હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / હરિયાળી ક્રાંતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હરિયાળી ક્રાંતિ

હરિયાળી ક્રાંતિ વિશેની માહિતી આપવામાં આવી છે

ભારત એ એક ખેતીપ્રધાન દેશ છે. આઝાદી બાદ પણ ભારતમાં 60% થી વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ખેતીની સાથે પશુપાલન એ એમનો મુખ્ય વ્યવસાય છે. પહેલાના સમયમાં ખેતીનો આધાર ફક્ત વરસાદ પર જ હતો. ચોમાસું સારું જાય તો પાકનું ઉત્પાદન થાય અને જો ચોમાસું સારું ન જાય તો પાકના ઉત્પાદન પર તેની અસર થતી. સમય જતાં એમાં પરિવતન આવ્યું અને હવે ધીમે ધીમે સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડીને ખેતી થાય છે. ઔદ્યોગિક કાચા માલની પ્રાપ્તિ, ભાવસ્થિરતા, ગરીબી નાબૂદી તેમજ દેશનાં આર્થિક વિકાસનો મુખ્ય આધાર કૃષિક્ષેત્રનાં વિકાસ પર રહેલો છે. આથી ભારતીય અર્થતંત્રમાં કૃષિક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે એમ અવશ્ય કહી શકાય. આપણા દેશમાં કૃષિ સાથે સંકળાયેલા લોકોનો આપણી રાષ્ટ્રીય આવકમાં પણ મહત્વનો ફાળો છે. આઝાદી બાદ આપણા દેશમાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી. એના માટે પંચવર્ષીય યોજના અમલમાં મૂકાઈ અને પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રે ભાર મૂકીને ભારતે હરીયાળી ક્રાંતિ તરફ પોતાના ડગ માંડ્યા. પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદન વધારવું, દેશમાં નવી કૃષિ યુનિવર્સિટીઓ અને કૉલેજોની સ્થાપના કરવી અને નવા કૃષિ સંશોધન કેંદ્રો સ્થાપવા. જે અંતર્ગત કૃષિ ક્ષેત્રે સિંચાઈ યોજનાઓ, ખાતર, બિયારણ વગેરે માટેની યોજનાઓ બનાવવામાં આવી અને દેશના ખેડૂત વર્ગને એનો લાભ મળે એવા પ્રયત્નો થયા.

ભારતમાં કૃષિક્ષેત્રનાં આધુનિકરણમાં ડૉ. નોર્મન બાર્લોગે મહત્વનું યોગદાન આપેલ છે. આપણા દેશમાં કૃષિક્ષેત્રે હરિયાળા ક્રાંતિ સર્જાઈ તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એક વિરાટ કૃષિ પ્રધાન દેશની સરકારને ભિક્ષાપાત્ર લઈને જગતનાં સમૃદ્ધ દેશોમાંથી અનાજની આયાત કરવી પડતી હતી. આવી દયનીય અને લાચાર પરિસ્થિતિ સામે આ દેશ ઝઝૂમતો હતો. ત્યારે ડૉ.બાર્લોગનું ભારતમાં આગમન થયું અને ભારતમાં હરિયાળી ક્રાંતિના પાયા નખાયા. કૃષિક્ષેત્રમાં આધુનિકરણમાં ઉંચી ઉત્પાદકતા આપતી જાતો અસ્તિત્વમાં આવી. જેના જન્મદાતા ડૉ. નોર્મલ બાર્લોંગ હતા. તેમજ સુધારેલા બિયારણ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યાંત્રીકીકરણ કરવાને પરિણામે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને અન્ય સ્થળોએ કૃષિક્ષેત્રેનાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

ભારતમાં કૃષિક્ષેત્રે નીચી ઉત્પાદકતા, અનાજની વધતી જતી માંગના સંજોગો, અવાર-નવાર પડતા દુષ્કાળને કારણે કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અત્યંત આવશ્યક હતું. આના પ્રયાસરૂપે ભારત સરકારે નિમેલી “ફોર્ડ ફાઉન્ડેશન”ની નિષ્ણાત ટીમે આપેલ અહેવાલનાં આધારે બીજી પંચવર્ષીય યોજનાનાં છેલ્લા વર્ષ(1960)માં દેશના સાત પસંદગીના જિલ્લાઓમાં એક નવી કૃષિ વ્યૂહરચના અમલમાં આવી. જેને ખેતીવાડી સઘન યોજના પેકેજ પ્લાન કે I.A.D.P.(Intensive Agricultural Development Programme) તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી પંચવર્ષીય યોજનાથી પેકેજ પ્લાનનો વિસ્તાર કરવામાં આવ્યો તેના પરિણામે 1966-67ના વર્ષથી કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે. કૃષિ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા સમયમાં ઉત્પાદન વધારવાના પ્રયત્નો થયાં. બિયારણની સુધારેલી જાતો, ખાતરોનો વધેલો ઉપયોગ, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારો અને ઉચ્ચતર ખેત-પ્રક્રિયા આ પરિબળોએ સંયુક્ત રીતે કૃષિક્ષેત્રે ટેકનોલોજી વિકાસની જે હરણફાળ ભરી છે. તેને હરિયાળી ક્રાંતિ (Green Revolution) તરીકે ઓળખવામાં આવે છે.

આજે ભારત એ સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. વિકાસના દરેક તબક્કામાં કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ મહત્વનું ક્ષેત્ર છે. દેશના મોટાભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલ હોવાથી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. બીજી તરફ રાષ્ટ્રીય આવક, રોજગારી અને નિકાસના ક્ષેત્રોમાં કૃષિનો મહત્વનો ફાળો છે. હરિયાળી ક્રાંતિને કારણે ભારતના ખેત-ઉત્પાદન, ઉત્પાદકતા, રોજગારી અને નિકાસ જેવા ક્ષેત્રોમાં ઝડપથી વધારો નોંધાયો છે. અનાજનું ઉત્પાદન વધતાં આપણે એ બાબતે સ્વનિર્ભર બન્યા, ખેડૂતોનો પણ અભિગમ બદલાયો અને ખેડૂતોની આવક વધી છે જેને લીધે ગામડાના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે અને ગ્રામીણ વિકાસને વેગ મળ્યો છે. પણ હા હજું વચોટિયાઓને કારણે ખેડૂત પોતાની પેદાશનો પૂરતો ભાવ મેળવી શકતો નથી, જે એક ગંભીર બાબત છે.

વિકાસની સાથે સાથે હરિયાળી ક્રાંતિ કેટલાક પ્રશ્નોને પણ જન્મ આપ્યો છે. આધુનિક કૃષિવિદ્યા, વનસ્પતિ સંવર્ધન, જંતુનાશકો અને ખાતરો તથા તકનીકી સુધારણાઓએ ખેતીની ઉપજમાં તીવ્ર વધારો કર્યો છે, પરંતુ આ સાથે તેને કારણે જીવવિજ્ઞાનને જંગી નુકશાન અને માનવના આરોગ્ય પર નકારાત્મક અસરો થઇ છે અને ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધતા ગ્રામીણ બેરોજગારીમાં પણ વધારો થયો છે. માનવીય સ્વાસ્થ્યની સાથે સાથે જમીનની ગુણવત્તાના પ્રશ્નો પણ વધ્યા છે. પર્યાવરણીય સમસ્યાઓ અને માનવ સ્વાસ્થ્યને થતા નુકસાનને કારણે ફરી એકવાર ભારતીય પ્રાચીન પરંપરાગત ઓર્ગેનિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. હરિયાળી ક્રાંતિના પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવે તો ચોક્કસથી એ લાભદાયી જ છે. સેંદ્રિય ખાતરનો ઉપયોગ, ખેતીની પદ્ધતિમાં સુધારો, પાક ફેરબદલી, બાગાયત ખેતી અને વરસાદી પાણીના સંચય બાબતે જાગૃતિ ફેલાવી આનો મહત્તમ લાભ લઈ શકાય છે.

હરિયાળી ક્રાંતિ અને આધુનિકતાની તમામ વાતોની સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે હાલના વર્ષોમાં GDPમાં ખેતી ક્ષેત્રનો ફાળો ક્રમશઃ ઘટતો જઈ રહ્યો છે. આપણે જે પરિણામો મેળવ્યા છે તે વર્ષો જૂના થઈ ગયા છે. વર્તમાન સમયમાં ખેતી ક્ષેત્રમાં વ્યાપક સુધારાને અવકાશ છે. આજે પણ ભારતમાં એકંદરે વરસાદ આધારિત ખેતી થાય છે. સિંચાઈની સગવડોનું પ્રમાણ જૂજ છે. પ્રત્યેક પાંચમાંથી બે ખેડૂત ખેતી છોડી દેવાનું ઈચ્છે છે. આ સંજોગોમાં ભારતમાં બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે અને તે શક્ય પણ છે. સમાજ, સરકાર અને વિજ્ઞાન સહિયારો પ્રયાસ કરે તો લાભદાયક પરિણામોની શક્યતા છે. ખેતીના ક્ષેત્રે રોકાણમાં વધારો કરવાની જરૂર છે. હવે ભારતે ભૂખે મરતા નાગરિકોની ભોજન માટે નહિ પરંતુ સમગ્ર સમાજના દરેક વર્ગના વિકાસના ધ્યેયને પહોંચવા અને ગરીબી નાબૂદી માટે નૂતન હરિયાળી ક્રાંતિ માટે અગ્રેસર થવાની જરૂરિયાત છે.

(ધોરણ – 12 આર્ટ્સના સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 14 : જમીન-સુધારણા અને હરિયાળી ક્રાંતિ પર આધારિત)

3.01612903226
Vicky chavda Oct 24, 2019 03:05 PM

Good યાર 👍

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top