অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહિલા અને દહેજને કારણે થતું મૃત્યુ

મહિલા અને દહેજને કારણે થતું મૃત્યુ

દહેજ પ્રથાને રોકવા માટે દહેજ પ્રતિબંધક કાયદો ઘડવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયેલી આ પ્રથા જેમાં દહેજની માંગણી અને તે પછી ઘણીવાર જેના લીધે મૃત્યુ પણ થઈ જાય છે એવી આ પ્રથારોકવા અને મહિલાને સુરક્ષા મળી રહે તે માટે દહેજ પ્રતિબંધક ધારો ઘડવામાં આવ્યો છે.

૧૯૬૧માં દહેજ આપવાની કે લેવાની સામાજિક પ્રથા પર પ્રતિબંધ મૂક્તો “દહેજ પ્રતિબંધક અધિનિયમ” (Dowry Prohibition Act, ૧૯૬૧) ઘડવામાં આવેલો. તે પછી કાયદાની પરિસ્થિતિ અનુસાર ફેરફારો કરવાનું જરૂરી લાગતાં ૧૯૮૪માં તેને સુધારવામાં આવ્યો અને કાયદા નીચે દહેજની માંગણી કરનાર, તે આપનાર અને લેનારને ગુનેગાર ઠરાવી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી.

દહેજ પ્રતિબંધક ધારા નીચે દહેજની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર દહેજ એટલે લગ્નમાં એક પક્ષકારે બીજા પક્ષકારને અથવા બંને પક્ષકારો પૈકી કોઈ પક્ષકારને અથવા બીજી કોઈપણ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલાં કે પછી કોઈ સમયે સદરહું પક્ષકારોના લગ્ન સંબંધી સીધી અથવા આડકતરી રીતે આપેલ અથવા આપવાનું કબૂલ કરેલ હોઈ મિલકત અથવા કીમતી જામીનગીરી. એ જાણવું જરૂરી છે કે મુસ્લિમ પર્સનલ કાયદા મુજબ દહેજની વ્યાખ્યામાં મહેરનો સમાવેશ થતો નથી.

દહેજ અધિનિયમ પ્રમાણે જો કોઈપણ વ્યક્તિ દહેજ આપે કે તે આપવાનું કે લેવાનું દુષ્પ્રેરણ કરે તો તેને ઓછામાં ઓછી છ માસની અને વધુમાં વધુ પાંચ વર્ષની અને પંદર હજાર રૂપિયા દંડ અથવા દહેજની કિંમત જેટલી રકમ બેમાંથી જે વધુ હોય તેટલા દંડની શિક્ષાને પાત્ર થશે. આ કાયદામાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે જો કોઈ દહેજ અંગેના કેસમાં અદાલતને ગુનાની ગંભીરતા ઓછી દેખાય તો અદાલત ચુકાદામાં પૂરતા અને ખાસ કારણોની નોંધ કરીને પાંચ વર્ષથી ઓછી મુદતની સજા કરી શકે છે. આ કાયદામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે લગ્ન પ્રસંગે નવવધૂ કે વરરાજાને આપવામાં આવતી ભેટસોગદો એટલે કે લગ્ન પ્રસંગે કોઈ માંગણી કરવામાં આવી હોય તે સિવાયની ભેટસોગાદ જે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો અનુસાર હોય તો તેને દહેજ કહી શકાશે નહીં. આ માટે આ ધારા અન્વયે કરેલા નિયમો અનુસાર હોય તો તેને દહેજ કહી શકાશે નહીં. આ માટે આ ધારા અન્વયે કરેલા નિયમો પ્રમાણે એક અલગ યાદીમાં ભેટસોગાદો નોંધવી જોઈએ. એ પણ જરૂરી છે કે આવી ભેટ સોગાદો નવવધૂ કે તેની કોઈ સગી વ્યક્તિ કે તેના વતી આવી હોય ત્યારે આ ભેટસોગાદો રિવાજના પ્રકારની હોવી જોઈએ અને તેની કિંમત જેણે અથવા જેના વતી આપી હોય તે વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ તે પ્રમાણે લેવી જોઈએ.

દહેજ અધિનિયમ નીચે દહેજ માંગવા માટે શિક્ષાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે પ્રમાણે કોઈપણ વ્યક્તિ, પ્રસંગ પ્રમાણે નવવધૂ અથવા વરરાજાના મા-બાપ અથવા બીજા સગાં પાસેથી સીધી કે આડકતરી રીતે દહેજની માંગણી કરે તો તે વ્યક્તિને છ માસ કરતાં ઓછી ન હોય તેટલી પણ બે વર્ષ સુધીની કેદની અને દસ હાજર રૂપિયા સુધીના દંડની શિક્ષા થઈ શકશે. આ ગુનાની જાણ પોલીસ સ્ટેશને અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દ્વારા થઈ શકે છે. આ ગુનાની જાણ નારાજ થયેલ વ્યક્તિ અથવા આવી વ્યક્તિના માતા-પિતા કે બીજા કોઈ સગાં અથવા માનવકલ્યાણ સંસ્થા અદાલતને કરી શકે છે. આ ધારાની જોગવાઈઓનું પાલન બરાબર થાય છે, દહેજના ગુનાને અટકાવવાનું અને ગુનો કરતી વ્યક્તિ વિશે ફરિયાદ કરવા માટે જરૂરી પુરાવા એકઠા કરવાની સત્તા રાજ્ય સરકારે નીમેલા દહેજ પ્રતિબંધક અધિકારીઓની છે. આમ દહેજ અંગેનો કાયદો છે, સમાજમાં તે અંગેની જાગૃતિ છે દહેજના ગુનાને ડામવા માટે જરૂરી માળખું પણ ગોઠવાયેલું છે, પરંતુ દહેજનું દૂષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. આ દૂષણે સ્ત્રીઓને મૃત્યુનાં મુખમાં પણ ધકેલી દીધી છે. દહેજના કારણે સ્ત્રીઓનાં અપમૃત્યુની સંખ્યામાં સખત વધારો થયો છે. છેલ્લા અઢી દાયકાથી આના લીધે સામાજિક સમસ્યાઓ વધી છે. આથી ૧૯૮૬માં ભારતીય ફોજદારી ધારામાં દહેજ મૃત્યુની કલમ ૩૦૪(બી) ઉમેરવામાં આવી. આ કલમને અનુરૂપ ૧૧૩(બી) નો પણ ૧૯૮૬માં  ઉમેરો કરી આ ગુનાને સખત શિક્ષાને પાત્ર બનાવ્યો, પણ અપમૃત્યુનો આંકડો વધતો જ જાય છે.

સ્ત્રોત: ડો. અમી યાજ્ઞિક, લો ફોર લેડિઝ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate