આજની પરિસ્થિતિ જોઈએ તો કોર્ટમાં કેસ લડતાં લડતાં મહિલાઓ થાકી જાય છે અને ન્યાયની લડાઈ પૂરી થતાં પહેલાં છોડી દે છે. મહિલાઓને ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળી રહે તે માટે તેણે વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ.
આ પ્રથા મહિલાઓને ખાસ ઉપયોગી થઈ શકે છે જેઓને કૌટુંબિક તકરારો હોય છે, લગ્ન અંગેની તકરાર હોય છે અને ખાસ કરીને જ્યાં લગ્નને લગતાં પ્રશ્નોમાં બાળકોનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. આવી તકરારના બે પક્ષકારોને જ્યારે વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રમાં કોઈ મધ્યસ્થી જેને 'મીડિયેટર' કહેવામાં આવે છે તેની પાસે મોકલવામાં આવે તો તેમને કેસનાં બધાં જ પાસાં સમજાવીને એ કેસનો નિવેડો ત્વરિત લાવી શકાય છે. પક્ષકારો જ્યારે સામસામે બેસીને પોતાના મનની વાત રજૂ કરે છે અને મધ્યસ્થી જ્યારે તેમને સમજાવે છે ત્યારે ઘણી વાર પક્ષકારો સરળતાથી સમજીને સમાધાન કરી લેતા હોય છે. આ વ્યવસ્થામાં વાતાવરણ હળવું હોય છે અને બંને પક્ષકારોને પોતાની બધી જ રજૂઆતો સામસામે કરવાની અને યોગ્ય લાગે તો બાંધછોડ કરવાની તેમજ બંનેને એ સમાધાનથી સંતોષ મળે તો જ કેસનો અંત લાવી શકે છે. જો તમને મધ્યસ્થી જે કહે કે સમજાવે તે અનુકૂળ ન આવે તો કોર્ટમાં જવા માટે રસ્તો ખુલ્લો જ હોય છે. આ વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રો કોર્ટના પ્રાંગણમાં જ હોય છે અને કોઈ પણ વ્યક્તિ આ વ્યવસ્થાનો લાભ થઈ શકે છે. આ પ્રથાને આજના સમયમાં વિકસાવવી ખૂબ આવશ્યક છે અને સરકાર પણ આ સંદર્ભે ખૂબ પ્રયત્નશીલ છે. દરેક કોર્ટમાં વૈકલ્પિક તકરાર નિવારણ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે જ્યાં પક્ષકારો જઈ શકે છે. તેમના પ્રશ્નો અને કેસનું નિવારણ આવે તે માટે સમાધાનની પ્રક્રિયા કોઈ મધ્યસ્થી અથવા ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે.
વૈકલ્પિક તકરાર નિવારણ દ્વારા સમસ્યાનો ઉકેલ ઝડપથી આવતો હોય છે અને ખર્ચની પણ બચત થતી હોય છે. આ વૈકલ્પિક વ્યવસ્થામાં જે મધ્યસ્થી હોય છે તે તકરારના ક્ષેત્રના નિષ્ણાત હોય છે અને સમસ્યાને વધુ સારી રીતે સમજી તેનો સારો અને સરળ રીતે નિવેડો લાવવા કાર્ય કરતા હોય છે. દરેક મહિલાએ જેને કોઈ કેસનો ઉકેલ લાવવો હોય તો તેમણે આ 'મિડિએશન' પ્રક્રિયાનો લાભ લેવો જોઈએ.
ડો. અમી યાજ્ઞિક (લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.), લો ફોર લેડીઝ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020