অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણી આવે ત્યારે પાણી પાણી થઈ જઈએ પણ…

પાણી આવે ત્યારે પાણી પાણી થઈ જઈએ પણ…

આપણને પાણી વાપરતાં આવડે છે ના.

કેવળ એક જ કપરકાબી ધોવા માટે ઓછામાં ઓછું ૪પ લિટર નળમાંથી પાણી મોટા ધધૂડા સાથે જવા જ દઈએ છીએ.  તેમ જ પળવાર એ પણ વિચારતા નથી કે આજે પણ તળક્ષેત્રોમાં લોકો દૂર દૂરથી બેડાં માથે મૂકીને પીવારાંધવા માટે પાણી લઈ આવે ત્યારે તેઓ હાશકારો મેળવે છે કે હાશ,પીવાનું પાણી તો મળ્યું!

હા આજે ગુજરાતમાં પાણી અને વીજળી ઘરે ઘરે પહોંચી ગઈ છે. આથી પાણી અને પ્રકાશ પ્રાપ્ત થતાં અનેક પ્રવૃત્તિઓ વધારે વેગથી આપણી કરી શકીએ છીએ એ આપણું ગુજરાતનું સદભાગ્ય. મહિનામાં ૧ર વાર નિયમિત વતન વડનગર જવાનું રાખ્યું છે.  ત્યાં વહેલી સવારે ૪.૦૦ થી પ.૩૦ સુધી મારા નળમાં બેસુમાર પાણી આવે છે.  લોકો ફટાફટ આ ગાળામાં પાણી ભરી પણ લે છે.  તેમ છતાં એ પણ જોવા મળ્યું કે બહાર ખુલ્લી ગટરોમાં વધારાનું પાણી છૂટથી વહી જ રહ્યું છે!  આ કેમ ચાલે?

વડનગરમાં ઘરો ટેકરા પર આવેલાં છે.  જ્યાં નીચે સમતલ વસાહત છે ત્યાં પાણીનાં ખાબોચિયાં,નળમાંથી ટપ ટપ પાણી આવ્યા જ કરે! તો પછી જેઓ પાણી પામતાં નથી એમનો કોઈ વિચાર જ નહીં કરવાનો સરકાર તો પાણી પ્રસરણની વ્યવસ્થા કરે જ છે પણ પ્રજાએ પણ પાણી સરંક્ષણ, સુરક્ષા અને સંચયની વ્યવસ્થા કરવી જ જોઈએ ને!

વર્ષાઙ્ગતુમાં ઓછુંવત્તું જેટલું પણ પાણી વરસે છતાં તેનું ટીપેટીપું પણ આરક્ષિત કરી નાખીએ તો! જમીનને પીવું હોય એટલું પીવા દઈએ પણ એ પછી વધારાનું પાણી ટાંકામાં, જમીનની ટાંકીઓમાં, ખેતરોમાં પહોંચાડવાની  વ્યવસ્થા ગોઠવવામાં આવે તો વ્યવસ્થાતંત્રને કેટલી મોટી રાહત થઈ જાય! ગામડાઓમાં તો આપોઆપ જ વરસાદી પાણી આવે ત્યારે ખેતર  સ્નાન કરે અને સમૃદ્ધિનું સૌન્દર્ય ખીલી ઊઠે છે, જ્યારે શહેરોમાં

પાણી ન આવે તો બુમાબુમ અને આવે ત્યારે છો ને વહી જાય!  સવિશેષ વર્ષાઙ્ગતુમાં તો બંગલાઓ, રોહાઉસીસ અને ફ્લેટની અગાસીઓ પર એટલું બધું પાણી વરસે છે કે ન પૂછો વાત! વરસતા વરસાદ વખતે આ બધા આવાસોની પાઇપો જોઈશું તો આંખો ઊઘડશે કે ધોધમાર ધધૂડા સાથે પાણી પાઇપોમાંથી વહી જાય છે પણ તે કયાં જાય છે એનો કોઇ વિચાર કેમ કરતું નથી

હા, બધું જ પાણી જમીન ભેગું, ગટર ભેગું અને તે મૂળ ગંદા પાણી સાથે વરસાદનું ચોખ્ખું પાણી ભળીને ચોખ્ખું પાણી ગંદું પાણી થઈ જાય છે અને સ્વચ્છ નિર્મળ જળ આખરે બિનઉપયોગી પાણી બનીને આખરે તો અવ્યવસ્થા જ ઊભી કરે છે ને! અને તેને સંઘરવા માટે આપણે કેમ ફાળો ન આપ્યો વરસાદનું પાણી સંઘરીએ તો!

હા, આમ કરીએ તો, ઘણું જ સારું.  આમ તો આ પાણી સાવ ચોખ્ખું જ વરસતું હોય છે. જેમાં જંતુઓ હોતાં જ નથી. આથી, આનો સંઘરો કરવાથી પાણી ન હોય ત્યારે તે ઉપયોગમાં લઈ શકાય. અગાસી પર જેમ સોલારની વ્યવસ્થા ગોઠવીએ છીએ તેમ અગાસીઓ પર ફિલ્ટરની વ્યવસ્થા ગોઠવીને ટાંકી ગોઠવવામાં આવે અને જમીનમાં પણ મોટી ટાંકી સિમેન્ટ કોંક્રિટની બનાવવામાં આવે ત્યારે વરસાદના પાણીનો સંગ્રહ લાંબે ગાળે કામમાં આવે જ. પણ આપણે તો ટપ ટપ જીવીઓ છીએઃ એક ઘરમાં ૮૧૦ નળ તો હોય જ. એમાં ૪૬ નળમાંથી ટપ, ટપ, ટીપાં પડ્યા જ કરે! શો વાંધો છે!  આપણું શું જાય છે!

બસ, આવે વખતે આંખો બંધ કરીને અને દ્રશ્ય જોઈ લ્યો કે બહેનો માથે બેડાં મૂકીને કેટલે દૂર દૂરથી પાણી લાવે છે! હા, આમ જોવાથી ખ્યાલ આવી જશે કે પાણીનું મૂલ્ય કેટલું! તાજેતરમાં બિહારનાં પૂરમાં તારાજ લોકોને વહેતા પાણીના ગંદા જળપ્રવાહમાં પાણી અને મોં વચ્ચે ટુવાલ મૂકીને પશુની જેમ પાણી પીતાં આપણે સહુએ ટીવીના પરદે જોયાં. માણસની તરસ છિપાવવાની કેટલી ભયંકર સ્થિતિ!

જ્યારે આવું તો ગુજરાતમાં આપણે કયારેય જોયું નથી. ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા પાણી તો મેળવતી આવી જ છે. તો પછી પાણીની સાચવણીમાં આળસ કેમ? હેન્ડપમ્પ દ્વારા,નળ દ્વારા પાણી આજે આખાયે ગુજરાતમાં પ્રાપ્ત થાય છે તો પછી જે મળે છે એને વેડફાય પણ કેવી રીતે!

સારા આરોગ્ય માટે પાણીની સંભાળઃ

જીવન વ્યવહારનું એકેય ક્ષેત્ર એવું નથી કે જ્યાં આરોગ્યની જાળવણી ન કરવી પડતી હોય!  અહીં કેવળ પાણી પરિપ્રેક્ષ્યની જ વાત કરીએ. જેમ કે, અનાવશ્યક પાણી ઢોળાય તો? જો નાનુંમોટું ખાબોચિયું થાય તો હાલ જ મચ્છરનો ઉપદ્રવ શરૂ થઈ જાય. ઢળેલા પાણીને કારણે લીલ થાય,લપસી પણ પડાય!  ઘરમાં સારામાં સારાં મોંઘાં ટાઇલ્સ નંખાયાં હોય અને ત્યાં પાણી પડ્યું હોય તો તે ન પણ દેખાય! પરિણામે પાણી ન દેખાવાના કારણે લપસી પણ પડાય! હાથપગ ભાંગે! વળી, એ ઢળેલું પાણી જેની પાસે પાણી નહોતું એને તો ન જ મળ્યું ને! કોઈ વસ્તુ આપણે જોઈતી ન હોય પણ અન્યને માટે મોંઘેરી પણ હોઈ શકે. આથી, જીવન જીવવાની કળા એ જ છે કે એવું જીવન જીવવામાં આવે કે આપણે અનાવશ્યક વધારે પડતો ઉપયોગ કે દુરુપયોગ ન જ કરીએ અને સામાના અધિકાર આંચકી પણ ન જ લઈએ.

અર્થાત્ આપણે પાણી ઢોળ્યું એનો અર્થ એવો થયો કે જેમને માટે એ પાણી ઉપયોગી હતું એ તેમને ન મળવાથી આપણે એમના અધિકાર છીનવી જ લીધા ને! તો પછી આને કહેવાય કે આપણને પાણી વાપરતાં નથી આવડ્યું. હકીકતે આ પરત્વે આપણી આવડત નથી એવું નથી જ પણ પાણી વાપરવા પરત્વે આપણે બેદરકાર જ છીએ. કોઈ કહેશે કે, રજનીભાઈ, તમે તમારી જાતને શું સમજો છો? આ હદે તે આક્ષેપ કરાય

હા, આપણને પાણી વાપરતાં નથી જ આવડતું એવો આક્ષેપ કરાય જ. જુઓ આ રહ્યું એનું પ્રમાણ!

ઘરમાં લગીર દૂધ ઢોળાઈ જાય તો? તો તો કેવો દેકારો મચી જાય છે! કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દૂધને આપણે પૈસા આપીને, ખરીદીને લઈ આવ્યા છીએ. આથી, દૂધનું તળિયું પણ વાપરવામાં લઈએ છીએ. વધે તો દહીં બનાવી દઈએ છીએ. મલાઇમાંથી ઘી સુદ્ધાં ઉપજાવી લઈએ છીએ.

જ્યારે પાણી? પાણી માટે પૈસા કયાં ખર્ચ્યા છે? અરે ભાઈ, આપણે પોતે નહીં  પણ આપણી વ્યવસ્થા કરતી સરકારે તો પૈસા ખર્ચ્યા છે જ ને! પાણી માટે કેટલી બધી જાત જાતની યોજનાઓ થતી હોય છે કે જેમાં પ્રત્યેક વ્યવસ્થા અર્થાત રાજ્ય કરોડો અબજો રૂપિયા ખર્ચે જ છે કે જેથી પ્રજાને સુખરૂપે સ્વચ્છ પાણી તો મળે! એ પાણી આપણે વેડફી નાખીએ તો સરવાળે આપણે આપણા પૈસા જ ઢોળી નાંખ્યા ને? શું લાગે છે? હવે સમાધાન થયું જ હશે કે આપણને પાણી વાપરતાં આવડે છે કે કેમ

હવે પળવાર એ પણ વિચારી લઈએ કે જેમ વીજળીની વ્યવસ્થા છે, ટેલિફોનની વ્યવસ્થા છે,ગેસની વ્યવસ્થા છે કે જેમ વાપરીએ તેમ એનું બિલ ભરીએ છીએ, તેમ હવે જો પાણીનું બિલ આવતું થઈ જશે તો

લેખન ડૉ. રજનીકાન્ત જોશી

સ્ત્રોત: જળસવાંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate