રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અંતર્ગત ભારત સરકારે દૃષ્ટિની ક્ષતિ, શ્રવણમંદતા, મંદબુદ્ધિ, શારીરિક અક્ષમતા, શીખવાની અસમર્થતા તથા અન્ય વિવિધ વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાનું સ્વીકાર્યું છે. વિકલાંગ વ્યક્તિઓના (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) અધિનિયમ - ૧૯૯૫ની કલમ ૨૬ (અ) અનુસાર વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ યથાયોગ્ય પર્યાવરણમાં શિક્ષણ પૂરું પાડવાની કાનૂની જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ભારત સરકારે સમગ્ર ભારતમાં સન ૧૯૮૬થી વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓ માટે ‘વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજના IEDC નો અમલ કરેલ હતો. ૨૪ વર્ષના અમલ બાદ સંકલિત શિક્ષણને બીજા તકક્કામાં તબદીલ કરી માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમિલિત શિક્ષણ યોજના (IEDSS)નો અમલ કરેલ છે. સર્વ શિક્ષા અભિયાન (એસએસએ)ની કેન્દ્રીય પુરસ્કૃત યોજનાએ ૨૦૧૦ સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્યાંકને કેન્દ્રસ્થ બાબત બનાવી. આ કાર્યક્રમ હેઠળ ૨૦ લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓની નિશ્ચિત ઓળખ કરેલી છે અને ૬થી ૧૪ વર્ષની વયજૂથના ૧૫ લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં નોંધવામાં આવેલાં છે. આવતાં વર્ષોમાં પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની નોંધણીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા હોવાથી માધ્યમિક શિક્ષણની માંગમાં વધારો થશે. જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓન એજ્યુકેશન (CABE જૂન - ૨૦૦૫)નો અહેવાલ માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણની ભલામણ કરે છે. સાર્વત્રિક માધ્યમિક શિક્ષણનો સિદ્ધાંત સમાનતા, સામાજિક ન્યાય, સાર્વત્રિક પહોંચ તેમજ વિકાસને અભ્યાસક્રમલક્ષી બાબત બનાવવા પર ભાર મૂકે છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક કક્ષાએ વિકલાંગ વિદ્યાર્થીઓને સમર્થન અપાતું હોવાને કારણે માધ્યમિક તબક્કે વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની યોજના દાખલ કરવી એ ઇચ્છનીય છે. ગુજરાત રાજ્યમાં અમલી વિકલાંગતા ધરાવતાં બાળકો માટેની IEDSS યોજના હેઠળ વિવિધ પ્રકારે વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પુનર્વસન તેમજ અન્ય સવલતો આપવા માટે બિન સરકારી સંગઠનો (NGO) કાર્યરત છે. પુનર્વસન ક્ષેત્રે સન (૧૯૮૬-૮૭)થી કાર્યરત બિનસરકારી સંગઠનો બહોળો અનુભવ ધરાવે છે તથા યોજનાના સચોટ અમલીકરણ અંગે ઉમદા ઉદાહરણ પૂરું પાડી શકે તેમ છે.
વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજનાના માળખારૂપે સંકલિત શિક્ષણ એકમની સ્થાપના શિક્ષણ વિભાગ દ્વારા સન ૧૯૯૨માં થઈ હતી. ૧, સપ્ટેમ્બર ૧૯૯૮થી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીમાંથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાં તબદીલ કરવામાં આવી. વર્ષ ૨૦૦૯માં જૂની યોજના (IEDC)ને બીજા તબક્કાની નવી યોજનામાં તબદીલ કરતાં જૂનાં સંકલિત શિક્ષણ એકમને નવા માળખારૂપે માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમિલિત શિક્ષણ યોજના (IEDSS સેલ) પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
સંમિલિત શિક્ષણ એટલે જુદા જુદા પ્રકારની વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓ પોતાના ઘરથી નજીકની શાળામાં પોતાના માતા-પિતા કે વાલી રહેતા હોય તે વિસ્તારની નજીકની સામાન્ય શાળામાં, સામાન્ય બાળકો સાથે, સામાન્ય શિક્ષક અને વિશિષ્ટ શિક્ષકના સંકલનથી શિક્ષણ મેળવી શકે તે હેતુથી તેમને સક્ષમ બનાવવાની વ્યવસ્થા.
જુદી જુદી વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવો તથા ચાર વર્ષની માધ્યમિક શાળા (ધોરણ ૯ થી ૧૨)નું શિક્ષણ લેવાની તક પૂરી પાડવી.
આ યોજનામાં પ્રાથમિક શાળાઓમાંથી બહાર પડતા તમામ ૧૪ વર્ષની વયના વિદ્યાર્થીઓ અને ૧૪ + થી ૧૮ + વયજૂથ (ધોરણ ૯ થી ૧૨)માં સરકારી, સ્થાનિક સંસ્થાની અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં માધ્યમિક તબક્કામાં અભ્યાસ કરતાં અને વિકલાંગ વ્યક્તિઓનો ધારો - ૧૯૯૫ અને રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારો - ૧૯૯૯ હેઠળ વ્યાખ્યા આપ્યા મુજબની એક અથવા વધુ વિકલાંગતા ધરાવતાં તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાશે, અર્થાત્...
અને પ્રસંગોપાત રીતે (૧) વાણી ક્ષતિ અને (૨) શીખવાની અસમર્થતા ધરાવતાં બાળકોને આવરી શકાશે.
વિકલાંગ વિદ્યાર્થિનીઓ માટે ખાસ ધ્યાન આપવામાં આવશે અને આ યોજના હેઠળ તેઓને માધ્યમિક શાળાનું શિક્ષણ મળે તેમ જ તેઓની સંભવિત સુષુપ્ત શક્તિઓને વિકસાવવા માટે માહિતી તથા માર્ગદર્શન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. વિકલાંગ બાળાઓને માધ્યમિક શિક્ષણ મેળવવાના પ્રોત્સાહનરૂપે માસિક રૂ. ૨૦૦/-નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
૪૦% કે તેથી વધુ વિકલાંગતા, દષ્ટિહીનતા, અલ્પદષ્ટિ, મૂકબધિર અને મંદબુદ્ધિની અસર ધરાવતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ શિક્ષકો મારફત સંમિલિત શિક્ષણનું કાર્ય IEDSS - RMSA કચેરી દ્વારા કરવામાં આવે છે.
ગુજરાતની પ૩ જેટલી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરકારની સહાયથી અંદાજે ૧૦ હજાર વિકલાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ-સાધન-સામગ્રીનો લાભ મેળવી રહ્યાં છે. આ અંગે વિકલાંગ બાળકોના વાલીઓને વધુ માર્ગદર્શનની આવશ્યકતા હોય. વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક સાધવા વિનંતી.
જે તે જિલ્લામાં આવેલી જિલ્લા શિક્ષણ અને અધિકારીની કચેરીમાં કાર્યરત ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટરIEDSS
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની કચેરીમાં કાર્યરત IEDSS સેલ
સેક્ટર-૧૨, સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર, કેમ્પસ. ગાંધીનગર. ફોન : (૦૭૯) ૨૩૨૪૨૭૯૨-૯૩
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/11/2020