નાની ઉમરે લાડુબહેનના લગ્ન ભાવનગર જીલ્લાના કુડા ગામમાં રહેતા રૈયાભાઇ ફાંફાભાઇ ગોહેલના બીજા નંબરના દીકરા ભોપાભાઇ સાથે થયા હતા.લાડુબહેન તેમના સાસુ— સસરા,એક જેઠ, બે દિયરો ને એક નણંદ અને તેમના બાળકો સાથેના સંયુકત પરિવારમાં રહેતા હતા. લાડુબહેનના સસરા એક નાના ખેડુત ખાતેદાર હતા. આથી આટલા મોટા પરિવારનું આટલી નાની જમીન પરની ખેતીના આધારે ગુજરાન ચલાવવું અઘરું હતું. આથી બહેનના પતિ ઘરની ખેતી ઉપરાંત પોતાના અને આજુબાજુના ગામોના કૂવા ગાળવાનું કામ પણ કરતા હતા.તા. ૬ જૂન,૧૯૮૧ ની વાત છે એકવાર ઘરની ખેતીમાં કામ નહીં હોવાથી ભોપાભાઇ ગામનો એક કૂવો ગાળવા ગયા.જે કરતાં કરતાં કુદરતી રીતે જ એક એવો અકસ્માત્ થયો કે તેમનું ઘટના સ્થળે જ મરણ થયું.આ સમયે લાડુબહેનને બે નાની દીકરીઓ હતી અને તેઓ બીજીવાર સગર્ભા હતા. વળી તેના બીજે જ વર્ષે એટલે કે મે, ૧૯૮૨ માં તેમના સસરા રૈયાભાઇનું પણ કુદરતી રીતે મૃત્યુ થયંુ. આમ એક જ વરસના સમયગાળામાં પતિ અને સસરાને ગુમાવતા બહેન પર તો આભ તૂટી પડયું ટૂંક સમયમાં પતિ અને કુટુંબના મોભી એવા સસરાના અવસાન થવાના કારણે ઘરમાં વિખવાદ શરૂ થયો, આ જ અરસામાં લાડુબહેને ત્રીજી દીકરીને જ્ન્મ આપતાં તેમના જેઠ—જેઠાણી અને દિયરોને થયું કે લાડુબેનને વારસદાર તરીકે માત્રને માત્ર પુત્રીઓ જ છે, દીકરો નથી એટલે તેમને કુટુંબની જમીન અને મિલકતમાં ભાગ આપવાની જરૂર નથી. જો બહેન તેમના જેઠનો દિકરો ખોળે બેસાડે તો જ તેમના દીકરાના નામે ભાગે પડતી જમીન અને મિલકત કરવી અને જો તે આમ કરવાને તૈયાર ન થાય તો તેમને હેરાન કરવાં અને સાસરીમાંથી કાઢી મૂકવાં.આ વાતે બહેન સંમત ન થતાં તેમના સાસરીવાળાંઓએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું જે સહન ન થતાં લાડુબેન તેમની ત્રણ દીકરીઓને લઇને પોતાના પિયર પાણીયાળી,તા.તળાજા,જિ.ભાવનગર ગામે જતા રહ્યાં અને ત્યાં મા—બાપ સાથે રહી પંદર વર્ષ સુધી મજુરી કરી દીકરીઓને મોટી કરી.આ અરસામાં તેમની મોટી દિકરી પરણવા લાયક થતાં તેના લગ્નપ્રસંગનો પ્રશ્ન ઊભો થયો.આથી લાડુબેનને તેમના સાસરામાં રહેલ તેમના અને તેમની દીકરીઓના ભાગની મિલ્કત બાબતે તપાસ કરતાં જાણ્યું કે, તેમના જેઠ—દિયરોએ તેમના સસરાના અવસાન બાદ વારસાઇ માટે ગ્રામપંચાયતમાં જે અરજી કરી હતી તેમાં તેના સસરા રૈયાભાઇને વારસામાં માત્ર ત્રણ પુત્ર , અને એક પુત્રી અને વિધવા પત્ની છે તેમ જ બતાવ્યું હતું જ્યારે બીજા નંબરના પુત્ર ભોપાભાઇના વિધવા પત્ની લાડુબેન કે તેમની ત્રણ સગીર વયની પુત્રીઓ નામનો બિલકુલ ઉલ્લેખ જ કર્યો નહોતો. આમ, ખોટા વારસાઇ હકકના કાગળો તૈયાર કરી વારસાઇ એન્ટ્રી મંજુર કરાવી લીધી હતી.
સન્ ૧૯૯૯માં લાડુબેનને આ વાતની જાણ થતાં તેમણે ગ્રામ પંચાયતમાં આ બાબતે તપાસ કરી તો જાણ્યું કે વારસદાર તરીકે લાડુબહેન અને તેમની પુત્રીઓનું નામ નથી અને સ્થળ ઉપર પણ તેમણે મિલ્કત આપવાની ના પાડી દીધી હતી.પરંતુ સમાજના અને સગા—સબંધીઓના દબાણના કારણે તેમના સાસરીવાળાંઓએ જમીન,મકાન અને અન્ય મિલકતનો ૨૦ રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી તેની વહેચણી કરી અને બહેન અને તેમની દીકરીઓના ભાગની મિલકતોની કબ્જો તેમને સોંપવામાં આવ્યો.પરંતુ તેમના જેઠ—દિયરની મુરાદ મેલી હોવાથી તેઓએે એવું નકકી કર્યું કે લાડુબેન જીવે ત્યાં સુધી તેમને માત્ર તેમના ભાગની મિલકત પરનો કબ્જો આપવો પણ તેમને કાયદેસરનો હકક આપવો નહીં.
ત્યારબાદ લાડુબેનને ખ્યાલ આવ્યો કે મને સ્થળ ઉપર ભલે કબ્જો આપી દીધો હોય પરંતુ પેપર ઉપર હકક ન આપે ત્યાં સુધી ખરેખર અમે સાસરીની મિલકતની હકદાર ન કહેવાઇએ. તેણે દિવસથી લાડુબહેને દ્દઢ નિશ્ચય કરી લીધો કે,કંઇ પણ થાય પણ હું મારો વારસાઇ હક મેળવીને જ રહીશ.જો કે તેઓ હવે વૃધ્ધાઅવસ્થાએ પહોચી ગયાં છે તો પણ તેમણે ઉત્થાન સંસ્થા અને તેના તેના સહકારથી ચાલતા સમર્થન મહિલા સંગઠન ને સામાજીક ન્યાય કેન્દ્રના વકીલની મદદથી હિંમતપૂર્વક પોતાના અધિકાર અને ન્યાય મેળવવા માટેના સઘન પ્રયાસો શરૂ અને તેમને કરી દીધાં.કાયદેસરની કાર્યવાહી શરૂ થતાં મુદતો પર મુદતો પડવા લાગી.આ દરમિયાન લાડુબહેનના નજીકના કુંટુંબીજનો દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે,લાડુબહેન સ્વ.ભોપાભાઇના કાયેદસરના વિઘવા પત્ની છે અને તેમને ત્રણ દીકરીઓ છે જેનો અમને ખ્યાલ છે આવા ઘણા પુરાવાઓ રજૂ કર્યા બાદ આખરે તા.૩૦ જૂન,૨૦૦૮ ના રોજ કોર્ટ દ્વારા એ આખરી નિર્ણય જાહેર કરાયો કે સન્ ૧૯૮૨ માં કરવામાં આવેલી વારસાઇ એન્ટ્રીમાં લાડુબેન અને તેમની ત્રણ દિકરીઓના નામ જાણી—બુઝીને ન ચડાવતાં બાકાત રાખેલ તે એન્ટ્રી રદ કરવા તથા રેકોર્ડ ઓફ રાઇટસના ધોરણે ભોપાભાઇ રૈયાભાઇ ના સીઘી લીટીના વારસદાર તરીકે લાડુબહેન અને તેમની ત્રણ દીકરીઓના નામો વારસદાર તરીકે ઉમેરવા માટેનો હુકમ કરેલ આવો ન્યાય મળતાં વારસાઇ હક માટે ૨૭ વર્ષથી લડત આપતા લાડુબેન, સામાજિક ન્યાય કેન્દ્રના વકીલશ્રી તથા ઉત્થાન સંસ્થા અને સમર્થન મહિલા સંગઠનના બહેનો એ હર્ષની લાગણી અનુભવી....
આખરે લાડુબહેન તેમનો વારસાઇ હક મેળવીને જ રહ્યાં
સ્ત્રોત: ઉત્થાન ટિમ