વિટામીન-ડી માણસનાં હાડકાં માટેનું ખૂબ અગત્યનું વિટામિન છે. એ ઘણાં જુદાં જુદાં સ્વરૂપે હોય છે પણ માણસ માટે ડી -૩ તરીકે ઓળખાતું કોલેકેલ્સીફેરોલ નામનું વિટામીન-સ્વરૂપ સૌથી અગત્યનું છે.
પ્રાણીજ ચરબી અને માછલીમાંથી આ વિટામિન સૌથી વધુ પ્રમાણમાં મળે છે. જો કે, હવે રાસાયણિક શુધ્ધ સ્ફટીક તરીકે પણ આ વિટામિન મળે છે. જો ખોરાકમાં વિટામીન-ડી -૩ પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આ વિટામિન ખોરાકમાંથી લોહીમાં શોષાઇને લીવરમાં જાય છે. ત્યાં એની પર થોડીક રાસાયણિક પ્રક્રિયા (હાઇડ્રોકસીલેકશન) થઈને પછી ફરી લોહી વાટે એ કિડનીમાં પહોંચે છે. કીડનીમાં બાકી રહેલ રાસાયણિક પ્રક્રિયા પૂરી થઇ જાય છે. અને પછી જુદા જુદા અવયવો પર આ પ્રક્રિયા પામેલ વિટામિન કામ કરવા લાગે છે.
ખોરાકને બદલે બીજા રસ્તે પણ શરીરમાં વિટામિન ઉપલબ્ધ થાય છે. આ રસ્તો છે સૂર્યપ્રકાશનો આપણા શરીરની ચરબીમાં અથવા ખોરાકમાંથી બનેલ ચરબીમાં રહેલ ડીહાઇડ્રોકોલેસ્ટેરોલ નામના ચરબીના ઘટક પર જયારે સૂર્યપ્રકાશમાં રહેલ પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણો પડે છે ત્યારે એમાંથી વિટામીન-ડી ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે જો આખા શરીર પર એટલો સૂર્યપ્રકાશ પડે કે જેથી ચામડીમાં સહેજ લાલાશ આવે, તો એનાથી આશરે ૧૦,૦૦૦ ઇન્ટરનેશનલ યુનિટ જેટલું વિટામીન-ડી૩ મળે છે. શિયાળામાં ઘણી વખત સૂર્યપ્રકાશમાં રહેલ અટ્રાવાયોલેટ કિરણો વાતાવરણમાં જ શોષાઈ જાય છે અને ત્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ન બને એવું બનતું હોય છે. નાના બાળકો અને પડદા ઘૂંઘટમાં રહેતી સ્ત્રીઓને ઘણી વખત પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો નથી અને આને લીધે વિટામીનની ઊણપથી રીકેટ્સ અથવા ઓસ્ટિઓમલેસિયા જેવી હાડકાની તકલીફો ઊભી થાય છે.
પુખ્ત વ્યકિત કરતાં બાળકોમાં વિટામીન-ડીની જરૂરિયાત વધારે હોય છે. કારણ કે હાડકાંઓનો વિકાસ આ તબકકામાં સૌથી વધુ થતો હોય છે. પુખ્ત વ્યકિત ને રોજના ૧૦૦ ઇન્ટરનેશનલ યુનિટ તથા બાળકોને રોજના ૨૦૦ યુનિટ વિટામીન-ડી ની જરૂર પડે છે. સગર્ભા અને ધાત્રી માતાને રોજના ૪00 યુનિટ વિટામીન-ડીની જરૂર પડે છે.
સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020