অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અરૂચિ મટાડી પાચન સુધારે તેવા સરળ ઉપચાર

કેટલીક શારીરિક તકલીફ એવી હોય છે જે માટે શું કરવું જોઈએ તે સમજાતું નથી. આવી તકલીફ માટે ડોક્ટર પાસે જવું ? ખરેખર દવાની જરૂર છે કે જાતે મટી જશે ? આવી વિમાસણમાં આપણે અટવાતાં હોઈએ છીએ. ખોરાક તરફ અરૂચિ થવી, પરાણે ખાવાથી અપચો થઇ જવો અને જો ભોજન ન કરવામાં આવે તો અશક્તિ લાગે. આવા દેખીતી રીતે ખૂબ સામાન્ય જણાતી તકલીફ પરંતુ લાંબો સમય અવગણવામાં આવે તો અશક્તિ, ચક્કર આવવા, મ્હોં સૂકાવું, કામમાં જીવ ન લાગવો, હાથ-પગમાં ધ્રુજારી જેવા લક્ષણોથી પીડા વધી જાય છે. આયુર્વેદમાં જણાવેલી ત્રિદોષનાં સંતુલનની થિયરીને ધ્યાનમાં રાખી આવા નાના-મોટા શારીરિક-માનસિક લક્ષણોને વાયુ, પિત્ત અને કફ તત્વોમાંનાં કયા તત્વોનાં સંતુલનમાં બાધા થઇ છે તે જાણી શકાય છે.

ભોજનમાં અરૂચિ – અપચો

ખોરાક ખાવાની ઈચ્છા થવા માટે શરીરનાં આંતરિક અને બહારનાં બંને કારણો જવાબદાર હોય છે. નિયત સમયે ભૂખ લાગે તેમ છતાંપણ જમી શકાય તેવા સંજોગો ન હોય ત્યારે ભૂખ ઉડી જતી હોય છે. ખૂબ ભૂખ લાગી હોય તેમ છતાં હાજર ખોરાકનો દેખાવ-સુગંધ નાપસંદ હોય તો પણ અરૂચિ થતી હોય છે. ભોજન દરમ્યાન, ભોજન કરવાનાં થોડા સમય પહેલાં અતિશય ક્રોધ, શોક કે ભય જેવી લાગણીથી પણ ભૂખ સંવેદન જતું રહે છે.

પચવામાં ભારે પડે તેવા ખોરાક વારંવાર ખાવાથી, મુખ્ય ભોજન કર્યા બાદ અગાઉ ખાધેલો ખોરાક પચ્યો પણ ન હોય અને ખાવાથી પાચન-શક્તિ ઘટી જતી હોય છે.

લાંબી બિમારીને કારણે લેવામાં આવતી દવાઓની આડઅસરને પરિણામે જીભનો સ્વાદ બગડી જતો હોય છે, ખોરાકનો સ્વાદ બેસ્વાદ અનુભવાય, જમવાની ઈચ્છા જ ન થાય તેવું થતું હોય છે.

આયુર્વેદિય ર્દષ્ટિએ પાચકાગ્નિની અનિયમિતતાની અસરથી ભોજન તરફ અરૂચિ થતી હોય છે.

અરૂચિ મટાડી પાચન સુધારે તેવા ઉપચાર

જ્યારે આપણે જીભનો બગડેલો સ્વાદ સુધારવા માટે ઉપાય કરવા માંગતા હોઈએ ત્યારે જે ઔષધ વાપરીએ તે જ સૂગ ચઢે તેવું કે બેસ્વાદ હોય તો અરૂચિ શી રીતે મટે ? આથી જ ખૂબ જ સરળતાથી ઘરે જ ઔષધો ભેગા કરી અને બનાવી શકાય તેવા સ્વાદિષ્ટ અને રુચિ વધારવામાં મદદ કરે તેવા ‘પંચામૃત ચાટણ' વિશે જાણીએ.

પંચામૃત ચાટણ – નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આમાં પાંચ અમૃત જેવું કામ કરતાં પદાર્થો વાપરવામાં આવે છે.

  • ૧. સૂંઠ, ૨. મરી, ૩. પીપર આ ત્રણેય ઔષધો ગાંધીને ત્યાંથી અથવા સ્ટાન્ડર્ડ ફાર્મસીનાં લાવી તેનાં ચૂર્ણ બનાવી લેવા. ત્યારબાદ સિંધાલૂણ એ ચોથું ઔષધ થશે જે આપણે આ ચાટણ માટે વાપરીશું. સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક સરખા પ્રમાણમાં લેવા. જો દરેક ૧૦-૧૦ ગ્રામ લઈએ તો કુલ ૪૦ ગ્રામ થશે. આ મિશ્રણને ૪૦ ગ્રામ કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢી નાંખેલી) સાથે ચટણીની માફક પીસી લેવું. મિશ્રણ યોગ્ય રીતે ભળી જાય ત્યારબાદ કાચની બરણીમાં ભરી લેવું. આ રીતે તૈયાર થયેલા પંચામૃત ચાટણને સવાર-સાંજ બે વખત ૧૦ ગ્રામ જેટલાં પ્રમાણમાં ચાટી જવું. આમાં વપરાયેલા ઔષધો અપચો મટાડી ત્રિદોષનું સંતુલન કરી પાચન સુધારવામાં મદદ કરે છે. પંચામૃત ચાટણમાં વપરાયેલી કાળી દ્રાક્ષ એન્ઝાયમેટિક અસર કરે છે. તે સાથે કબજીયાત અને વાયુથી પેટ ફુલી જવું, આફરો ચઢવો જેવી તકલીફ પણ દૂર કરે છે. સૂંઠ, મરી અને પીપર આ ત્રણ ઔષધો આયુર્વેદ ઔષધ વિજ્ઞાનમાં ત્રિકટુથી પ્રખ્યાત છે. પાચન સંસ્થાનનાં અલગ-અલગ પ્રત્યેક અંગોની ક્રિયા તથા પાચકરસ, એન્ઝાઈમ્સનાં નિયમન માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે.
  • જીરૂ, મરી, શાહજીરૂ, વરિયાળી, સંચળ – આ બધા જ ઔષધોને સરખા ભાગે લઇ ચૂર્ણ બનાવી લેવું. જેમાં દાડમના દાણા, કોકમ અને દ્રાક્ષને તેટલા જ પ્રમાણમાં લઇ ચટણીની માફક ભેળવવું. બધાં જ ઔષધો યોગ્ય રીતે ભળી જઈ લુગદી બની જાય ત્યારબાદ તેમાં ચાટણ બને તેટલું પ્રવાહી બને તેટલા પ્રમાણમાં મધ અને ગોળ ઉમેરી કાચનાં વાસણમાં મૂકવું.
  • આ ચાટણ સવાર-સાંજ જમ્યા બાદ ૧ ચમચી જેટલું ચાટવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે. જેઓને વાયુ સબંધિત તકલીફ વધુ હોય તેઓને આ ચાટણથી વધુ ફાયદો થશે. આ ચાટણમાં વપરાયેલા કોકમ અને દાડમનાં દાણાને કારણે ભૂખ લાગવામાં, ખોરાક તરફ રુચિ પેદા થવામાં મદદ મળે છે. આંતરડાની પાચનક્રિયા તથા શોષણ ક્રિયામાં સુધારો થાય છે.
  • એલચી, તજ, તમાલપત્ર અને નાગકેસરને સરખાભાગે લઇ ચૂર્ણ બનાવવું. આ મિશ્રણ ૮ ગ્રામ જેટલું મધ સાથે દિવસમાં બે વખત ચાટવાથી કફને કારણે જીભ અને મ્હોંમાં ચીકાશ રહેતી હોય, મ્હોંમાં વારંવાર લાલાસ્ત્રાવ થતો હોય, પેટ ભરાયેલું જ અનુભવાતું હોય તેવા કફદોષથી થતાં અપચા અને અરૂચિને કારણે ખોરાક ભાવતો ન હોય તેવી તકલીફમાં ફાયદો થાય છે.

અનુભવસિદ્ધ :

પાચનશક્તિ યોગ્ય થઇ અરૂચિ મટી જાય ત્યાં સુધી ચોખા, ઘી, ઘઉં, મગ, તુવેર, કોળું, દૂધી, પરવર, લીંબુ, લસણ, છાશ, ડુંગળી જેવા પદાર્થો ખોરાકમાં વાપરવા.

ખૂબ જ સરળતાથી ઘરે જ ઔષધો ભેગા કરીને બનાવી શકાય તેવું સ્વાદિષ્ટ ‘પંચામૃત ચાટણ' ખોરાક પ્રત્યે રુચિ વધારવામાં મદદ કરે છે.

સ્ત્રોત: ડો. યુવા અય્યર, આયુર્વેદ ફિઝિશિયન, આરોગ્ય.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate