অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેટલાંક અપ્રચલિત શાકના આરોગ્યપ્રદ ગુણો

કેટલાંક અપ્રચલિત શાકના આરોગ્યપ્રદ ગુણો

રોજબરોજના જમવામાં રોટલી, દાળ, ભાત, જેવી વાનગીઓ તો સામાન્ય જ હોય છે. માત્ર શાકમાં વિવિધતા હોય છે. એટલે જ તો જમવાના શોખીનો જમતા પહેલાં જ્યારે મેનુ જાણવા માંગતા હોય ત્યારે, ‘આજે ક્યું શાક બનાવ્યું છે?' તેવું જ પુછશે. દરરોજ એની એ જ રોટલી કે ભાત-દાળ શાકના બદલાવાથી નવો જ સ્વાદ-આનંદ આણે છે. ખોરાકમાં લેવાતી વિવિધ વાનગીઓમાં રોટલી, ભાત કે જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, જે શક્તિ પૂરી પાડે છે. દાળ-કઠોળમાં પ્રોટીન વધુ હોય છે, જે શરીરના બંધારણને જાળવી રાખે છે. તથા શરીરની ધાતુ, સૂક્ષ્માતિસૂક્ષ્મ કોષો, વિવિધ હોર્મોન્સએન્ઝાઇમ્સ વગેરે જૈવરાસાયણિક તત્વોની ઉત્પત્તિ, જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શાક-ભાજીમાં રહેલાં વિટામીન્સ, મિનરલ્સ, જલીયતા અને રેસા પાચનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
વિટામીન્સ અને ક્ષાર પોષણ માટે તો જરૂરી છે, પરંતુ શાકભાજીની ખોરાકમાં હાજરી હોવાને પરિણામે પાચનક્રિયા યોગ્ય રીતે થાય છે. ખાસ કરીને શાકભાજીમાં રહેલાં ફાઈબર્સ પાચન, પોષણ માટે મહત્વનાં છે, તે ઉપરાંત આંતરડામાં થતી પુર:સરણ ગતિથી પચી રહેલાં, શોષાઈ રહેલાં ખોરાકની ગતિ અને છેવટે પાચનબાદ બાકી બચેલા મળરૂપ ખોરાકનાં અંશો તથા શરીર માટે બિનજરૂરી પદાર્થોને ધકેલીને આંતરડાની શરીરની બહાર કાઠવાનાં ઉત્સર્જનનાં કામમાં પણ મદદરૂપ છે. આથી જ જેઓ માત્ર વેજીટેરીયન છે તેઓ માટે તો શાકભાજી આવશ્યક છે જ, પરંતુ નોન વેજીટેરીયન ખોરાક વધુ માત્રામાં ખાતા હોય તેઓએ પણ તેમના રોજબરોજના ખોરાકમાં શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.

શાકભાજીમાં વિવિધતા

શાકની બનાવટમાં ભીંડા, રીંગણ, ટીંડોરા જેવા છોડના ફળરૂપે ઉગતા શાક વપરાય છે. ગાજર, મૂળા, બટેકા, અડવીની ગાંઠો જેવા જમીનની અંદર ઉગતા મૂળ-કંદ-ગાંઠરૂપે ઉગતા શાક વપરાય છે. અળવીના પાન, પાલક-મેથી-સૂવા-તાંદળજા જેવી ભાજીના પાન શાકરૂપે વપરાય છે. તો કોઈ છોડ-ઝાડની શીંગો જેમકે ગવાર, ચોળ, ફણસી, સરગવો પણ વપરાય છે. વેલામાં ઉગતા દૂધી, તુરિયા, ગલકા, કોળું પણ વપરાય છે. આમ શાકમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તેમ છતાં પણ ભીંડા, કોબીચ, ફ્લાવર, ટીંડોરા, બટાકા, ડુંગળી, ચોળી, ફણસી જેવા કેટલાંક શાકનો ઉપયોગ જ વધુ પ્રચલિત છે. હાલમાં પિયતથી થતી ખેતી તથા બિયારણ અને પેસ્ટીસાઈડઝને પરિણામે લગભગ બધા જ શાક બધા પ્રદેશોમાં મળતાં હોય છે.

કેટલાંક અપ્રચલિત શાક

આ લેખમાં માત્ર શાક વિષયક માહિતી આપવાનો ઉદ્દેશ્ય એ છે કે, પરંપરાગત વપરાતાં શાક ઉપરાંત કેટલાંક ઓછા પ્રચલિત અને અવગણવામાં આવતા શાક અને તેમનાં આરોગ્યલક્ષી મહત્વ વિશે જાણી શકાય. ઓછા પ્રચલિત શાક જેવા કે, અળવીની ગાંઠ, કાચા કેળા, શક્કરિયા, સફેદ અને પીળું કોળું, કેળાના ફુલ, કમળકાકડીની દાંડી, સરગવાના પાન વગેરે આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. ઉપયોગમાં ઓછા લેવાતાં હોવાથી બજારમાં ઓછા દેખાતા આ બધા શાકનો સ્વાદ અને ગુણ પારખી ગયેલા લોકો તેનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી.

શક્કરિયાઃ શક્કરિયાને બાફીને શિવરાત્રીના દિવસે ફરાળમાં વાપરવાની પ્રથા છે. શક્કરિયા બાફી તેનાં માવાને ઘીમાં શેકી સાકર-એલચી ભેળવી શીરો બનાવાય છે. બાફેલા શક્કરિયાને દહીંમાં મીઠું-મરી-લાલ મરચાની ભુકી ભભરાવી રાયતું પણ બનાવાય છે. પરંતુ શક્કરિયામાં રહેલાં રેસા, તેમાં રહેલાં ૨૦% કાર્બોહાઈડ્રેટ ઉપરાંત થોડી માત્રામાં પ્રોટીન, વિટામીન A, B અને E ઉપરાંત કેલ્શ્યમ, આર્યન, મેગ્નેશ્યમ, પોટેશ્યમ, ફોસ્ફરસ જેવા ખનીજોથી ભરપૂર છે. ત્વચા, વાળ, હાડકાઓના પોષણ માટે સારો ખોરાક છે. શક્કરિયા ઉનાળાની ગરમી દરમ્યાન તથા પિત્તના રોગોથી પીડાતા હોય તેમને માટે ઠંડક કરતો ખોરાક છે. નાના બાળકોને બાફેલા શક્કરિયાનો માવો દુધ, સાકર, એલચી નાંખી ખીરની માફક ખવડાવી શકાય. શક્કરિયા છોલી, કાપી અને બટેકાના શાકની માફક વઘારી-મસાલા નાંખી રસાવાળું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય.

કાચાં કેળા: કેળાનો ઉપયોગ પાકા થયા બાદ ફળ તરીકે થાય છે. કાચા કેળાનો શાક તરીકે ઉપયોગ જૈન પરંપરામાં અમુક તિથિ દરમ્યાન થાય છે. કાચા કેળામાં રહેલાં રેસા, વિટામીન્સ, પોટેશ્યમ, કેલ્શ્યમ, ફોસ્ફરસ જેવા મિનરલ્સ તેને સહેલાઈથી પચે તથા ખૂબ જ પૌષ્ટિક બનાવે છે. કેટલાંક લોકો પૌષ્ટિક એટલે વજન વધારે તેવું માને છે. પરંતુ કાચા કેળામાં રહેલાં ક્ષાર, રેસા વગેરેથી સહેલાઈથી પચી જાય છે. શરીરમાંથી ટોક્સિક મટીરીયલ્સ બહાર કાઢવામાં મદદ કરે છે. સંતોષની લાગણી થાય છે, જેથી ખોરાકનાં પ્રમાણમાં નિયંત્રણ આવે છે. તેમાં રહેલું ગળપણ પિત્તને સુધારે છે. નબળું પાચન, કબજીયાત, ત્વચા-વાળની રૂક્ષતા, સ્પર્મકાઉન્ટ ઓછા હોય, નબળાઈ રહેતી હોય તેવા રોગમાં કેળાનું શાક સમયાંતરાલે ખાતા રહેવાથી ફાયદો થશે.

સફેદ-પીળું કોળું: કોળાના કંદ રેસા ઉપરાંત પાણીથી ભરપૂર હોય છે. કોળાના ટુકડા કરી થોડા પાણીમાં મીઠું નાંખી બાફી અને વઘાર અને સ્વાદ મુજબ મસાલા ઉમેરી ખૂબ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. કોળાને ડુંગળી, લસણ, ટમેટા, તજના ટુકડા સાથે બાફી, ક્રશ કરી તેમાં મીઠું-મરી ઉમેરી સૂપ તરીકે પણ પી શકાય. વિટામીન-A અને પોટેશ્યમથી ભરપૂર કોળામાં કેલ્શ્યમ અને વિટામીન-C પણ છે. કોળું ઉનાળા દરમ્યાન હાથ-પગના સ્નાયુમાં થતાં દુખાવા, ખેંચાણ, કબજીયાત, પાચનના રોગમાં ફાયદો કરે છે. સ્ત્રોત: સ્ત્રોત: ફેમિના,નવગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate