অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાયેટિકા

જયારે ગાદીના દબાણથી પગમાં શરીરની સૌથી મોટી ચેતા ઉર્ફ સાયેટિક નર્વ પર ઇજા થવાથી, કમરના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળીયા સુધી, દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયેટિકા તરીકે ઓળખવામાં આવે છે. કમરના નીચેના મણકાઓ (એલ-૪, એલ-૫, એસ-૧, એસ-૨, એસ-૩ વગેરે) ની વચ્ચેથી પગના સંવેદનો લઇ જતા સાયેટિક નર્વના ચેતાતંતુઓ નીકળે છે. અને કુલા સાથળ અને પગના પાછળના ભાગે આ નર્વ(ચેતા) પસાર થાય છે. જયારે એના કોઇપણ ચેતાતંતુ પર દબાણ આવે કે સોજો આવે ત્યારે પગના જે ભાગ પરથી એ ચેતાતંતુ સંવેદનો લઇ આવતા હોય એ ભાગ પર દુખાવો, બળતરા, ઝણઝણાટી કે ખાલી ચઢવાનો અનુભવ થાય છે. શરીરનું વધુ વજન (મેદવૃધ્ધિ), બેઠાડુ જીવન, વધુ મસાફરી અને વધુ પડતી શ્રમયુકત રમત (દા.ત. ફુટબોલ, બાસ્કેટ બોલ, વગેરે) સાયેટિકા થવાની શક્યતા વધારે છે. જયારે કમરના નીચેના ભાગ કે કુલા પાસેથી શરૂ કરીને સાથળ તથા પીડીના બહારની તરફ તથા પાછળના ભાગે દુખાવો અથવા નીચે જણાવેલ કોઇ પણ સંવેદનનો અનુભવ થાય ત્યારે સાયેટિકાની શકયતા વિચારવી જોઇએ.

  1. દુખાવો જે બેસવાથી વધે છે.
  2. બળતરા કે ઝણઝણાટીનો અનુભવ
  3. ખાલી ચઢવી, પગ ભારે લાગવો કે કમજોરી અનુભવવી
  4. ખાંસવાથી, છીંકવાથી. કે વજન ઊંચકવાથી અચાનક દુખાવો શરૂ થવો અથવા વધવો

પગ ઘૂંટણમાંથી વાળ્યા વગર હાથથી અંગુઠા પકડવાની કોશિષ કરવાથી કે સૂતા સૂતા ઘૂંટણને પગમાંથી વાળ્યા વગર ઊંચો કરવાથી દુખાવો વધે.

ગાદીની તકલીફ ઉપરાંત કયારેક ઉંમરની સાથે, મણકાની વચ્ચેના સાંધાનો ઘસારો થાય ત્યારે પણ સાયેટિકાની તકલીફ થઈ શકે છે. “વર્ટેબ્રલ સ્ટીનોસીસ' અથવા “ડીજનરેટીવ સ્પાઇનલ સ્ટીનોસીસ' તરીકે ઓળખાતી આ તકલીફ સામાન્ય રીતે ૬૦ વર્ષની આસપાસ દેખાય છે. આ ઉપરાંત કરોડના મણકા અને કમ્મરનાં મુખ્ય હાડકાં જયાં જોડાય છે તે “સેક્રોઇલીયેક જોઇન્ટ પર કોઇક કારણસર સોજો આવે (સેક્રોઇલીયાઇટીસ થાય) તો એની ઉપરથી પસાર થતી એલ-૫ ચેતાને પણ એની અસર થાય છે અને પરિણામે સાયેટિકાની તકલીફ ઊભી થાય છે. ટૂંકમાં, અનેક કારણોસર સાયેટિકાની તકલીફ થઇ શકે છે. “સ્લીપ ડીસ્ક', “વર્ટેબ્રલ સ્ટીનોસીસ” અને “સેક્રોઇલીયાટીસ” જેવી તકલીફ મોટાભાગના સાયેટિકાના કેસ માટે જવાબદાર હોય છે.

દરેક દર્દી દીઠ આ દુખાવો કે સંવેદનની તીવ્રતા ઓછી-વત્તી થઈ શકે છે. મોટાભાગના કિસ્સામાં એક જ બાજુના પગમાં તકલીફ થાય છે. ક્યારેક તકલીફ વધે તો બીજો પગ પણ સામેલ થાય છે. મોટાભાગની તકલીફ ટેમ્પરરી સોજાને કારણે થતી હોય છે. જે આપો આપ બે અઠવાડીયાથી માંડીને ત્રણેક મહીના સુધીમાં મટી જાય છે. જો દુખાવાની સાથે પગના અમુક સ્નાયુઓમાં નબળાઈ જણાય અને એ વધતી રહે અથવા પેશાબ કે ઝાડાનું નિયંત્રણ ખોરવાઈ જતું લાગે તો એ પરિસ્થિતિને મેડિકલ ઇમરજન્સી ગણીને તાત્કાલિક તપાસ કરાવી ને ડોકટરી અને અન્ય સારવાર લેવી પડે છે. કયારેક આવી સ્થિતિમાં ઓપરેશન કરાવવાની જરૂર ઊભી થાય છે. કેટલાક દર્દીમાં સાયેટિકાની તકલીફમાં વધઘટ થતી રહે છે. થોડાક મહીના તદ્દન સારું હોય અને પછી અચાનક વધુ પડતું કામ પહોંચે કે મુસાફરી થાય ત્યારે દુખાવો વધી જાય. એક વખત દુખાવો વધે પછી પાછો ર્નોમલ થઈ જાય. કયારેક સતત કાયમી દુખાવો ચાલુ રહે એવું પણ બને છે.

સાયેટિકા માટે કઇ તપાસ કરાવવી જોઇએ?

સાયેટિકાની તકલીફનું નિદાન મુખ્યત્વે દર્દીનાં લક્ષણો ઉપરથી થાય છે પરંતુ એક્ષ-રે અને સી.ટી. સ્કેન કે એમ.આર.આઇ. જેવી તપાસની જરૂર અમુક સંજોગોમાં ઊભી થાય છે. જો દર્દીની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય; આરામના સમયે પણ દુખાવો ચાલુ રહેતો હોય; તાવ હોય; હાથ-પગના હલન-ચલનમાં તકલીફ થતી હોય; એક્સિડન્ટ કે ઇજા ગંભીર હોય; પેશાબ-ઝાડાના નિયંત્રણમાં ખરાબી ઉદ્ભવી હોય અથવા છ અઠવાડિયાં સુધીમાં દવા-આરામ-કસરતથી સુધારો ન જણાયો હોય તો એક્ષ-રે કરાવવો પડે છે. જો ૧૨ અઠવાડિયા સુધીમાં દવા-કસરત-આરામથી સુધારો ન થાય, અથવા તકલીફમાં વધારો થાય અથવા, પગના હલનચલનમાં નોંધપાત્ર કમજોરી જણાય તો સી.ટી. સ્કેનની તપાસ કરાવવી પડે છે. જો દર્દીમાં કેન્સર કે ચેપને કારણે સાયેટિકાની તકલીફ થઈ હોવાની શંકા હોય અથવા રાહત માટે ઓપરેશન કરવાની જરૂર ઊભી થઇ હોય તો જ એમ.આર.આઈ. કરાવવું પડે છે.

સાયેટિકાની સારવાર શું?

સાયેટિકાની સારવાર માટે સૌથી પહેલાં ૨ દિવસ માટે સંપૂર્ણ આરામ કરવો જરૂરી છે. કડક પથારી ઉપર દુખાવો ન થાય એવી સ્થિતિમાં બે દિવસ આરામ કર્યા પછી ધીમે ધીમે કામકાજ શરૂ કરી શકાય. સામાન્ય રીતે પડખાભેર ટૂંટીયુંવાળીને (ઘૂંટણવાળીને એ છાતીને અડે તેમ) અથવા ચત્તા સૂવું હોય તો ઘૂંટણ નીચે તકિયા મૂકીને સૂઈ શકાય જે કમ્મરના ભાગ પરના તણાવ ઘટાડી દે છે.

ઠંડો-ગરમ શેક કરવાથી દુખાવામાં ઘણી રાહત લાગે છે. શરૂઆતમાં બે દિવસ બરફ પ્લાસ્ટીક બેગમાં મૂકીને દસ-પંદર મિનિટ દુખતા ભાગ પર રાખી મૂકવો જેથી તાત્કાલિક રાહત થાય . ત્યારબાદ જરૂર પડયે દર બે કલાકે વાપરી શકાય. બે દિવસ પછી ગરમ શેક ફાયદાકારક જણાય છે. અથવા વારાફરતી ગરમ-ઠંડો શેક કરવાથી પણ ઘણા દર્દીને દુખાવામાં રાહત મળી શકે. દુખાવો વધારે હોય ત્યારે અને શરૂઆતમાં ઇજાને કારણે સોજો થયો હોય ત્યારે દર્દશામક દવાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડૉક્ટરની સલાહથી યોગ્ય ડોઝમાં દર્દશામક દવાઓ લેવાથી દુખાવામાં રાહત રહે છે અને સોજો પણ કાબૂમાં આવી જાય છે. ઘણા લોકોને એક-બે અઠવાડિયાનો કોર્સ સાયેટિકામાંથી લાંબા સમયની મુક્તિ અપાવી દે છે. જો દુખાવો ખૂબ વધારે હોય તો દુખાવા માટે જવાબદાર મણકા અને ચેતા પાસે સ્ટીરોઇડનાં ઇજેક્શન (એપિક્યુરલ ઇન્વેક્શન) મૂકવામાં આવે છે. જે ત્યાં આગળનો સોજો ઘટાડીને તાત્કાલિક કામચલાઉ રાહત કરી આપે છે.

દુખાવામાં રાહત થાય એટલે તરત જ કસરત શરૂ કરી દેવી જોઇએ. ચાલવું, ઘરમાં સ્થિર પડી રહેતી સાઇકલ ચલાવવી કે તરવું વગેરે કસરત ધીમી ગતિએ દુખે નહીં એ હદે શરૂ કરી શકાય. સ્નાયુઓને હળવું ખેંચાણ આપે એવાં આસન અને કસરત પણ ઉપયોગી થાય. અલબત્ત, દરેક દર્દીની પરિસ્થિતિ પ્રમાણે કસરતમાં થોડા ફેરફાર જરૂરી બને છે એટલે કોઇ પણ કસરત શરૂ કરતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કોઇ પણ આસન-કસરત કરતાં દુખાવો થાય તો ત્યાં અટકી જાવ. શરીર પર જોર જબરજસ્તી કરીને કસરત-આસન કરવાં નહીં. સાયેટિકાથી છૂટવા માટે ઓપરેશન થઇ શકે? ક્યારે?

જો દવાઓ, કસરત અને આરામ-શેકથી બિલકુલ સુધારો ન થાય અથવા જોખમી ચિન્હો હાજર (હલન-ચલન, પેશાબ કે ઝાડામાં તકલીફો હોય તો ઓપરેશનની જરૂર પડી શકે. જો ગાદી ખસી જવાની તકલીફ થઇ હોય તો માઇકો-ડીસ્ક ઓપરેશન અને હાડકાંનું પોલાણ નાનું થઇ ગયું હોય તો લેમીનેક્ટોમીનું ઓપરેશન થઈ શકે. અલબત્ત, બહુ ઓછા કિસ્સામાં ઓપરેશનની જરૂર પડે છે.

કૌડા ઇકવીના સિન્ડ્રોમ

પેઢુના અવયવો અને આદેશ આપતાં ચેતામૂળ પર દબાણ આવે તો આ સ્નાયુઓ કામ કરતાં અટકી જાય છે. (જેને લીધે જે તે ભાગ પૂરતી લકવાની અસર થાય છે.) ક્યારેક ઝાડા-પેશાબની કોથળીને આદેશ આપતી ચેતાઓ પર દબાણ આવે તો ઝાડો-પેશાબ થતો અટકી જાય અથવા ઝાડા-પેશાબ પરનું નિયંત્રણ જતુ રહે એવું બને છે. આ ઉપરાંત પેઢુના ભાગનુ સંવેદન પણ આ તકલીફને કારણે જતુ રહે છે. પેઢુના ભાગના સંવેદનો કે સ્નાયુઓના કામમાં મણકા પાસેથી નીકળતાં ચેતાતંતુઓ પર દબાણ આવવાથી થતી તકલીફ કૌડા ઇકવીના સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે.

જયારે દર્દીના લક્ષણો અને દાકતરી તપાસમાં સાયેટિકા અથવા કોડા ઇકવીના સિન્ડ્રોમનાં ગંભીર ચિન્હો જણાય તો ડોક્ટરની સલાહ મુજબ એક્ષ-રે, સીટી સ્કેન, અથવા એમ.આર.આઇ. કરાવીને નિદાન પાક કરવામાં આવે છે. જો સ્નાયુઓને આદેશ આપતી ચેતાઓ પર દબાણ આવતું હોય તો ઓપરેશન કરવું જરૂરી થઈ જાય છે. માઈકો- લમ્બર ડીસ્કેક્ટોમી તરીકે ઓળખાતું ઓપરેશન ઘણાં દર્દીને ફાયદો કરાવી શકે છે. આ ઓપરેશન દ્વારા નાના કાપાથી, સ્નાયુઓને ઇજા પહોંચાડ્યા વગર ગાદીનો જે ભાગ બહાર નીકળતો હોય એને માઈકોસ્કોપની મદદથી નાના સાધનો વડે બહાર કાઢી લેવામાં આવે છે.

ઓપરેશન કર્યા પછી ત્રણેક અઠવાડિયાનો આરામ કર્યા બાદ ધીમે ધીમે પ્રવૃત્તિઓ વધારવામાં આવે છે. ઓછામાં ઓછી તકલીફ અને ઓછા કોમ્પ્લીકેશન થવાની શક્યતાવાળા આ ઓપરેશન જરૂરિયાતવાળા દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate