એડીનો દુખાવો ઘણાં બધાં જુદાં જુદાં કારણોસર થઇ શકે પરંતુ સૌથી સામાન્ય કારણ “પ્લાન્ટર ફેસાઇટીસ” તરીકે ઓળખાતો પગની પાનીની અંદર આવેલ પડનો સોજો હોય છે. દરેક તંદુરસ્ત વ્યકિતમાં પગની પાનીની અંદર રહેલ હાડકાંઓ અને હાડકાં દ્વારા બનતી કમાનને આધાર અને રક્ષણ આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા નામનું જાડું પડ કરે છે. પગ ઉપર વારંવાર આવતા દબાણ અને ખેંચાણ ને કારણે આ પાનીની અંદરનું પડ નુકસાન પામે છે. આ પડ પર વારંવાર થતી ઇજા છેવટે એનો સોજો કરે છે અને કાયમી દુખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક એડીના છેલ્લા હાડકાંનો થોડો ભાગ વધતો (હાડકી વઘતી) હોય તો પણ એને કારણે પાનીના પડને ઇજા પહોંચે છે.
આ ઉપરાંત, સ્નાયુઓની આસપાસના આવરણનો સાજો કે સ્નાયુઓનો સોજો પણ એડીનો દુખાવો કરી શકે. અહીં એડીના દુખાવાના સૌથી વધુ જોવા મળતા કારણ પ્લાન્ટર ફેસાઇટીસની જ ચર્ચા મુખ્યત્વે કરી છે અને અંગ્રેજી શબ્દને બદલે સરળતા ખાતર “એડીનો દુખાવો શબ્દ જ વાપર્યો છે.
એડીનો દુખાવો થવાની શકયતા
પ્લાન્ટર ફેસાઇટીસને કારણે એડીના તળીયામાં પાછલા છેડાથી બે-ત્રણ સે.મી. આગળ અને પાનીના અંદર તરફના અડધિયામાં દુખાવો થાય છે. વહેલી સવારે ઉંઘમાં ઉઠ્યા પછી તરત અથવા લાંબો સમય આરામ કર્યા બાદ ચાલવાનું શરૂ કરવાથી શરૂઆતનાં થોડાં પગલા માંડતા ખૂબ જ દુખાવો થાય છે. થોડાં ડગલા ચાલ્યાં પછી દુખાવો ઓછો લાગે છે પણ શરૂઆતનાં થોડાંક ડગલાં ઘણી વખત અસહ્ય દુખાવો કરે છે. એડીના ભાગ પર અંગુઠા વડે દબાવવાથી પણ દુખાવાનો અનુભવ થાય છે.
એડીના દુખાવાનું નિદાન મુખ્યત્વે દર્દીનાં લક્ષણો અને સાદી દાક્ટરી તપાસની મદદથી થઈ શકે છે. હાડકી વધે છે કે નહીં તે જાણવા અને અન્ય દુખાવા માટે કોઈ કારણ છે કે નહીં તે નક્કી કરવા માટે ઊભા રહીને પગના પંજા અને એડીના ભાગનો એક્ષ-રે મદદરૂપ થઇ શકે છે.
એડીનો દુખાવો શરૂ થયા પછી જેટલી જલદી સારવાર શરૂ કરવામાં આવે એટલી જલદી દુખાવો મટી જાય છે. સારવાર મોડી શરૂ કરવાથી પરિણામ પણ મોડું મળે એવું બને છે. એડીના દુખાવા માટે જવાબદાર કારણની તલસ્પર્શી તપાસ દર્દીએ જાતે જ કરી લેવી જોઇએ. દદી,ના શુઝ અને ચાલવા-દોડવાની ટેવમાં કંઇક તકલીફ નથી એ ચકાસી લેવું પડે છે. પગના પંજાની અંદરની બાજુ વધુ વજન લેવાની ટેવ આ તકલીફને આમંત્રણ આપી શકે છે. સાથે સાથે શરૂઆતના થોડા સમય માટે એડીને આરામ આપવો જરૂરી છે. દોડવા કે ઝડપથી ચાલવાને બદલે તરવાની કે સાઇકલ ચલાવવાની કસરત કરી શકાય. દુખાવામાં રાહત મેળવવા ઠંડા પાણી કે બરફને દુખાતા ભાગ પર પાંચ થી પંદર મિનિટ સુધી લગાવવાથી ફાયદો થાય છે.
દુખાવો ખૂબ વધારે હોય તો દર્દશામક દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ થોડા દિવસો સુધી કરવાથી દુખાવા અને સોજા બંનેમાં રાહત મળે છે. ઘણી વખત એક-બે મહિના સુધી નિયમિત પણે, ડોક્ટરની સલાહ મુજબ, દર્દશામક દવાઓ ચાલુ રાખવાથી દુખાવો દૂર થઇ જાય છે.
એડીના દુખાવામાં રાહત મેળવવા માટે બૂટ, ચંપલની ડિઝાઇનમાં ફેરફાર કરવાથી ઘણો ફાયદો થાય છે. બૂટ-ચંપલનો અંદરનો ભાગ (ડાબા ચંપલનો જમણો ભાગ અને જમણા ચંપલનો ડાબો ભાગ) સહેજ ઊંચો હોય એ જરૂરી છે. એવાં છુટાં પેડ પણ મળે છે જે બૂટમાં નાંખીને પહેરી શકાય. પગના પંજાના હાડકાંને વધારાનો આધાર આપતાં આ પેડ નિયમિત વાપરવાથી પણ એડીનું ભારણ ઘટે છે અને દુખાવામાં રાહત થાય છે. આવા એડીની ગાદીવાળા અને પગના પંજાના હાડકાંની અંદરની કમાનને આધાર આપતાં પગરખાં તૈયાર પણ મળે છે. જેનો ઉપયોગ કાયમ માટે એડીના દુખાવાની સમસ્યા દૂર કરી આપે છે. જો આનાથી ફરક ના પડે તો રાત્રે પગ પર બાંધવાનો પ્લાન્ટ લગાવવાથી અમુક દર્દીઓને રાહત મળી રહે છે.
પગના અને પંજાના સ્નાયુ તથા સાંધાની નિયમિત કસરત ખૂબ જરૂરી છે. સ્નાયુઓને ખેંચાણ આપવા માટે ડોકટરની સલાહ હોય તો નીચેની કસરત કરી શકાય,
એડીના ભાગમાં આ બધું કરવા છતાં દુખાવામાં કોઈ ફરક ન પડે તો છેલ્લાં રસ્તા તરીકે એ ભાગમાં સ્ટીરોઇડનાં ઇજેક્શન મૂકાવવામાં આવે છે. આ રીતે ઇજેક્શન મૂકવાથી તાત્કાલિક ફાયદો થાય છે. પરંતુ વારંવાર ઇજેક્શન મૂકાવવાથી પગને નુકસાન થવાની શક્યતા રહે છે.
એડીનો દુખાવો ઉપર દર્શાવેલ બધા ઉપાયો કરવા છતાં ન મટે અને નિદાન પાકું હોય તો બહુ ભાગ્યે જ ઓપરેશન કરીને પાનીની નીચેના પડ પર ચીરો મૂકી એની પર આવતું દબાણ ઘટાડી શકાય અને દર્દીને રાહત આપી શકાય. અલબત્ત, બહુ ભાગ્યે જ આવી જરૂરિયાત ઊભી થાય છે. ૯૮ ટકા કિસ્સામાં દુખાવો ઓપરેશન વગર જ મટી જાય છે.
સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020