સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ સફળ તબક્કામાં ૩૫ લાખથી વધુ નાગરિકોની રજુઆતો-પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ થયુંમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમરેલી જિલ્લાના કુંભારીયા ખાતેથી સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો રાજ્ય વ્પાપી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. જેના પ્રથમ તબક્કામાં અઢી માસના સમયમાં ૧૮૦૦ કાર્યક્રમો થકી રાજ્યના ૩૫ લાખ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ પારદર્શક વહિવટ અને ભ્રષ્ટાચાર મૂક્ત શાસન વ્યવસ્થાનું ઊત્તમ ઉદાહરણ બન્યા છે. આ કાર્યક્રમ દ્વ્રારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો – સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની સાથે લોકોના આરોગ્ય ચકાસણીનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યના આરોગ્યની સાથે પશુઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં ગૌ હત્યા અને ગૌ – માસ વેંચનારા માટે કડક કાયદાઓની સાથે દારૂબંધીના કાયદા કડક બનાવીને સરકારે નવી પેઢી દારૂના નશામાં ધકેલાય નહી તે માટેંનું કાર્ય કર્યું છે. રાજ્યના ગરીબોના આરોગ્ય માટે આ સરકારે અનેક પગલાઓ ભર્યા છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમૃત્તમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતાં પરિવારોને ઓપરેશન માટે રૂપિયા બે લાખની સહાયની સાથો – સાથ રાજ્યમાં દવાઓ સસ્તી મળી રહે તે માટે જેનેરીક દવાના સ્ટોર ખોલવામાં આવ્યા છે, આગામી મે માસના અંત સુધીમાં રાજ્યમાં આવા ૫૦૦ સ્ટોર ખોલાશે. તેમણે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળી મળી રહે તે માટેની સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, સૌની યોજના દ્વ્રારા ૧૧૫ ડેમો નર્મદાના નીરથી ભરી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બને તે માટેનું કાર્ય પણ આરંભ્યું છે, સેવા સેતુના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીને ગેસ કીટ વિતરણ ઊપરાંત જાતિ પ્રમાણપત્ર, જોબકાર્ડ, આવક પ્રમાણપત્ર તથા સિલાઈ મશીન મંજુરી પત્રનું સબંધિત લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઈ વઘાસીયા, સંસદીય સચિવ સર્વશ્રી હિરાભાઈ સોલંકી, વાસણભાઈ આહિર, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઊપસ્થિત રહ્યાં હતા.
સ્ત્રોત: ગુજરાત સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020