অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રૂમેટોઇડ ઓર્થાઇટીસ ઉર્ફે સંધિવા

રૂમેટોઇડ ઓર્થાઇટીસ ઉર્ફે સંધિવા

સામાન્ય લોકોમાં “સંધિવા' તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં રૂમેટોઇડ આર્થાઇટિસ' તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે. સામાન્ય રીતે દર્દીની જીંદગીના ચોથા કે પાંચમા દાયકામાં શરૂ થતી આ બીમારી દર હજાર વ્યકિતમાંથી આઠ વ્યકિત ને પરેશાન કરે છે.એક જ કુટુંબમાં એક કરતાં વધારે વ્યકિતને આ બીમારી થવાની શક્યતા રહે છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસ થવાનું કારણ શું?

રૂમેટોઇડ ઓર્થાઇટીસ ઉર્ફ “સંધિવા થવાનું ચોકકસ કારણ હજી સુધી જાણી શકાય નથી. અમુક પ્રકારના જનીનિક બંધારણ ધરાવતાં લોકોમાં “રૂમેટોઇડ ઓર્થાઇટીસ થવાની શકયતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. રૂમેટોઇડ ઓર્થાઇટીસ સાથે સંકળાયેલા જનીનિક બંધારણ શરીરનાં તપાસ કરવાથી જાણી શકાય છે. વિશ્વભરના આંકડા દર્શાવે છે કે એચ.એલ.એ –ડી. આર. ૪ પ્રકારનાં પ્રોટીન ધરાવનાર અને તેમાં પણ એચ. એલ.એ. ડી.ડબલ્યુ ૪ અથવા ૧૪ અથવા ૧૫ નંબરના પ્રોટીન ધરાવતાં લોકોમાં રૂમેટોઇડ ઓર્થાઇટીસ થવાની શકયતા ખુબ વધારે હોય છે.

જનીનિક અથવા પ્રોટીન બંઘારણ ઉપરાંત અન્ય પર્યાવરણીય પરિબળ પણ આ રોગ કરવા માટે ફાળો આપે છે. એક સરખાં પ્રોટીન બંધારણ ધરાવતી દરેક વ્યકિતને રૂમેટોઇડ ઓર્થાઇટીસ થતો નથી. કારણ કે એક સિધ્ધાંત પ્રમાણે કોઇક પ્રકારના વાઇરસ કે બેકટેરિયાનો ચેપ રૂમેટોઇડ ઓર્થાઇટીસની પ્રક્રિયા શરૂ કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. અલબત્ત, કયા વાઇરસ કે બેકટેરીયાનો ચેપ આ રૂમેટોઇડ ઓર્થાઇટીસને વકરાવે છે. એ હજી ચોકકસપણે કોઇને ખબર નથી.

આ ઉપરાંત માનસિક પરિબળો અને નકારાત્મક લાગણી રૂમેટોઇડ ઓર્થાઇટીસને વકરાવવામાં ફાળો આપે છે. આવો સિધ્ધાંત પણ રજુ થયો છે.

ટુકંમાં આ એક એવી બીમારી છે જેનું ચોકકસ કારણ તબીબી શાસ્ત્ર શોધી શકયું નથી.

રૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે સાંધામાં શું તકલીફ થાય છે?

ઓર્થાઇટીસના દર્દીમાં “સાંધાનો સોજો' રૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીના સાંધાની અંદર આવેલ સાઇનોવીયલ પટલને નુકસાન થાય છે. શરીરનું રક્ષણ કરતાં શ્વેતકણો અને એમના સાથીદારો ભૂલથી શરીરના પોતાના જ ભાગ એવા સાઇનોવીયલ પટલ પર હુમલો કરીને નુકસાન પહોચાડે છે. જેને કારણે ત્યાં સોજો આવવાની શરૂઆત થાય છે. આ પ્રકિયા ધીમે ધીમે આગળ વધે અને સાંધામાં રહેલ પ્રવાહી (સાઇનોવીયલ ફલુઇડ)નું પ્રમાણ સાંધાની આસપાસ રહેલ કાર્ટિલેજ ને ધીમે ધીમે નુકસાન થવા લાગે છે, જેને પરિણામે સાંધામાં કાયમી બેડોળપણું પણ આવી શકે છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસનાં લક્ષણો કયાં?

આશરે ૩૫ થી ૫૦ વર્ષ ની વચ્ચે ગમે ત્યારે રૂમેટોઇડ ઓર્થાઇટીસની શરૂઆત મોટાભાગના (૮૦ ટકા) કિસ્સામાં થાય છે. ભાગ્યે જ ખુબ નાની ઉંમરે અથવા વૃધ્ધાવસ્થા માં દર્દીને માત્ર થાક લાગવો, હાથ-પગ દુખવા, ભૂખ મરી જવી, બેચેની વગેરે સામાન્ય તકલીફો જ થાય છે. ત્યાર બાદ હાથ, કાંડાં, ઘૂંટણ, અને પગમાં સાંધાના દુઃખાવા થવા લાગે છે.

જરા પણ હલનચલન કરવાથી થતો સાંધાનો દુઃખાવો એ રૂમેટોઇડ ઓર્થાઇટીસનું અગત્યનું લક્ષણ છે. લાંબા સમય સુધી હલનચલન બંધ રહયા પછી એ સાંધા અકકડ થઈ જાય છે. સવારે ઊંઘમાંથી ઊઠર્યા પછી આશરે એકાદ કલાક સુધી બધા સાંધા અકકડ થઈ જાય છે. એવું રૂમેટોઇડ ઓર્થાઇટીસ ના ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે. સાંધાનો દુઃખાવો અને એ અકકડ થઈ જવાની તકલીફ ઉપરાંત કયારેક ઝીણો તાવ રહેવો, વજન ઘટવું , અશકિત આવવી, વગેરે તકલીફો પણ ક્યારેક દેખાય છે. ગરદનના સાંધા પણ ક્યારેક આ બીમારીની અડફેટમાં આવી જાય છે. જે ગરદન અને માથાના પાછળના ભાગમાં દુ:ખાવો કરે છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે લાંબે ગાળે સાંધાઓ બેડોળ બની જાય છે. હાથની હથેળી અને આંગળીઓમાં સાંધામાં આવુ બહુ સામાન્યપણે જોવા મળે છે. હથેળી અને આંગળીઓ “ઝેડ' આકારથી વળી ગયેલાં જોવા મળે છે. કયારેક આંગળીના છેલ્લા વેઢા અંદર તરફ વળી જાય છે અને બાકીનો ભાગ એકદમ સીધો રહે છે. આંગળી કે અંગૂઠો કાયમ વળેલો રહે અથવા અંગૂઠાના મુળ પાસેથી અંગૂઠો ત્રાંસો રહે એવું બને છે.

સાંધા સિવાય રૂમેટોઇડ ઓર્થાઇટીસ અન્ય કોઇ અવયવ ને નુકસાન કરે?

સાંધાઓ ઉપરાંત, રૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીમાં અન્ય અવયવને પણ નુકસાન પહોંચી શકે છે. નાની નાની ગાંઠ ઘણા દર્દીઓમાં જોવા મળે છે. સ્નાયુઓની કમજોરી અને સ્નાયુઓ પાતળા થઈ જવાની તકલીફ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. હાથ-પગમાં ઝણઝણાટી થવી કે ખાલી ચઢી જવી વગેરે ચિહુન જોવા મળે છે. ક્યારેક ફેફસાં કે હૃદયની આસપાસ પાણી ભરાઇ જવાની તકલીફ પણ થાય છે. આંખ અને લાળગ્રંથિઓ સુકાઇ જવાની તકલીફ પણ કેટલાક લોકોમાં રૂમેટોઇડ ઓર્થાઇટીસને કારણે થાય છે. સૂકી આંખથી કયારેક આંખમાં ચાંદું પડે એવું પણ બને છે. લાંબે ગાળે દુઃખાવાને લીધે હલનચલન ઓછું થઇ જવાથી હાડકાઓ નબળાં પડી જાય છે અને જરા અમથું વાગે ત્યાં ફ્રેકચર થવાની શકયતા ખૂબ વધી જાય છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસની લેબોરેટરી તપાસઃ

રૂમેટોઇડ ઓર્થાઇટીસનું નિદાન સામાન્ય રીતે એના લક્ષણો પરથી થાય છે. આ નિદાન પાકું કરવા માટે લોહીમાં “રૂમેટોઇડ ફેકટર' ખુબ વધુ પ્રમાણ જોવા મળે છે. એ દર્દીમાં રોગની તીવતા વધુ જોવા મળે છે. આ રૂમેટોઇડ ફેકટર ઉપરાંત લોહીમાં ઇ.એસ.આર. નામની તપાસ પણ ખૂબ વધુ પ્રમાણમાં અસામાન્ય આવે છે. લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટે છે અને ઘૂંટણના સાંધાનું પ્રવાહી સોજાના લક્ષણો ધરાવતું જોવા મળે છે. એક્ષ રેની મદદથી આગળ વધી ગયેલ રોગને પકડી શકાય છે. સાંધાનો સોજો અને એની આસપાસનાં હાડકાં નબળાં પડવાની પ્રક્રિયા એક્ષ રે ની મદદથી જાણી શકાય છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસની સારવાર શું?

રૂમેટોઇડ ઓર્થાઇટીસનું ચોકકસ કારણ અને એ થવાની પ્રક્રિયા હજી સુધી આધુનિક તબીબી વિજ્ઞાન સમજી શકયું ન હોવાથી એ મટાડવાની સારવાર શોધી શકાઈ નથી. દુઃખાવામાં રાહત આપવા, સોજો ઘટાડવા, સાંધાને વધુ નુકસાન થતુ અટકાવવા, સાંધાનું કામ જાળવી રાખવાના ઉદેશથી મોટાભાગની સારવાર કરવામાં આવે છે. આ બીમારી માટે વપરાતી કેટલીક દવાઓ ચોકકસ કઈ રીતે કામ કરે છે એ પણ હજી સુધી જાણી નથી શકાયું. ટુંકમાં રૂમેટોઇડ ઓર્થાઇટીસની સારવાર મુખ્યત્વે અગાઉના અનુભવોને આધારે રાહત આપનારી દવાઓની મદદથી થાય છે.

દર્દશામક દવાઓ (દા. ત. એસ્પિરીન, ઈબુપ્રોફેન, ડાઇકલોફેનેક, સેલકોપ્લીલ નીમેસ્યુલાઇડ વગેરે) મુખ્યત્વે રાહત આપવા અને સોજો ઘટાડવાના ઉદેશથી રૂમેટોઇટ ઓર્થાઇટીસમાં વપરાય છે. આ દવાઓને લીધે એસિડિટિ, અલ્સર અને જઠરમાં રકતસ્ત્રાવ થવાની તકલીફ સામાન્યપણે જોવા મળે છે. આ ઉપરાંત ખૂબ વધુ તકલીફ હોય તો સ્ટીરોઇડ દવાઓ (દા.ત. પેડની, સોલોન, બીટામીથાઓન વગેરે)વાપરવી પડે છે. લાંબા ગાળા સુધી સ્ટીરોઈડ દવાઓ લેતા રહેવાથી આખા શરીર પર આડઅસર થાય છે. પરતું કયારેક દર્દીની ખૂબ જ દર્દનાક હાલત માટે લાંબા સમય સુધી સ્ટીરોઇડ આપવી જરૂરી બની જાય છે.

સુવર્ણ (ગોલ્ડ) રસાયણો, કલોરોકિવન, મીથોટ્રેલેટ વગેરે દવાઓ આગળ વધતો અટકાવવા માટે કયારેક વાપરવામાં આવે છે. આ દવાઓની પોતાની આડઅસર હોય છે જે ડોકટરની સલાહથી યોગ્ય ડોઝમાં દવા લેવાથી ઓછી કરી શકાય જયારે સાંધાને બેહદ નુકસાન પહોંચી ગયું હોય ત્યારે છેલ્લા ઉપાય તરીકે ઓપરેશનની મદદથી લેવી પડે છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસ મટી શકે ખરો?

રૂમેટોઇડ ઓર્થાઇટીસને ખાત્રી પૂર્વક મટાડી દે એવી કોઈ દવા કે સારવાર ઉપલબ્ધ નથી. હા! આ રોગ દરેક દર્દીમાં જુદી જુદી ગતિએ આગળ વધે અને કયારેક આપોઆપ આગળ વધતો અટકી જાય એવું પણ બને. રોગની આ ખાસિયતને કારણે ક્યારેક કોઇક દવા કે સારવાર પધ્ધતિ રોગ મટાડવાનો જશ લઇ જાય છે પણ ખરેખર તે ભ્રામક હોય છે.

કોને આ રોગ વધુ નુકસાન કરે?

કયા દદમાં રોગ વધુ તીવ્ર અને લાંબે ગાળે વધુ નુકસાનકારક હોય છે. એ અંગેના ઘણા અભ્યાસો થયા છે. આ અભ્યાસ મુજબ, રોગના પહેલા જ વર્ષ દરમ્યાન જ આગળ વધતો અટકી જાય તો લાંબે ગાળે સૌથી ઓછું નુકસાન થાય છે. જો પહેલું આખુ વર્ષ રોગ વધતો જ રહે તો લાંબે ગાળે ભારે નુકસાન કરે છે. મોટાભાગનું સાંધાઓ પરનું નુકસાન પ્રથમ છ વર્ષ દરમ્યાન જ થઇ જાય છે. પગના સાંધોઓને હાથ કરતાં વહેલું નુકસાન થાય છે. રૂમેટોઇડ ઓર્થાઇટીસની બીમારી આયુષ્ય પર પ્રભાવ પાડે ખરી?

રૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીનું આયુષ્ય અન્ય વ્યકિતઓ કરતાં ત્રણથી સાત વર્ષ જેટલું ઘટે છે. કોઇપણ ઉમરે રૂમેટોઇડ ઓર્થાઇટીસના દર્દીનું મૃત્યુ થવાની શકયતા અન્ય વ્યકિત કરતાં અઢી ગણી વધારે રહે છે. ચેપ અને પેટમાં રકતસ્ત્રાવ થવાથી ઘણા દર્દી મૃત્યુ પામે છે. અલબત્ત, હળવી તકલીફ અને મોટી ઉમરે શરૂ થયેલ તકલીફમાં વહેલા મૃત્યુ થવાનું જોખમ ઓછું હોય છે.

રૂમેટોઇડ ઓર્થાઇટીસને થતો અટકાવી શકાય?

આ બીમારી થવાનું ચોકકસ કારણ જાણી શકાયું ન હોવાથી એને અટકાવવાનું શકય નથી. બીમારીના વહેલા નિદાન અને સમયસરની સારવારથી કદાચ મોટા નુકસાનમાંથી બચી જવાય પરતું દવાઓની આડઅસરથી નુકસાન થવાની શકયતા પણ વધારે રહેલી છે. દવા-સારવારથી થતું નુકસાન અને ફાયદાનું સંતુલન જાળવી રાખવા ડોકટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી જરૂરી છે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate