অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાડકાં-સાંધાની સમસ્યાઓમાં અખતરા નહીં સારવારને પ્રાધાન્ય આપો

હાડકાં-સાંધાની સમસ્યાઓમાં અખતરા નહીં સારવારને પ્રાધાન્ય આપો
ઓર્થોપૅડિક અર્થાત હાડકાં-સાંધાની સમસ્યાઓને લગતો વિષય. આ એક એવું વિજ્ઞાન છે જે આપણાં શરીરના અસ્થિ-મજ્જાતંત્રની અનેક સમસ્યાઓમાં સચોટ સારવાર કરી તેની કામગીરીને યથાવત રાખે છે. પ્રાચીન સમયમાં પણ ઘણાં રોગો અને સમસ્યાઓ હતી જેના વિકલ્પ તરીકે ઓર્થોપૅડિક શાખા અસ્તિત્વમાં આવી. વિકાસના પહેલુઓની વાત કરીએ તો, જણાશે કે ઓર્થોપૅડિકની અનેક સમસ્યાઓમાં વિજ્ઞાનની આ શાખાએ છેલ્લા 60 વર્ષમાં પ્રગતિની હરણફાળ ભરી છે. 60 વર્ષ અગાઉ થયેલાં જોઈન્ટ રિપ્લેસમેન્ટના પહેલાં ઈમ્પલાન્ટ પછી આજે સર્જરીના ક્ષેત્રમાં અત્યાધુનિક રોબોટ આસિસ્ટેડ સર્જરીઝ પણ ઉપલબ્ધ છે. સર્જરીની અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે નોન-સર્જિકલ વિકલ્પો પણ એટલીજ વૈવિધ્યતા અને લાભો સહિત ઉપલબ્ધ છે.
દુર્ભાગ્યવશ આપણી લાઈફ-સ્ટાઈલ અને આદતોમાં ખોટા ફેરબદલને કારણે આપણાં સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો થાય છે. શરીરના હાડકાં, સાંધા અને સ્નાયુઓને નુકસાન થાય છે અને રોગમાં વધારો થાય છે. આ સિવાય પણ લોકોને વ્યાપક રીતે હાઈ બીપી, ડાયબીટીઝ, ઓબેસીટી, હૃદયરોગ જેવી અનેક સમસ્યાઓ થઈ રહી છે. જીવનધોરણના આ પરિવર્તનોને કારણે આજે માનવીને તેની યુવાવસ્થામાં જ હાંડકા-સાંધાની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

હાડકાં-સાંધા અને સ્નાયુઓની સમસ્યાઓને લગતા કારણો

હાડકાં-સાંધા અને સ્નાયુઓની સમસ્યાઓને લગતા કારણો જોઈએ તો,

 • બેઠાડું જીવન – દૈનિક જીવનમાં પ્રવૃત્તિનો અભાવ, ઘરની કામગીરીમાં નહિવત સહયોગ, ચાલવાને બદલે મહત્તમ વાહનોનો ઉપયોગ
 • આઉટડર ગેમ્સ કે પ્રવૃત્તિમાં ઓછો રસ
 • આહાર-વિહારમાં પરિવર્તન – ફાસ્ટફૂડ અને પ્રિર્ઝવ્ડ ફૂડનો વધારે ઉપયોગ કરવાથી નુકસાન થાય છે.  ફળો, કઠોળ, લીલા શાકભાજી, ડ્રાયફ્રુટ્સનો ઓછો ઉપયોગ હાંડકા-સાંધાની સમસ્યાનું કારણ બને છે
 • વધુ વજન કે મેદસ્વીતા- ઉપરોક્ત ત્રણેય કારણોને લીધે વ્યક્તિનું વજન વધે છે, જે મેદસ્વીતાનું મોટુ પરિબળ છે.  સાંધા સંબંધિત સમસ્યાઓને વધારવામાં મેદસ્વીતા એક મોટું કારણ છે

હવે, પ્રશ્ન એ થાય કે આવી સમસ્યાઓ માંથી બચવા અને સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ ?

