વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

શાકભાજીના વિવિધ પાકો પૈકી ભીંડા કે જેને  શાકભાજીમાં “ રસોડાની રાણી”  તરીકે  ગુજરાતની ગૃહિણીઓ ઓળખાણ આપે છે તેનું ઉદ્દભવ સ્થાન આફિકા છે અને તે માલ્વેસી કૂળનો પાક છે. તેને લેડીઝ ફીંગર, ઓકરા, ભીંડી અથવા ગુમ્બો નામથી ઓળખવામાં આવે છે.

સુધારેલી/ સંકર જાતોઃ

પરભણી ક્રાંતિ, ગુજરાત ભીંડા –ર, ગુજરાત ભીંડા હાઈબ્રીડ –૧, પુસા એ–૪, જી.એ.ઓ.–પ, અર્કા અભય,અર્કા અનામીકા, જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. પુસા સાવણી, ગુજરાત ભીંડા–૧, પાદરા ૧૮–૬, પંજાબ–૭ જેવી જાતોમાં રોગ જીવાતનું પ્રમાણ વધારે આવતા વાવેતર માટે અનુકૂળ નથી. આ ઉપરાંત પુસા મખમલી, પરકીન્સ લોંગ ગ્રીન, (હરભજન ભીંડા), પંજાબ પદમીની, પંજાબ –૮ (મ્યુટન્ટ, ઈએમએસ ૧ ટકા), એમડીયુ–૧ ( મ્યુટન્ટ, ગામા કિરણો), પંજાબ –૧૩, આઝાદ ક્રાંતિ, સિલેકશન –ર, હિસાર ઉન્નત, વર્ષા હાઈબ્રીડ, વિજય ,વિશાલ,આધુનિક, વર્ષા ઉપહાર, અવંતિકા, પાંચાલીક , નાથ શોભા–૧૧૧, સુપ્રિયા, એસ –પ૧, કો–૧, મહીકો નં૭,૮અને૧૦,ડી.બી. આર–૧,ર અને ૩,કો–૧, દફતરી ૧,૪પ અને પ૪, દિવ્ય જયોત, સાંઈબા, શકિત, નામધારી ૮૦૧, અંકુર૩પ, ૪૦ અને ૪૧, અર્કા ગૌરવ, રેડ વન્ડર, રેડ ભીંડી, સુમન, કિર્તી, તારા, સનગ્રો ૩પ, હાઈબ્રીડ૬,૭ અને ૮, સારિકા, સિન્જેન્ટા ૧પર, સોનાલીકા,એઆરઓએચ૬૩૧,કાવેરી–૯૧૬,કાવેરી–૯૦૯,એચઓકે–૧પર,સંજીવની–૮૦૧,જયકિશાન,ઓએચ–૧૩૮,મુગલી,રત્વા,એકેઓએચ–ર૦૦૬૦૪,ઓએચ–પ૯૭,એઆરઓએચ–૬૩૧,કાવેરી–પપપ,૯૧૯ વિગેરે જાતો પણ આશાસ્પદ છે જેની આપણાં ખેતરમાં નાનાં પાયા પર ચકાસણી કર્યા બાદ મોટા પાયા પર વાવેતર કરવું હિતાવહ છે.

જમીન અને જમીનની તૈયારી :

ભીંડા બધા પ્રકારની જમીનમાં થઈ શકે. તેમ છતાં વધુ ઉત્પાદન લેવા માટે જમીન ફળદ્રુપ તેમજ સારી ભેજ સંગ્રહશકિતવાળી હોવી જોઈએ. ખાતર વગરની રેતાળ જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાતો નથી આવી જમીનમાં વધુ સેન્દ્રિય ખાતર ભેળવી આ પાક લઈ શકાય. પાણી ભરાય રહે તેવી જમીન (નીચાણવાળી) અનુકૂળ આવતી નથી એવી  જમીનમાં સૂકારાનો રોગ લાગવાનો ભય વધુ રહે છે. હળથી એક વખત ઊંડી ખેડ કરીને  ૩ થી ૪ વખત આડી ઊભી કરબથી ખેડ કરવી. ઢેફાં ભાંગીને જમીનને ભરભરી બનાવવી ત્યારબાદ સમાર મારીને સમતલ કરવી.

વાવણીનો સમય, વાવણી અંતર, બીજનો દર અને વાવણીની રીતઃ

ૠતુ

વાવણીનો સમય

વાવણી અંતર(સે.મી.)

બીજનો દર કિ./ હેકટર

વાવણીની રીત

ઉનાળુ

ફેબ્રઆરી થી માર્ચ

(બીજુ અઠવાડીયું)

૪પ×૩૦

(૭પ૦૦૦છોડ/ હેકટર)

૪ થી ૬

થાણીને (દરેક થાણે બે બીજ વાવવાં),ઓરીને ૮થી ૧૦ કિ.

ચોમાસુ

જૂન થી જુલાઈ

(બીજુ અઠવાડિયું)

૬૦×૩૦

(પપ૦૦૦ છોડ/ હેકટર)

૪ થી ૬

થાણીને (દરેક થાણે બે બીજ વાવવાં),ઓરીને ૮થી ૧૦ કિ.

બીજના દરનો આધાર ઉગાવાના ટકા, વાવણીનો સમય, વાવણીની રીત, વાવણી અંતર, જમીનનો પ્રકાર વગેરે પર રહેલો છે.

ઓફ સીઝનમાં (શિયાળામા) ભીંડાની ખેતીઃ

  • મધ્ય ગુજરાત વિસ્તારમાં શિયાળુ પાક તરીકે ગુજરાત ભીંડા હાઈબ્રીડ –૧  જાતનું વાવેતર ઓકટોબરની પહેલી તારીખે કરવાની ભલામણ છે.
  • તાપી જીલ્લાના ડોલવણ વિસ્તારમાં ઓફ સીઝન ભીંડાનું મોટા પાયે વ્યાપારિક ધોરણે  ૩૦ × ૧પ સે.મી. ના અંતરે શિયાળામાં(ઓકટોબર – નવેમ્બર) વાવેતર કરવામાં આવે છે.
  • ભીંડાના પાકના વાનસ્પતિક વિકાસ માટેઠંડી શરૂ થાય એ પહેલા ૩૦ થી ૪૦ દિવસ મળે એ રીતે વાવેતર કરવું કે જેથી એનો વિકાસ બરાબર થવાથી ઉત્પાદન પર માઠી અસર ન પડે. મોડું વાવેતર કરવામાં આવે  તો એનો વિકાસ બરાબર ન થવાને કારણે ઉત્પાદન ખૂબજ ઓછું મળે છે  અને રોગ જીવાતના પ્રશ્નો પણ ખૂબ આવે છે.માટે શિયાળાની ૠતુમાં ભીંડાનો પાક આપણે સારા બજારભાવ લેવા માટે જ કરીએ છીએ ત્યારે   ચોમાસાની ૠતુમાં  એવો પાક લઈએ કે જે ઓકટોબરના પહેલા અઠવાડિયામાં નિકળી જાય અને આપણે ભીંડાનું વાવેતર ઓકટોબરના બીજા–ત્રીજા અઠવાડિયામાં તો કમસે કમ કરીએ જેથી તેના  વિકાસ માટે ગરમીના દિવસો મળી રહે અને ભીંડાનો વાનસ્પતિક વિકાસ સારો થવાથી ઉત્પાદન સારૂં મેળવી શકાય.

જોડીયા હાર પધ્ધતિથી વાવેતરઃ

આ પધ્ધતિથી ભીંડાનું વાવેતર કરવાથી બે જાડીયા ચાસ વચ્ચે વધુ અંતર રહેવાથી દવા છાંટવી, ભીંડા ઉતારવા વગેરે ખેતી કાર્યો સરળતાથી કરી શકાય છે.આ માટે ઉનાળુ ૠતુમાં ૩૦ સે.મી. ×૩૦ સે.મી. ×૬૦ સે.મી. તથા ચોમાસુ ૠતુમાં ૩૦ સે.મી. ×૩૦ સે.મી. ×૯૦ સે.મી.અંતર રાખી વાવણી કરવાની ભલામણ છે.

બીજ માવજતઃ

૧ કિલો બીજમાં ૩ ગ્રામ પ્રમાણે ફૂગનાશક દવા તરીકે કાર્બેન્ડાઝીમ ભેળવવાથી ભીંડામાં સુકારાનો રોગ આવતો અટકાવી શકાય. આ ઉપરાંત ૧ કિલો બીજ દીઠ જંતુનાશક દવા તરીકે ૭.પ ગ્રામ ઈમીડાકલોપ્રીડ અથવા થાયામેથોકઝામ  પ ગ્રામ દવાનો પટ આપવાથી ભીંડાના પાક ને ચૂસિયાં પ્રકારની જીવાતો અને પાન કથીરી સામે  ૪પ દિવસ સુધી રક્ષણ આપી શકાય છે. પ૦ મિલી. પાણી માં પ્રવાહી જૈવિક કલ્ચર પ મિ.લી. લઈ તૈયાર કરેલ દ્રાવણથી ૧ કિલો બિયારણને પટ  આપવો.

સંકલિત ખાતર વ્યવસ્થાઃ

ભીંડાની ખેતીમાં ખાતર વ્યવસ્થા ખૂબ કાળજીપૂર્વક કરવાથી ઘણુ વધારે ઉત્પાદન મેળવી શકીએ. ૧૦ થી ૧ર ટન (ર૦ થી રપ ગાડી) સારૂ કોહવાયેલું છાણીયું ખાતર પ્રતિ હેકટરે જમીનમાં ખેડ કરતાં પહેલા નાંખવું. ભીંડાનાં પાકમાં કુલ ૧પ૦ કિ.ગ્રા.  નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ (૩૧પ કિલો સીંગલ સુપર ફોસ્ફટ) અને પ૦ કિ.ગ્રા. પોટાશ(૯પ કિલો મ્યુરેટ ઓફ પોટાશ)  પ્રતિ હેકટરે રાસાયણિક ખાતરો નીચે મુજબ આપવા. પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ અને પોટાશ યુકત ખાતરનો બધો જથ્થો ચાસમાં આપવો જોઈએ. જયારે ૭પ કિલો નાઈટ્રોજન (એમો.સલ્ફેટ ૩૭પ કિલો અથવા ૧૬પ કિ. યુરિયા) વાવણી સમયે  આપવું જયારે બાકીનો ૩૭.પ કિ. નાઈટ્રોજન બીજની  વાવણી પછી ૩૦ દિવસે અને બાકીનો ૩૭.પ કિ.નાઈટ્રોજન ફુલ આવે ત્યારે આપવો જોઈએ. આઠ થી દસ વીણી પછી છોડ ફીકકા લાગે તો યુરિયાના  ૧ % નું દ્રાવણ (૧૦ લિ. પાણીમાં ૧૦૦ ગ્રામ યુરિયા મિશ્ર કરી) છોડ પર છંટકાવ કરી શકાય. જો જમીન ગોરાળુ પ્રકારની હોય તો નાઈટ્રોજન ખાતર જેમ બને તેમ વધારે હપ્તામાં આપવામાં આવે તો ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ પાક કરી શકાય.

પિયતઃ

ભીંડાના પાકમાં પહેલું પિયત રોપણી પછી તરત અને બીજા બે પિયત ટૂંકા ગાળે આપવા. ત્યારબાદ ભીંડાના પાકને જમીનના પ્રકાર, તાપમાન મુજબ પ થી ૬ દિવસના ગાળે નિયમિત પાણી આપવું જેથી છોડની વૃધ્ધિ સારી થાય. જો ફૂલ આવવાના સમયે  પાણીની  ખેંચ પડે તો ફળનું ધારણ ઓછું થાય છે. શીંગોની વીણી ચાલુ હોય અને જો પાણીની ખેંચ પડે તો શીંગોની ગુણવત્તા પર સીધી અસર થાય જેથી બજારભાવ ઓછા મળે છે.

નિંદણ નિયંત્રણઃ

વાવણી બાદ જરૂર મુજબ હાથથી નિંદણ કાર્ય કરવું.જો મજુરોની અછત હોય તો ભીંડાના પાકમાં  ખૂબ જ અર્થક્ષમ અને નફાકારક નીંદણ નિયંત્રણ માટે  પ્રી–ઈમરજન્સ તરીકે પેન્ડીમીથાલીન ૩૦ ઈ.સી. (૧૦ લીટર પાણીમાં ૬૬ મી.લી) અથવા ફલુકલોરાલીન ૩૦ ઈ.સી. (૧૦ લીટર પાણીમાં ૪૪ મી.લી.) પ્રમાણે વાવણી બાદ તુરત જ  જમીન ઉપર પૂરતો ભેજ હોય ત્યારે ફલેટફેન/ફલડજેટ નોઝલનો ઉપયોગ કરી છંટકાવ  કરવાથી તથા ર૦ થી રપ દિવસે હાથ વડે નિંદામણ  કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

ભીંડાની શીંગની વીણી :

લીલી શીંગો દોઢથી બે મહિના બાદ તૈયાર થાય છે.જે નિયમિત રીતે બે થી ત્રણ દિવસે ઉતારવામાં આવે છે. જો ઉતારવામાં વિલંબ થાય તો શીગોમાં રેસાનું પ્રમાણ વધી જતા એના બજાર ભાવ ઓછા મળે છે. જેથી વીણી સમયસર કરવી. વીણી વહેલી સવારે સમયસર અને યોગ્ય અવસ્થાએ કરવી જોઈએ. વીણી કરતી વખતે હાથની આંગળીનાં રક્ષણ માટે હાથમાં મોજાં અથવા કાપડની કોથળી તથા શરીર પર એપ્રન પહેરવું હિતાવહ છે. ભીંડાની શીંગને દૂરના બજારમાં મોકલવા માટે તેની વીણી મોડી સાંજે કરી રાત્રી દરમિયાન વહન કરવું હિતાવહ છે. ઉનાળાની ૠતુમાં ભીંડામાં લગભગ ૪૦ થી ૪પ દિવસે જયારે ચોમાસાની ૠતુમાં લગભગ ૭૦ થી ૯૦ દિવસે લીલી કૂમળી શીંગો ઉતારવાની શરૂઆત થાય છે. વીણી શરૂ થયા બાદ  દર આંતરે દિવસે નિયમિત લીલી કૂમળી શીંગો ઉતારતા રહેવું. મોડી વીણી કરવાથી શીંગનું કદ મોંટુ થઈ જવાથી તથા શીંગોમાં રેસાનું પ્રમાણ વધવાથી તે ખાવા લાયક રહેતી નથી અને બજાર ભાવ ઓછા મળે છે. આ રીતે ભીંડાની બે માસ સુધી સતત વીણી ચાલુ રહેતા અંદાજે રપ થી ૩૦ વીણી મળે છે.જો માવજત સારી હોય તો ૩પ જેટલી વીણી પણ લઈ શકાય. જંતુનાશક/ફૂગનાશક દવાના છંટકાવ બાદ ઓછામાં ઓછા ૩ થી ૪ દિવસ બાદ જ વીણી કરવી. વેચાણ માટે સ્થાનીક બજારમાં લઈ જતા પહેલાં રોગ જીવાતથી નુકસાન પામેલ શીંગો જુદી પાડી, કદ અને બજારની માંગ પ્રમાણે શીંગોનું ગ્રેડીંગ કરી, શણના કોથળામાં અથવા ટોપલામાં પેક  કરી તેના ઉપર થોડું પાણી છાંટી વહન કરવાથી વધુ સારા ભાવો મેળવી શકાય છે. પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી અને નિકાસ માટે ૬ થી ૯ સે.મી. લંબાઈની શીંગ જુદી કરવી.

ઉત્પાદન :

વૈજ્ઞાનિક પધ્ધતિથી ભીંડાના પાકને સમયસર અને સારી માવજત આપવામાં આવે તો એક હેકટરે અંદાજે ૧૩ થી ૧૮ ટન જેટલી લીલી શીંગોનું ઉત્પાદન લઈ શકાય છે.

સંગ્રહઃ

થી ૧૦ સે. ગ્રેડ તાપમાને , ૯૦ થી ૯પ ટકા સાપેક્ષ ભેજ સાથે બે અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકાય છે.

બીજ ઉત્પાદન કાર્યક્રમઃ

ભીંડા એ કવચીત પરપરાગિત  પાક હોય સુધારેલી તથા સંકર જાત માટે ફાઉન્ડેશન બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે ૪૦૦ મીટર જયારે  સર્ટીફાઈડ સીડ માટે ર૦૦ મીટર આઈસોલેશન અંતર રાખવામાં આવે છે. હેકટરે ૧.ર થી ૧.પ ટન (મહત્તમ ર.૭ ટન) જેટલું બીજ ઉત્પાદન મળે છે.

સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ (કૃષિ સારથિ'' નવસારી કૃષિ યુનિવર્સિટી,સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ અને સરદારકૃષિનગર

2.94736842105
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top