રાજયની છેવાડાના ગામની મહિલાઓની સામાજિક, આર્થિક તેમજ કાનૂની સમસ્યાઓ અને તેને સંલગ્ન બાબતોમાં સ્થાનીક સ્તરે એક જ સ્થળેથી માર્ગદર્શન અને જરૂર જણાયે સહાય પુરી પાડવાના હેતુથી રાજયમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરે ૨૬૦ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, તેમજ આ તમામ કેન્દ્રોને સેટેલાઇટ માધ્યમથી બાયસેગ દ્વારા જોડીને સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશકિતકરણ માટે અમલી પ્રવૃતિઓ અંગે વધુ ને વધુ મહિલાઓને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.
૧) સમાજમાં દુખી અને સામાજીક તેમજ આર્થિક રીતે સહાય વિનાની મહિલાઓને આશ્રય તેમજ જીવન જરૂરીયાતની પ્રાથમીક સેવાઓ પૂરી પાડવા કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયત્નથી (૨૫% રાજય સરકાર) સ્વધારગૃહ યોજના એપ્રિલ ૨૦૧૨થી અમલી બનાવવામાં આવેલ છે.
આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સ્વધાર અને શોર્ટ સ્ટે હોમ યોજના અમલી હતી, જેને એક કરી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે, જે અંતર્ગત જરૂરમંદ મહિલાઓ ને આ આશ્રયગૃહોમાં આશ્રયની સાથે ખોરાક, વસ્ત્રો તેમજ તબીબી સારવાર જેવી પ્રાથમિ સેવાઓ આપવામાં આવશે.
મહિલા વિકાસ ક્ષેત્રે ગુજરાતમાં ઉમદા કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહિલા કાર્યકરોની કામગીરીને બિરદાવવા તેમજ મહિલાઓના વિકાસના ક્ષેત્રે વધુને વધુ કાર્યકરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇને મહિલાઓના સશકિતકરણ અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ બને તે બાબતને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક મહિલા કાર્યકર-વ્યકિતગત તેમજ મહિલા સ્વૈચ્છિક સંસ્થાને ''ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર‘‘ એવોર્ડ આપવામાં આવે છે.
એવોર્ડ અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાને રૂા.૧.૦૦/- લાખ અને મહિલા કાર્યકરને રૂા.૫૦.૦૦૦/- પ્રોત્સાહક રકમ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૦-૧૧નો એક - વ્યકિતગત તેમજ એક-સામાજિક સંસ્થાને શ્રેષ્ઠ મહિલા પુરસ્કાર આપવામાં આવેલ છે.
ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫નું અમલીકરણ કરવામાં આવેલ છે. આ અધિનિયમના અસરકારક અમલીકરણ માટે રાજય સરકાર દ્વારા આવશ્યક માળખાઓની રચના કરવામાં આવેલ છે. આ અધિનિયમના અમલીકરણ માટે જિલ્લા સ્તરે કાર્યરત ૨૬ સમાજ સુરક્ષા અધિકારીશ્રી (૨૬) તેમજ ૧૮ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીઓને રક્ષણ અધિકારીની વધારાની
કામગીરી સોપવામાં આવેલ છે, તથા રાજય સરકાર દ્વારા આ હેતુ માટે ૨૪૭ સેવા આપનાર સંસ્થાઓ, ૨૦ આશ્રયગૃહો, ૫૯ તબીબી સેવાઓ ને કાયદા અંતર્ગતની સેવાઓ આપવા જાહેર કરવામાં આવેલ છે.
કાયદાના અસરકારક અમલીકરણ માટે કાયદા અંતર્ગતના તમામ અમલકર્તા રક્ષણ અધિકારીશ્રી, સેવા આપનાર સંસ્થા, આશ્રયગૃહ, પોલીસતંત્ર તેમજ ન્યાયપાલીકાની તાલીમો (૧૧ તાલીમો), અનુભવોની આપ-લે તેમજ પિડીત મહિલાઓ સાથે સંવાદ યોજી અમલીકરણતંત્રને વધુ કાર્યદક્ષ બનાવવામાં આવેલ છે.
ઘરેલુ હિંસા અધિનિયમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૧૪૦૦૦ માહિતી પુસ્તિકા, ૨૦૦૦ પોસ્ટરો તથા સ્ટીકરના સેટ તૈયાર કરી વિવિધ હિત ધારકો, અમલકર્તા તેમજ સ્વૈ. સંસ્થાઓમાં વિતરણ કરવામાં આવેલ. રાજયના તમામ જિલ્લાઓમાં ૨૬૮ જાહેર સ્થળો એ હોર્ડિગ અને ૪૮૮૫ એસટી બસો દ્વારા અધિનિયમના બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવેલ છે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020