આહારમાં નિયમન

 • આહારમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે તે અનુસાર કઠોળ, સિરિયલ્સ અને નટ્સ વિગેરેનો સમાવેશ કરવો જોઈએ
 • હાઈ મિનરલ્સ ફૂડ જેમાં સીડ્સ, ફળો, લીલા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટો સમન્વિત હોય તેવો આહાર લેવો જોઈએ
 • જેમાંથી વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ મળી રહે તેવો આહાર, ફળો તથા શાકભાજી લેવા જોઈએ
 • બાહ્ય પ્રવૃત્તિઓ અને રમતગમતમાં ભાગ લેવો – ફુટબોલ, વોલીબોલ, દોડવું, સ્વિમિંગ, કસરત કરવી વિગેરે જેવી રમતગમત અને બાહ્ય પ્રવૃત્તિઓમાં મહત્તમ ભાગ લેવો જોઈએ
 • યોગાસન અને પ્રાણાયામ વિગેરે નિયમિત કરવાથી શરીરની લચકતા અને સ્નાયુઓની કસરત વિગેરે થવાથી શરીરનું સંતુલન યોગ્ય રહે છે.

હાડકાં-સાંધાની સમસ્યાઓ કેવા સંજોગોમાં થઈ શકે અને તેનાથી થતું નુકસાન

 • ટ્રૉમા / એક્સિડેન્ટ - અકસ્માત કે ગંભીર ઈજાને કારણે હાંડકામાં ફેક્ચર કે સ્નાયુઓને ગંભીર નુકસાન પણ થાય છે, જે યોગ્ય ઉપચાર, આરામ, સુશ્રુષા અને જરૂર પડે તો સર્જરીના વિકલ્પથી નિવારવામાં આવે છે
 • સંધિવા – ગાઉટ, રૂમોટોઈડ આર્થરાઈટીસ, સ્પોન્ડીલાઈટીસ. આ તમામ રોગોમાં વિવિધ તબક્કે અને રોગની તીવ્રતા અનુસાર સારવાર આપવામાં આવે છે, જેમાં દવા, કસરતો અને જરૂર પડે ત્યારે સાંધાની સર્જરી પણ કરવામાં આવે છે
 • ઓસ્ટીયોઆર્થરાઈટીસ – આ એક ડિ-જનરેટીવ ડિસીઝ છે, જે ધૂંટણ, થાપા અને કરોડરજ્જુમાં થતી સમસ્યાઓ છે. આ માટે વિવિધ સારવારના વિકલ્પો ઉપલબ્ધ હોય છે, જે દર્દીની ઉંમર, રોગની તીવ્રતા વિગેરે પર આધારિત હોય છે
 • જવલ્લે જોવા મળતી અન્ય બીમારીઓ – હાંડકાનો ટીબી, હાંડકાનું કેન્સર વિગેરે સમસ્યાઓમાં પણ યોગ્ય સારવારથી મહદઅંશે રાહત મળે છે

હાડકાં-સાંધાની સમસ્યાઓમાં સારવાર અને અન્ય વિકલ્પો

 • દુખાવો ઓછો થાય તે અનુસાર મેડિકેશન.  કેટલાક સંજોગોમાં દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો તેની સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળે છે.
 • સાંધાના રોગ સંબંધિત કસરત
 • સાંધા સંબંધિત સમસ્યાઓને અનુરૂપ સર્જરી
 • આર્થોસ્કૉપિક (ટેલિસ્કૉપિક) દ્વારા સર્જરી
 • કાર્ટિલેજ રીજનરેશન ટેકનિક(પી.આર.પી સપોર્ટેડ)
 • જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી (TKR and THR)

‘સારવાર કરતા સલામતી સારી’ એ ઉક્તિ સર્વથા યોગ્ય છે. વ્યક્તિ જ્યારે અગમચેતી રાખી પોતાના સ્વસ્થ તન અને મન માટે જાગૃત રહે છે ત્યારે રોગ અને તકલિફોથી દૂર રહી શકે છે અથવા તો, તેમને રોગ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે.

વાત જ્યારે હાંડકા-સાંધાની સમસ્યાઓમાં નિદાનની હોય ત્યારે સચોટ અને યોગ્ય નિદાન ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. જો વ્યક્તિની સમસ્યાનું નિદાન યોગ્ય રીતે ન થાય તો અનેક શારીરિક સમસ્યાઓની સાથે સાથે આર્થિક બોજો પણ આવે છે. અનુભવી અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શનને અનુસરવું જોઈએ. જ્યાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા ડૉક્ટર્સની ટીમ, આઘુનિક સુવિધાઓથી યુક્ત ઓપરેશન થીએટર્સ તથા પોસ્ટ ઓપરેટીવ કેર માટે ક્વોલિફાઈડ તથા અનુભવી સ્ટાફ હોય ત્યાં જ સારવાર લેવી જોઈએ. ઘણાં નાના-મોટા શહેરોમાં મસાજ કરનાર અને હાંડકા-સાંધાને જોડનારા ઘણાં બીન-અનુભવી લોકો હોય છે જે દર્દીપર અખતરા કરતા હોય છે, જેના વરવા પરિણામ દર્દીએ ભોગવવા પડે છે. આ બધાથી બચવું જોઈએ અને યોગ્ય સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ.

ટોટલ હિપ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી

ટોટલ ની-રિપ્લેસમેન્ટ અને ટોટલ હિપ-રિપ્લેસમેન્ટ સર્જરી દર્દીને અત્યંત જટિલ દર્દ અને સાંધાની ગંભીર સમસ્યાઓમાં રાહત આપતી સર્જરી છે. દર્દીને સાંધાનો ઘસારો, ઉઠવા-બેસવા અને દૈનિક ક્રિયામાં ખૂબ મુશ્કેલી, અસહ્ય વેદના, સાંધા ખસી જવા જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે અને સ્વસ્થ હલન-ચલન કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહી, આ સર્જરી દર્દીને પરાવલંબી બનતા અટકાવે છે અને સ્વ-નિયંત્રિત મુક્ત હલન-ચલન કરવા સમર્થ બનાવે છે.

આપણે જાણીએ છીએ કે આપણાં સમાજમાં હવે સંયુક્ત પરિવારોને બદલે વિભક્ત કુંટુંબ, શહેરીકરણને કારણે વડિલોની પૂરતી કાળજી લેવાનો અભાવ જેવી કૌટુંબિક સમસ્યાઓ પણ જોવા મળે છે. પરિણામે  જો ઉંમર લાયક વ્યક્તિ સાંઘાની સમસ્યાથી પરેશાન હોય તો એકલા રહેવા સમર્થ નથી, પરંતુ આવી સર્જરીઝ ઉપલબ્ધ હોવાને કારણે ઉંમરલાયક વ્યક્તિ પણ આનંદિત અને સ્વાવલંબી જીવન જીવી શકે છે.

હાડકાં-સાંઘાના કૅન્સર અને સારવાર – સામાન્યરીતે હાંડકા-સાંધા અને સ્નાયુઓમાં ગાંઠ થવી વિગેરે પ્રકારના કૅન્સર જોવા મળે છે. અલબત્ત, ઘણાં પ્રકારના કિસ્સામાં અત્યાધુનિક મેડિકલ અને સર્જિકલ સારવારના વિકલ્પોને કારણે દર્દીને મહત્તમ સારવાર અને ગુણવત્તાપૂર્ણ જીવન આપી શકાય છે.

સ્ત્રોત: ડૉ.સૌરભ ગોયલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), નવગુજરાત હેલ્થ

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate