অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓસ્ટિઓ-આર્થાઇટિસ

ઉમર વધવા સાથે થતો સાંધાનો ઘસારો :

એક પ્રખ્યાત ટુચકામાં એક માજીને ડૉકટર સમજાવે છે કે તમારી ઉંમરને કારણે તમારા જમણા પગના ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે અને એટલે ત્યાં દુઃખાવો-સોજો વગેરે તકલીફો થાય છે. ડૉકટરની વાત પર ભારોભાર શંકા સાથે માજીએ પ્રશ્ન પૂછયો “મારા ડાબા પગની અને જમણા પગની ઉમર જુદી જુદી હશે??!!

ઉંમરને કારણે થતો સાંધાઓનો ઘસારો શરીરના એકાદ સાંધાથી માંડીને એક સાથે ઘણા બધા સાંધાઓને અસર કરી શકે છે. સાંધાઓની બીમારીમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી આ બીમારીનાં ચિહનો ૬૫ વર્ષથી મોટી ઉમરના ૯૦ ટકા વૃદ્ધોના એક્ષ-રેમાં જોવા મળે છે. ઉંમરની સાથે ઓસ્ટિઓ-આર્થાઇટિસનું પ્રમાણ વધતું જાય છે.

આ ઓસ્ટિઓ-આર્થાઇટિસ થવાનું સાચું કારણ શું છે એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયું નથી. પરંતુ નીચે જણાવેલ કારણોમાંથી કોઇકને કોઈક કારણ એ માટે જવાબદાર હોઇ શકે.

  1. વધતી જતી ઉમર : ઉંમર વધવાની સાથે સાંધા પાસે આવેલ હાડકાંના કાર્ટીલેજ તરીકે ઓળખાતા ભાગની બરડતા વધતી જાય છે અને એ જલદી તૂટી જાય છે.
  2. સાંધા પર થતો ઘસારો :- વર્ષો સુધી કામ આપતાં આપતાં સાંધાને થતી નાની-મોટી ઇજા (નુકસાન) ની અસરથી છેવટે સાંધાની દબાણ અને ભાર સહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. અને છેવટે સાંધાને કાયમી નુકસાન થાય છે, જે ઓસ્ટિઓ-આર્થાઇટિસ તરીકે ઓળખાય છે. મુઠ્ઠી આગળના સાંધા અને ખભાના સાંધા સૌથી વધુ ઇજાઓ બોક્ષીંગ કરનારાઓને થાય છે એટલે જ આ સાંધાઓનો ઓસ્ટિઓ-આર્થાઇટિસ ઘણાં બોક્ષરમાં જોવા મળે છે. આ જ રીતે બાસ્કેટબોલના ખેલાડીને ઘૂંટણમાં, બેલે ડાન્સરને ઘૂંટી પાસેના સાંધામાંને ખાણિયાઓને કરોડમાં

ઓસ્ટિઓ-આર્થાઇટિસ થવાનું પ્રમાણ વધુ હોય છે. મોટા ભાગના શરીરનું વજન ઊચકતા સાંધાઓમાં) ઓસ્ટિઓ-આર્થાઇટિસ વધુ જોવા મળે છે અને જાડા લોકોમાં ઘસારો વધુ લાગવાથી એ થવાની શકયતા વધુ રહે છે.

  1. જેનેટિક કારણો- જેમના મા-બાપને આ બીમારી થઈ હોય એ લોકોને ઓસ્ટિઓ-આર્થાઇટિસ થવાની શકયતા અન્ય લોકો કરતાં ઘણી વધારે હોય છે. સાંધાના કાર્ટીલેજમાં પ્રોટીઓ ગ્લાઇન્સ નામના રસાયણનું ઉત્પાદન જનિન આધારિત હોય છે. આ રસાયણની અસરથી સાંધામાં પાણીના અણુઓ કાર્ટીલેજમાં જોડાય છે. એટલે જયારે કાર્ટીલેજ પર દબાણ આવે ત્યારે ભીની વાદળી દબાવવાથી નીકળતા પાણીની જેમ કાર્ટીલેજમાંથી પાણી સાંધામાં નીકળે છે અને દબાણની અસર હળવી બને છે (એક જાતના હાઇડ્રોલીક એબ્સોર્બર જેવું જ કામ જોઈ લો!) જયારે સાંધા પરનું દબાણ ઘટે ત્યારે ફરી પાછું પાણી કાર્ટીલેજના રસાયણ સાથે જોડાઈ જાય છે! ઓસ્ટિઓઆર્થાઇટિસ થયો હોય એ સાંધાના કાર્ટીલેજમાં આ પ્રોટીઓ ગ્લાઇન્સ રસાયણનું ઉત્પાદન ઘટી ગયું હોય છે, જેને કારણે કાર્ટીલેજની દબાણ સહન કરવાની શકિત ઘટી જાય છે.
  2. સાંધાને નુકસાન કરતા અન્ય રોગોને કારણે છેવટે થતો ઓસ્ટિઓ-આર્થાઇટિસ: સાંધાના મોટા ભાગના રોગો જે લાંબો સમય ચાલુ રહે તો સાંધાને થયેલી ઇજાઓને લીધે છેવટે એ સાંધામાં ઓસ્ટિઓઆર્થાઇટિસ થઇ જાય છે. સાંધાના જન્મજાત રોગો, રહુમેટોઇડ કે ઇન્ટેકટીવ આર્થાઇટિસ, હીમ આસીસ, ન્યૂરોપથીક, આર્થોપથી, સાંધામાં વધુ પડતાં સ્ટીરોઇડનાં ઇન્જકશન, ગાઉટ વગેરે અનેક કારણોથી થતા સાંધાનાં નુકસાન છેવટે સાંધામાં ઓસ્ટિઓઆર્થાઇટિસ કરે છે જો કે અત્યારની ચર્ચા મુખ્યત્વે સાંધાના અન્ય રોગોની ગેરહાજરીમાં ઉમર/ઘસારો કે જેનેટિક કારણોને લીધે થતાં ઓસ્ટિઓઆર્થાઇટિસ અંગે છે.

ઓસ્ટિઓઆર્થાઇટિસને ઓળખવો કઇ રીતે?

માત્ર લક્ષણો પરથી ઓસ્ટિઓ-આર્થાઇટિસનું નિદાન કરવું મુશ્કેલ હોય છે. દેખીતાં લક્ષણો ઉપરાંત એક્ષ-રેથી નિદાન પાકું કરવું પડે છે. સામાન્ય રીતે ઓસ્ટિઓઆર્થાઇટિસના દર્દીની ઉમર ૪૦ વર્ષથી વધારે હોય છે. મોટાભાગના દર્દીને એક અથવા વધારે સાંધામાં સામાન્ય દુઃખાવાથી તકલીફની શરૂઆત થતી હોય છે. શરૂઆતમાં સાંધાના ઉપયોગ વખતે જ દુ:ખાવો થાય અને આરામની સ્થિતિમાં દુઃખાવો બંધ થઈ જાય. આ પછી જેમ જેમ રોગ આગળ વધે એમ એમ દુઃખાવો વધતો જાય છે અને આરામની સ્થિતિમાં પણ દુઃખાવો થવા લાગે છે.

દુ:ખાવાની સાથોસાથ અથવા થોડા સમય પછી જે તે સાંધામાં સોજો આવવાની તકલીફ પણ થાય છે. ઘૂંટણ, થાપા, કમ્મરના મણકા, ગરદનના મણકા, છેલ્લા વેઢા અને અંગૂઠાના મૂળ આગળના સાંધાઓમાં આ બીમારી ખૂબ સામાન્યપણે જોવા મળે છે. જે સાંધામાં બીમારી હોય એ સાંધા પર સાધારણ દબાણ આપવાથી દુઃખાવો થાય,વધે છે. સાંધાને હલાવવામાં આવે ત્યારે ઘણી વખત બીમારી વધ્યા પછી જે તે સાંધો પૂરેપૂરો વળીને સીધો થઈ શકે એવું બને છે. ઘૂંટણ જેવા સાંધા પર હાથ મૂકીને વાળવામાં આવે ત્યારે અંદરથી કંઇક ખટાખટ અવાજ આવતો હોય એવો ભાસ થાય છે.

સાંધાના એક્ષ-રેમાં ઘણાં ચિહ્નો દેખાય છે. જો કે કયારેક શરૂઆતના તબકકામાં અક્ષ-રે નોર્મલ હોય અને માત્ર દુઃખાવો થતો હોય છે. સમય જતાં સાંધાનાં એક્ષ-રેમાં સાંધા બે હાડકાં વચ્ચેની જગ્યામાં ઘટાડો થયેલો નોંધાય છે. સાંધાની કિનારીઓ પર નવું હાડકું વધતું હોય એવો ઓસ્ટિઓફાઇટ તરીકે ઓળખાતો ભાગ દેખાય છે. આ સિવાય પણ સાંધાનાં હાડકાંઓમાં આકાર બદલાઈ જવાનું કે સીસ્ટ કે ઓસીકલ હોવાનું જોઈ શકાય છે. એક્ષ-રે સિવાય અન્ય કોઇ લેબોરેટી ટેસ્ટ ઓસ્ટિઓ-આર્થાઇટિસનું નિદાન કરવામાં ખાસ ફાળો મળતો નથી. મોટા ભાગની લેબોરેટરી ટેસ્ટ નોર્મલ આવે છે. અન્ય કોઇ બીમારી નથી, એટલું નકકી કરવામાં જ લેબોરેટરી ટેસ્ટ ઉપયોગી થાય છે.

સારવાર:

ઓસ્ટિઓ-આર્થાઇટિસ એ સાંધાને ઇજા થઇ થઇને એ તબકકે પહોંચેલ રોગ છે કે એ થયા પછી કોઇ દવાથી આ ઇજાઓને સારી કરી નાખવાનું શકય નથી.

દુઃખાવો અને સોજો ઓછો કરવા માટે, એસ્પીરીન; ઇબુપ્રોફેન કે ડાઈકલોફેનેક જેવી દર્દશામક દવાઓ માત્ર તાત્કાલિક રાહત આપવા માટે ઉપયોગી છે. જયાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી દુ:ખાવા, સોજામાં રાહત રહે, પણ દવા બંધ કરવાથી પાછો દુઃખાવો શરૂ થઇ શકે. વળી, આ દવાઓની ઘણી આડઅસર થઈ શકે છે. ખાસ તો આ બધી દવાઓથી પેટમાં એસિડીટી વધી જાય છે. આ દવા એટલે જ કાયમ માટે લેવી હિતાવહ નથી હોતી, અને માત્ર વધુ પડતા દુ:ખાવા વખતે ડૉકટરની સલાહ લઇને જ વાપરવી જોઇએ.

ઘૂંટણના ઓસ્ટિઓ-આર્થાઇટિસ થઇ ગયા પછી રોજિંદી શું કાળજી રાખવી?

દૈનિક જીવનમાં દુખતા અને ઘસાઈ ગયેલ ઘૂંટણના સાંધા સાથે કઈ રીતે જીવવું એ દરેક દર્દીએ જાતે જ સમજી લેવું જોઇએ. સામાન્ય જણાતા ફેરફારો પણ દુખાવો ઘટાડે છે અને સાંધાને વધારે નુકસાન થતું અટકાવે છે.

  1. તમારું વજન વધારે હોય તો વજન ઘટાડો. જાડા શરીરનું બધું વજન ઘૂંટણ પર આવે છે જેને પરિણામે ત્યાં ઘસારો વધે છે.
  2. દશ મિનિટથી વધુ સમય સુધી સતત ઊભા રહેવાનું ટાળો. કોઈ એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી ઘૂંટણ ન રાખી મુકો.
  3. પગથિયાં ચઢવા-ઉતરવાનું ટાળો. પગથિયાંને બદલે ઢાળ ચઢવા-ઉતરવાનું રાખો. અથવા લિફટ વાપરો.
  4. નીચે ઘૂંટણીયે ઝુકીને અથવા પલાંઠીવાળીને બેસવાનું ટાળો. નીચી ગાદી ઉપરબેસવાને બદલે ખુરશી પર બેસો. કામકાજની વસ્તુઓ કમરના લેવલે જ રહે એમ ગોઠવો જેથી નીચે વળવાની જરૂર જ ન પડે. મોટી વસ્તુ ખસેડવા માટે એને ખેંચવાને બદલે ધકકો મારો જેથી સાંધા પર દબાણ ઓછું આવે.
  5. પથારી, ખુરશી કે કમોડની ઊંચાઈ ઓછી હોય તો એ થોડાંક ઊંચાં કરાવો જેથી ઉઠવા-બેસવામાં ઘૂંટણ પર તાણ ન પડે. ખુરશીમાંથી ઊભા થવા માટે હંમેશાં હાથનો ટેકો લો.
  6. શરીર અને હૃદયને સાબૂત રાખવા માટે નિયમિત ૩૦ મિનિટ કસરત કરો.તરવાની કસરત કરવી, ઘરમાં કસરતની સાઈકલ ચલાવવી કે ચાલવું વગેરે કરી શકાય. ખૂબ વધારે દુખાવો થતો હોય તો ચાલવાનું બંધ કરી દેવું જોઇએ. રોડ પર ચાલવાને બદલે ઘાસ કે પોચી જમીન પર ચાલવાથી સાંધાને ઓછા ઝાટકાલાગે છે.
  7. ઘૂંટણની આસપાસના સ્નાયુઓ મજબૂત થાય એ માટે નિયમિતપણે કસરતકરવી. પગને ઘૂંટણથી સીધો રાખીને ઘૂંટણની ઢાંકણી ઉપર-નીચે થાય એ રીતે સ્નાયુઓ ખેચીને ઢીલા મુકવાની કસરતથી ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત ડોકટરની સલાહથી લટકતા પગ પર થોડુંક વજન રાખી પગને ઊચા-નીચાકરવાની કસરત પણ થઇ શકે.
  8. ઘૂંટણના સાંધાને રક્ષણ આપે એવો પટ્ટો (ની-કેપ) પહેરવાથી પણ ફાયદો થાય.
  9. જરૂર પડે તો ચાલવા માટે લાકડીનો ટેકો લેવામાં જરા પણ સંકોચ રાખશો નહીં - એનાથી પણ ઘૂંટણને રક્ષણ મળે.

10. જયારે ખૂબ દુખાવો થતો હોય અને સોજો વધારે હોય તો ડોકટરની સલાહથી ગરમ પાણીનો ભીનો શેક કરવાથી રાહત મળશે.

આમ, ઓસ્ટિઓ-આર્થાઇટિસ દવાથી સારો થઈ શકે એવો રોગ નથી અને દવાઓનો ઉપયોગ ખૂબ મર્યાદિતપણે જ કરવો જોઇએ.શેક(ગરમ-ઠંડા) કે ડાયાર્મીિની મદદથી પણ દુઃખાવો ઘટાડવામાં રાહત મળે છે.

ઘૂંટણના સાંધામાં દૂરબીન (આર્થોસ્કોપ) નાંખીને ઓપરેશન કરવાથી કોઈ ફાયદો થાય? ઘૂંટણમાં કોઈ ઇજા થઇ હોય કે અંદરના બંધ તુટી ગયા હોય ત્યારે ઘૂંટણના સાંધામાં દૂરબીન (આર્ચોસ્કોપ) નાંખીને ઓપરેશન કરવાથી થોડોક ફાયદો થાય પરંતુ ઉમરને કારણે ઘસાઈ ગયેલા સાંધાની સાફસફાઈ માટે આર્ટોસ્કોપ એટલું બધું ઉપયોગી નથી થતું. વળી એનાથી થોડી ઘણી રાહત થાય એ પણ અલ્પજીવી (છ મહિના થી બે વરસ) હોય છે. કયારેક આર્ટોસ્કોપીને કારણે સાંધાના અંદરના ભાગને વધારાનું નુકસાન થવાની શકયતા પણ રહે છે.

ઘૂંટણનો સાંધો બદલવાનું ઓપરેશન કયારે કરવું પડે?

જયારે દવાઓ અને કાળજી કરવા છતાં કોઈ ફાયદો ન થાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે ઓપરેશન કરીને સાંધો બદલી નાંખવામાં આવે છે. પાંચ થી પંદર વર્ષ સુધી કામ આપી શકે એવા કૃત્રિમ સાંધા વૃદ્ધો માટે ઉપયોગી થાય છે. પરંતુ નાની વયે આવું ઓપરેશન કરાવવાનું સલાહભર્યું નથી હોતું. ઓપરેશન પછી પણ કૃત્રિમ સાંધો કુદરતી તંદુરસ્ત સાંધા જેવું કામ નથી આપી શકતો અને દર્દીએ કાયમ માટે પલાંઠી વાળવાનું કે ઊભડક બેસવાનું ટાળવું પડે છે. ઓપરેશન પછી ચેપ લાગી જાય તો સાંધો તરત નકામો થઇ જાય છે. ખૂબ વધુ વજન વાળી વ્યકિતમાં પણ કૃત્રિમ સાંધો જલદી ખતમ થઈ જાય છે. ઘૂંટણનો સાંધો ઘસાઇ જઇને ઓપરેશન કરવા જેટલી મોટી તકલીફ ઊભી થાય એ પહેલાં ચેતી જઇને અમલમાં મૂકવા જેવી કેટલીક બાબતો

ત્રીસ વર્ષથી વધુ ઉંમરના આશરે છ ટકા લોકોના ઘૂંટણના સાંધામાં ઓસ્ટિઓઆર્થાઇટિસ અને ત્રણ ટકા લોકોમાં થાપાના સાંધામાં ઓસ્ટિઓ-આર્થાઇટિસની તકલીફ જોવા મળે છે. સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ પ્રમાણમાં ઓસ્ટિઓઆર્થાઇટિસની તકલીફ થાય છે. ઉંમરની સાથે ઓસ્ટિઓ-આર્થાઇટિસનું પ્રમાણ વધતું જાય છે. ત્રીસ વર્ષની ઉંમરે જેટલા પ્રમાણમાં ઓસ્ટિઓ-આર્થાઇટિસની તકલીફ જોવા મળે છે એની કરતાં બે થી દશ ગણા વધુ પ્રમાણમાં આ તકલીફ ૬૫ વર્ષની ઉંમરે જોવા મળે છે. આ બીમારીના ચિહ્નો ૬૫ વર્ષથી મોટી ઉમરના ૯૦ ટકા વૃદ્ધોના એક્ષ-રેમાં જોવા મળે છે. અમેરિકામાં આશરે બે કરોડ લોકો ઓસ્ટિઓ-આર્થાઇટિસની બીમારીથી પીડાય છે અને દર વર્ષે આ બીમારીને કારણે અમેરિકાના અર્થતંત્રને ૬૫ અબજ ડોલરનું નુકસાન (સારવારનો ખર્ચ અને કામ કરવાની અક્ષમતાથી થતું નુકસાન) થાય છે.

તાજેતરમાં આ તકલીફ અંગે અનેક સંશોધનો પ્રસિદ્ધ થયાં છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ આર્થાઇટિસ, મસ્કયુલોસ્કેલેટલ એન્ડ સ્કીન ડીસીઝના ૨૮ નિષ્ણાત તબીબોની એક ટીમે તાજેતરમાં આ વિષયના લેટેસ્ટ ૨૫૦ રિસર્ચને આધારે એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં ઓસ્ટિઓઆર્થાઇટિસનાં કારણો, અટકાવ અને ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી છે. આ લેટેસ્ટ રિસર્ચને આધારે અહીં ઓસ્ટિઓઆર્થાઇટિસને કાબૂમાં રાખવા માટે જરૂરી કાળજી અંગે ચર્ચા કરી

  1. વજન કાબુમાં રાખોઃ મોટા ભાગના લોકોમાં શરીરનું વજન ઊંચકતા સાંધાઓમાં ઓસ્ટિઓઆર્થાઇટિસ વધુ જોવા મળે છે અને જાડા લોકોમાં ઘસારો વધુ લાગવાથી એ થવાની શકયતા વધુ રહે છે. વર્ષો સુધી કામ આપતાં આપતાં સાંધાને થતી નાની-મોટી ઇજા (નુકસાન) ની અસરથી છેવટે સાંધાની દબાણ અને ભાર સહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. અને છેવટે સાંધાને કાયમી નુકસાન થાય છે, જે ઓસ્ટિઓ-આર્થાઇટિસ તરીકે ઓળખાય છે. તાજેતરમાં થયેલા એક રસપ્રદ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો ઓસ્ટિઓ-આર્થાઇટિસ થવાની શકયતામાં પચાસ ટકા જેટલો ઘટાડો કરી દે છે. દરેક ઉંમરની વ્યકિત માટે વધતું વજન એ કોઇને કોઇ સ્વરૂપે બીમારીને આમંત્રણ આપનાર બને છે અને નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી મેદવૃદ્ધિ અટકાવવા માટે દરેક નાગરિકે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. મેદવૃદ્ધિ અટકવાથી માત્ર ઓસ્ટિઓ-આર્થાઇટિસ થવાની શકયતા જ નથી ઘટતી, પરંતુ હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, પિત્તાશયની પથરી વગેરે અનેક તકલીફોમાંથી પણ છુટકારો થાય છે.
  2. સાંધાને નુકસાન કરતા રોગોનું વહેલું નિદાન અને સારવાર કરાવો: સાંધાના જન્મજાત રોગો, રહુમેટોઇડ કે ઇન્ટેકટીવ આર્થાઇટિસ, હીમ-આર્ટોસીસ, ન્યૂરોપથિક આર્થોપથિ, સાંધામાં વધુ પડતાં સ્ટીરોઇડના ઇન્જકશન, ગાઉટ વગેરે અનેક કારણોથી થતા સાંધાનાં નુકસાન છેવટે સાંધામાં ઓસ્ટિઓઆર્થાઇટિસ કરે છે. આ જુદા જુદા રોગો થાય ત્યારે તરત જ એનું પાકું નિદાન અને સમયસર સારવાર કરવાથી ઓસ્ટિઓઆર્થાઇટિસ થવાની શકયતા ઘટી જાય છે.
  3. ઘૂંટણની આસપાસના સ્નાયુઓ મજબૂત બનાવો: ઘૂંટણની આસપાસના સ્નાયુઓ જેટલા મજબૂત બને એટલી સાંધાને નુકસાન થવાની શક્યતા ઘટે છે. સાંધાની આસપાસના સ્નાયુઓ સાંધાને રક્ષણ આપે છે. એક અભ્યાસ મુજબ જો સ્નાયુઓની મજબૂતીમાં ૨૫ ટકા જેટલો વધારો થાય તો સાંધો ઘસાઈ જવાની શકયતામાં ૨૦ થી ૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે. ઘૂંટણની આસપાસના સ્નાયુઓ મજબૂત થાય એ માટે નિયમિતપણે કસરત કરવી. ખાસ તો ઘૂંટણની ઢાંકણી સાથે જોડાયેલ સાથળની આગળના ભાગના સ્નાયુઓની કસરત ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
  • પગ પર થોડું (બે થી પાંચ કિલો) વજન બાંધીને ઊંચા ટૂલ કે ખુરસી પર બેસી પગને લટકતો રાખો. દિવસમાં બે થી ત્રણ વખત દર વખતે પાંચ થી દશ મિનિટ માટે આ રીતે પગને લટકતો રાખો. આ રીતે પગ રાખવાથી ઘૂંટણના સાંધા પરનો બોજ ઘટશે અને સાંધાની જગ્યા વધશે.
  • પગને ઘૂંટણથી સીધો રાખીને ઘૂંટણની ઢાંકણી ઉપર-નીચે થાય એ રીતે સ્નાયુઓ ખેચીને ઢીલા મુકવાની કસરતથી ઘણો ફાયદો થાય છે. એક વખત સ્નાયુ પર ખેંચાણ આપવામાં આવે ત્યારે પાંચ થી દશ સેકંડ સુધી જાળવી રાખવું જોઇએ. ત્યારબાદ સ્નાયુ ઢીલા મૂકી ફરી આ પ્રમાણે દશ વખત ખેંચાણ આપવું જોઇએ. દિવસમાં ત્રણ વખત આ કસરત કરવી જોઇએ.
  • પગને શકય એટલો પૂરો વાળવા અને સીધો કરવાની કસરત દસ દસ વાર દિવસમાં ત્રણ વખત કરવી જોઇએ. આ ઉપરાંત ડોકટરની સલાહથી લટકતા પગ પર થોડુંક વજન રાખી પગને ઊંચા-નીચા કરવાની કસરત પણ થઈ શકે.
  1. ઘૂંટણ પર વધુ ભાર કે દબાણ ન આવે એની કાળજી રાખો: ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો હોય તો, દશ મિનિટથી વધુ સમય સુધી સતત ઊભા રહેવાનું ટાળવુ જોઇએ. કોઈ એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી ઘૂંટણ ન રાખી મુકો. પગથિયા ચઢવા-ઉતરવાનું ટાળો. પગથિયાને બદલે ઢાળ ચઢવા-ઉતરવાનું રાખો અથવા લિફટ વાપરો. નીચે ઘૂંટણીયે ઝુકીને અથવા પલાંઠીવાળીને બેસવાનું ટાળો. નીચી ગાદી ઉપર બેસવાને બદલે ખુરશી પર બેસો. કામકાજની વસ્તુઓ કમરના લેવલે જ રહે એમ ગોઠવો જેથી નીચે વળવાની જરૂર જ ન પડે. મોટી વસ્તુ ખસેડવા માટે એને ખેંચવાને બદલે ધકકો મારો જેથી સાંધા પર દબાણ ઓછુ આવે. પથારી, ખુરશી કે કમોડની ઊંચાઈ ઓછી હોય તો એ થોડાક ઊંચા કરાવો જેથી ઉઠવા-બેસવામાં ઘૂંટણ પર તાણ ન પડે. ખુરશીમાંથી ઊભા થવા માટે હંમેશા હાથનો ટેકો લો. ચાલવા માટે જરૂર પડે તો લાકડીનો ટેકો લેવામાં જરા પણ સંકોચ રાખશો નહીં - એનાથી પણ ઘૂંટણને રક્ષણ મળશે.
  2. જનરલ ફીટનેસ માટેની કસરત ચાલુ રાખો: ઘણા દર્દીઓ ઘુટણના દુખાવાને કારણે શરીર અને હૃદયને સાબૂત રાખવા માટેની કસરત નથી કરતા. પરંતુ લેટેસ્ટ રિસર્ચથી એવું સાબિત થયું છે કે નિયમિત કસરત કરનાર  ઓસ્ટિઓ-આર્થાઇટિસના દર્દીમાં બધી જાતની બીમારીઓ થવાની શકયતા કસરત ન કરનાર દર્દી કરતાં ઓછી રહે છે. એટલે નિયમિત ૩૦ મિનિટ કસરત કરવી જ જોઇએ. તરવાની કસરત કરવી, ઘરમાં કસરતની સાઇકલ ચલાવવી કે ચાલવું વગેરે કરી શકાય. ખૂબ વધારે દુખાવો થતો હોય તો ચાલવાનું બંધ કરી દેવું જોઇએ. રોડ પર ચાલવાને બદલે ઘાસ કે પોચી જમીન પર ચાલવાથી સાંધાને ઓછા ઝાટકા લાગે છે. ફૂટબોલ, બાસ્કેટ બોલ વગેરે રમતોથી સાંધાને ઘણી વખત નુકસાન થતું હોય છે. તેમજ કુદવાથી પણ સાંધાને નુકસાન થઈ શકે એટલે એ રમતો થી દૂર રહેવું દરેકને માટે હિતાવહ છે.
  3. વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક લોઃ જે લોકોના ખોરાકમાં વિટામિન સી ભરપૂર હોય છે એ લોકોના સાંધા ઘસાઈ જવાની શકયતા ઓછી હોય છે. વળી, વિટામિન “સી” પૂરતા પમાણમાં લેવાથી ઘસાઇ ગયેલા સાંધામાં દુખાવો ઓછો થાય છે એવું એક અભ્યાસમાં જણાયું હતું. આંબળા, જામફળ, સંતરાં, લીલી ભાજી, કચુંબર, ફણગાવેલાં કઠોળ વગેરેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી હોય છે, જેનો દરેક વ્યકિતએ ભરપૂર ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત, સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી હાડકાં મજબૂત કરવાની સાથે સાથે ઓસ્ટિઓ-આર્થાઇટિસથી બચાવવા માટે પણ ઉપયોગી છે એવું સાબિત થયું છે. આખો દિવસ ઘરમાં જ રહેનાર વૃદ્ધ વ્યક્તિને પૂરતું વિટામિન ડી નથી મળતું. એટલે વિટામિન ડી મેળવવા માટે પણ સવારે અથવા સાંજે સુરજના તડકામાં ફરવું હિતાવહ છે. આ ઉપરાંત હાડકાંની મજબૂતી જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે એ પણ ખૂબ જરૂરી છે. મલાઈ વગરના દૂધ, તેલ કાઢી લીધેલ તલ અને ભાજીમાંથી પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જેનો ખોરાકમાં છૂટથી ઉપયોગ કરવો જરૂરી છે.
  4. ઝાટકા ખમી શકે એવાં શઝ પહેરોઃ તાજેતરમાં પ્રકાશિત બે અભ્યાસમાં જણાયું કે સાંધો બદલવાના ઓપરેશનમાંથી બચાવવાનું કામ ખાસ પ્રકારનાં શોક-એબ્સોર્બર શૂઝ કરી શકે છે. એડીના ભાગમાં વધારાના શોક એબ્સોર્બર ફીટ કરાવવાથી ઘૂંટણને નુકસાન થતું અટકાવી શકાય છે.
  5. હકારાત્મક અભિગમ અને તણાવમુકિત: જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવનાર વ્યકિતને શારીરિક તકલીફો અને દુખાવા ઓછા થાય છે. જો તમે માનસિક તણાવમાં રહેતા હો તો નિયમિત શવાસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે ચાલુ કરી દેજો. ઊંડા ધીમા શ્વાસોશ્વાસ અને સ્નાયુઓ શિથિલ કરવાની શવાસનની પ્રક્રિયા શરીરમાંથી તણાવને દૂર રાખે છે અને પરિણામે દુખાવા પણ કાબૂમાં રહે છે. બીમારીથી ડિપ્રેસ થઈ જનાર વ્યકિત કરતાં એનો હસતે મોઢે સમજણ પૂર્વક મુકાબલો કરનાર વ્યકિત રોગને નિયંત્રણમાં રાખવામાં સફળ થાય છે.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate