ચીકુનગુનીયા એટલે શું?
ચીકુનગુનીયા સાંધા-સ્નાયુઓમાં દુખાવો કરી બેવડ વાળી દેતી બીમારી
ચીકુનગુનીયાનો અર્થ થાય છે બેવડ વાળી નાંખતી તકલીફ. આ બીમારીમાં તાવ અને દુખાવા ખૂબ વધુ પ્રમાણમાં થાય છે પણ આ બીમારીને કારણે કોઇ કાયમી તકલીફ નથી થતી અને કદી આ બીમારી જીવલેણ નથી બનતી – માટે આ બીમારીથી ગભરાવાની જરા પણ જરૂર નથી.
ચીકુનગુનીયા કઈ રીતે ફેલાય છે?
ચીકુનગુનીયા એ આલ્ફાવાઇરસ નામના અતિસૂક્ષ્મ જંતુ (વાઇરસ)થી થતો રોગ છે. મચ્છર કરડવાથી ચીકુનગુનીયાના વાઇરસ એ રોગના દર્દીથી અન્ય માણસના શરીરમાં દાખલ થાય છે અને દાખલ થયા પછી બે થી બાર દિવસ બાદ ચીકુનગુનીયાના લક્ષણો દેખાવા લાગે છે.
ચીકુનગુનીયા ફેલાવતા મચ્છર કયાં થાય છે? એની ખાસિયત શું છે?
ચીકુનગુનીયાના વાઇરસને એક દર્દીથી બીજા માણસ સુધી પહોંચાડવાનું કામ કરતાં મચ્છરનું શરીર કાળુ હોય છે અને એની ઉપર સફેદ પટ્ટા હોય છે. આ મચ્છરો ચોમાસા દરમ્યાન સૌથી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મચ્છરના રહેઠાણ માનવ-વસ્તીની આસપાસ સૌથી વધુ હોય છે. કારણકે આ મચ્છરો ખાલી ટીનના ડબ્બા, તુટેલી બોટલ, ફટાકડાનાં ખાલી ખોખા, ફૂલદાની, નાળીયેરની કાચલી, કૂંડા, ઝાડના ખાડા, કે ફેંકી દીધેલ ટાયર વગેરે વસ્તુઓમાં ભરાઈ ગયેલ પાણીમાં જ આ મચ્છરો ઉછરે છે. આ મચ્છરોની ઉડવાની ક્ષમતા એકદમ મર્યાદિત હોય છે અને એના ઊછેરના સ્થાનથી સામાન્ય રીતે સો મીટરથી લાંબુ ઊડી શકતાં નથી.
ચીકુનગુનીયા ને કઈ રીતે ઓળખવો?
- માથું દુખવું :ચીકુનગુનીયાની શરૂઆત શરદી અથવા માથું દુખવાથી થાય છે. કયારેક શરૂઆતમાં આંખ લાલ થઈ જાય અને પછી ગણતરીના કલાકોમાં જ સખત, અસહ્ય માથાનો દુઃખાવો શરૂ થાય છે. માથું હલાવવાથી દુઃખાવો થાય છે. માથાની સાથે જ આંખના ડોળાની અંદરના ભાગે પણ દુઃખાવો શરૂ થઈ જાય છે અને આંખને આમતેમ ફેરવવાથી આંખમાં વધારે દુઃખે છે. ક્યારેક દર્દીથી વધુ પડતો પ્રકાશ સહન નથી થઈ શકતો. આંખના ડોળા પર થોંડુક પણ દબાણ આવવાથી દુખાવો વધે છે.
- તાવઃ સાધારણ ઠંડી સાથે (પણ ધ્રુજારી વગર) આશરે ૧૦૦ ફેથી લઈને ૧૦૫ ફે. જેટલો તાવ આવી શકે. બે-ત્રણ દિવસ તાવ રહ્યા પછી આપોઆપ તાવ ઓછો થઈ જાય છે અને ઘણીવાર એકદમ નોર્મલ પણ થઈ જાય છે.
- સાંધા-સ્નાયુનો દુખાવોઃ કમ્મર અને પગના હાડકા અને સાંધાઓમાં ખૂબ વધારે દુઃખાવો થાય છે. દુખાવાને કારણે જ દર્દી બેવડ વળી જાય છે. ઘણી વાર તાવ મટી ગયા પછી પણ જુદા જુદા ભાગોમાં અચાનક દુખાવા થઈ જાય અને આપોઆપ બંધ પણ થઈ જાય એવું બને છે. કયારેક અમૂક દર્દીને ઘણાં દિવસ કે મહિના સુધી એક - બે સાંધા પર દુખાવો અને સોજો ચાલુ રહે એવું બને છે.
- ચાંઠાઃ શરીર પર ઠેર ઠેર લાલાશ અથવા ચાંઠા પડી જાય છે. શરૂઆતમાં પેટ અને પીઠ પર અને પછી હાથ-પગ પર આવા ચાંઠાઓ જોવા મળે છે. જે તાવના ત્રીજા-ચોથા દિવસે શરૂ થઇને એક-બે દિવસમાં અદ્રશ્ય થઈ જાય છે.
- ઉબકા-ઉલટી-અરૂચિઃ મોટા ભાગના દર્દીઓમાં ખોરાક પ્રત્યે અરૂચિ હોય છે અને ઘણીવાર ઉબકા અને ઊલટી પણ થાય છે.
ચીકનગુનીયાની સારવાર શું?
ચીકુનગુનીયાની બીમારી આપોઆપ જ કોઇ દવા વગર મટી જાય છે. ચીકુનગુનીયાના વાઇરસ સામે કામ આવી શકે એવી અને આ વાઇરસને ખતમ કરી નાંખે એવી કોઇ દવા હજી સુધી શોધી શકાઈ નથી. એટલે દુખાવામાં રાહત માટે દર્દશામક દવાઓ અને તાવ વધે ત્યારે તાવ ઉતારવાની દવા જરૂર મુજબ વાપરવી પડે છે. સાંધાની તકલીફ ઓછી કરવા કયારેક કલોરોકિવન દવા પણ વપરાય છે. આ બીમારીને મટાડવા માટે કોઇ ઇજેકશન કે બાટલાનો કોર્સ આવતો નથી અને આવા કોઇ પણ ઇન્જકશન કે બાટલા લેવાની જરૂર હોતી નથી.
ચીકુનગુનીયાથી બચવા માટે શું કરવું?
- મચ્છરો દિવસ દરમ્યાન ન કરડી શકે એ માટે આખી બાંયના કપડાં પહેરો.
- મચ્છર દૂર રાખે એવા કીમ (દા.ત. ઓડોમસ) અથવા નીલગીરીના કે લીંબોળીના તેલનો ઉપયોગ કરો.
- દિવસ દરમ્યાન પણ આરામ કરતી વખતે મચ્છરદાનીનો વપરાશ કરો. પાઇરેથ્રોઇડ નામની દવા લગાવેલી મચ્છરદાની વાપરો. પડદા પર પણ આવી દવા લગાવી શકાય.
- મચ્છર ભગાવતી અગરબત્તીની કોઇલ અથવા મેટનો ઉપયોગ પણ કરી શકાય.
- ચીકનગુનીયા ફેલાવતાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે ઘરમાં કે ઘરની આજુબાજુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પાણી ભરાઇ ન જાય એની ખાસ કાળજી રાખો. બને ત્યાં સુધી આવી વસ્તુઓ હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવી. ખાલી ટીન કે તુટેલી બાટલી કે નકામા ટાયર જેવી વસ્તુઓ ખુલ્લામાં ફેંકી દેવાને બદલે કચરા પેટીમાં નાંખીને કચરાનો તરત નિકાલ કરવો જોઇએ. ઘરની આજુબાજુના નાના મોટા ખાડા ખાબોચિયા પૂરી દેવા.
- હજી જે જગ્યાએ મચ્છર ઉછરી શકે એવી શક્યતા હોય (દા.ત. કૂંડા) એ જગ્યાએ સમયે સમયે (દર ત્રણ મહિને) મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરતા રહેવું જોઇએ. અને જ્યારે રોગચાળો ફાટ્યો હોય ત્યારે મેલેથીયોન દવાની ધૂમ્રસેર દ્વારા મચ્છરોનો તાત્કાલિક નાશ કરવો જોઇએ.
સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક