હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / ગ્‍લોબલ વોર્મિંગ / ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સ્થાનિક ઉકેલ-ગોબરગેસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સ્થાનિક ઉકેલ-ગોબરગેસ

ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સ્થાનિક ઉકેલ-ગોબરગેસ

ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ હવે ખૂબ જાણીતી વૈશ્વિક સમસ્યા બનતી જાય છે. વાતાવરણમાં અને હવામાનમાં જોવા મળતા અને અનુભવાતા ફેરફારો આની સાક્ષી પૂરતા જાય છે. ક્યાંક વિજ્ઞાનીઓ વચ્ચે જુદા જુદા મતમતાંતરો પણ જોવા મળે છે. એકંદરે આપણી 'ભોગવાદ'ની મનોવૃત્તિને કારણે આ સ્થિતિ પેદા થઈ છે એટલું જરૂર કરી શકાય. જેટલાં વર્ષો આ સ્થિતિએ પહોંચતાં લાગ્યાં છે એથી વધુ, આ સ્થિતિને સુધારતા લાગશે. જો આપણે સાતત્યપૂર્વક અને સમજપૂર્વક નીતિનિયયો રાખીએ તો! ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિ થોડીક વિચિત્ર પણ છે, કારણ કે એમાં 'વપરાશ' કોઈક કરે છે અને એની આડઅસરોનો ભોગ બીજા બને છે. વિશ્વના સમૃદ્ધ દેશો ખૂબ મોટા પ્રમાણમાં ઊજાર્નો વપરાશ કરે છે અને વિકસતા તથા ગરીબ દેશો એનો ભોગ બને છે.

દેશ-દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આ દિશામાં જાગૃતિ લાવવા માટે મોટા સેમિનારો-વર્કશોપ થતા રહે છે પરંતુ, સ્થાનિક કક્ષાએ નક્કર પગલાં લેવાની દિશામાં કશું ખાસ જોવા મળતું નથી. ઉલટાનું 'ભોગવાદ' વધતો જાય છે. આ માટે આપણે ખૂબ મોટા નીતિવિષયક નિર્ણયો લેવા પડશે તો બીજી બાજુ સ્થાનિક ઉકેલો અપનાવવા પડશે અને તેને સતત પ્રોત્સાહન પણ આપતા રહેવું પડશે. ઢોરનાં છાણ-મળમૂત્ર કે કચરામાંથી બળતણ માટે ગેસ પેદા કરવો એ 'ગ્લોબલ વૉર્મિંગ'ની અસરોને ઓછી કરવાનો સ્થાનિક પર્યાય બની શકે છે. સમસ્યાઓ ભલે વૈશ્વિક હોય પણ તેનો ઉકેલ સ્થાનિક સ્તરે છે. 'થિંક ગ્લોબલ, ઍક્ટ લોકલ' સૂત્ર એ તેની નીપજ છે.

વિશ્વમાં અનેક ઠેકાણે સ્થાનિક સમૂહો ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે પોત-પોતાની રીતે ઝઝૂમી રહ્યા છે. ક્યાંક વૃક્ષો વાવવાની ઝુંબેશ જોર પકડી રહી છે, તો ક્યાંક વૃક્ષ છેદનની પ્રવૃત્તિને અટકાવીને પ્રકૃતિનું સંતુલન જાળવવાની મથામણ ચાલી રહી છે. પ્રકૃતિનું સંતુલન જાળવવા માટેના બહુપાંખિયા વ્યૂહમાં ઊજાર્ના બિનપરંપરાગત સ્રોતના મહત્તમ ઉપયોગનો પણ સમાવેશ થાય છે. ઊજાર્ના પરંપરાગત સ્રોતને બદલે બિનપરંપરાગત સ્રોત અપનાવવા માટે પ્રજાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

ગોબરગેસ એક આવો જ બિનપરંપરાગત ઊજાર્નો સ્રોત છે, જેના ઉપયોગ પર હાલ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગોબરગેસ મુખ્યત્વે બે સ્વરૂપમાં જોઈ શકાય. વ્યક્તિગત અને સામૂહિક અથવા સંસ્થાગત. વ્યક્તિગત ગોબર ગેસ માટે ઓછામાં ઓછા બેથી-બાર ઢોર હોવા જોઈએ. જેમાં બે ઘનમીટરથી છ ઘનમીટર સુધીનો પ્લાન્ટ સારી રીતે ચાલી શકે છે. જ્યારે સામુહિક/સંસ્થાગત પ્લાન્ટ માટે ઢોરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી છે તથા તે માટે એક જ જગ્યાએ મોટું રોકાણ કરવું જરૂરી છે. ગ્રામીણ સંસ્કૃતિ તથા એકંદર જરૂરિયાત જોતા સામુહિક પ્લાન્ટને બદલે વ્યક્તિગત પ્લાન્ટ વધુ સફળ થતા જોવા મળે છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા બંને પ્રકારના ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગોબરગેસના વપરાશના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બળતણની ગંભીર સમસ્યા હલ થઈ શકે છે તેમ જ તેના લીધે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકી શકે તેમ છે. ગોબરગેસના વપરાશના કારણે ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર ઉપલબ્ધ બને છે, તેથી ખેડૂતો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી રહ્યા છે. આ તેનો બીજો મોટો લાભ છે. સેન્દ્રિય ખાતરથી જમીન વધુ ફળદ્રુપ બની રહી છે. આમ, ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ ઘટનાઓ એવા પ્રદેશમાં આકાર લઈ રહી છે જે પ્રદેશમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે, તેમ જ જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ખેડૂતો ગ્લોબલ સમસ્યા સામે લોકલ સ્તરે લડી રહ્યા છે. ઊજાર્ની સમસ્યાનો જવાબ તે ગોબરગેસના માધ્યમથી આપી રહ્યા છે. 'વહાણા' આવું જ એક ગામ છે. 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં ચાળીસ પરિવારોએ ગોબરગેસ અપનાવ્યો છે. ઠાકોર કોમની બહુમતી ધરાવતા વહાણાના ખેડૂતોએ નવેમ્બર, 2009માં પ્રથમવાર ગોબરગેસની જ્યોત જલાવી. ગામનાં ચાળીસ કુટુંબો છેલ્લા છ મહિનાથી ગોબરગેસનો ઉપયોગ કરી રહ્યાં છે. ગોબર-જ્યોતિના પગલે મહિલાઓને ભારે નિરાંત થઈ છે. ગોબરગેસનાં વપરાશકર્તા જયબાબહેન ચેનજી ઠાકોર ગોબરગેસના લાભ વર્ણવતાં થાકતાં નથી. જયબાબહેન ગોબરગેસના કારણે થયેલો લાભ એમની બોલીમાં વર્ણવતાં કહે છે, "અમારે મેમન ઘણા આવે સે, પણ ગોબરગેસના લીધે ચા તો તડાકે થઈ જાય સે, હવે ખૂબ નિરાંત સે." અગાઉ જયબાબહેન અને તેમની વહુઓએ બળતણ માટે લાકડાં વીણવા ઠેર ઠેર ભટકવું પડતું હતું. સાસુ અને વહુ ગાંડા બાવળ અને વખડાના લાકડાં કાપવાં જતાં. ચોમાસામાં ભારે તકલીફ થતી. બળતણ લીલું હોવાથી છાણાં થેપી ચૂલો સળગાવવો પડતો અને તેના કારણે ખૂબ ધુમાડો થતો પણ સહન કર્યા વિના છૂટકોય નહોતો. આજે જયબાબહેનના ઘરે ગોબરગેસ છે, તેથી તેમણે સીમમાંથી લાકડાં કાપવાનું બંધ કર્યું છે. જયબાબહેન અને તેમનાં જેવાં ચાળીસથી વધુ કુટુંબોએ સીમમાંથી લાકડાં કાપવાનું બંધ કર્યું છે તેથી વૃક્ષો કપાતાં અટક્યાં છે. સરવાળે પર્યાવરણને લાભ થયો છે.

સવાલ એ છે કે આવાં અંતરિયાળ ગામડાં સુધી ગોબરગેસ પહોંચ્યો કઈ રીતે? ખેતર(વાડી)માં વસતા ચેનજી ઠાકોરના કુટુંબને ગોબરગેસનો ઉપયોગ કરતાં કરવામાં વહાણા ગામની ડેરીના મંત્રી ચંદુજી ઠાકોરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વાડીમાં વસતા આ ઠાકોર કુટુંબે ગોબરગેસ વાપરવાનું કેવી રીતે શરૂ કર્યું, તે સમજાવતાં ચેનજી ઠાકોર કહે છે, 'અમારી ડેરીના મંત્રી ચંદુજી ઠાકોરે ગોબરગેસ પ્લાન્ટ શરૂ કર્યો એટલે અમે પણ તે અપનાવ્યો.' વહાણા ગામમાં ચાળીસથી વધુ ગોબરગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં ચંદુજી ઠાકોરે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. અદ્ભૂત કોઠાસૂઝ ધરાવતા ચંદુજી ગોબરગેસ અપનાવવા પાછળનો તર્ક આપતા કહે છે, "છાણમાંથી અગ્નિ પ્રગટે તે જ્ઞાન તો આપણી પાસે પડ્યું'તું, બસ તેનો ઉપયોગ જ કરવાનો હતો. અમે તેનો ઉપયોગ કર્યો છે." પાટણ તાલુકાના દેલવાડા ગામના રહીમભાઈએ પણ ચાર મહિના પહેલાં ગોબરગેસ પ્લાન્ટ અપનાવ્યો છે. રહીમભાઈનો ગોબરગેસ પ્લાન્ટ અપનાવવા પાછળનો ઉદ્દેશ જરા નોખો છે. તે ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહે છે, "ખેતર માટે સારી ગુણવત્તાવાળું ખાતર મળી રહે છે તથા અજવાળું કરવા 'બલ્બ' સળગાવી શકાય છે." આમ, ગોબરગેસના પગલે વીજળીનો વપરાશ ઘટ્યો છે.

ગુજરાત સરકારના 'એગ્રો ઈન્ડસ્ટ્રિઝ કૉર્પોરેશન'ના 'સ્વાવલંબી બાયોગેસ' પ્રોજેક્ટના સુપરવાઈઝર ગેમરભાઈ દેસાઈ 1985થી ગોબરગેસના ક્ષેત્રે સક્રિય છે. તેમના મતે છેલ્લા એક વર્ષમાં ગોબરગેસના પ્લાન્ટ ઘણા મોટા પ્રમાણમાં શરૂ થયા છે. ગેમરભાઈનું માનવું છે કે સબસિડીમાં વૃદ્ધિ અને ગોબરગેસ પ્લાન્ટમાં આધુનિકીકરણના કારણે ખેડૂતો હવે વ્યાપક પ્રમાણમાં ગોબરગેસ અપનાવી રહ્યા છે. આજે માત્ર પાટણ જિલ્લામાં જ ચારસોથી વધુ ખેડૂતોએ ગોબરગેસ પ્લાન્ટ અપનાવ્યા છે. ગેસ પ્લાન્ટ સાથે શૌચાલયને પણ જોડી શકાય છે. આમ થવાથી ખુલ્લામાં મળ ત્યાગને કારણે થતી ગંદકી અટકે છે તથા માનવમળ-મૂત્ર પણ છાણ સાથે સહેલાઈથી ભળી ખાતરમાં રૂપાંતરિત થઈ શકે છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ગોબરગેસ સાથે સંડાસનું જોડાણ થયેલું જોવા મળે છે. જરૂર છે આ વિચારને લોકો સુધી પહોંચાડવાની તથા તેમને સજાગ કરવાની.

પાટણ-મહેસાણા જિલ્લાના બાયો-ગેસ સુપરવાઈઝર આઈ. કે. પટેલનું કહેવું છે કે, "છેલ્લાં બે વર્ષમાં તેના કાર્યક્ષેત્રમાં (મહેસાણા-પાટણ) ગોબરગેસના 500થી વધુ પ્લાન્ટ શરૂ થયા છે, જેના કારણે લાકડું કપાતું બંધ થયું છે અને સેન્દ્રિય ખાતરનો વપરાશ વધ્યો છે. આજે પાટણ જિલ્લામાં જ ગોબરગેસના 1,000 પ્લાન્ટ હોવાનાં અંદાજ છે." પટેલના મતે જે વિસ્તારોમાં લોકોએ ગોબરગેસ અપનાવ્યો છે ત્યાં વૃક્ષ-છેદનની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો ગેસ તથા ખાતરની આવક મુખ્ય ગણીએ તો ગોબરગેસમાં થતો ખર્ચ પાંચેક વર્ષમાં વસુલ થઈ શકે છે.

આમ, ગોબરગેસ પ્લાન્ટ સો દર્દોની એક દવા બની રહ્યા છે. આ પ્લાન્ટના કારણે મહિલાઓ માટે ચૂલે બાળવા લાવવાં પડતાં બળતણનાં લાકડાંની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, સાથોસાથ બળતણના કારણે પેદા થતા પ્રદૂષણમાંથી પણ મુક્તિ મળી છે. ગોબરગેસ વૃક્ષછેદનની પ્રવૃત્તિને અટકાવવામાં પણ મહત્ત્વનું સાધન પુરવાર થયું છે. ખેતરમાં છાણિયા ખાતરના ઉપયોગના કારણે ખેડૂતોએ રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડ્યો છે, જેથી ખેતી વધુ સદ્ધર બની છે, ટકાઉ બની છે.

'ગોબર ગેસ' એટલે નિશ્ચિત સમય મર્યાદામાં છાણને અનએરોબીક' (ઢાંકેલી) સ્થિતિમાં કોહડાવવાની પ્રક્રિયા. આ દરમ્યાન મિથેન ગેસ ઉત્પન્ન થાય છે જેને સળગાવતા 'ગરમી' ઉત્પન્ન થાય છે. ગોબરગેસની ટેક્નોલૉજીનો સ્વીકાર એ માત્ર ગેસ ઉત્પાદન કે બહુગુણી ખાતર મળે તેટલાં પૂરતું નહીં પણ વૈશ્વિક સમસ્યાનાં પડકારને પહોંચી વળવાનાં એક હથિયાર તરીકે ગણાવું જોઈએ. છાણમાંથી જ ગેસ બને છે એવું નથી પણ જૈવિક કચરો જે આપણે મોટા ભાગે બાળી નાખીએ છીએ અને હવામાં અંગારવાયુ ઉમેરીએ છીએ તે કરતાં જો આવા કચરાનો પણ પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો ખાતર ઉપરાંત ગેસ પણ મળી શકે છે. દેશના વિવિધ ભાગોમાં આ માટે નમૂનારૂપ પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા છે અને તેને પણ ઠીકઠીક સફળતા મળી છે. નાનાં-નાનાં નગરોમાં ખૂબ મોટા પ્રમાણમાં સડી શકે તેવો કચરો પેદા થતો રહે છે. ફ્રૂટ અને શાકભાજી માર્કેટનો વેસ્ટેજ, હૉટલનો વેસ્ટ તથા એંઠવાડ તેમ જ લીલો કચરો પણ આ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આમ, 'ગોબરગેસ' ટેક્નોલૉજી એ સફાઈ ઉપરાંત પર્યાવરણ સંતુલનમાં ઉપયોગી થઈ શકે તેમ છે.

આ બાબત પર્યાવરણ માટે જ લાભકારક નીવડશે. ટૂંકમાં, ગોબરગેસ એ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે લડવામાં એક મહત્ત્વનું હથિયાર બની રહે તેમ છે.

લેખક  લાલજી ચાવડા, ચરખા ગુજરાત

3.09677419355
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top