોસ્ટેટમાં કોઈ તકલીફ છે એવું સમજી શકાય. ખાસ કરીને પ્રોસ્ટેટનું PSA લેવલ વધુ હોય ત્યારે કાં તો એમાં કોઈ ઇન્ફેક્શન થવાની સંભાવના હોય છે અથવા તો જો ઇન્ફેક્શન ન હોય તો એ કેન્સર હોઈ શકે છે.

દરેક પુરુષે ૫૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વાર આ PSA ટેસ્ટ કરાવવી જરૂરી છે. આ સાવ સાધારણ ટેસ્ટની મદદથી પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન સમયસર થઈ શકે છે અને વ્યક્તિનો જીવ બચી શકે છે.’

આવશ્યક અન્ય ટેસ્ટ

PSA ટેસ્ટમાં જ્યારે એનું લેવલ વધુ આવે ત્યારે ડોક્ટર શું કરે છે એ વિશે વાત કરતાં નિષ્ણાતો કહે છે કે પહેલાં અમે જોઈએ છીએ કે પ્રોસ્ટેટમાં કોઈ ઇન્ફેક્શન તો નથી. જો એ ન નીકળે તો કેન્સરની શક્યતા સમજીને પ્રોસ્ટેટની બાયોપ્સી કરાવવામાં આવે છે. એ બાયોપ્સી દ્વારા ખબર પડે છે કે વ્યક્તિને કેન્સર છે. જોકે એટલું પૂરતું નથી, કારણ કે આ કેન્સર કેટલું ફેલાયેલું છે એ જોવા માટે ઇમેજિંગ ટેસ્ટ કરાવવી પડે છે જેમાં પેટનું MRI સ્કેન અને ક્યારેક જરૂર પડે તો હાડકાનું પણ સ્કેન થાય છે જેમાં ખબર પડી જાય કે વ્યક્તિનું કેન્સર કયા સ્ટેજનું છે, કેટલું ફેલાયેલું છે એ મુજબ એનો ઇલાજ પણ નક્કી થાય છે.

ઇલાજના વિકલ્પ ક્યા?

પ્રોસ્ટેટ કેન્સર જો શરૂઆતના સ્ટેજમાં પકડાઈ જાય તો એનો ઇલાજ ૧૦૦ ટકા શક્ય છે અને આ રોગથી માણસ મુક્ત થઈ શકે છે. આ રોગનો ઇલાજ સમજાવતાં કેન્સર નિષ્ણાતો કહે છે કે આ રોગમાં પ્રોસ્ટેટ ગ્રંથિને જ શરીરમાંથી સર્જરી દ્વારા કાઢી નાખવામાં આવે છે. આ સર્જરી સ્ટેજ-૧ અને સ્ટેજ-૨ના કેન્સરના દરદીઓને જ ફાયદો કરે છે, કારણ કે જો કેન્સર આગળ વધી જાય તો એ પ્રોસ્ટેટથી બહાર ફેલાવાની શરૂઆત થઈ જાય છે. આ પરિસ્થિતિમાં આ સર્જરીનો કોઈ ફાયદો નથી.

આ પ્રોસ્ટેટ ઓપન સર્જરી દ્વારા કાઢવામાં આવે એ થોડુંક રિસ્કી છે, કારણ કે પ્રોસ્ટેટ શરીરના ખૂબ અંદરના ભાગમાં હોવાથી ઓપન સર્જરીમાં બ્લડ-લોસ ખૂબ થાય છે. એ માટે રોબોટિક સર્જરી બેસ્ટ છે, જેમાં બ્લડ-લોસ થતો નથી અને ત્રણ દિવસની અંદર વ્યક્તિ આરામથી ઘરે જઈ શકે છે. વ્યક્તિ અઠવાડિયાની અંદર તો પોતાની નોર્મલ લાઇફ જીવવા લાગે છે. આ સિવાય જો સ્ટેજ-૩ કે સ્ટેજ-૪ પર દરદી પહોંચી ચૂક્યો હોય તો તેનો રેડિયેશન અને હોર્મોન-થેરપી દ્વારા ઇલાજ કરવામાં આવે છે.

PSA ટેસ્ટ પહેલાં અને પછી

PSA ટેસ્ટ દ્વારા જ ખબર પડે છે કે વ્યક્તિને કેન્સર હોઈ શકે છે અને એના ઇલાજ પછી એટલે કે સર્જરીથી પ્રોસ્ટેટ કાઢી નાખ્યા પછી પણ ત્રણ મહિના બાદ દરદીની PSA ટેસ્ટ કરાવવી જરૂરી બની જાય છે, જેના પરથી ખબર પડે છે કે દરદી સંપૂર્ણપણે આ રોગથી મુક્ત થઈ ગઈ છે કે નહીં.

વળી, દર મહિને પ્રોસ્ટેટ કેન્સરના દરદીએ સંપૂર્ણ રીતે ઇલાજ થઈ ગયા પછી અને એક વાર કેન્સરથી છુટકારો મળી ગયા પછી પણ આ ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી છે, કારણ કે આ રોગ પાછો તો નથી આવતો એ જોવું પણ જરૂરી છે. જો એ આવે તો એનો ઇલાજ જલદી થઈ શકે એ માટે પણ આ ટેસ્ટ જરૂરી છે.

આમ એક સામાન્ય ટેસ્ટથી વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરથી બચી શકે છે. આથી જ કોઈ લક્ષણ દેખાય કે ન દેખાય દરેક પુરુષે ૫૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વાર આ ટેસ્ટ કરાવવી જરૂરી છે.

સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય, ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate