অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અખરોટ: આરોગ્યપ્રદ ગુણોનો અખૂટ ભંડાર

‘સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે. ફળોને વિશિષ્ટ પદ્ધતિથી સૂકવણી કરીને અથવા કુદરતી રીતે જ સુકાતા ફળો સૂકો મેવા તરીકે ઓળખાય છે. તાજા ફળો કરતાં પણ ડ્રાયફ્રૂટ્સનું પોષણમૂલ્ય કેલરી વધારે હોય છે. ઓછી માત્રામાં ખાવા છતાંપણ વધુ પોષણ આપે તથા શરીરની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરતાં કેટલાક ખાદ્યપદાર્થોને આજકાલ ‘પાવર ફુડસ’ કહે છે. સૂકામેવાનો સમાવેશ પણ પાવર ફુડસમાં થઇ શકે. સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ ઝાડની ડાળી પર ગોળાકાર, લીલા રંગનું ચમકતી સપાટીવાળા ફળ રૂપે ઉગે છે. જેમ-જેમ પાકાં થતાં જાય તેમ તેમ અખરોટનો રંગ બહારથી બદામી કથ્થઈ થતો જાય છે. આવા સૂકા અખરોટને ઝાડ પરથી ઉતારી ખાવાના ઉપયોગમાં લેવાય છે. અખરોટની બહારની સૂકી, કઠણ, ખરબચડી સપાટીને વચ્ચેથી તોડતા, અર્ધગોળાકારમાં ફળની મજ્જા-માવો વિશિષ્ટ રીતે ગોઠવાયેલો હોય છે. ફળને તોડીને ખાવાની મજા આવે છે, તેમ છતાં આજકાલ તોડેલો માવો કાઢેલા અખરોટ પણ તૈયાર મળે છે.

અખરોટનાં ગુણો:

આયુર્વેદમાં અખરોટ વિશે વૃંતફળ-ગોળાકાર ફળ, સ્વાદુમજ્જા – જેનો માવો મીઠો છે, શૈલસંભવા, અક્ષોડહ નામોથી વર્ણન છે. આયુર્વેદિય દ્રવ્યગુણ વિજ્ઞાન પ્રમાણે અખરોટને પુષ્ટિકર, બલ્ય, સ્નિગ્ધ, ગુરૂ-ભારે, બૃહણ-શરીરની ધાતુઓ વધારે તેવા કહ્યાં છે. ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે હોવાથી શરીરનું પોષણ કરી બળ વધારવામાં મદદ કરે છે. અખરોટના ‘ગુરૂ’ ગુણને ધ્યાનમાં લઈએ તો તેને પચાવવા માટે પાચનશક્તિ સારી હોવી જરૂરી છે. આથી જ પ્રમાણસર ખાવાથી તેનાં ગુણોનો પુરેપુરો લાભ મળી શકે. ‘પ્રમાણસર’ એટલે શું ? કેટલું ? એવો પ્રશ્ન થાય, તે સ્વાભાવિક છે. આયુર્વેદ હંમેશા ખોરાકની માત્રાનું જનરલાઈઝશન કરતો નથી. ખોરાકનું પ્રમાણ જે તે ખોરાકના પાચન માટે જરૂરી પાચકાગ્નિનાં બળને આધારે નક્કી કરવા જણાવે છે. તેનો અર્થ એ થયો કે જેઓની પાચનશક્તિ મજબૂત હોય, ભૂખ લાગી હોય તથા અન્ય ખોરાક ખાઈને પેટ ભરાયેલું ન હોય તેવા સમયે, તે વ્યક્તિ વધુ પ્રમાણમાં અખરોટ ખાય, તેમ છતાં તે પચી જઈ અને પોષણ આપશે. તે જ વ્યક્તિ જો ભરપેટ જમ્યા બાદ માત્ર સ્વાદને કારણે અખરોટ વધુ પ્રમાણમાં ખાય તો પચવામાં ભારે થશે.

ડ્રાય ફ્રુટ ખાવાનો યોગ્ય સમય કયો?

જનમાનસમાં એવી માન્યતા છે કે, ડ્રાયફ્રૂટ્સ રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો કરે. જો આ મુજબ માફક આવતું હોય તો ખાઈ શકાય. પરંતુ દિવસનાં કોઇપણ સમયે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકાય અને જો પાણીમાં પલાળેલા ન હોય તો, ધીરજથી ચાવીને ખાવા જેથી તેનું યોગ્ય રીતે પાચન થઇ ફાયદો મળે. ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ અને સમય ભૂખ અને પાચનશક્તિ ધ્યાનમાં રાખી નક્કી કરવા. સવારનાં પ્રમાણસર નાસ્તા સાથે, સાંજે નાસ્તાનાં સમયે પણ ભૂખ હોય, પચાવી શકાય તેમ હોય તો ખાઈ શકાય.

અખરોટનાં ઔષધીય ઉપયોગ:

  • અખરોટે આધુનિક ફાર્મસી વિજ્ઞાનનું ધ્યાન ખેંચ્યું છે. અખરોટમાં રહેલા એન્ટી પ્રોલીફરેટીવ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણોને સંશોધનોથી પુરવાર કરાયા છે. હ્યુમન કેન્સર સેલ પર અખરોટનાં વિવિધ રાસાયણિક ગુણોની અસર વિશે સંશોધનો થયાં છે. જે મુજબ લિવરના કેન્સર સેલને વધતાં રોકવામાં અસરકારક જણાયા છે.
  • અખરોટના પાનને વિવિધ પ્રકારનાં ગ્રામ-પોઝીટીવ, ગ્રામ-નેગેટીવ બેક્ટેરિયા, કેન્ડીડા અલ્બીકન્સ, ક્રિપ્ટોકોક્સ ન્યુફોર્મન્સ ફુગના ઈન્ફેકશન માટે ઉપયોગી જણાવાયા છે.
  • પરંપરાગત રીતે અખરોટનાં ઝાડની છાલને પાણીમાં ઉકાળી, તે નવશેકા પાણીથી કોગળા કરી ગળાનાં સોજા, દુખાવા, ઈન્ફેકશન માટે વાપરવામાં આવે છે.
  • અખરોટનાં ઝાડની છાલનો ઉકાળો 30-40 MI જેટલો પીવાથી આંતરડાનાં કૃમિ દૂર થાય છે.
  • સ્કેબીઝ, રીંગવોર્મ, દાદર-ખસ જેવા ચામડીના રોગમાં અખરોટનાં પાનને વાટી અને ચોપડવાની વર્ષો જૂની પરંપરા છે.
  • ચામડીમાં નાડીની સમાંતર લાલાશવાળો સોજો, બળતરા અને અતિશય દુઃખાવો કરતાં હર્પિસ રોગમાં અખરોટના ઝાડની છાલને ઘી અથવા માખણ સાથે લસોટી લગાવવાથી બળતરા, સોજો મટે છે.
  • અખરોટનાં કૃમિ દૂર કરે, સોજો-બળતરા મટાડે તથા ચામડીમાં રૂઝ લાવવાનાં ગુણોને પારખી પરંપરાગત ઉપયોગ થતો આવ્યો છે.

સ્ત્રીઓ માટે પુષ્ટિકારક:

  • નબળા બાંધાની સ્ત્રીઓ શરીરમાં પુષ્ટતા લાવવા માટે પાચનશક્તિ ધ્યાનમાં રાખી અખરોટ ખાય તો શરીરમાં પુષ્ટતા આવે છે.
  • અખરોટનો હલવો: અખરોટનો ભૂક્કો કરી, ઘીમાં શેકી તેમાં દૂધમાંથી તાજો કાઢેલો માવો, દુધ, સાકર, એલચી ઉમેરી હલવો બનાવી ખાવાથી ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ, વધુ પ્રમાણમાં માસિક આવવાથી નબળાઈ ધરાવતી સ્ત્રીઓ, અને સ્પર્મ કાઉન્ટ વધારવા ઇચ્છતા પુરુષોને ફાયદો થાય છે.
  • નાના બાળકોને અખરોટની ચીકી બનાવીને પણ ખવડાવી શકાય. જે બાળકો શરીરે નબળા હોય, તેઓને અખરોટ, બદામ, કાજુ જેવા ડ્રાય ફ્રૂટ્સનો પાવડર કરી ઘી-ગોળનો પાયો બનાવી તેમાં એલચી, સૂંઠ ઉમેરી ચીકી બનાવી ખવડાવવાથી પોષણ તો મળશે જ તે સાથે એલચી, સૂંઠ પાચન સુધારશે.

અખરોટ ખાવાથી વજન-ચરબી વધે?

જે તે ખોરાક પૌષ્ટિક હોય, જેમાં ચીકાશ હોય તે ખાવાથી વજન અને ચરબી વધે કે કેમ ? આવો ડર હોય છે. પરંતુ અખરોટ વિષયક સંશોધનો કહે છે કે અખરોટથી LDL (નુકશાનકર્તા) કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લિસરાઈડસનું લેવલ ઘટે છે.

અમેરિકન જર્નલ ઓફ ક્લિનીકલ ન્યુટ્રીશનનાં જણાવ્યાનુસાર બદામ, અખરોટ જેવા નટ ભાગ્યે જ ખાતા હોય તેમનું વજન આઠ વર્ષનાં સમયગાળામાં, અઠવાડિયામાં બે કે તેથી વધુ વખત નટ્સ ખાતા હોય તેમના કરતાં વધારે વધે છે. એક અન્ય સંશોધન એશિયા પેસિફિક જર્નલ ઓફ ન્યુટ્રીશનનાં જણાવ્યા મુજબ રોજબરોજનાં ખોરાકમાં નટ્સનો ઉપયોગ કરવાથી આરામના સમયે પણ કેલરી વધુ વપરાય છે, જેથી વજન ઘટાડવા લેવાતા ખોરાકમાં નટ્સનો ઉપયોગ કરવો.

વધતી ઉંમરના પ્રશ્નો:

અશક્તિ, હાડકા નબળા પડવા જેવી તકલીફમાં મેગ્નેશ્યમ, કોપર જેવા મિનરલ્સ ધરાવતા અખરોટ ફાયદો કરે છે.

ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate