অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાર્પલ ટનલ સિન્ડ્રોમ

કાર્પલ ટનલ સિન્ડ્રોમ

હાથની આંગળીઓમાં ઝણઝણાટી અને ખાલી ચઢવાની તકલીફ - કાર્પલ ટનલ સિન્ડ્રોમ

કાર્પલ ટનલ સિન્ડ્રોમ ને કારણે

હાથની પહેલી બે આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી થવી, ખાલી ચઢવી, બળતરા થવી કે મીઠી ખંજવાળ આવવી કે દુઃખાવો થવો આવી ફરિયાદ ઘણાં લોકોને ખાસ કરીને ચાળીસ વર્ષની સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. રાત્રે ઉંઘમાં એક અથવા બંને હાથની આંગળીઓમાં ખાલી ચઢી જાય અને સવારે ઉઠે ત્યારે હાથને જોરથી ઝાટકાભેર હલાવવાથી ઝણઝણાટી-ખાલી દૂર થાય એવું બનતું હોય છે. જો આ તકલીફ આગળ વધે તો દિવસ દરમ્યાન પણ ઝણઝણાટી થતી રહે છે અને કોઇ વસ્તુ હાથમાં પકડીને કામ કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. રસોઇ કરતી વખતે ચમચો કે તવેથો હલાવવામાં હાથમાં ખાલી ચઢી જાય કે ચમચો જોરથી પકડી ન શકાય એવું પણ બને છે. જો તકલીફ આગળ વધે તો હાથના અંગૂઠાના સ્નાયુઓ નબળાં પડી જાય છે. ક્યારેક હાથની આંગળીઓ વડે ગરમ ઠંદાનો ભેદ પારખવાનું પણ મુશ્કેલ કે અશક્ય બની જાય છે. આ બધી હાથની આંગળીઓની તકલીફ થવાનું કારણ કાંદા પાસેથી પસાર થઇ હાથના સંવેદનો સહન કરતી ચેતા પર કાંડાના ભાગે આવતું દબાણ હોય છે જે “કાર્પલ ટનલ સિન્ડ્રોમ” તરીકે ઓળખાય છે.

કાર્પલ ટનલ એટલે કાંડાના ભાગે ચેતા તથા સ્નાયુને પસાર થવા માટે હાડકાઓ અને સંયોજક પેશીઓ દ્વારા બનેલ બોગ! જ્યારે આ બોગદામાંથી પસાર થતાં સ્નાયુ કે ચેતા માટેની જગ્યા ઓછી પડે ત્યારે ચેતા ઉપર દબાણ આવે છે જેને પરિણામે હાથની આંગળીઓ પર ઝણઝણાટી કે દુઃખાવો થાય છે. આમ, કાર્પલ ટનલ એ દરેક વ્યક્તિને કાંડામાં આવેલી કુદરતી રચના છે. જ્યારે આ ટનલમાંથી પસાર થતી ચેતા પર દબાણ આવે ત્યારે એ તકલીફ કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાના મુખ્ય કારણોમાં જન્મજાત સાંકડી ટનલ છેજે ચેતા અને સ્નાયુઓ માટે ઓછી જગ્યા આપે છે અને પરિણામે ચેતા પર દબાણ આવે છે. કાંડા પર થયેલ ઇજા કે જોસો પણ લાંબો સમય રહે તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ થાય છે. સંધિવા (રૂમેટોઇડ આર્થાઇટીસ) ને કારણે પણ આ તકલીફ થઇ શકે. શરીરમાં થાઇરોઇડ અંતઃસ્ત્રાવની અછત (હાઇપોથાઇરોઇડીસમ) તેમજ પીટ્યુટરી ગ્રંથિમાંથી વધુ પડતાં અંતઃસ્ત્રાવ બનવાની તકલીફ પણ કાર્પલ ટનલ સિન્ડ્રોમ કરી શકે છે. સગર્ભાવસ્થા કે રજોનિવૃત્તિ દરમ્યાન થતાં અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ વધી જાય ત્યારે પણ કાપેલા ટનલ સિન્ડ્રોમ ની તકલીફ થઇ શકે. કાંડા પર કામ કરતી વખતે વધુ પડતો બોજ પડે કે ધ્રુજારી કરતાં મશીનને હાથમાં પકડીને કામ કરવું પડે તો પણ કાર્પલ ટનલા સિન્ડ્રોમ થઈ શકે. શરીરની વધુ પડતી ચરબી અને કાંડાના ભાગે થયેલ ગાંઠ પણ આ તકલીફ માટે ક્યારેક જવાબદાર હોય છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાની શક્યતાં પૂરુષો કરતાં સ્ત્રીઓમાં ત્રણ થી પાંચ ગણી વધારે હોય છે. કારણકે સ્ત્રીઓના કાંડામાં જન્મજાત જ પુરુષો કરતાં નાની ટનલ હોય છે. જે હાથે વધુ કામ થતું હોય તે હાથ (જમણેરીના જમણો અને ડાબેરીના ડાબો હાથ) પર કાર્પલ ટનલ સિન્ડ્રોમ ની શરૂઆત થાય છે. નાના બાળકોમાં સામાન્ય રીતે આ તકલીફ જોવા મળતી નથી. ડાયાબીટીસના દર્દીઓમાં આ તકલીફનું પ્રમાણ વધુ જોવા મળે છે કારણકે ડાયાબીટીસના કારણે ચેતાને નુકશાન થયું હોય ત્યારે થોડુંક વધારાનું દબાણ ઝડપભેર કાર્પલ ટનલ સિન્ડ્રોમ ના લક્ષણો દર્શાવે છે. જે કામમાં હાથનું (ખાસ કરીને કાંડાનું) હલનચલન વધુ આવતું હોય એવા દરેક કામ સાથે સંકળાયેલ લોકોને કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધુ રહે છે. ફીટીંગ કરવું, સીવવું, સાફસૂફી કરવી, પેકીંગ કરવું, રંગરોગાન કરવું, લખવું, ટાઇપીંગ કરવું, ટેબલ-ટેનીસ કે રેકેટ-ફૂલ થી રમવું વગેરે અનેક પ્રવૃત્તિઓને કારણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાની શક્યતા વધે છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ ને કારણે

  1. અંગુઠો અને પહેલી બે કે ત્રણ આંગળીઓમાં ઝણઝણાટી કે ખાલી ચઢવી
  2. હથેળીમાં ઝણઝણાટી કે ખાલી ચઢવી
  3. કાંડા કે હાથમાં દુઃખાવો થવો
  4. હાથમાં કમજોરી લાગવી – મુઠ્ઠી વાળીને વસ્તુ પકડી ન શકવી
  5. આંગળીઓ દ્વારા ચિત્રકામ જેવી ઝીણવટથી કરવાના કામ ન થઈ શકવા
  6. કોણી કે બાવડા સુધી દુઃખાવો પહોંચવો અને
  7. હાથના અંગૂઠા પાસેના સ્નાયુઓ નબળા પડવા- એ ભાગ પાતળો થઈ જવો વગેરે તકલીફો ઉદ્ભવે છે.

કાંડાના આંગળાના ભાગ પર આંગળી વડે ટકોરા મારવાથી હાથની ઝણઝણાટી કે દુઃખાવો વધે છે. બે પંજાને નમસ્કારથી તદ્દન ઊંધી દીશામાં વાળીને ભેગા રાખવાથી જે હાથમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોય એ હાથમાં ૬૦ સેકન્ડની અંદર ઝણઝણાટી, ખાલી ચઢવી કે કમજોરી લાગવી જેવી તકલીફો દેખાય છે.

ઇલેક્ટ્રોમાયોગ્રાફી અને નર્વ કન્ડક્શન સ્ટડીની મદદથી ચેતા પરનું નુકસાન વધુ ચોક્સાઇથી જાણી શકાય છે. દર્દીમાં લક્ષણો અને શંકાસ્પદ કિસ્સાઓમાં એ મદદરૂપ થઈ શકે. અલબત્ત, જે દર્દીમાં લક્ષણ અને ચિન્હો ચોક્કસપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ નું નિદાન સૂચવતા હોય એમાં આ મોંઘી તપાસો કરાવવાની જરૂર નથી હોતી.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ ની સારવાર માટે જુદી જુદી અનેક પદ્ધતિ વપરાય છે. સૌથી સરળ અને સસ્તો ઉપાય, શરૂઆતના તબક્કા માટે, રાતના સમયે હાથને એવી સ્થિતિમાં બાંધી રાખવાનો છે કે જેને લીધે કાંડા પાસેથી હાથ આગળ તરફ વળી ન શકે. જ્યારે કાંડા પાસેથી હાથ આગળ તરફ વધે છે ત્યારે કાર્પલ ટનલમાં

સ્નાયુઓ અને ચેતાને સમજવા માટે જગ્યા ઓછી પડે છે અને પરિણામે ચેતા પર દબાણ આવે છે. જો એક લાકડાનું પાટીયું અથવા પ્લાસ્ટીકનો ચમચો રાત્રે હાથ સાથે કાંડાની ઉપર અને નીચે બાંધી દેવામાં આવે તો હાથને વળતો અટકાવી શકાય અને પરિણામે રાત્રે કે સવારે થતી ઝણઝણાટી કે દુખાવાની તકલીફ પણ અટકાવી શકાય છે. એક જ હાથમાં શરૂ થયેલ ઝણઝણાટી થોડાક અઠવાડિયા સુધી આ રીતે માત્ર સૂતી વખતે હાથ પર ખપાટીયું (પ્લીન્ટ) બાંધી રાખવાની સારવારથી મટી જઈ શકે. ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય આકારનું ખપાટીયું વાપરવું જોઇએ. જો આટલું કરવાથી રાત્રે સારું લાગે પણ દિવસે તકલીફ થયા કરે તો દિવસ દરમ્યાન પણ આવું ખપાટીયું બાંધી રાખવું પડે. આ ઉપરાંત, ઠંડા-ગરમ પાણીનો શેક કરવાથી દુ:ખાવામાં થોડીક રાહત મળી શકે.

કામના પ્રકાર અને પદ્ધતિમાં થોડો ફેરફાર કરીને કાંડાના ભાગનું હલનચલન ઓછું થાય અને કાંડા ઉપર ઓછો બોજ પડે એવું આયોજન કરવું જોઇએ. રમતગમતની પ્રવૃત્તિમાં પણ બેડમીટન, ટેનીસ કે ટેબલ ટેનીસ જેવી રમતોને બદલે કાંડાનું હલનચલન ઓછુ થાય એવી રમતો પસંદ કરવી જોઇએ. ઘણાં લોકોમાં આટલાં સાદા ફેરફારો (પ્રવૃત્તિમાં ફેરફાર અને ખપાટીયાનો ઉપયોગ) કરવાથી કાર્પલ ટનલ સિન્ડ્રોમ કાયમ માટે જતો રહે છે અને આગળ બીજી કોઈ સારવાર કરવાની જરૂર નથી રહેતી. જો આ સાદા ઉપાયો કારગર ન નીવડે તો દવાઓ તથા ઓપરેશનનો આશરો લેવો પડે.

જો કાંડાની આસપાસ ઇજાને કારણે સોજો આવવાથી કાર્પલ ટનલ સિન્ડ્રોમ ની શરૂઆત થઈ હોય, અથવા દુ:ખાવાની તકલીફ વિશેષ હોય તો ડોક્ટરની સલાહથી દર્દશામક દવાઓ લેવાથી ફાયદો થાય છે. ક્યારેક ખૂબ વધુ પદતી તકલીફમાં તત્કાલ કામચલાઉ રાહત આપવા માટે સ્ટીરોઇડનું ઇજેક્શન ડોક્ટર કાંડામાં આપી શકે. અલબત્ત વારંવારના આવા ઇજેક્શન નુકશાન કરી શકે અને સ્ટીરોઇડ ઇજેક્શન કદી કાયમી બીમારીને મટાડી નથી શક્તા. વીટામીન-બી-૬ (પાઇરોડોલીન) કે અન્ય બી કોમ્લેક્ષ વીટામીન લેવાથી ફાયદો થાય કે નહીં એ વિવાદાસ્પદ મુદ્દો છે.

એક વખત દુઃખાવો અને ઝણઝણાટી ઓછી થઈ ગયા પછી ફીઝીયોથેરપીસ્ટની સલાહ મુજબ કાંડાની કસરતો કરવાથી ફાયદો થઇ શકે. કાંડા પર હળવું ખેંચાણ આપતી અને કાંડાના સ્નાયુઓ મજબૂત કરવા માટેની કસરતો ઉપયોગી થઈ શકે.

જો ઉપરોક્ત ઇલાજો કરવા છતાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ ની તકલીફ છે મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહે તો છેવટે કાર્પલ ટનલ રિલીઝ નામના નાનકડાં ઓપરેશનનો આધાર લેવો પડે છે. માત્ર લોકલ અનેસ્થેસીયામાં ઇજેક્શન દ્વારા કાંડાના ભાગને થોડા સમય પૂરતો સંવેદનહીન બનાવીને, આ ઓપરેશન કરવામાં આવે છે જેમાં કાર્પલ ટનલના હાડકા સિવાયના ભાગ (લીગામેન્ટ) પર કાપો મૂકી ટનલને મોટી બનાવવામાં આવે છે જેથી ચેતા પર દબાણ આવતું બંધ થઇ જાય. હવે એન્ડીસ્કોપ (દૂરબીન)ની મદદથી પણ આવા ઓપરેશન થાય છે. જેમાં ઓછી તકલીફ અને નાના કાપા દ્વારા ઓપરેશન શક્ય બને છે. અલબત્ત, ઓપરેશન કર્યા પછી પણ પ્રવૃત્તિમાં કાળજી રાખવી અને કસરત કરવાની જરૂરિયાત રહે છે. કેટલીક વધુ બોજવાની પ્રવૃત્તિ ઓપરેશન બાદ ન થઇ સકે એવું બને છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ ને થતો જ અટકાવવા માટે આ બીમારીનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતી સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી જોઇએ. કાંડા પર બોજ પડે એવું કોઈ પણ કામ સતત કરવાને બદલે ટુકડે ટુકડે કરવું હિતાવહ છે. કાંડાની ખોટી સ્થિતિ જાળવવાની કે વધુ બોજ પડે એ રીતે કામ કરવાની કુટેવ સુધારવી જોઇએ. જરૂર પડ્યે કાંડાના પટ્ટાનો ઉપયોગ અને કસરતો કરવાથી પણ ફાયદો થઇ શકે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate