অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા

પાંચ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો અને સ્વસ્થતા

અમેરિકાના નિષ્ણાતોએ તાજેતરમાં કરેલા સંશોધન પ્રમાણે સૌથી વધારે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સફરજન, રતાળા, લીલા શાકભાજી અને બદામનું સ્થાન પ્રમુખ પાંચમાં આવે છે. તો આવો આજે આ સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો વિશે થોડીક જાણકારી મેળવીએ.

સફરજન

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીએ સફરજનને જાદુઈ ફળ ગણાવ્યું છે. એમણે કરેલા પ્રયોગમાં એવું જણાયું હતું કે જે મહિલાઓએ રોજનું એક સફરજન ખાવાનું શરૂ કર્યું હતું એમના ખરાબ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલમાં ૨૩ ટકા ઘટાડો અને સારા કોલેસ્ટ્રોલમાં ૪ ટકાનો વધારો નોંધાયો હતો.

સફરજન સ્ટ્રોકનો ખતરો બાવન ટકા જેટલો ઘટાડે છે. નેધરલેન્ડના નિષ્ણાતોએ કરેલાં સંશોધન બાદ એમણે જણાવ્યું હતું કે સફેદ ગરવાળા સફરજન અને પીયર્સ જેવાં ફળો ખાવાથી હૃદયરોગનો ખતરો બાવન ટકા ઘટાડી શકાય છે.

બદામ

બદામ મેગ્નેશિયમ, વિટામિન ઇ, આયર્ન, ફાઇબર અને રિબોફ્લેવિન જેવાં પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવવા માટે બદામનું સેવન શ્રેષ્ઠ ગણાય છે. બદામ ખાવાથી ભૂખ ઘટે છે પણ વજન વધતું નથી.

તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું જણાયું હતું કે રોજ બદામ ખાવાથી આયુષ્ય વધે છે. રોજ બદામ ખાવાથી હૃદયરોગ અને કૅન્સર જેવી બીમારીઓ થતી નથી.

લીલા પાંદડાવાળાં શાકભાજી

નિષ્ણાતોએ કરેલાં અભ્યાસમાં એવું જણાયું હતું કે વધુ પ્રમાણમાં પાલક અને કોબી જેવાં લીલાં પાંદડાવાળાં શાકભાજી ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ દૂર રહે છે. ઇંગ્લેન્ડના નિષ્ણાતોએ કરેલાં સંશોધનમાં એમને જણાયું હતું કે પાલકને રાંધ્યા વગર કે હળવી બાફીને ખાવાથી એમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો શરીરને તંદુરસ્ત બનાવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે પાલકમાં વિટામિન એ, વિટામિન બી૬, વિટામિન સી, વિટામિન ઇ અને વિટામિન કે, કેલ્સિયમ, નીયાસીન, જસત, ફોસ્ફોરસ, તાંબુ, ફોલિક એસિડ, પોટેશિયમ, મેંગેનીઝ, બેટાઇન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

રતાળા કે શક્કરિયા

રતાળા કે શક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવાય છે. રતાળામાં ફાઇબર, બેટા કેરોટિન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન બી૬ અને કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અમેરિકાના સેન્ટર ફોર સાયન્સે જાહેર હિતમાં રતાળાની પૌષ્ટિક ગુણવત્તાનો અન્ય શાકભાજી સાથે સરખામણી કરી હતી. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પણ અન્ય શાકભાજીમાં વિટામિન એ અને સી, આયર્ન, કેલ્સિયમ, પ્રોટીન અને કોમ્પ્લેક્સ કોર્બોહાઇડ્રેટ્સની સરખામણીએ રતાળાએ નંબર વન મેળવ્યો હતો.

બ્રોકલી

ફ્લાવર ગોબી જેવી બ્રોકોલીનો રંગ ડાર્ક લીલો અને એના ફૂલ ફ્લાવર કરતાં એકદમ જીણાં હોય છે. આપણાં દેશમાં એ વધારે પ્રમાણમાં નથી ઉગાડાતી પણ આજકાલ એ બજારમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી ફાઇબર, કેલ્સિયમ, ફોલેટ અને ફિટોન્યુટ્રિયન્ટસથી ભરપૂર હોય છે. ફિટોન્યુટ્રિયન્ટસથી હૃદયરોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કૅન્સરની સંભાવનામાં ઘટાડો થાય છે. બ્રોકોલીમાં વિટામિન સી અને બેટાકેરોટીન પણ હોય છે.

૧૦૦ ગ્રામ બ્રોકોલીમાં રોજની જરૂરિયાત કરતા ૧૫૦ ટકા વધારે આયર્ન સી રહેલું હોય છે, જે સામાન્ય શરદીને દૂર રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં સલ્ફોરફેન નામનું તત્ત્વ રહેલું છે જેને કેન્સર વિરોધી ગણવામાં આવે છે. બ્રોકોલીને પણ હળવા તાપે પકાવવું જોઇએ. વધારે પ્રમાણમાં બાફવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. આ ખાવાથી ઓસ્ટિઓઆર્થારિટિસ નામનો રોગ નથી થતો.

તો આ હતા પાંચ મહત્ત્વના પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો. ખાઓ અને સ્વસ્થ રહો.

સ્ત્રોત : વેબદુનિયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate