অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળાની સિઝનમાં સોરાયસિસથી રક્ષણ મેળવો

શિયાળાની સિઝનમાં સોરાયસિસથી રક્ષણ મેળવો

સોરાયસિસની સારવાર રોગની ગંભીરતા મુજબ થાય છે અને શરૂઆતમાં સારવાર દરમિયાન એની અસર જોવામાં આવે છે, જેમાં સામેલ છેઃ ટોપિકલ ટ્રીટમેન્ટ, ફોટોથેરપી, એક્ઝિમર લેસર, સિસ્ટેમેટિક ટ્રીટમેન્ટ અને બાયોલોજિકલ્સ

સોરાયસિસ સામાન્ય, લાંબા ગાળાની, વારંવાર સોજા કે બળતર થતી બિમારી છે, જે મુખ્યત્વે ત્વચાને અસર કરે છે, પણ કેટલાંક કિસ્સાઓમાં દર્દીઓનાં આંગળીઓનાં નખો, પગનાં અંગૂઠાનાં નખો અને સાંધાને પણ અસર કરે છે. શિયાળામાં સોરાયસિસ વધારે વકરે છે.

દુનિયાભરમાં 125 મિલિયનથી વધારે લોકો સોરાયસિસથી પીડિત છે. તમામ વયજૂથનાં લોકોને એની અસર થઈ શકે છે, પણ સોરાયસિસ મોટાં ભાગે કિશોરાવસ્થામાં અને પુખ્ત વયની શરૂઆતનાં વર્ષોમાં 40 વર્ષથી અગાઉ શરૂ થાય છે. સોરાયસિસ મોટાં ભાગે આનુવંશિકતા સાથે જોડાયેલ છે. સામન્ય રીતે માતાપિતા કે ભાઇબહેનો આ રોગથી પીડિત હોય એવી વ્યક્તિઓને આ રોગ થાય છે.

મધ્યમથી તીવ્ર સોરાયસિસમાં જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર વધારે થાય છે. આ બિમારી મહિલાઓ અને યુવાન દર્દીઓનાં જીવનની ગુણવત્તા પર માઠી અસર કરે છે.

સોરાયસિસનાં કેટલાંક પ્રકારો છે, જેમાં સૌથી વધુ સામાન્ય પ્લેક સોરાયસિસ છે. સોરાયસિસનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે (90 ટકા), જે મોટાં ભાગે કોણીની પાછળ, ઘૂંટણની આગળ, પીઠની નીચેનાં ભાગ પર અને નાભિ કે ડૂંટીની આસપાસ થાય છે. ઇનવર્સ સોરાયસિસઃ સાંધાનાં વળાંક અને ચામડીનાં પડ પર ઘા દેખાય છે તથા એ ફેલાતું નથી. ગટેટ સોરાયસિસઃ નાનાં લાલ, ભીંગડા, ‘આંસૂનાં ટીપા’ જેવા ત્વચા પર ઘા ફેલાયેલા જોવા મળે છે. જનરલાઇઝ પસ્ટ્યુલર સોરાયસિસઃ વ્યક્તિનું સ્વાસ્થ્ય ત્વચા પર ઝડપથી વધતાં, જંતુરહિત ખીલ અને બળતરા સાથે કથળે છે.

સોરાયસિસથી ખંજવાળ અને બળતરા થાય છે તેમજ ક્યારેય દુઃખાવો પણ થાય છે. સોરાયસિસની કોઈ સારવાર ન હોવા છતાં સારવારથી એમાં રાહત મળી શકે છે. સામાન્ય રીતે સોરાયસિસ ત્વચા પર ચાંદી જેવા ભીંગડા સાથે જાડાં, લાલ ડાઘ પડે છે, જેથી ખંજવાળ આવે છે કે બળતરા થાય છે. સોરાયસિસ કોઈ પણ જગ્યાએ જોઈ શકાય છે – પોપચા, કાન, મુખ અને હોંઠ, ત્વચાની કરચલીઓ, હાથ અને પગ તથા નખો પર. હળવા કિસ્સાઓમાં તમારાં ભીંગડા પર શુષ્ક, ખંજવાળ ત્વચાનાં ડાઘને કારણે સોરાયસિસ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં સોરાયસિસ તમારાં શરીરનાં વધારે ભાગોમાં ફેલાઈ શકે છે અને વિવિધ પ્રકારનાં પ્રતિકૂળ ચિહ્નો જોવા મળે છે. સોરાયસિસ સાથે ચાંદીનાં ભીંગડા પર લાલ અને ખરબચડી ત્વચા દેખાય છે. તમારી ત્વચા શુષ્ક થઈ શકે છે અને કરચલી પડી શકે છે, જેમાંથી લોહી નીકળી શકે છે. તમારી આંગળીઓનાં નખો અને પગનાં અંગૂઠાનાં નખો જાડાં થઈ શકે છે અને ખાડો પડી શકે છે.

કારણો :

ટી સેલ તરીકે ઓળખાતાં શ્વેત રક્તકોષ શરીરને ઇન્ફેક્શન અને રોગ સામે રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે. આ ટી હેલ્પર કોષોમાં અસામાન્યતા જણાય છે અને સોરાયસિસ સાથે સંકળાયેલાં ત્વચાનાં કોષો સાથે આદાનપ્રદાન કરે છે. આ કારણે ઓળખી ન શકાય એવા ફેરફાર થાય છે. ચામડીને દાહ લાગવો, મેદસ્વીપણું અને ચોક્કસ દવાઓથી સોરાયસિસ વધી શકે છે. સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન (ખાસ કરીને બાળકોમાં) અને ઇજાગ્રસ્ત ત્વચા (ઉઝરડાં અને કાપાં) નવા પ્લેકની રચનાને વધારી શકે છે. આલ્કોહોલનું સેવન અને ધુમ્રપાનથી સોરાયસિસ વકરી શકે છે.

લક્ષણો :

ભીંગડા પર પાતળી પોપડી ઉખડવાને ભૂલથી ગંભીર ડેન્ડ્રફ માની શકાય છે, પણ સોરાયસિસનાં જટિલ લક્ષણો ડેન્ડ્રફથી અલગ છે, જેમાં પાતળી પોપડીઓ સંપૂર્ણપણે રોગમુક્ત ત્વચા સાથે ભળી જાય છે. સૌપ્રથમ જે પ્લેક થાય છે એ આપમેળે દૂર થઈ શકે છે, છતાં અન્ય પ્લેક તરત જ જોવા મળે છે. કેટલાંક પ્લેક અંગૂઠાની નખનાં સાઇઝમાં જળવાઈ શકે છે, પણ ગંભીર કેસોમાં સોરાયસિસ શરીરનાં વધુ ભાગોમાં ફેલાઈ શકે છે. જ્યારે ભીંગડા ધરાવતાં ભાગ ઉપસેલા દેખાય છે, ત્યારે ત્વચા સંપૂર્ણપણે સામાન્ય લાગી શકે છે અને વાળમાં વૃદ્ધિમાં પણ ફરક પડતો નથી. જોકે જેમ જેમ સોરાયસિસ વકરે છે, તેમ તેમ ત્વચામાં ફેરફાર દેખાય છે, ખાસ કરીને રંગમાં ફેરફાર થાય છે. સોરાયસિસ આંગળીનાં નખો અને અંગૂઠાનાં નખોમાં ફેલાઈ શકે છે, જેનાથી ખાડો પડે છે, રંગ ઊડી જાય છે અને ઘટ્ટ બની જાય છે. કેટલીક કિસ્સાઓમાં નીચેની પેશીથી આ ભાગ અલગ પણ થઈ જાય છે.

નિદાન  સોરાયસિસનું પહેલી વાર ખોટું નિદાન થઈ શકે છે, જે માટે આ જ પ્રકારનાં પ્લેક અને પાપડીઓ ધરાવતાં અન્ય ઘણાં રોગો ધરાવે છે. જેમ જેમ સોરાયસિસ આગળ વધે છે, તેમ તેમ ભીંગડાની પેટર્ન જોઈને ડૉક્ટર્સ સરળતાપૂર્વક એનું નિદાન કરી શકે છે. પરિણામે સામાન્ય રીતે નિદાનનાં પરીક્ષણોની જરૂર નથી. જોકે નિદાનની પુષ્ટિ કરવા ડૉક્ટર ત્વચાની બાયોપ્સી કરાવી શકે છે (ત્વચાનો નમૂનો લઈને માઇક્રોસ્કોપ હેઠળ પરીક્ષણ થાય છે). સામાન્ય રીતે આની જરૂર નથી.

સોરાયસિસની સારવાર રોગની ગંભીરતા મુજબ થાય છે અને શરૂઆતમાં સારવાર દરમિયાન એની અસર જોવામાં આવે છે, જેમાં સામેલ છેઃ

  • ટોપિકલ ટ્રીટમેન્ટ
  • ફોટોથેરપી
  • એક્ઝિમર લેસર
  • સિસ્ટેમેટિક ટ્રીટમેન્ટ
  • બાયોલોજિકલ્સ

જીવનની ગુણવત્તા પર નોંધપાત્ર અસર થવા છતાં સોરાયસિસનું નિદાન થતું નથી અને સારવાર મળતી નથી. સોરાયસિસ ધરાવતાં લોકોએ એને વધારતાં આલ્કોહોલ, ધુમ્રપાનનાં સેવનથી અને તણાવ જેવા સ્થિતસંજોગોથી દૂર રહેવું જોઈએ. સોરાયસિસનાં દર્દીઓને સ્ટ્રોક લાગવો અને હૃદયરોગનાં હુમલા જેવી બિમારી થવાનું જોખમ પણ વધારે છે, જેથી બ્લડ પ્રેશર, ડાયાબીટિસ અને કોલેસ્ટેરોલ જેવાં જોખમી પરિબળોનું નિયંત્રણ સવિશેષ મહત્ત્વપૂર્ણ છે.

લેખ : ડૉ.હિરેન પટ્ટ (એન્ડોક્રાઈનોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate