অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ના રોગો નું નિદાન

કિડનીના ઘણા રોગો મટી શકતા નથી અને તે માટે જરૂરી સારવાર અત્યંત ખર્ચાળ અને જોખમી હોય છે. વળી, કિડનીના ગંભીર રોગોમાં પણ શરૂઆતમાં ચિહનો ઓછા હોય છે. તેથી કિડનીના રોગની શંકા પડે ત્યારે તરત જ તપાસ કરાવી રોગનું વહેલું નિદાન કરાવવું સલાહભર્યું છે.

કિડનીની તપાસ કોને કરાવવી જોઈએ ? કિડનીની તકલીફ થવાની શક્યતા ક્યારે વધારે રહે છે ?

  • જે વ્યક્તિમાં કિડનીના રોગના ચિહનો જોવા મળે.
  • ડાયાબિટીસની બીમારી હોય.
  • લોહીનું દબાણ કાબુમાં ન હોય.
  • કુટુંબમાં વારસાગત કિડનીના રોગ હોય સાથે ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેસર ની તકલીફ હોય.
  • લાંબા સમય માટે દુ:ખાવાની દવા લીધી હોય.
  • મૂત્રમાર્ગમાં જન્મજાત ખોટ હોય. આ પ્રકાર ના પ્રશ્નો ધરાવતા વ્યક્તિઓ મા દર વર્ષે કિડની ની તપાસ કરાવવાથી રોગનું નિદાન વહેલાસર થઇ શકે છે.
  • ધ્રુમપાન ની ટેવ વધુ પડતી ચરબીવાળા અને ઉંમર ૬૦ વર્ષ થી વધુ ઉંમર.

કિડનીના રોગનું નિદાન કઈ રીતે કરવું ? કઈ તપાસ કરાવવી ?

  • કિડની ના જુદા જુદા રોગના નિદાન માટે ડોક્ટર દર્દીની તકલીફ અંગે વિગતવાર માહિતી લઈ,લોહીનું દબાણ માપવું અને દર્દીને તપાસી ને જરૂરી તપાસ કરાવવી આવશ્યક છે.
  • સી.કે.ડી ના શરૂઆત ના તબક્કામા કોઈ ફરિયાદ હોતી નથી અને નિદાન લેબોરેટરી તપાસ ની મદદ થી થઈ છે
  • રોગના ચોક્કસ નિદાન માટે સામાન્ય રીતે પેશાબ, લોહી અને રેડિયોલૉજિકેલ તપાસ કરાવવા ની સલાહ આપવામાં આવે છે.
  • કિડનીના રોગના નિદાન માટેની અગત્યની તપાસ નીચે મુજબ :

પેશાબની તપાસ :

  • કિડનીના રોગોના નિદાન માટે આ તપાસ ખુબ જ અગત્યની છે. પેશાબ ની વિવિધ પ્રકારની તપાસ કિડની ના જુદા જુદા રોગોના નિદાન માટે મહત્વની માહિતી આપે છે.
  • ઓછા ખર્ચે સરળ રીતે થઇ શકતી આ તપાસ અતિ મહત્વની માહિતી આપે છે.
  • પેશાબમાં પરુની હાજરી મૂત્રમાર્ગમાં ચેપ સૂચવે છે.
  • પેશાબમાં પ્રોટીન અને રક્તકણની હાજરી કિડનીનો સોજો ગ્લોમેરૂલોનેફ્રાઈટીસ સૂચવે છે.
  • પેશાબમાં પ્રોટીન ઘણા કિડનીના રોગોમાં જોવા મળે છે. પરંતુ પેશાબમાં પ્રોટીન કિડની ફેલ્યર જેવા ગંભીર પ્રશ્નની સૌ પ્રથમ નિશાની હોઈ શકે છે. દા.ત. ડાયાબિટીસને કારણે કિડની ફેલ્યરની શરૂઆત ની પહેલી નિશાની પેશાબમાં પ્રોટીન જવું તે છે.
  • પેશાબની તપાસ કિડનીના ઘણા રોગોના નિદાન માટે મહત્વની માહિતી આપે છે.પરંતુ પેશાબનો રિપોર્ટ સંપૂર્ણ સારો હોય તો કિડનીની તકલીફ નથી તેવું કહી ન શકાય.

માઈક્રોઆલ્બ્યુંમિન્યુરિયા :

  • જયારે પેશાબમાં ખુબજ થોડા પ્રમાણ મા પ્રોટીન જતું હોય તો તેને માઈક્રોઆબ્યુમિન્યુંરિયા કહેવાય છે. પેશાબની આ તપાસ ડાયાબીટીસની કિડની પરની અસરના વહેલા અને સમયસરના નિદાન માટે અત્યંત અગત્યની છે.
  • પેશાબની તપાસ કિડનીના રોગના વહેલા નિદાન માટે ખુબ જ અગત્યની છે.
  • રોગના આ તબકેક યોગ્ય સારવાર અને કાળજીથી રોગ મટી શકે છે. પેશાબની સામાન્ય તપાસમાં પ્રોટીનની હાજરી આ તબક્કે જોવા મળતી નથી.

પેશાબની અન્ય તપાસો નીચે મુજબ છે :

  • ૨૪ કલાકના પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ :-કિડની પરના સોજાની માત્રા અને તેના પર સારવારની અસર જાણવા માટે હોય છે. પેશાબમાં જયારે પ્રોટીન જતું હોય ત્યારે આખા દિવસ મા કેટલું પ્રોટીન જાય છે તે નક્કી કરવા માટે ૨૪ કલાક ના કુલ પેશાબમા પ્રોટીનની માત્રા તપાસવામાં આવે છે. રોગની તિવ્રતા જાણવા માટે આ તપાસ ખુબજ ઉપયોગી હોય છે.
  • પેશાબની કલ્ચર અને સેન્સિટિવિટીની તપાસ:- આ તપાસનો રિપોર્ટ આવતા ૪૮ થી ૭૨ કલાક લાગે છે.આ તપાસ દ્વારા ચેપ ક્યાં પ્રકારના બેક્ટેરિયાને કારણે લાગેલ છે તેની તીવ્રતા કેટલી છે અને તેની સારવાર માટે કઈ દવા અસરકારક રહેશે તે માહિતી આપે છે.
  • ટી.બી. ના જંતુની તપાસ (મૂત્રમાર્ગના ટી.બી.ના નિદાન માટે).

લોહીની તપાસ :

  • સચોટ નિદાન અને કિડનીના જુદા જુદા રોગની જાણકારી માટે લોહીની તપાસ ખુબજ જરૂરી અને અગત્યની છે.

લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ :

  • તંદુરસ્ત કિડની હીમોગ્લોબિન ધરાવતા રકતકણો ને બનાવવામાં મદદ કરે છે. રકતકણોનું ઉત્પાદન હાડકા મા થાય છે. એનીમિયા એટલે કે લોહીમાં હીમોગ્લોબિન ઘટી જાય તે કિડની ફેલ્યરની મહત્વની નિશાની છે. જો કે એનિમિયાના અન્ય ઘણા અને વધુ મહત્વના કારણો હોવાથી આ તપાસ હંમેશા કિડનીની બીમારી સૂચવતી નથી.
  • કિડનીની કાર્યક્ષમતા જાણવા લોહીની ક્રીએટીનીનની તપાસ કરવામાં આવે છે.
  • ક્રીએટીનીન અને યુરિયા : આ તપાસ કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી આપે છે. યુરિયા અને ક્રીએટીનીન શરીરમાંથી કિડની દ્વારા સાફ કરવામાં આવતો કચરો (બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો) છે. લોહીમાં ક્રીએટીનીન નું સામાન્ય પ્રમાણ ૦.૯થી ૧.૪ મી.ગ્રા. % હોય છે. બન્ને કિડની જેમ વઘુ બગડે તેમ લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનનું પ્રમાણ પણ વધતું જાય છે.
  • લોહીની અન્ય તપાસો : કિડનીના જુદા જુદા રોગના નિદાન માટેની લોહીની અન્ય તપાસોમાં પ્રોટીન, કોલેસ્ટ્રોલ, ગ્લુકોસ, બાઈકાર્બોનેટ,સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, એએસઓ ટાઈટર, કોમ્પ્લીમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

રેડિયોલૉજિકેલ તપાસ :

  • કિડની ની સોનોગ્રાફી : આ સરળ, ઝડપી અને સલામત એવી તપાસ કિડનીના કદ, રચના તથા સ્થાન અને મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી કે ગાઠ વિશેની અગત્યની માહિતી આપે છે. મોટા ભાગના ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં સોનોગ્રાફી માં બન્ને કિડની સંકોચાયેલી જોવા મળે છે.
  • પેટનો એક્સ-રે : આ તપાસ મુખ્યત્વે પથરીના નિદાન માટે કરાવવામાં આવે છે.

ઇન્ટ્રાવીનસ યુરોગ્રાફી (આઇ.વી.યુ.):

  • ઇન્ટ્રાવિનસ યુરોગ્રાફી (આઈ.વી.યુ.) એ એક ખાસ પ્રકાર ની એક્સ-રે ની તપાસ છે.આ તપાસમાં એક્સ-રે માં દેખાઈ શકે તેવી ખાસ પ્રકારની આયોડિન ધરાવતી દવાનું ઇન્જેક્શન આપી અમુક સમયના અંતરે પેટના એક્સ-રે લેવામાં આવે છે. આ પેટના એક્સ-રે માં દવા કિડનીમાંથી ઉત્સર્ગ થઈ મૂત્રમાર્ગ દ્વારા મૂત્રાશયમાં જતી જોવા મળે છે.
  • કિડનીની સોનોગ્રાફીની તપાસ નેફ્રોલોજીસ્ટની ત્રીજી આંખ સમાન છે.
  • કિડની ઓછુ કામ કરતી હોય ત્યારે આ તપાસ ઉપયોગી બની શક્તી નથી. આઈ.વી.યુ. ની દવા નબળી કિડનીને નુકસાન કરી શકે છે. તેથી આ તપાસ કિડની ફેલ્યરના દર્દીઓમાં હાનિકારક હોવાથી કરવામાં આવતી નથી.
  • વોઈડીંગસિસ્ટોયુરેથ્રોગ્રામ (VCUG) (મીક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ) તપાસ નાના બાળકો માં પેશાબ માં રસી કે ચેપ ના નિદાન માટે ઉપયોગી છે એમ .સિ. યુ. તરીકે ઓળખાતી આ તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભરવામાં આવે છે. ત્યાર બાદ બાળકોને પેશાબ કરવાનું કહેવામાં આવે છે. પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન મૂત્રાશય અને મૂત્રનલિકાના એક્સ-રે પાડવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ મૂત્રાશયમાંથી ઊંધીતરફ મુત્રવાહિની અને કિડની તરફ જતો હોય, મૂત્રાશયમાં કોઈ ક્ષતી હોય અથવા મૂત્રાશયમાંથી મૂત્રનલિકા દ્વારા પેશાબ બહાર નીકળવાના માર્ગમાં અવરોધ હોય તો તે વિશે અગત્યની માહિતી મળે છે.
  • અન્ય રેડિયોલૉજિકેલ તપાસ : અમુક જાતના રોગોના નિદાન માટે વપરાતી વિશિષ્ટ તપાસમાં કિડની ડોપ્લર, એમ.સિ.યુ. સિટીસ્કેન, એન્ટીગ્રેડ અને રીટ્રોગ્રેડ પાઇલોગ્રાફિ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય ખાસ તપાસો :

  • કિડની બાયોપ્સી, સિસ્ટોસ્કોપી અને યુરોડાઇનેમીક્સ જેવી ખાસ જાતની તપાસ કેટલાક રોગના ચોક્કસ નિદાન માટે જરૂરી છે.
  • કિડની રૉગ ના પ્રાથમિક નિદાન માટે ની મહત્વ ની ત્રણ તપાસ પેશાબ નો રિપોર્ટ, લોહી મા ક્રીએટીનીન અને સોનોગ્રાફી છે.

કિડની બાયોપ્સી
કિડનીના કેટલાક રોગના કારણના ચોક્કસ નિદાન માટે કિડની બાયોપ્સી અત્યંત મહત્વની તપાસ છે.
કિડની બાયોપ્સી શું છે ?
કિડનીના કેટલાક રોગોનું ચોક્કસ કારણ શોધવા માટે સોયની મદદથી કિડનીમાંથી દોરા જેવી પાતળી કટકી કાઢી તેની કરવામાં આવતી ખાસ પ્રકારની હીસ્ટોપેથોલોજીની તપાસને કિડની બાયોપ્સી કહે છે.
કિડની બાયોપ્સીની જરૂરિયાત ક્યારે પડે છે ?
કિડનીના કેટલાક રોગો કે જેમાં પેશાબમાં પ્રોટીન જતું હોય કે કિડની ઓછુ કામ કરતી હોય ત્યારે ઘણી વખત આ રોગો થવાના કારણનું ચોક્કસ નિદાન અન્ય તપાસ દ્વારા શક્ય બનતું નથી. આવા પ્રકારના કિડનીના રોગોના નિદાન માટે કિડની બાયોપ્સી કરવામાં આવે છે.
કિડની બાયોપ્સીની તપાસથી શું ફાયદો થાય છે ?
આ તપાસ દ્વારા કિડનીના રોગના કારણનું ચોક્કસ નિદાન કરી શકાય છે. આ નિદાન કઈ સારવાર આપવી, સારવારની કેટલી અસર થશે તથા ભવિષ્યમાં કિડની બગડવાની શક્યતા કેટલી રહેલી છે તે વિશે મહત્વની માહિતી આપે છે.

કિડની બાયોપ્સી કઈ રીતે કરવામાં આવે છે ?

  • કિડની બાયોપ્સી માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
  • લોહીનું દબાણ અને લોહીની ગંઠાવાની પ્રક્રિયા સામાન્ય હોય તે આ તપાસની સલામતી માટે જરૂરી છે.
  • કિડનીના કેટલાક રોગોના સચોટ નિદાન માટે કિડની બાયોપ્સી કરવી આવશ્યક છે.
  • લોહી પાતળું કરવાની દવા (એસ્પીરીન) બાયોપ્સી કરવાની હોય તેના બે અઠવાડિયા પહેલા બંધ કરવી જરૂરી છે.
  • મોટા ભાગે આ તપાસ દર્દીને બેભાન કર્યા વગર કરવામાં આવે છે. જોકે નાના બાળકોમાં બાયોપ્સી બેભાન કરી કરવામાં આવે છે.
  • બાયોપ્સી માટે દર્દીને ઊંધા, પેટ નીચે ઓશીકું રાકહી સુવડાવવામાં આવે છે.
  • બાયોપ્સી માટેની ચોક્કસ જગ્યા સોનોગ્રાફીની મદદથી નક્કી કરવામાં આવે છે. જે પીઠમાં પાંસળીની નીચે, કમરના સ્નાયુની પાસે આવેલી હોય છે.
  • આ જગ્યાને દવા વડે સાફ કર્યા બાદ દુઃખાવો ન થાય તે માટે ઇન્જેક્શન વડે બહેરું કરવામાં આવે છે.
  • ખાસ સોય (બાયોપસી નીડલ) ની મદદથી કિડનીમાંથી પાતળા દોરા જેવી ૨-૩ કટકી લઇ હિસ્ટોપેથોલોજીની તપાસ માટે પેથોલોજીસ્ટને મોકલવામાં આવે છે.
  • બાયોપ્સી બાદ દર્દીને પથારી માં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે અને મોટા ભાગે બીજા દિવસે રજા આપવામાં આવે છે.
  • બાયોપ્સી બાદ લોહી વહેતું અટકાવવા માટે બાયોપ્સીની જગ્યાએ હાથ વડે થોડો સમય દબાવી રાખવામાં આવે છે.
  • કિડની બાયોપ્સી બાદ ૨-૪ અઠવાડિયા સુધી શ્રમવાળું કામ ન કરવાની અને વજન ન ઉચકવાની સલાહ આપવામાં આવે છે.
  • કિડની બાયોપ્સી પાતળી સોય વડે બેભાન કર્યા વગર કરવામાં આવતી પીડારહિત તપાસ છે.

શું કિડની બાયોપ્સી માં કોઈ જોખમ છે?

  • બીજી કોઈપણ સુર્જરી ની જેમ કિડની બાયોપ્સી પછી અમુક દર્દીઓ માં જોખમ થઇ શકે છે.
  • બાયોપ્સીની જગ્યાએ દુખાવો થવો,બાયોપ્સી બાદ એક બે વખત લાલ પેશાબ આવવો તે સામાન્ય બાબત છે અને તેમાં આપમેળે સુધારો થઇ જાય છે.
  • કોઈક વખત (સામાન્ય રીતે) લોહી નીકળવાનું લાંબા સમય સુધી ચાલુ રહે તો લોહી ચડાવવું પડે છે. અત્યંત વધુ લોહી નીકળવાને કારણે કિડની કાઢી નાખવી પડે તે ભાગ્યેજ જોવા મળતું પરંતુ અતિ ગંભીર જોખમ છે.
  • બાયોપ્સીમા કિડની માંથી મળેલ ભાગ યોગ્ય માત્રા ન હોવાથી ફરીથી કિડની બાયોપ્સીની જરૂર ઘણી વખત (વીસ દર્દીમાં એક વાર) પડે છે. આ સંજોગો મા ફરીથી કિડની બાયોપ્સી કરવી પડે છે.
  • બાયોપ્સીની તપાસ ફક્ત કેન્સરના નિદાન માટે જ કરવામાં આવે છે તે ખોટી માન્યતા છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate