હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન / પશુઓમાં સૂક્ષ્મ જંતુઓથી થતાં ગર્ભપાત અને તેને અટકાવવાના ઉપાયો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં સૂક્ષ્મ જંતુઓથી થતાં ગર્ભપાત અને તેને અટકાવવાના ઉપાયો

પશુઓમાં સૂક્ષ્મ જંતુઓથી થતાં ગર્ભપાત અને તેને અટકાવવાના ઉપાયો વિશેની માહિતી આપવામાં આવી છે

પશુઓ નિયમીત રીતે ગર્ભાવસ્થા ધારણ કરી સ્વસ્થ બચ્ચાને જન્મ આપે તે નફાકારક પશુપાલન માટે ખુબ જરૂરી છે. પરંતુ કેટલાક રોગોના સંક્રમણથી પશુઓ સમયસર ગરમીમાં ન આવવા, વારંવાર ઉથલા મારવા, બે વિયાણ વચ્ચેનો સમયગાળો વધી જવો તથા ગર્ભપાત જેવી સમસ્યાઓ સર્જાય છે. જેથી દુધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, સારવારનો ખર્ચ વધે છે અને પશુપાલકને આર્થીક નુકશાન થાય છે.

ગર્ભપાત એટલે ગર્ભનું ગર્ભાશયમાંથી અસામાન્ય રીતે બહાર ફેંકાઈ જવું અથવાતો ગર્ભાવસ્થાના કોઈપણ તબકકામાં મૃત ગર્ભનું ગર્ભાશયમાંથી બહાર ફેંકાઈ જવું. પશુઓમાં ગર્ભપાતના અનેક કારણો જવાબદાર છે.જેમાનું મુખ્ય કારણ સંકામક રોગો છે. સંક્રામક રોગોથી થતા ગર્ભપાતમાં જિવાણુ, વિષાણુ, પ્રજીવ તથા ફૂગથી થતા ગર્ભપાતનો સમાવેશ થાય છે. આમાના કેટલાક રાગો સાંસર્ગિક રીતે પણ ફેલાય છે. જેથી સ્વસ્થ પશુઓ પણ ચેપગ્રસ્ત થાય છે તથા રોગની ગંભીરતા ખુબજ વધી જાય છે. આવા રોગોનું સમયસર નિદાન, સારવાર તથા તેને અટકાવવાના ઉપાયો કરવા અત્યંત આવશ્યક છે. ગર્ભપાતના વિવિધ કારણો, લક્ષાણો તથા તેને અટકાવવાના ઉપાયોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ)

આ રોગ ગાય-ભેંસ, ઘેટાં, બકરા તથા ભુંડમાં જોવા મળતો ચેપી રોગ છે. જે બ્રુસેલ્લા એબોર્ટસ તથા બ્રુસેલ્લા મેલીટેન્સીસ પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગના જીવાણુઓ રોગીષ્ટ પશુઓના ગર્ભાશયના સ્ત્રાવ દ્વારા વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી જીવીત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રદુષીત ઘાસ પાણી ધ્વારા, આંખો ધ્વારા, ચામડી ધ્વારા અથવા તો શ્વાસ લેતી વખતે આજીવાણુઓ શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત રોગીષ્ટ નર પશુના કૃત્રિમ વીર્યદાન દ્વારા પણ માંદા પશુમાં આ રોગનો ફેલાવો થાય છે.

આ રોગમાં ગર્ભાવસ્થાના ૭-૯ માસના સમયગાળા દરમ્યાન ગર્ભપાત થવો તે મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો આવવો, ઓર ન પડવી તથા એક જ પશુમાં વારંવાર ગર્ભપાત થવો વગેરે ચિન્હો જોવા મળે છે.જયારે નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો, તથા વૃષણકોથળી સૂજી જવી તે મુખ્ય લક્ષણો જોવા મળે છે.

૬ થી ૭ માસની ઉંમરની માદા બચ્ચાને જો રસીકરણ કરવામાં આવે તો તેઓ જયારે પુખ્તતા ધારણ કરે ત્યારે આ રોગ સામેની પ્રતિકારક શકિત પૂરતા પ્રમાણમાં હોઈ રોગ સામે આજીવન લડી શકે છે. આ રસી બ્રુસેલ્લા કોટન સ્ટ્રેઈન-૧૯ તથા આર.બી. ૫૧છે.

લેપ્ટોસ્પાઇરોસીસ

આ રોગ લેપ્ટોસ્પાઈરા હાર્ડજો તથા લેપ્ટોસ્પાઈરા પોમોના પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગના જિવાણુઓ ચેપગ્રસ્ત પશુના મૂત્રમાં ઘણા લાંબા સમય સુધી ઉત્સર્જીત થતા હોય છે. આ રોગનું સંક્રમણ મુખ તથા જખમ દવારા થઈ શકે છે. આ રોગમાં તાવ, ઝાડા તથા મૂત્રમાં લોહી આવવા જેવા લક્ષાણો જોવા મળે છે.

આ રોગ રપ થી ૩૦ ટકા કિસ્સાઓમાં ગર્ભપાત નિપજાવે છે. સંક્રમણ થયાના ૬ અઠવાડીયામાં અને મોટે ભાગે ૭-૯ માસ દરમ્યાન ગર્ભપાત થાય છે.

આ રોગને નિયમીત વાર્ષિક રસીકરણથી અટકાવી શકાય છે. પશુઓના રહેઠાણને જિવાણુ મુકત કરવુ તથા ઉંદર જેવા જીવોની વસ્તી પર કાબુ રાખવો.

કેમ્પાઈલોબેકટેરીયોસીસ (વીબ્રીઓસીસ)

આ રોગ કેમ્પાઈલોબેકટર ફીટસ પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગનો ફેલાવો કુદરતી સમાગમ દવારા કે ચેપગ્રસ્ત વિર્યથી કૃત્રિમ બીજદાન કરવામાં આવેતો થાય છે. આ રોગમાં હંગામી વંધ્યત્વ, ગર્ભપાત, સમયસર ગરમીમાં ન આવવા, વારંવાર ઉથલા મારવા તથા યોનીમાથી અસામાન્ય સ્ત્રાવ પડવો જેવા લક્ષાણો જોવા મળે છે.

આ રોગ પ થી ર૦ ટકા કિસ્સાઓમાં ગર્ભપાત નિપજાવે છે. સંક્રમણ થયાના ૫ થી ૬ માસમાં ગર્ભપાત થાય છે. આ રોગ મુખ્યત્વે પ્રજનન માટે ઉપયોગમાં લેવાતા ચેપગ્રસ્ત સાંઢ કે પાડા દવારા ફેલાતો હોવાથી તેના નિયમીત વાર્ષિક રસીકરણથી તથા સંક્રમીત ગર્ભાશયના સ્ત્રાવના સંપર્કમાં આવેલ પશુઓના રહેઠાણ વિસ્તારને જિવાણુ મુકત કરવવથી અટકાવી શકાય છે.

લીસ્ટેરીયોસીસ

આ રોગ લીસ્ટેરીયા મોનોસાયટોજીનીસ પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગનો ફેલાવો દુષિત આહાર અને પાણી તથા જખમ કે ઈજા દવારા થાય છે. આ રોગમા ગર્ભપાત, ભૃણનાશ તથા ચેતાતંત્રને લગતા ચિન્હો જોવા મળે છે. ગર્ભપાતનું પ્રમાણ બીજા રોગોની સરખામણીમાં ઓછું જોવા મળે

સગર્ભાવસ્થાના ૬ થી ૭ માં માસમાં ગર્ભપાત થાય છે. આ રોગ અટકાવવા દુષિત ઘાંસચારો તથા પાણી પશુઓને ન આપવું , સંક્રમીત પશુઓને અલગ રહેઠાણમાં રાખી તેમની ઝડપી સારવાર કરવી તથા સંક્રમીત ગર્ભાશયના સ્ત્રાવના સંપર્કમાં આવેલ પશુઓના રહેઠાણ વિસ્તારને જિવાણુ મુકત કરવો.

ઈન્સેકસીયસ બોવાઈન રહીનોટ્રેકાઈટીસ

આ રોગ બોવાઈન હરપીસ વાયરસ-૧ પ્રકારના વિષાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગ શ્વસનતંત્ર દવારા તથા જનેન્દ્રિયોઓ દવારા ફેલાય છે. આ રોગમાં ગર્ભપાત, યોનીમાર્ગનો સોજો તથા શ્વસનતંત્રને લગતા ચિન્હો જોવા મળે છે. આ રોગ ૨૫ થી ૫૦ ટકા કિસ્સાઓમાં ગર્ભપાત નિપજાવે છે.

સગર્ભાવસ્થાના ૭ થી ૯ માં માસમાં ગર્ભપાત નિપજાવે છે. આ રોગમાં સંક્રમીત પશુઓમાં આજીવન ચેપ રહેતો હોવાથી આવા પશુઓને અન્ય સ્વસ્થ પશુઓના ટોળામાંથી અલગ તારવવા, સંક્રમીત ગર્ભાશયના સ્ત્રાવના સંપર્કમાં આવેલ પશુઓના રહેઠાણ વિસ્તારને વિષાણુ મુકત કરવો તથા નિયમીત રસીકરણથી આ રોગને અટકાવી શકાય છે.

ટ્રાઈકોમોનીઆસીસ

આ રોગ ટ્રાઈકોમોનાસ ફીટસ પ્રકારના પ્રજીવોથી ઉત્પન્ન થાય છે. આ રોગ કુદરતી સમાગમ અથવા કૃત્રિમ બીજદાન દવારા નરથી માદામાં કે માદાથી નરમાં ફેલાય છે. આ રોગના લક્ષાણોમાં ગર્ભપાત, મેટ્રાઈટીસ, યોનીમાથી અસામાન્ય સ્ત્રાવ પડવો તથા ભૃણનાશ જોવા મળે છે.

આ રોગ ૫ થી ૩૦ ટકા કિસ્સાઓમાં ગર્ભપાત નિપજાવે છે. સગર્ભાવસ્થાના ૨ થી ૪ માં માસમાં ગર્ભપાત થાય છે. આ રોગ અટકાવવા પાડા કે સાંઢને સંવર્ધન (બ્રીડીંગ) માટે ઉપયોગ માં લેતા પહેલા તેની ચકાસણી કરવી તથા ગર્ભપાત થયેલ માદાને પણ ચકાસી યોગ્ય સારવાર આપવી. આ રોગ માટે કોઈ અસરકારક રસી ઉપલબધ નથી.

ફુગજન્ય ગર્ભપાત

આ રોગ એસ્પરજીલસ ફયુમીગેટસ, કેન્ડીડા તથા રાઈઝોપસ પ્રકારની ફુગથી ઉત્પન્ન થાય છે. આ ફુગ શ્વાસ કે દુષિત આહાર દવારા પશુઓના શરીરમાં પ્રવેશે છે અને રકતમાર્ગે જનન અવયવોમાં પ્રવેશીનેગર્ભપાત નિપજાવે છે. આ રોગમાં ઓર પીળા અને પરિગલીત પદાર્થ જેવી દેખાય છે.

આ રોગ ૩ થી ૭ ટકા કિસ્સાઓમાં ગર્ભપાત નિપજાવે છે. સગર્ભાવસ્થાના ૬ થી ૮ માં માસ દરમ્યાન ગર્ભપાત થાય છે. ફુગજન્ય ગર્ભપાતમાં મોટેભાગે પશુ સંપુર્ણ વંધ્ય બની જાય છે. આ રોગ માટે કોઈ અસરકારક રસી ઉપલબધ નથી. ગર્ભપાત બાદ પશુ રહેઠાણને સ્વચ્છ કરવું તથા સંક્રમીત કરવું

રેફરન્સ : ડો. ડી. બી. બારડ, ડો. બી. બી. જાવિયા, ડો. બી. એસ. મઠપતિ તથા ડો.આર. જે. રાવલ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

3.13043478261
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top