অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકાસલક્ષી મુદ્દાઓ

વિકાસલક્ષી મુદ્દાઓ

પહેલની વિભાવના

ભારતમાં 'ડિસેબલ્ડ પર્સન્સ ઑર્ગેનાઈઝેશન્સ' (ડીપીઓ) દ્વારા પરિસ્થિતિજન્ય વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકન હાથ ધરવા માટે સમાવેશક અભ્યાસ વિષયક અભિગમ વિક્સાવવો

ઑર્ગેનાઈઝેશનલ સેલ્ફ ઍસેસમેન્ટ ફોર એનજીઓ અને ક્ષમતા મૂલ્યાંકન માટેના હાર્વર્ડ ફ્રેમવર્ક જેવાં અનેક ટૂલ્સનો પરિસ્થિતિના વિશ્લેષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. આવાં ટૂલ્સ નિષ્ણાત દ્વારા સંચાલિત હોય છે અને તેના દ્વારા સમુદાયને ભાગ લેવાની તક મળતી નથી. તેથી આવી પ્રક્રિયાઓમાં સમુદાયોની પ્રત્યક્ષ સામેલગીરી માટે એસએ માળખાં અને ટૂલ્સ વિક્સાવવાની જરૂરિયાત છે.

એચઆઈડી/ઓડી અને પ્રક્રિયાઓમાં સમુદાયોની સહભાગિતાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અનેક સહભાગી પદ્ધતિઓ અને ટૂલ્સ વિક્સાવવામાં આવ્યાં છે. અનુભવો સૂચવે છે કે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની અસરકારક અને નિર્ણાયક સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સહભાગી પદ્ધતિઓ અપૂરતી છે. કારણ કે, (1) જોબ કાર્ડ વિશ્લેષણ, પ્રૉબ્લેમ ટ્રી, સંસાધનોનું માપન વગેરે જેવી સહભાગી પદ્ધતિઓ દ્રશ્ય રજૂઆત (વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન) પર આધારિત હોય છે, (2) સહભાગી પદ્ધતિઓમાં જોડવામાં આવેલાં સત્તાનાં માળખાંઓ કોટિક્રમને વધુ મજબૂત કરવાની કામગીરી કરે છે. તેમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, ખાસ કરીને જોવાની-સાંભળવાની ખામી ધરાવતી વ્યક્તિઓ, વિકલાંગતા ધરાવતી મહિલાઓ અને વિકાસને લગતી વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને દૂર રહેવાની કે મૌન રહેવાની ફરજ પાડવામાં આવે છે. ઘણી વખત, સમુદાય, પરિવાર કે આડોશ-પાડોશની વ્યક્તિઓ અને સંબંધીઓ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના વિચારો કે નિર્ણયો બહાર લાવવાને બદલે તેમના વતી વાત કરે છે. પરિણામે, પરિસ્થિતિ વિશ્લેષણની એચઆઈડી/ઓડી પ્રક્રિયાઓમાં વિકલાંગ વ્યક્તિઓનાં હિતો અને વિશ્લેષણોને સામેલ કરવામાં આવતાં નથી. આમ, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ અસરકારક રીતે ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે પ્રવર્તમાન જ્ઞાનને પદ્ધતિઓ, ટૂલ્સ અને તકનિકોમાં રૂપાંતરિત કરવું જરૂરી છે.

ભારતમાં ઈરમા, પ્રિયા, એચઆરડી ઍકેડેમી, સીવાયએસડી અને એસએસકે સહિતની ઘણી ક્ષમતા વર્ધન સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ્સ છે, જેમણે એચઆઈડી/ઓડી અંગે તાલીમ માહિતી પુસ્તિકા અને અભ્યાસ વિક્સાવ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિષય અંગે ઘણું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. જોકે, આ પૈકીના કોઈ પણ સંગઠને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ, ખાસ કરીને જોવાની અને અન્ય ખામીઓ ધરાવનારી વ્યક્તિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો તૈયાર કર્યા નથી. અમારી જાણ મુજબ, ભારતમાં અભ્યાસ (સાર્વત્રિક રીતે ઉપલબ્ધ હોય તેવી પદ્ધતિઓ અને વિકલાંગતાના પ્રશ્નો પર ધ્યાન આપી શકે તેવા માળખા)નો ઉપયોગ કરીને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓનાં સંગઠનોનું ક્ષમતા વર્ધન કરવા માટે એક પણ તજજ્ઞ સંગઠન નથી.

'ધ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઑન રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ' (યુએનસીઆરપીડી) અને ભારતમાં સૂચિત 'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ' બિલે વિકાસનાં નવાં દ્વાર ખોલ્યાં છે, જેની આગેવાની વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ લઈ રહી છે. આમ, બીપીઓઝ/ડીપીઓઝના એચઆઈડી માટે વ્યૂહાત્મક આયોજન કરવા માટે બીપીઓઝ/ડીપીઓઝની સંસ્થાકીય ક્ષમતાઓનું વર્ધન કરવું જરૂરી છે. સાથે જ, વિકલાંગતા ધરાવનારી (ખાસ કરીને જોવાની, સાંભળવાની તથા અન્ય વિકલાંગતા ધરાવતી) વ્યક્તિઓને સાંકળીને ઉપલબ્ધ થઈ શકે તેવાં ટૂલ્સનું સર્જન કરવું પણ જરૂરી છે.

હાલમાં, ભારતમાં વિકલાંગતા ક્ષેત્રે કાર્યરત મોટાભાગનાં સંગઠનો પુનર્વસન અને કલ્યાણ આધારિત સંસ્થાઓ છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, ખાસ કરીને દૃષ્ટિહીન વ્યક્તિઓ દ્વારા સંચાલિત હોય એવી સંસ્થાકીય વિકાસ પ્રક્રિયાઓ તરફ આગળ વધવું જરૂરી છે. આ માટે યોગ્ય જ્ઞાન તથા કૌશલ્યો ધરાવનારી વિકલાંગ વ્યક્તિઓમાંથી સંસ્થાકીય વિકાસ અને કાર્યક્રમ આયોજનની પ્રક્રિયાને આગળ ધપાવનાર વ્યક્તિની જરૂર પડે છે. વિકાસ પ્રક્રિયાઓમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સહભાગિતા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે તેઓ પોતે જ આગળ ધપાવતા હોય એવી પ્રક્રિયા વિક્સાવવી પણ જરૂરી છે.

ઑક્ટોબર 2012થી માર્ચ 2014 દરમિયાન 'ટુવર્ડઝ ડેવલપિંગ અ બીપીઓ/ડીપીઓ લેડ પેડાગોજી ટુ ફેસિલિટેટ ધ પ્રોસેસ ઑફ સોશ્યલ ચેન્જ' શીર્ષક હેઠળ 18 મહિનાનો ઍક્શન રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટમાં શારીરિક વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ, ખાસ કરીને દૃષ્ટિહીન વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાનાર જ્ઞાન આધારિત ઉત્પાદનો વિક્સાવવાનો સમાવેશ થતો હોવાથી આ પ્રોજેક્ટ દ્વારા વ્યાપક પરિણામો અપેક્ષિત છે.

આ પ્રક્રિયા ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓનું ક્ષમતા વર્ધન કરવામાં મદદરૂપ થઈ છે, જેના થકી તેમનાં પોતાના તથા અન્ય સંગઠનોમાં સામાજિક સમાવેશક વિકાસ કાર્યક્રમોને વેગ મળશે.

ભાગીદારો નક્કી કરવા અને ઔપચારિક સંબંધો પ્રસ્થાપિત કરવા

આ પ્રોજેક્ટ હેઠળ 8 બીપીઓ/ડીપીઓ/એનજીઓ ભાગીદારો સાથે કામગીરી કરવામાં આવી હતી, જેઓ સહવિકાસ, ફિલ્ડ ટેસ્ટિંગ તેમજ સંસાધન કિટ તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલા હતા. દરખાસ્ત તૈયાર કરવાના તબક્કે અગાઉનાં જોડાણો અને સંબંધો મારફતે કેટલાક અપેક્ષિક ભાગીદારો સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી અને ત્યાર બાદ અન્ય ભાગીદારોને સાંકળવામાં આવ્યા હતા. ભાગ લેવાની ડીપીઓની ઈચ્છાશક્તિ પ્રાથમિક વિચારણા હેઠળ હતી, કારણ કે પ્રક્રિયા, શિક્ષણ પર તથા નક્કી કરવામાં આવેલા ટૂલ્સ અપનાવવા પર વધુ કેન્દ્રિત હતી.

આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સંમત થયેલાં જૂથોને પરિચયાત્મક નોંધ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ભાગીદારો સાથેની આ મુલાકાતોનો ઉદ્દેશ્ય અનુસરવામાં આવનારી ભૂમિકાઓ તથા જવાબદારીઓ અને પ્રક્રિયાઓ સ્પષ્ટ કરવાનો હતો. આ ઉપરાંત, અમે સંગઠનના વડાઓ તથા આગેવાનોને તથા આ પ્રક્રિયામાં મૂકવામાં આવેલા કેટલાક સ્ટાફને પણ મળ્યા હતા. રૂબરૂ થયેલી વાતચીત સંબંધ પ્રસ્થાપિત કરવામાં તથા સ્પષ્ટતા મેળવવામાં મદદરૂ5 થઈ હતી. અમે ડીપીઓની પણ વધુ સારી સમજ કેળવી અને જાણ્યું કે મુખ્યત્વે તે સભ્યપદ આધારિત છે અને પ્રવૃત્તિઓમાં સભ્યોની સામેલગીરી સ્વૈચ્છિક ધોરણે થાય છે. તેથી, નિશ્ચિત વ્યક્તિઓ પાસે સમયની પ્રાપ્યતા અને નિશ્ચિત તબક્કે ડીપીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રશ્નના આધારે સભ્યપદમાં ફેરફાર થતો રહે છે. મોટાભાગના સભ્યો તેમની આજીવિકા માટે વ્યવસાયિક રીતે અન્યત્ર સંકળાયેલા હોય છે. ક્રોસ-ડિસેબિલિટી (તમામ પ્રકારની વિકલાંગતાઓ ક્ષેત્રે કાર્યરત) સંગઠનોમાં દ્રષ્ટિની ખામી ધરાવનારી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ ફક્ત 20-30 ટકા જ જોવા મળ્યું હતું. જ્યારે સાંભળવાની ખામી ધરાવનારી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ ધણું જ ઓછું હોય છે.

નવેમ્બર-ડિસેમ્બર 2012 દરમિયાન પહેલ વિશે ચર્ચા કરવા માટે તમામ 8 ભાગીદારોની મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રક્રિયાના ભાગીદારો નીચે મુજબ હતા:

•  જયશ્રી મુર્ખજી અને તમિલનાડુ, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશમાં ડીપીઓ ફૅડરેશનને પ્રોત્સાહિત કરનારી બૅંગ્લુરુ સ્થિત સંસ્થા એડીડી ઇન્ડિયાનો સ્ટાફ. આ કાર્ય માટે અમે તમિલનાડુ ફૅડરેશન, એટીડીડીટી સાથે કામગીરી કરી.

•  પૌલ રામનાથન અને સામા ફાઉન્ડેશનનો સહયોગ ધરાવતી, બૅંગ્લુરુ સ્થિત ડીપીઓ કેએઆરઓ.

•  વિકલાંગ મંચ - ડૉ. વિક્ટર કૉર્ડેરિયો, જેઓ હાલ ર્વલ્ડ બ્લાઈન્ડ યુનિયનમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. આ સંસ્થા બેંગ્લોર સ્થતિ છે અને સેક્રેટરી, શ્રી સોનૂ ગોલકર, બૅંગ્લુરુ સ્થિત લિયોનાર્ડ ચેશાયર ડિસેબિલિટી સાથે કાર્યરત છે. અમે આરવીએમની બે રાજ્યોની - રાજસ્થાન અને મધ્ય પ્રદેશ શાખાઓ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.

•  ખાતેની રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યુટ સ્પાર્કના વડાશ્રી અમિતાભ મેહરોત્રા છે. આ સંસ્થા ઉત્તર પ્રદેશમાં ડીપીઓઝને પ્રોત્સાહિત કરવાની કામગીરી બજાવી રહી છે.

•  બંગાળ સ્થિત 'સંચાર' એ કમ્યુનિટી બેઝ્ડ રિહેબિલિટેશન ફોરમ (સીબીઆર ફોરમ), બૅંગ્લુરુ માટે ભારતનાં 16 રાજ્યોમાં ડીપીઓ માટે કમ્યુનિટી બેઝ્ડ રિહેબિલિટેશન પરની ક્ષમતા વર્ધન સંસ્થા છે. તેનું એક વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર તથા વસ્તુઓનું એક વેચાણકેન્દ્ર કોલકત્તામાં છે. આ પ્રોજેક્ટ માટે અમે પશ્ચિમ બંગાળમાં 'ડિસેબિલિટી રાઈટ્સ ગ્રુપ' સાથે કામ કર્યું.

• ભાસ્કર મહેતા, નેશનલ ઍસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ (એનએબી)ના ઉપપ્રમુખ છે. અમે ગુજરાતમાં એનએબીની સાબરકાંઠા જિલ્લા શાખા સાથે કામગીરી કરી.

•  નીતા પંચાલ - સેક્રેટરી, ડિસેબિલિટી ઍડવોકસી ગ્રુપ, ગુજરાત.

સાહિત્ય સમીક્ષા અને સંક્ષેપની તૈયારી

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા ઓડી નિષ્ણાતોનો સંપર્ક સાધીને, સંસ્થાકીય વિકાસ (ઓડી) અને પરિસ્થિતિ વિશ્લેષણ તથા ક્ષમતા મૂલ્યાંકનને લગતું સાહિત્ય એકઠું કરવામાં આવ્યું હતું. તાલીમકારોની તાલીમના કાર્યક્રમમાં દરેક ડીપીઓમાંથી પસંદ થયેલા સહભાગીઓ માટે સંદર્ભ-સામગ્રી તરીકે ઉપયોગમાં લેવા માટે પરિસ્થિતિ વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકન પરનાં વર્તમાન ટૂલ્સનો 156 પાનાંનો સાર તૈયાર કરવામાં આવ્યો હતો.

 

ઓડીમાં વપરાયેલાં વિવિધ ટૂલ્સ અંગે વ્યક્તિગત મુલાકાતો અને ઈ-મેઈલના માધ્યમથી ઘણા નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા પણ હાથ ધરાઈ હતી. આ નિષ્ણાતોની યાદી નીચે મુજબ છે:

•  નિહારિકા વોરા, ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), અમદાવાદ

•  ટી. વી. રાવ, એડજન્કટ પ્રૉફેસર, આઈઆઈએમ, અમદાવાદ.

•  રાજેશ ટંડન, પ્રિયા, નવી દિલ્લી

•  કૌસ્તવ કાંતિ બંદોપાધ્યાય, પ્રિયા, નવી દિલ્લી

•  નિવેદિતા કોઠિયાલ, ઈન્સ્ટિટયુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ - ઈરમા, આણંદ

•  યોગેશકુમાર, સમર્થન - સેન્ટર ફોર ડેવલપમેન્ટ, ભોપાલ

•  જીમ્મી ડાભી, બિહેવિયરલ સાયન્સ સેન્ટર (એચડીઆરસી), અમદાવાદ

•  સ્ટિફન્સ, સર્ચ, બૅંગ્લુરુ.

ભાગીદારો અને ઓડી નિષ્ણાતો સાથે પ્રારંભિક કાર્યશિબિર

ફેબ્રુઆરી 14-15, 2013 દરમિયાન અમદાવાદ ખાતે 'ડિસેબલ્ડ પર્સન્સ ઑર્ગેનાઈઝેશન' દ્વારા 'ડેવલપિંગ એક્સેસિબલ ટૂલ્સ ઑન સિચ્યુએશન ઍનાલિસિસ (એસએ) એન્ડ કેપેસિટી એસેસમેન્ટ (સીએ)' પર કાર્યશિબિર યોજાઈ હતી. આ કાર્યશિબિરનો ઉદ્દેશ્ય પરિસ્થિતિ વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકન અંગે નક્કી કરવામાં આવેલાં માળખાં, ટૂલ્સ અને તકનિકોની સુસંગતતા વિશે સામાન્ય સમજ વિક્સાવવાનો હતો. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ તેમના ડીપીઓનું આપમેળે પરિસ્થિતિ વિશ્લેષણ અને સ્વ-ક્ષમતા મૂલ્યાંકન હાથ ધરે તે માટે તેમની સહભાગિતા વધારવાના ઉપાયોની ચર્ચા કરવાનો પણ એક હેતુ હતો. હાજર રહેલા ઓડી નિષ્ણાતોની સલાહના આધારે નક્કી કરવામાં આવેલાં ટૂલ્સની રજૂઆત કરવામાં આવી હતી અને તેના વપરાશ અંગેની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રતિભાવના આધારે તાલીમકારોની તાલીમના સહભાગીઓ માટેની શિક્ષણ-સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. ભાગીદારોનાં સૂચનોના આધારે સહભાગીઓની સગવડ માટે આ સામગ્રીનો બે પ્રાદેશિક ભાષાઓ (ગુજરાતી અને હિંદી)માં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યશિબિરમાં, પરિસ્થિતિ વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકનનાં નક્કી કરવામાં આવેલાં ટૂલ્સનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ટૂલ્સ કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની ચર્ચાઓ પણ થઈ હતી. કાર્યશિબિર, કામગીરીની પદ્ધતિઓની ચર્ચા પર કેન્દ્રિત હતી. કાર્યશિબિરનો એક મુદ્દો એ હતો કે, નવાં ટૂલ્સ વિક્સાવવાં એટલાં જરૂરી નથી, પણ આ પ્રક્રિયાના પરિણામે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સક્રિય સહભાગિતા વધારવા માટે હાલનાં ટૂલ્સમાં સુધારો લાવવો જોઈએ. આ પ્રક્રિયા એ રીતે હાથ ધરવી જોઈએ કે જેથી વિકલાંગતા ક્ષેત્રમાંથી ડીપીઓઝ અને બીપીઓઝ દ્વારા હાથ ધરવામાં આવેલા એસએ અને ઓડીનાં ઉદાહરણો સ્પષ્ટપણે રજૂ કરી શકાય, સ્પષ્ટ રીતે તેનું દસ્તાવેજીકરણ કરી શકાય તથા પગલાં અને સહાયક સૂચનો સાથેની ટૂલકિટના સ્વરૂપમાં તે ઉપલબ્ધ બનાવી શકાય. તેને સંગઠનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને ઓપન ઍક્સેસ તરીકે વૈશ્વિક સ્તરે તેને ઉપલબ્ધ બનાવવામાં આવશે. વળી, તાલીમકારોની તાલીમના પ્રારંભથી ક્ષેત્ર (ફિલ્ડ) કક્ષાએ અને ત્યારબાદ જૂન 2013થી તાલીમમાં ઉપયોગ કરતી વખતે, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સહભાગિતા વધારવા માટેની ભાગીદારો દ્વારા હાથ ધરાયેલી પદ્ધતિઓ અને પગલાંઓનો ફાઈનલ ટુલકિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમ જ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.

અન્ય મહત્ત્વની જાણકારી એ હતી કે ઓડી સાહિત્યમાં વિકલાંગતા પર કોઈ દ્રષ્ટાંતો નથી. તેથી, આ પહેલ પાયારૂ5 છે અને આવાં ઉદાહરણો ઊભાં કરવામાં તે સક્ષમ સાબિત થશે. બીજું, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવનારા લોકોની સહભાગિતા વધારવાનો અને અસરકારક ડીપીઓઝ પ્રસ્થાપિત કરવાનો છે. તેથી, આ પ્રક્રિયા, સંસ્થા વર્ધન (ઈન્સ્ટિટ્યુશન બિલ્ડીંગ) સાથે સંબંધિત છે એમ કહેવું વધુ ઉચિત ગણાશે. આ કિસ્સામાં તે અસરકારક ડીપીઓઝ પ્રસ્થાપિત કરવા સાથે સંબંધિત છે.

આ સંશોધનને માર્ગદર્શન પૂરું પાડવા માટે સંસ્થાકીય વિકાસના નિષ્ણાતોના જૂથની પણ રચના કરવામાં આવી હતી. આ જૂથમાં પ્રૉ. ટી. વી. રાવ (સંલગ્ન પ્રૉફેસર) - આઈઆઈએમ-અમદાવાદ,

પ્રૉ. નિહારિકા વોરા - પ્રૉફેસર, આઈઆઈએમ-અમદાવાદ, ડૉ. રાજેશ ટંડન અને ડૉ. કૌસ્તવ બંદોપાધ્યાય - પ્રિયા, નવી દિલ્લી,

ડૉ. યોગેશકુમાર - સમર્થન સેન્ટર ફોર ડેવલપમેન્ટ સપોર્ટ, ભોપાલ,

ડૉ. હરિશ વશિષ્ઠ - સિનિયર ઓડી કન્સલ્ટન્ટ અને શ્રી બિનોય આચાર્ય - ડિરેક્ટર, ઉન્નતિનો સમાવેશ થાય છે.

ભાગીદારોના ક્ષમતા વર્ધન માટે તાલીમકારોની તાલીમ

સંબંધિત સંગઠનો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સહભાગીઓ માટે બૅંગ્લુરુ ખાતે, 1થી 4 એપ્રિલ દરમિયાન વિકલાંગ વ્યક્તિઓનાં સંગઠનો (ડીપીઓઝ) દ્વારા પરિસ્થિતિ વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકન અંગે ઉપલબ્ધ  થઈ શકે તેવાં ટૂલ્સ વિકસાવવા અંગે તાલીમકારોની તાલીમ યોજાઈ હતી. તાલીમની વિગતવાર રૂપરેખા સિનિયર ઓડી કન્સલ્ટન્ટ્સ સાથેની સલાહના આધારે તૈયાર કરવામાં આવી હતી. આ ઓડી કન્સલ્ટન્ટ્સ આ પહેલ માટેના સલાહકારો છે અને તે પૈકીના કેટલાક કન્સલ્ટન્ટ્સ તાલીમકારોની તાલીમમાં હાજર રહ્યા હતા અને તેમણે અમુક સત્રો પણ લીધાં હતાં. તાલીમકારોની તાલીમના ઉદ્દેશ્યો નીચે મુજબ હતા:

1. પરિસ્થિતિ વિશ્લેષણ અને ક્ષમતા મૂલ્યાંકન વિશે વિવિધ સહભાગિતા ટૂલ્સની સમજ વિક્સાવવી.

2. પરિવર્તનશીલ સંદર્ભમાં ડીપીઓઝ માટે તેની ઉપયોગિતાની સમજ કેળવવી.

3. તમામ પ્રકારની વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે આ ટૂલ્સ પ્રાપ્ય બનાવવા માટેનાં સૂચનો કરવાં.

દરેક સંગઠન/ડીપીઓએ તાલીમકર્તાઓની તાલીમ માટે બે સહભાગીઓ નિયુક્ત કર્યા હતા. આ કાર્યક્રમના તજજ્ઞ વ્યક્તિઓ (રિસોર્સ પર્સન) આ પ્રમાણે છે: શ્રી વેંકટેશ બાલાક્રિષ્ના - સ્થાપક ડિરેક્ટર, એડીડી ઇન્ડિયા, ડૉ. વિક્ટર જ્હોન કોર્ડેરિયો - ર્વલ્ડ બ્લાઈન્ડ યુનિયન, પ્રૉ. નિહારિકા વોરા - આઈઆઈએમ-અમદાવાદ, ડૉ. યોગેશ કુમાર અને શ્રી વેંકટેશપ્રસાદ - સમર્થન, ડૉ. હરિશ વશિષ્ઠ, સિનિયર ઓડી કન્સલ્ટન્ટ, શ્રી બિનોય આચાર્ય - ડિરેક્ટર, ઉન્નતિ અને પ્રોજેક્ટ ટીમ - સુશ્રી દીપા સોનપાલ, સુશ્રી સંદીપા નેલ્સન અને સુશ્રી ગીતા શર્મા (ઉન્નતિમાંથી).

તાલીમકર્તાઓની તાલીમ દરમિયાન ટૂલ્સનું સરળીકરણ કરવાની સાથે-સાથે સહભાગીઓને ફેબ્રુઆરી, 2013માં યોજાયેલી કાર્યશિબિર ખાતે નક્કી કરવામાં આવેલા એસએ અંગેના વિવિધ વપરાશપાત્ર ટૂલ્સની જાણકારી આપવા પર ભાર આપવામાં આવ્યો હતો. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સહભાગિતા વધારવા માટે ક્ષેત્ર કક્ષાએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

ભાગ લેનારાં સંગઠનો પરત ફર્યા બાદ તેમનાં સંગઠનોની સમિતિના સભ્યો સાથે ક્ષેત્ર કક્ષાએ સ્થાનિક ભાષામાં ત્રણ કાર્યશિબિરો હાથ ધરે અને પ્રક્રિયાનું સઘન દસ્તાવેજીકરણ કરે તે અપેક્ષિત હતું:

1.     દ્રષ્ટિકોણનું ઘડતર અને પરિસ્થિતિનું વિશ્લેષણ

2.     અસરકારક સંસ્થાઓ અને ડીપીઓઝનું ઘડતર કરવું

3.     તેમના સંબંધિત ડીપીઓનું સ્વ-ક્ષમતા મૂલ્યાંકન (સીએ)

ઉપરોક્ત પ્રવૃત્તિઓ છ મહિનાના ગાળામાં દરેક ડીપીઓ દ્વારા ઓડીના સહયોગ સાથે તાલીકારોની તાલીમના સહભાગીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તાલીમકારોની તાલીમમાં, અન્ય તજજ્ઞ વ્યક્તિઓ (રિસોર્સ પર્સન) અને ઓડી નિષ્ણાતોની સાથે ડીપીઓઝ/એનજીઓઝમાંથી 17 સહભાગીઓ હતા (દ્રષ્ટિની ખામી ધરાવતા 6 વ્યક્તિઓ, ઓછી દ્રષ્ટિ ધરાવતી એક વ્યક્તિ, મગજનો 5ક્ષાઘાત ધરાવતી એક વ્યક્તિ, લોકોમોટર ડિસેબિલિટી ધરાવતી પાંચ વ્યક્તિઓ અને વિકલાંગતા ન ધરાવતી ચાર વ્યક્તિઓ).

સહભાગીઓને સુવિધાજનક સ્વરૂપોમાં (બ્રેઈલ લિપિમાં, સ્પર્શથી પારખી શકાય તેવી આકૃતિઓ, લખાણની ફાઈલો સિન્થેટિક સ્પીચ સૉફ્ટવેરમાં રૂપાંતરિત થઈ શકે વગેરે) સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. મોટાભાગની સામગ્રી હિંદી અને ગુજરાતી ભાષામાં પણ પૂરી પાડવામાં આવી હતી. વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ કેવી રીતે પ્રક્રિયામાં શિક્ષણ મેળવ્યું અને ભાગ લીધો તેનું નિરીક્ષણ કરવાનો ઓડી સહાયકોએ પ્રયત્ન કર્યો.

ફિલ્ડ લેવલે (ક્ષેત્ર કક્ષાએ) ત્રણ તબક્કાની તાલીમોને સહાય પૂરી પાડવી

તાલીમકારોની તાલીમ બાદ, ફિલ્ડ લેવલે નીચે પ્રમાણે ત્રણ તાલીમો/કાર્યશિબિરો હાથ ધરવા માટે તેમ જ સહાય પૂરી પાડવા માટે દરેક બીપીઓ/ડીપીઓને એક માર્ગદર્શક પૂરા પાડવામાં આવ્યા હતા:

તમામ 8 ભાગીદારોએ નીચે મુદ્દાઓ પર ત્રણ તાલીમો હાથ ધરી હતી:

દ્રષ્ટિકોણ ઘડતર અને પરિસ્થિતિનું વિશ્લેષણ:

આ કાર્યશિબિર/તાલીમના પ્રથમ ભાગમાં વિકલાંગતા વિશેના અભિગમો તથા મૉડલ્સ (જેમ કે દાન, દાક્તરી, સામાજિક અને અધિકાર આધારિત મૉડલ કે અભિગમ)ને આવરી લેવાયાં હતાં તથા અભિગમો વચ્ચેના તફાવતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરેક અભિગમ હેઠળ વિકલાંગ વ્યક્તિને જોવાની લોકોની દ્રષ્૱ટ અને ફિલ્ડ આધારિત દરમિયાનગીરી કરતી વખતે આ અભિગમોના સંયોજનનો ઉપયોગ કરવાની આવશ્યકતા વિશે ચર્ચા કરવામાં આવી હતી. દરેક સહભાગીને અભિગમો પરના ચાર કેસ સ્ટડી તૈયાર કરવામાં મદદ પૂરી પાડવામાં આવી હતી અને કેટલાક ભાગીદારોએ સ્કિટ પણ તૈયાર કરી હતી. કેટલાંક સૅમ્પલની સ્ક્રિપ્ટનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને ટૂલકિટમાં પણ તેને સામેલ કરવામાં આવી છે.

બીજા ભાગમાં, પરિસ્થિતિ વિશ્લેષણ પર, સમાજનો દ્રષ્ટિકોણ કેવો છે અને વિકાસની પ્રક્રિયામાં તે વિકલાંગ વ્યક્તિઓની સામેલગીરીને શા માટે નકારે છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૃક્ષના રૂપક (પ્રૉબ્લેમ ટ્રી ઍનાલિસિસ)નો ઉપયોગ કરીને વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના સામાજિક બહિષ્કારનાં કારણો અને અસરોનું વિશ્લેષણ કરીને તાલીમનો આ બીજો ભાગ હાથ ધરવામાં આવ્યો હતો. સંબંધિત જૂથો સાથેની સલાહ-મસલતના આધારે ભારતમાં વિકલાંગ વ્યક્તિઓના અનુભવો પરથી કેસ સ્ટડી તૈયાર કરવામાં આવ્યા હતા. આ કેસ સ્ટડી સમસ્યાઓમાં થતા રહેતા વધારા પર ભાર મૂકતા હતા. તે સમસ્યાઓ આ પ્રમાણે છે: ગરીબી; જાતિ અને વિકલાંગતાના આધારે ભેદભાવ; વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓમાં તેમના હક્કો અંગેની જાગૃતિનો અભાવ; સમાજમાં વિકલાંગતા વિશેની જાગૃતિનો અભાવ; આરોગ્ય, શિક્ષણ, યોજનાઓ, ન્યાય, માહિતીની પ્રાપ્યતા જેવી મૂળભૂત સેવાઓની મર્યાદિત પહોંચ; મુશ્કેલ સ્વરૂપોમાં મળતી માહિતી. આ રીતે પાંચ કેસ સ્ટડી તૈયાર કરવામાં આવી હતી. દરેક કેસ સ્ટડીમાં લાંબા ગાળાની અસર ઊભી કરવા માટે તથા સમાવેશકતાને વેગ આ5વા માટે, ભેદભાવ પાછળનાં મૂળ કારણોને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમ દરમિયાન બહાર આવેલાં ઉદાહરણોને કેસ સ્ટડીની સાથે ટૂલકિટમાં સામેલ કરવામાં આવ્યાં છે.

કારણો તથા તેની અસરોનું વિશ્લેષણ કર્યા બાદ સહભાગીઓ એક કારણ પસંદ કરીને તેના કારણ અથવા નકારાત્મક અભિગમને હકારાત્મક સ્થિતિમાં રૂપાંતરિત કરવા સક્ષમ થયા હતા. એક ઉદ્દેશ્યને દ્રષ્ટાંતરૂપે લઈએ તો, હિતધારકોની યાદી તૈયાર કરવા માટે હિતધારક-વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું, અને કેટલાક કિસ્સાઓમાં, સમયની પ્રાપ્યતા અનુસાર, ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે નિશ્ચિત હિતધારક પાસે રહેલા પ્રભાવ અને નિયંત્રણના સ્તરનું ત્રણ તબક્કે (તીવ્ર, મધ્યમ, અલ્પ) વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જુદાં જુદાં ક્યાં સ્તરોએ દરમિયાનગીરી જરૂરી છે તેની સમજ મેળવવા સહભાગીઓ સક્ષમ બને તે માટે ગામથી લઈને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આશરે 50-60 હિતધારકોની યાદી નક્કી કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવેલા 50-60 હિતધારકોની યાદીમાંથી કેટલાક હિતધારકોની પસંદગી સહભાગિતાની વ્યૂહરચના ઘડવા માટે કરવામાં આવી હતી. આ પાછળનો ઉદ્દેશ્ય સહભાગીઓને એ સમજાવવાનો હતો કે દરમિયાનગીરીને અસરકારક બનાવવા માટે પૂરતા આયોજન સાથે આવું વિગતવાર વિશ્લેષણ જરૂરી બની રહે છે.

અસરકારક સંસ્થાઓ/ડીપીઓઝ પ્રસ્થાપિત કરવી

આ કાર્યશિબિરમાં સહભાગીઓને સંગઠનના વિવિધ ઘટકો વિશેની માહિતી આપવામાં આવી હતી: ધ્યેય, માળખું, વ્યૂહરચના, માનવ સંસાધનો, કાર્યક્રમો/પ્રવૃત્તિઓ, સંસ્કૃતિ અને આગેવાની. આ પરથી એ જાણી શકાય છે કે, સામાજિક-રાજકીય, આર્થિક સંદર્ભના આધારે સંગઠનનાં ધ્યેય અને વિચારધાર સૌથી મહત્ત્વના ઘટકો છે, કારણ કે તે સંગઠનની રચનાનો હેતુ સ્પષ્ટ કરે છે. ખાસ આ જૂથ માટે તૈયાર કરવામાં આવેલી કેસ સ્ટડીને આધારે વિચારધારા અને ધ્યેયનો તફાવત સમજવવામાં આવ્યો હતો. કેટલીક સંસ્થાઓએ તો સ્ક્રિપ્ટ અને સ્કિટ તૈયાર કરીને તેનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. તેને ટૂલકિટમાં સામેલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ તાલીમમાં નક્કી કરવામાં આવેલાં સામાજિક બહિષ્કારનાં કારણોને ધ્યાનમાં રાખીને જૂથોને તેમના પોતાના ડીપીઓનું કામચલાઉ ધ્યેય/વિચારધારા નક્કી કરવામાં મદદ કરવામાં આવી હતી. કાર્યશિબિર બાદ તેમને જૂથના અન્ય સભ્યો સાથે આ પ્રક્રિયાનું આદન-પ્રદાન કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેના આધારે કેટલાંક ઉદાહરણો તારવવામાં આવ્યાં હતાં અને ટૂલકિટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

સ્વ-ક્ષમતા મૂલ્યાંકન

ત્રીજી કાર્યશિબિર/તાલીમમાં ડીપીઓઝને હાલની વાસ્તવિકતા/પરિસ્થિતિ/પડકારોના સંદર્ભમાં તેમની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના સામાજિક બહિષ્કાર અને પરિસ્થિતિ વિશ્લેષણ પરના પ્રથમ કાર્યશિબિરના વિશ્લેષણને એક આધાર તરીકે જોવામાં આવ્યો. ડીપીઓના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતી બીજી કાર્યશિબિર કે તાલીમમાં દર્શાવવામાં આવેલા વિચારધારા અને ઘ્યેયનો પણ સંદર્ભ આપવામાં આવ્યો હતો. ડીપીઓની સંસ્થાકીય ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે, અગ્રણી ઓડી સ્પેશ્યાલિસ્ટ માર્વિન વિસ્બૉર્ડના સિક્સ બૉક્સ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નીચે જણાવેલાં પાસાંઓ હેઠળ ડીપીઓમાં સુધારો લાવવા માટે શું કરવું જોઈએ તેનું મૂલ્યાંકન કરવા માટે આ મૉડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો: 1. હેતુ, 2. માળખું,  3. સંબંધો, 4. ઉપયોગી વ્યવસ્થા, 5. વળતર અને 6. આગેવાન. જરૂરી વ્યક્તિગત ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે પ્રચલિત માળખાં અનુસાર વિવિધ ઑફિસ બેરરનું જૉબ ઍનાલિસિસ કરવામાં આવ્યું હતું અને આ રીતે તૈયાર થયેલી પ્રોફાઈલનો ઉપયોગ કરવા માટે અને ત્યાર બાદ હાલના ઑફિસ બેરરના કાર્ય દેખાવનું મૂલ્યાંકન કરવાનું અને તે મુજબ વળતર આપવાનું અને નવા ઑફિસ બેરરની ચૂંટણી કરવાનું જૂથોને જણાવવામાં આવ્યું હતું. આવું વિશ્લેષણ ડીપીઓની કાર્યક્ષમતા તથા અસરકારકતા વધારશે તેમ જણાયું હતું.

કાર્યશિબિરો અગાઉ, દરેક ડીપીઓએ દરેક કાર્યશિબિરને મદદ કરવા માટે સત્ર-આયોજનની સાથે વિસ્તૃત તાલીમ રૂપરેખા વિક્સાવવા માટે ઓડી સહાયક સાથે સંકળાઈને કામ કર્યું હતું. આ પ્રક્રિયામાં સહભાગીઓને સાનુકૂળ માળખામાં આપવાની શિક્ષણ-સામગ્રી અને સંબંધિત કેસ સ્ટડી તૈયાર કરવાનો પણ સમાવેશ થતો હતો. કાર્યશિબિર કે તાલીમ હાથ ધરતી વખતે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સહભાગિતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાનું સઘનપણે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સહાય પૂરી પાડવામાં આવી હતી. ટૂલકિટમાં અનુસરવાની પ્રક્રિયા અને તાલીમકારોની નોંધમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રક્રિયા દરમિયાન પ્રકાશમાં આવેલાં ઘણાં ઉદાહરણો પણ ભવિષ્યના સંદર્ભ તરીકે તેમાં સામેલ કરવામાં આવ્યાં છે. ત્રણેય કાર્યશિબિરો/તાલીમો બૌદ્ધિક રીતે જાગૃત કરનારી હતી અને ઘણા સહભાગીઓએ કદી પણ તેમના જીવન પ્રત્યે વિશ્લેષણાત્મક અભિગમ ન અપનાવ્યો હોવાથી તેમના માટે આ શિબિર થકવી નાંખનારી પણ બની રહી હતી. દરેક જૂથ માટે નિયુક્ત કરવામાં આવેલા ઓડી સહાયકોએ ડીપીઓઝ દ્વારા હાથ ધરવામાં આવેલી તમામ તાલીમોમાં હાજરી આપી હતી અને દસ્તાવેજીકરણની પ્રક્રિયામાં મદદ કરી હતી.

8 ભાગીદારો પૈકી દરેકે 3 તાલીમ પૂરી કરી હતી. તાલીમમાં કુલ 160 સહભાગીઓ હતા, જેમાં 104 પુરુષો અને 56 મહિલાઓ હતી (24 વ્યક્તિઓ દ્રષ્ટિની ખામી ધરાવતી હતી, 6 વ્યક્તિઓ આંશિક દ્રષ્ટિ ઘરાવતી હતી, 14 વ્યક્તિઓ સાંભળવાની ખામી ધરાવતી હતી, 6 વ્યક્તિઓને મગજનો પક્ષાઘાત હતો, 84 વ્યક્તિઓ લોકોમોટર ડિસેબિલિટી ધરાવતી હતી, 14 વ્યક્તિઓ અન્ય વિકલાંગતા ધરાવતી હતી અને 12 વ્યક્તિઓ વિકલાંગતા ધરાવતી ન હતી). આમાં સહાયકો અને ઓડી કન્સલ્ટન્ટ્સ સમાવિષ્ટ નથી.

તાલીમકારોની તાલીમના સહભાગીઓ/તાલીમકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા મૉડ્યૂલ્સ પર સઘન પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, સ્થાનિક સંબંધિત સામગ્રી/કેસ સ્ટડી, સ્કિટ વગેરે સ્થાનિક ભાષામાં તૈયાર કરવા માટે પણ મદદ કરવામાં આવી હતી. મહાવરો કરતી વખતે સહભાગીઓને સુસંગતપણે પગલાં રજૂ કરવાં મુશ્કેલ જણાય, ત્યારે સ્પષ્ટતા કરવા માટે કેટલાક ડીપીઓઝ દ્વારા વિક્સાવવામાં આવેલાં મૉડ્યૂલ્સની વહેંચણી કરવામાં આવતી હતી.

વ્યવસ્થા દેખરેખ

પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ પર દેખરેખ રાખવા માટે સલાહકાર સમિતિના સ્વરૂપમાં સંગઠનના વડા, પ્રોજેક્ટ ટીમ અને ઓડી નિષ્ણાતોની બનેલી પ્રૉગ્રામ મેનેજમેન્ટ કમિટી (પીએમસી) રચવામાં આવી હતી. બે પીએમસી મિટિંગ યોજવામાં આવી હતી અને પૂરી પાડવામાં આવનાર સહાયના સ્વરૂ5 અને આગામી તબક્કામાં કાર્યના આયોજનને લગતા નિર્ણયો આ બેઠકોમાં લેવાયા હતા. પ્રારંભિક કાર્યશિબિર સાથે પ્રથમ પીએમસી યોજાઈ હતી અને બીજી પીએમસી મિટિંગ, સહભાગીઓ માટે હાથ ધરાયેલી તાલીમકારોની તાલીમ સાથે યોજાઈ હતી. પીએમસી મિટિંગનો ત્રીજો રાઉન્ડ અનૌપચારિક રીતે, મેઇલ દ્વારા અને રૂબરૂ બેઠક દ્વારા યોજાયો હતો. પ્રોજેક્ટ પિરીયડના અંત ભાગમાં માર્ચ 2014માં શીખી ચૂકેલા પાઠ અંગેની કાર્યશિબિર સાથે ચોથી પીએમસી મિટિંગ યોજાઈ હતી.

શીખી ચૂકેલા પાઠ અંગેની કાર્યશિબિર

શીખી ચૂકેલા પાઠ અંગેની કાર્યશિબિર માર્ચ 11-12, 2014ના રોજ હાથ ધરાઈ હતી. તેમાં જૂથોએ તેમની સામે આવેલા પડકારો વિશેની, શીખી ચૂકેલા પાઠ વિશેની અને સંબંધિત ક્ષેત્રોમાં ડીપીઓઝ દ્વારા કરવામાં આવનારી આગેકૂચ વિશેની વાતોની આપ-લે કરી હતી. ટૂલકિટ સમાવેશક અને આગવી હતી, કારણ કે તેમાં તાલીમકારોને માર્ગદર્શન પૂરું પાડવા માટેની સહાયક નોંધની સાથે પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેનાં તમામ ચરણો સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યાં હતાં. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓના કિસ્સામાં ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતોને પણ તેમાં આવરી લેવાઈ હતી. તકનિકોને એક સમાન કરવા માટે અને વિશ્વભરના અનુભવો ઉમેરવા માટે આ ટૂલ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. વિકલાંગતાના ક્ષેત્રમાંથી ઘણાં દ્રષ્ટાંતો તથા કેસ શોધવામાં આવ્યા છે, જે સંસ્થાકીય વિકાસ અંગેના સાહિત્યના ક્ષેત્રનું મૂલ્ય વધારશે.

સામે આવેલા પડકારો મુખ્યત્વે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિની સ્વૈચ્છિક સામેલગીરીના સ્વરૂપ સાથે જોડાયેલા છે. આ વ્યક્તિઓ સમાવેશકતા માટે સામાજિક અવરોધોનો સામનો કરે છે, અને સાથે જ તેમની ગતિવિધિ પર નિયંત્રણો મૂકી દેતા શારીરિક આવરોધોનો પણ સામનો કરે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓમાં શિક્ષણ અને રોજગારીનું પ્રમાણ ઘણું નીચું હોવાથી ડીપીઓઝને દબાણ જૂથ તરીકે આગળ લાવવા માટે તેમનું અસ્તિત્વ ટકાવી રાખવાની તથા તેમની વૃદ્ધિ માટે સાતત્યપૂર્ણ વ્યૂહરચના ઘડવી જરૂરી છે. ઉપરાંત, સમાજમાંથી થતી તેમની બાદબાકી દૂર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવાની તેમ જ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવવાની જરૂર છે.

વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે અંગ્રેજીમાં સાનુકૂળ લખાણ અને ઑડિયો ફૉર્મેટમાં ટૂલકિટ ઉપલબ્ઘ કરવામાં આવશે. ત્યારબાદ સહભાગીઓ જરૂર પડ્યે સ્થાનિક ભાષામાં ટૂલકિટના ભાગોનું ભાષાંતર કરી શકશે.

સ્ત્રોત: સુશ્રી દીપા સોનપાલ, ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate