অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-ગીલોસણ ગામ

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

જાગતિ ટ્રસ્ટ, મહેસાણા: જાગ્રતિ ટ્રસ્ટ મહેસાણા જિલ્લામાં લોકોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે હેતુથી કાર્યરત છે. જિલ્લામાં રિચાર્જિગ અને રૂફવૉટર હાર્વેસ્ટિગ માટે મોડલ સ્ટ્રકચર બનાવવા સંસ્થા કાર્યરત છે. સંસ્થા મહેસાણા તાલુકાનાં ૧0 ગામોમાં કાર્યરત છે.
ગીલોસણ ગામ :મહેસાણાથી ૭ કિ.મી.ના અંતરે આવેલા ગીલોસણ ગામની કુલ વસ્તી ૭૮૫ જેટલી છે. જેમાં પટેલ, મુસ્લિમ, રાવળ, વાઘરી, રબારી વગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે. આ સમરસ ગામ છે. અહીં સરપંચની ચૂંટણી થઈ નથી અને અત્યારે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ છે. ગામમાં એક ધાર્મિક મંડળ તથા એક મહિલા મંડળ ચાલે છે. ગામમાં પ્રાથમિક શાળા છે, આગળના અભ્યાસ માટે બાજુના ગામમાં અથવા મહેસાણા જવું પડે છે. ગામમાં આઇ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડી ચાલે છે. ગીલોસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. થોડા લોકો નોકરી અર્થ મહેસાણા આવે છે અને ઘણો મોટો વર્ગ ખેત મજૂરીમાં લાગેલો છે. ખેતીમાં પહેલાનાં સમયમાં મગફળી થતી હતી, પરંતુ પાણી ઘટવાના કારણે પાકની પદ્ધતિ બદલાઈ છે જેથી અત્યારે જીરૂ, વરીયાળી, એરંડા, ઘઉં, બાજરી વગેરે પાક થાય છે. પશુપાલન ઉદ્યોગ સારો છે. ખેડૂતો ગાયો અને ભેંસો રાખે છે. ગામમાં એક ખાનગી ડેરી પણ છે. આમ ગામની આર્થિક પરિસ્થિતિ જોતાં ગામના મોટા ભાગના વ્યવસાય પાણી આધારિત છે. આ ગામમાં પીવાના પાણીની નબળી ગુણવત્તા અને અપૂરતો પુરવઠો એમ પાણીના બંને પ્રકારના પ્રશ્નો છે. જાગતિ ટ્રસ્ટે પ્રવાહના સાથમાં આ ગામમાં પીવાના પાણી વિશે જાગૃતિ લાવતા એક શેરીનાટકનું આયોજન કર્યું ત્યારે ગામના પાણી પ્રશ્ન વિશે વધુ જાણવા મળ્યું. ગામમાં પીવાના પાણી માટેનો જે બોર છે, તે રપ વર્ષ જૂનો છે. તેનું પાણી ગુણવત્તાની રીતે યોગ્ય ન હોવાથી ગામના લોકોના આરોગ્ય ઉપર પર તેની અસર થાય છે. જેને લીધે સાંધાના દુ:ખાવા, પથરી જેવા રોગોનો ભોગ ગામના લોકો બન્યા છે. બોરની ઉપરના ૪૦ ફૂટથી ૧૧૦ ફૂટ સુધીની પાઇપ સડી ગઇ છે જેના કારણે ઉપરના સ્તરનું ખારું પાણી બોરના મીઠા પાણી સાથે ભળી જાય છે તેથી ગુણવત્તા પર અસર પડે છે. વર્ષો પહેલાં ગીલોસણ ગામમાં ગામના કૂવામાંથી પાણી મળતું હતું. આખું ગામ તેમાંથી પાણી પીતું હતુ. સમય જતાં કૂવામાં પાણીનું સ્તર ઊંડું ગયું અને ધીરે ધીરે કૂવો સુકાઇ ગયો. ગામ લોકોએ તેની પાસે બોર બનાવ્યો અને બોરની પાસે ઓવરહેડ ટાંકી બનાવી. તેમાંથી આખા ગામને પાણી પહોંચાડવામાં આવતું અને આમાંથી જ પીવાનું ઉપરાંત ઘરવપરાશ અને પશુઓને પીવા માટે પણ પાણી વપરાતું. સમયાંતરે બોર નિષ્ફળ જતાં ગામે બીજો બોર બનાવવો પડયો.
ગામમાં થોડા સમય પહેલાં સેક્ટર રિફોર્મ યોજના હેઠળ એક ઊચી ટાંકી, સમપ, ધોબીઘાટ તથા હવાડો બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ આ યોજના નર્મદા યોજના પર આધારિત છે. ગામ લોકો પીવાના પાણી માટે સ્થાનિક સોત વિકસાવવા પર વધુ ભાર આપતા હતા. તેથી નિદર્શન યોજનામાં એ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું અને તેની સાથે, સેક્ટર રિફોર્મ યોજનામાં બંધાયેલાં સ્ટ્રકચરોનું સમારકામ પણ કરવામાં આવ્યું.

નિદર્શનનો હેતુ અને સમજ

નિદર્શનનો મુખ્ય હેતુ જૂના સોતને રિચાર્જ કરવા તથા હયાત સ્ટ્રકચરોનો ઉપયોગ કરી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાનો હતો. આ ગામમાં પંચાયત અને ખાનગી માલિકીનાં એવાં ઘણાં સ્ટ્રકચરો છે જે અત્યારે બિનઉપયોગી છે, પણ તેને ફરી ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ભૌગોલિક, સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સાનુકૂળ સ્થિતિ આ ગામમાં હોવાના કારણે તેમ જ આ ગામ મહેસાણાથી ફક્ત ૭ કિ.મી.ના અંતરે, રસ્તા પર હોવાથી નિદર્શન સ્ટ્રકચર તરીકેની અનુકૂળતા મુખ્ય હતી. આસપાસનાં ગામના લોકો આ ગામની સહેલાઈથી મુલાકાત લઈ શકે તેમ હોવાથી નિદર્શનનો ખરો અર્થ સરે તેમ હતો. નિદર્શન દરમિયાન, વાસ્તવમાં ગામની પાણી સમસ્યા ઉકેલી શકે તેવાં સ્ટ્રકચરનું ઓછા ખર્ચ, લોકભાગીદારીથી સમારકામ કરી, ગામમાં સ્વાવલંબન ઊભું કરવાનો એક દાખલો બેસાડવાના હેતુથી ગામમાં નિદર્શન પ્રક્રિયા કરવામાં આવી.

નિદર્શનની પ્રક્રિયા

સંસ્થાના કાર્યકરોની પીવાના પાણીના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રામજનો સાથે ચર્ચાથી આ ગામમાં નિદર્શનની પ્રક્રિયાની શરૂઆત થઈ. ચર્ચા દરમિયાન ગ્રામજનોના ઘણા પ્રશ્નો આવ્યા અને ઉકેલ માટે આગળ વધવાની શરૂઆત થઈ. બાદમાં ગ્રામસભામાં પણ આ ચર્ચાને આગળ ધપાવવામાં આવી. તેના અંતે, નિદર્શન પ્રક્રિયામાં જોડાઈને ગામમાં પાણી માટેની યોજનાઓનું આયોજન અને અમલ કરી શકે તેવી નવી પાણી સમિતિ રચવામાં આવી. નિદર્શન પહેલાં આ ગામમાં સેક્ટર રિફોર્મ અંતર્ગત કામગીરી માટે પાણી સમિતિની રચના થઈ હોવાથી તેના સક્રિય અને રસ ધરાવતા સભ્યોને પણ આ નવી પાણી સમિતિમાં લેવામાં આવ્યા.

પાણી સમિતિમાં પO ટકા બહેનો તથા દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ જળવાઇ રહે તે પ્રમાણે સમિતિની રચના કરવામાં આવી. પાણી સમિતિના ક્ષમતાવર્ધન માટે વારંવાર તાલીમો તથા દર મહિને મીટિંગો કરવામાં  આવી. જેમાં પાણી સમિતિની ભૂમિકા, કાર્યો વિશે ચર્ચા કરવામાં આવતી. પાણી સમિતિના ગઠન બાદ મહેસાણામાં બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું. જેમાં મંત્રી બહેન તથા અધ્યક્ષની સહીથી પૈસા ઉપાડી શકાય તેવું પાણી સમિતિએ નકકી કર્યું.

બાદમાં, પાણી સમિતિના સભ્યોની સાથે રહીને પી.આર.એ. પ્રક્રિયા કરવામાં આવી. આ પ્રક્રિયા બાદ ગામની ઘણી બધી માહિતી, વિગતો બહાર આવી. ગામમાં પાણી આંતરે દિવસે આવે છે. ગામની હાલની પાણીની જરૂરિયાત ગામનું સામાજિક માળખું જેમાં કઈ જ્ઞાતિ રહે છે, કેટલા મહોલ્લા છે. તે મુજબ પાણીની વહેંચણી કેવી છે, સ્ટેન્ડ પોસ્ટ કેટલા છે, શૌચાલયની શું વ્યવસ્થા છે. ગામના નિર્ણયોમાં મહિલાઓની ભાગીદારી છે કે કેમ, શિક્ષણનું પ્રમાણ કેટલું છે. ગામમાં કયા કયા પાક થાય છે, તેના માટે કેટલું પાણી જોઇએ, તે કયાંથી મેળવવામાં આવે છે, પશુપાલન વ્યવસાય કેવો છે આવી અનેક બાબતો પી.આર.એ. દ્વારા ગામમાંથી ગ્રામજનો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં દરેક મહોલ્લાના સ્ત્રી પુરુષોને હાજર રહે તેવો આગ્રહ રાખી, પ્રશ્નોની સામે ઉક્લો શું હોઈ શકે તે પણ તેમની સાથે ચર્ચા કરી હતી.

ત્યાર પછી ગામમાં, હયાત પણ બિનઉપયોગી સ્ટ્રકચરના નવીનીકરણથી ગામની પાણી સમસ્યા ઉકેલવાનું આયોજન તૈયાર કરવામાં આવ્યું.

ગામમાં જાગૃતિ કાર્યક્રમોન ભાગરૂપ વીડિયોશો યોજી વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવી હતી તેમ જ એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પાણી સમિતિન ક્ષમતાવર્ધનના ભાગરૂપે તેના સભ્યોને કચ્છમાં આ પ્રકારે લોકભાગીદારીથી કામ કરનારાં ગામોના પ્રેરણા પ્રવાસે લઈ જવામાં  .

પાણી સમિતિના સભ્યોએ કામગીરીની વહેંચણી માટે અલગ અલગ ત્રણ પેટા સમિતિઓ બનાવી હતી ૧. માલસામાનની દેખરેખ તથા બાંધકામની ગુણવત્તાનું ધ્યાન રાખનાર સમિતિ, ૨. ગામમાં સ્વચ્છતાની જાગતિ માટે પ્રયાસ કરનાર સમિતિ, અને 3. ગામમાંથી લોકફાળો એકત્ર કરનાર સમિતિ.

નિદર્શન અંતર્ગત કરવામાં આવેલાં કામ

નિદર્શન હેઠળ મુખ્યત્વે ગામમાં તળાવ પાસે પંચાયતનો એક સૂકાઇ ગયેલ રપ ફૂટ ઊંડો કૂવો હતો. તેને ગળાવીને સાફ કરવામાં આવ્યો. ગામના કૂવાના નજીકમાં ગામ તળાવ છે જેને ગ્રામ પંચાયત દ્વારા ઊંડું કરાવવામાં આવ્યું છે. નિદર્શન કાર્યક્રમ અંતર્ગત તળાવમાંથી પાઇપ નંખાવી કૂવામાં ઉતારવામાં આવી, જેથી તળાવના લેવલે કૂવામાં પાણી રહે. આ વ્યવસ્થાના પરિણામે, ગામલોકોના કહ્યા પ્રમાણે ર૦ વર્ષ પછી કૂવામાં પાણી જોવા મળ્યું છે. કૂવો અત્યારે ભરાયેલ છે, પરંતુ રિચાજીંગને કારણે પાણી ઓછું થયેલ છે. કૂવા પાસે ગ્રામપંચાયતે બનાવેલી ઓવરહેડ ટાંકી જર્જરિત બની ગઈ હતી. તજજ્ઞના મત અનુસાર તેનું સમારકામ શકય ન હોવાથી, નિદર્શન હેઠળ એક નવી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું, જેથી કૂવાનું પાણી રિચાર્જ થાય અને પાણી પીવા યોગ્ય બને ત્યારે પંપીંગ દ્વારા તેનું પાણી ઓવરહેડ ટાંકીમાં લઈને ગામમાં વિતરણ કરી શકાય. ઓવરહેડ ટાંકીની પાસેના તૂટેલા આવેડાનું સમારકામ પણ કરવામાં આવ્યું. એ જ રીતે સરકારશ્રીની સેક્ટર રિફોર્મ યોજના હેઠળ બનાવવામાં આવેલા નવા સ્નાનઘાટનો પણ ઉપયોગ થઈ શકે તેમ છે. ગામની શાળામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાનું કામ પણ હાથ ધરવામાં આવી.

નિદર્શનનો ભૌતિક અને યાંત્રિક દૃષ્ટિકોણ

 

ગામ લોકોના કહેવા પ્રમાણે ર૦ વર્ષ બાદ આ વર્ષે તેમણે ગામના કૂવામાં પાણી જોયું છે. હવે ગામ લોકોને લાગે છે આ રીતે કૂવામાં પાણીની આવક રહેશે તો ભવિષ્યમાં તેઓ આ પાણીનો ઉપયોગ પીવા માટે કરી શકીશું. તજજ્ઞોએ જણાવ્યા અનુસાર, આ કૂવામાં ત્રણ વર્ષ બાદ પાણી રિચાર્જ થઈ શુદ્ધ થયા બાદ તેની ચકાસણી કરાવી પાણી પીવાના ઉપયોગમાં લઇ શકાશે. હવે ગામલોકોને આશા બંધાઈ છે કે પીવાના પાણીના મુદ્દે તેઓ સ્વાવલંબી બની શકશે અને તેમણે બીજા પર આધાર રાખવો પડશે નહીં.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ

નિદર્શન કાર્યક્રમ માટે લોકફાળા સમિતિએ ઘરે ઘરે ફરી લોકફાળો ઉઘરાવ્યો હતો. હાલમાં ૬૦,૦૦૦ જેટલો લોકફાળો ગામના લોકોએ આપ્યો છે. આ યોજનામાં કુલ ખર્ચ રૂ. ૮,૮9,0૭૫ થયો છે. ગામના આયોજન મુજબ, એક ચેકડેમ બાંધવાની પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ નાળીમાં ગંદુ પાણી આવી જવાથી તે કાર્ય બંધ રાખવામાં આવ્યું. ગામલોકોએ જ ઠરાવ કરીને ચેકડેમ નહી બનાવવાનું નકકી કર્યું હતું. હાલમાં ગામની શાળામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, કૂવાની મરામત અને રિચાર્જ તળાવ ઊંડું કરવું, અવેડો તથા ધોબીઘાટને ઉપોગી બનાવવા, તળાવમાંથી પાણીફવામાં ઉતારવાનું, સ્પીલ વે વિગેરે સ્ટ્રકચરો બનાવવા, સ્ટ્રકચરોની મરામત તેમ જ નિભાવણીની જવાબદારી પાણી સમિતિએ લીધી છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

સંસ્થાના મતે, આ કાર્યક્રમની અસર એ રહી કે ગામમાં અમુક લોકોનું જ વર્ચસ હતું પરંતુ હવે જાગૃતિ તથા માહિતી મળતાં ગામના તથા પાણી સમિતિ દરેક સભ્યો પોતાનાં મંતવ્યો આપતા થયા છે તેમ જ પ્રશ્નો પણ કરતા થયા છે. કામમાં પારદર્શકતા જળવાય તે માટે પાણી સમિતિના સભ્યોએ ગ્રામપંચાયત પાસે એક બોર્ડ બનાવી તેમાં દરેક સ્ટ્રકચરનો ખર્ચ, કુલ બજેટ તથા તેમાં ગામના લોકફાળાની વિગતો લખી દર્શાવી હતી. આમ કામમાં પારદર્શકતાને કારણે લોકભાગીદારી વધી હતી. શરૂઆતના તબકકામાં પાણી સમિતિની બેઠકોમાં બહેનો પોતાના વિચારો રજૂ કરી શકતાં નહોતાં. તે પછી બહેનોની અલગ બેઠકો યોજીને તેમને પ્રોત્સાહન આપવામાં આવતાં આ સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. પછી તો ગામમાં કામગીરી ચાલતી હતી ત્યારે દેખરેખ સમિતિનાં બહેનો સ્થળ પર જઈને કામકાજ પર નજર રાખતાં હતા અને સીમેન્ટની થેલીઓ ગણીને હિસાબ પણ રાખતાં હતાં.

જોકે નિદર્શન પહેલાં અમલી થયેલ સેકટર રિફોર્મ યોજનામાં પણ લોકફાળાનું પાસું હોવાથી નિદર્શનમાં લોકફાળો મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. અમુક કુટુંબોએ શ્રમદાન દ્વારા લોકફાળો આપ્યો હતો. પાણી સમિતિએ એક સાર્વજનિક શૌચાલય બનાવવાનું પણ વિચાર્યું હતું, પરંતુ તેની જાળવણીના મુદ્દે મતભેદો થતાં એ યોજના પડતી મૂકવી પડી હતી.

નીતિવિષયક હિમાયત

અગાઉ જણાવ્યા મુજબ, આ ગામ મુખ્ય રસ્તાની નજીક હોવાથી અહીં કરવામાં આવેલા નિદર્શનને જોવા માટે સરકારી અધિકારીઓ અને અન્ય ગામના લોકોની આવનજાવન રહે છે અને ગામલોકો તેમને હોંશભેર પોતે કરેલી કામગીરી બતાવે છે.

જેમ કે ગામમાં કૃષિરથ આવ્યો હતો ત્યારે તેની સાથે આવેલા અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખે નિદર્શનની માહિતી મેળવી હતી. એ જ રીતે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સમક્ષ પણ આ ગામની જેમ અન્ય શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય  E-mail: pravah(G)gmail.com, Website: WWW.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate