વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગરદનનો દુઃખાવો - સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ

ગરદનનો દુઃખાવો - સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ વિશેની માહિતી આપવામાં આવી

ગરદનનો દુઃખાવો અનેક લોકોને પરેશાન કરતો હોય છે. સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ તરીકે ઓળખાતી ગરદનના મણકાની તકલીફ ઘણા લોકોમાં જોવા મળે છે. જે રીતે ઉમર અને વજન વધવાથી ઘુટણના સાંધા ઘસાય છે એ જ રીતે ઉમર અને વપરાશ વધવાથી ગરદનના મણકાના સાંધાઓ પણ ઘસાય છે જે ઓસ્ટિઓઆર્થાઇટિસ અથવા સ્પોન્ડીલોસિસ તરીકે ઓળખાય છે.
ગરદનના કુલ સાત મણકા હોય છે જેમાંથી સૌથી નીચેના ત્રણ મણકાઓ વચ્ચેના સાંધાઓ ઘસાવાની તકલીફ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉમર વધતાં બે મણકા વચ્ચેની ગાદી થોડીક પાતળી થાય છે અને મણકાની કિનારી ઉપરથી હાડકાંનો ભાગ થોડોક વધે છે. આ ઉપરાંત મણકાની પાછળના ભાગે આવેલ, (લાંબી હાડકાંની) મરોડ વચ્ચેના સાંધાઓ પર પણ ઘસારા અસર કરે છે. આ બંને સાંધાઓ પર ઘસારાને કારણે, હાડકાંની કિનારી ઉપરનો ભાગ સહેજ મોટો થવાથી, બે મણકા વચ્ચેની નાની જગ્યામાંથી પસાર થતી ચેતાઓ (સાદી ભાષામાં નસ) પર દબાણ આવવા લાગે છે, જેને પરિણામે લાંબે ગાળે ચેતાઓને નુકસાન થાય છે.
સર્વાઇકલ સ્પોન્ડીલોસિસને કારણે ગરદનના પાછળના ભાગમાં દુઃખાવો થાય છે. કયારેક, ગરદન અકડ થઈ ગઈ હોય એવું જણાય છે. ઘણા લોકોને ગરદનની ડાબી કે જમણી બાજુએ ખભાથી ગરદન વચ્ચે આવેલ સ્નાયુઓનો ભાગ દુ:ખે છે. આ ભાગ પણ અકડાઈ ગયેલ અને હલનચલન કરવાથી કડાકા બોલતો હોય એવો જણાય છે. આ પ્રકારની તકલીફ વધઘટ થયા કરે છે. દર્દીને યાદ પણ ન હોય એ પ્રકારની ગરદનની વધુ પડતી હલન-ચલન કે ઝાટકા લાગવાને કારણે દુઃખાવો અચાનક વધી જાય છે. જો ગરદનના ઉપરના મણકાઓ પર ઘસારાની અસર થાય તો માથાના પાછળના ભાગમાં દુઃખાવો થયા કરે છે.
ગરદનના દુઃખાવા ઉપરાંત, કયારેક, ઝીણો, દુઃખાવો ખભા, બાવડા, કોણી કે હાથ સુધી થાય છે. કયારેક છાતીના અમુક ભાગમાં પણ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસને કારણે થોડો દુઃખાવો થઈ શકે. મોટાભાગના કિસ્સામાં આવા દુઃખાવાનું ચોક્કસ સ્થાન દર્દી દર્શાવી નથી શકતા પણ આશરે આટલાં ભાગમાં દુઃખે છે એવી ફરિયાદ કરતા હોય છે. ઘણા દર્દીઓમાં ચેતાતંતુઓ પર દબાણ આવવાને લીધે હાથમાં ઝણઝણાટી થવાની કે ખાલી ચઢી જવાની ફરિયાદ જોવા મળે છે. કેટલાક દર્દીને હાથના અમુક ભાગોમાં બળતરા થાય કે સોંય ભોકાતી હોય એવું લાગે છે.
ગરદનના મણકાની અન્ય તકલીફોમાં પણ આ પ્રકારનાં ચિહનો આવે છે. (દા.ત. પ્રોલેપ્સ ઈન્ટરવર્ટેબ્રલ ડિસ્ક, ટયૂમર, ચે૫) નિષ્ણાત ડોકટરની સલાહ લઈને અન્ય કોઈ જોખમી બીમારી નથી એની ખાત્રી કરી લેવી ખૂબ જરૂરી છે. આધેડ વયે દેખાતી આ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસની તકલીફનું એકદમ ચોક્કસ નિદાન કરવું અઘરું છે. કોઇપણ તકલીફ કે લક્ષણો ન હોય એવી વ્યકિતના મણકાના એક્ષ-રેમાં પણ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસના ચિહનો જણાય છે અને બીજી કોઈ તકલીફ નથી એ અંગે ચોકસાઇપૂર્વક તપાસ થઈ જાય પછી જ આ નિદાન કરવામાં આવે છે.
સર્વાઇકલ સ્પોન્ડીલોસિસની તકલીફના કારણે મોટા ભાગના કિસ્સામાં દુઃખાવા અને ઝણઝણાટી સિવાય અન્ય મોટી કોઈ તકલીફ કે કમજોરી આવતાં નથી પરંતુ કયારેક હાથના અમુક ભાગમાં સ્નાયુઓ નબળાં પડી ગયા હોય એવું દર્દી અનુભવે છે અને જવલ્લે જ કરોડરજજૂ ઉપર હાડકાંનું દબાણ આવવા લાગે તો બંને હાથમાં અને પગમાં કમજોરી અને પેરાલિસિસ થવાની શક્યતા રહે છે. અલબત આવું ભાગ્યે જ બને છે, પરંતુ કમજોરીના કોઇપણ ચિન્હ આવે તો તાત્કાલિક ડોકટર પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી અનિવાર્ય છે.
સર્વાઇકલ સ્પોન્ડીલોસિસની તકલીફ આપમેળે જ વધઘટ થતી હોવાથી એની સારવાર મુખ્યત્વે તકલીફ વધી જાય ત્યારે રાહત આપવા માટે અને તકલીફ ન હોય (અથવા ઓછી હોય) ત્યારે એ ફરીથી ન ઉદભવે એની કાળજી રાખવા માટે કરવી પડે છે. જયારે દુઃખાવો વધી જાય ત્યારે ગરદનને સંપૂર્ણ આરામની જરૂર હોય છે. ગરદનનું હલનચલન શકય એટલું ઓછું કરવાથી વધુ નુકસાન થતું અટકે છે અને દુઃખાવો કાબૂમાં રહે છે. ગરદનનું હલનચલન ઘટાડવાના આશયથી જ આવી પરિસ્થિતિમાં ગળાના ભાગે પટ્ટો (કોલર) પહેરવાનું દર્દીને કહેવામાં આવે છે. આ પટ્ટો જરૂરી બિન જરૂરી હલનચલન (ખાસ તો નીચે જોવાની હીલચાલ) અટકાવે છે. વાહન ચલાવવાનું અને લાંબો સમય નીચે જોઈને કરવાનું કામ દુઃખાવા વખતે બંધ કરી દેવું.
ગરમ પાણીનો શેક કરવાથી તે ભાગમાં લોહીનો પ્રવાહ વધે છે, અને દુઃખાવામાં થોડીક રાહત મળે છે. ઠંડક અને ઠંડા પવન સામેગરદનને પૂરતું રક્ષણ આપવું. ઘણા લોકો ગરદન અકળાઈ જાય ત્યારે ટચાકા ફોડાવવા માટે જતા હોય છે. ગરદનને આમતેમ મરડીને ટચાકા ફોડનારાઓ કયારેક ગરદનને કાયમી નુકસાન પહોંચાડી દે છે; અને આ રીતે ટચાકા ફોડવાથી ગરદનની તકલીફમાં કોઈ સુધારો થતો નથી, એટલે દુઃખાવા વખતે ગરદનને આરામ અને ગરમી(શેક) આપવા સિવાય બીજુ કંઈ કરવાની જરૂર નથી. જો અસહ્ય દુઃખાવો થતો હોય તો ડોકટરની સલાહથી દર્દશામક દવાઓ લઈ શકાય કે દર્દશામક મલમ લગાવી શકાય.

ગરદનનો દુ:ખાવો ન થાય એ માટે શું કાળજી રાખવી?

વારંવાર ગરદનના દુઃખાવાની તકલીફ ન થાય એ માટે, કામની અને આરામની ટેવોમાં કાયમી ફેરફારો કરવા જરૂરી છે. કામ કરતી વખતે એકદમ નીચું જોઈને કરવાં પડે એવાં કામો ટાળવાં અને ખુરશી – ટેબલની વ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી ખૂબ નીચે જોવું ન પડે. (ખુરશી નીચી અથવા ટેબલ ઊંચુ રાખવું). ઘરમાં અનાજ વીણવાના કામો પણ લગભગ ગરદનની ઊંચાઈએ થાળી રહે એ રીતે રાખીને કરવા જોઈએ. માથા પર વજન ઊચકવાની ટેવ પાડવી નહીં. વજન ઊચકતી વખતે ખભા/કમ્મર પર બોજ પડે એમ ગોઠવવું. ગરદનના ભાગ પર વજન આવે એ રીતે ગુણ ઊચકવાનું કામ કરવું નહીં. વારંવાર ગરદનનું હલનચલન કરવું પડે એવું કામ એ રીતે ગોઠવવું કે જેથી હલનચલન ઓછામાં ઓછું કરવું પડે. (દા.ત. વારંવાર ઉપર અને નીચે જોયા કરવું પડે એવાં કામોમાં બંને વસ્તુ બાજુબાજુમાં મુકીને કામ થઈ શકે કે નહીં એ વિચારીને ગોઠવણ કરવી.) શિર્ષાસન/સર્વાગાસન કરવાં નહીં.

વાહન ચલાવતી વખતે ઝડપ ધીમી રાખવી ખાડાઓથી બચવું ખૂબ જરૂરી છે. આખો દિવસ વાહન પર ફર્યા કરવું પડે એવો વ્યવસાય ધરાવતા લોકોને કમ્મર અને મણકાનો ઘસારો જલદી થાય એવી શક્યતાઓ રહે છે. ખાસ કરીને પૂરતા શોક-એબ્સોર્બર વગરનાં દ્વચક્રી વાહનોમાં લાગતા આંચકાઓ મણકાના સાંધાને ઢીલા કરી નાંખે છે.

છેલ્લે, સુતી વખતે બે-ત્રણ તકિયા/ઓશીકાં ગરદન નીચે રાખીને સૂવાની ટેવ સર્વાઇકલ સ્પોન્ડીલોસિસને વધારી મૂકે છે. આ રીતે માથા નીચે મોટા તકીયા મૂકી વાંચન કરવાની કે ટીવી જોવાની કુટેવ લાંબે ગાળે ગરદનના દુઃખાવાનું કારણ બને છે. વાંચન કરવા કે ટીવી જોવા માટે ટટ્ટાર બેસવાની ટેવ કેળવવી જરૂરી છે.

લાંબો સમય સુધી એક જ સ્થિતિમાં (દા.ત. નીચું જોઈને) કામ કર્યા પછી એકાદ મિનિટ માટે એથી વિરૂદ્ધ સ્થિતિમાં માથું મૂકી રાખીને સ્નાયુઓને આરામ આપતા રહેવું જોઇએ જેથી સ્નાયુ અકડાઈ જવાની તકલીફ ઓછી થાય. આ ઉપરાંત ગરદનના સ્નાયુઓની નિયમિત કસરત કરતા રહેવું પણ જરૂરી છે.

ગરદનનો દુખાવો ન થાય એ માટે સૌથી અગત્યની કાળજી માથા અને ગરદનની સાચી સ્થિતિ આખો દિવસ જાળવી રાખવાની છે.વધુ પડતું નીચે તરફ ગરદન ઝુકાવીને કામ કરવાનું ટાળવું જોઇએ. ટેબલ ખુરશી પર કામ કરતી વખતે વધુ નીચું જવું પડે એમ હોય તો ટેબલની ઊંચાઈ વધારવી અથવા ટેબલ પર બે-ત્રણ જાડી ચોપડી મૂકીને લખવા-વાંચવાનું કામ કરવું જોઇએ; આ રીતે નીચું જોઇને કામ કરનાર વ્યકિતએ દર કલાકે ઓછામાં ઓછું એક વખત ગરદનને એકાદ મિનિટ સુધી સીધી-ઊંચી રાખીને આરામ આપવો જોઇએ.

દિવસ દરમ્યાન સમય મળે ગરદનના સ્નાયુઓ ને કસરત આપતા રહેવું જોઇએ. ખભા અને એની આસપાસના સ્નાયુઓને પણનિયમિત કસરત મળે એ ખૂબ જરૂરી છે. બહુ આંચકા લાગે એવા વાહનમાં કે એવા રસ્તા પર મુસાફરી કરવાનું ટાળો. કોમ્યુટર પર કામ કરવાનું થતું હોય તો કોમ્યુટર સ્ક્રીન તમારા માથાની સપાટીએ રહે એમ ગોઠવો. ગરદનના સ્નાયુઓ મજબુત કરવા માટે તંદુરસ્ત માણસે કઇ કસરત કરવી જોઇએ?

ગરદનના સ્નાયુઓ મજબુત બનાવવા માટે તંદુરસ્ત માણસે નિયમિતપણે ગરદનની કસરત કરતા રહેવું જોઇએ. સ્નાયુઓને ખેંચાણ આપે એવી કસરતમાં

 1. બેઠા બેઠા માથે આગળ તરફ ઝુકેલું રાખીને વારાફરતી ડાબી અને જમણી તરફ દાઢીનો ભાગ બંને ખભાની નજીક પહોંચે એમ ફેરવવું. દરેક સ્થિતિમાં દશ સેકન્ડ રહેવું.
 2. ગરદનને પૂરેપૂરી આગળ અને પાછળ લાવવી. દરેક સ્થિતિમાં દશ સેકન્ડ રહેવું. ગાદી ઘસાઈ જવાથી કે ચેતાતંતુ પર દબાણ આવવાથી દુખાવો થતો હોય એમણે આ કસરત ન કરવી.
 3. ધીમે ધીમે ટટ્ટાર માથું ડાબી અને જમણી તરફ ઝુકાવવું અને દરેક સ્થિતિમાં દશ સેકન્ડ રહેવું. દુખાવો થતો હોય તો આ કસરત ન કરવી.
 4. ઊંધા સૂઈને બંને હાથ શરીરની બાજુ પર સીધા રાખી મૂકી ગરદનને ઊંચી કરવી અને દશ સેકન્ડ ઊંચી રાખી મૂકવી.
 5. જો કોઈ પ્રકારનો દુખાવો ન હોય તો, માથાને બધી દિશામાં ધીમે ધીમે ગોળ ફેરવવું. એટલે કે ટટ્ટાર માથું પહેલાં આગળ ઝુકાવવું પછી ધીમે ધીમે એક સાઈડ પર ઝુકાવતા ઝુકાવતા પૂરું એક બાજુ ઝુકાવી, ધીમે ધીમે પાછળ તરફ ઝુકાવવું અને બીજી બાજુ ઝુકાવીને આગળ લઈ જવું. મણકા-ગાદીની તકલીફ થઈ ગયા પછી આ કસરત ન કરવી.
 6. ખભાને આગળ અને પાછળ ધીમે ધીમે ગોળ ગોળ ફેરવવા – બંને હાથ નીચે ઢીલા છોડી દેવા.
 7. ખભાને ઉપર કાન તરફ ખેંચવા, દશ સેકન્ડ પછી ફરી ઢીલા મૂકી દેવા.
 8. બંને હાથ છાતીની સપાટીએ રાખીને પછી એ જ સપાટીએ પાછળ તરફ ખેંચવા જેથી ગરદનની તરત નીચે રહેલ સ્નાયુઓને કસરત મળે.
 9. માથા પાછળ એક હાથ રાખી, માથાને પાછળ તરફ ધકેલવું અને હાથથી એને ધકેલવામાં જોર પડે એટલું દબાણ આપવું.
 10. માથાની એક બાજુએ (કાન પર) ડાબો હાથ મૂકી એ હાથના દબાણની સામે માથાને ડાબી બાજુ ધકેલવું અને પછી એ જ રીતે જમણી બાજુ ધકેલવું.

આ દરેક કસરત ૧૦ થી ૨૦ વખત, ધીમે ધીમે કરવી. તમને ગરદનનો દુખાવો પહેલેથી જ હોય તો તમારા ડોક્ટરની સલાહ મુજબ જ કસરત કરવી. કસરત કરતી વખતે દુઃખાવાનો અનુભવ થાય તો તરત આગળ વધતા અટકી જવું જોઇએ. કસરત દુઃખાવો ન થાય એ માટે કરવામાં આવે છે અને કસરત કરતી વખતે દુઃખાવો ન જ થવો જોઇએ.

આમ, ગરદનના દુઃખાવાથી બચવું હોય તો નિયમિત કસરત, સારી શારીરિક સ્થિતિ અને સારી કામ કરવાની રીત જરૂરી છે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

3.6
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top