অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અચાનક થઈ આવતો પીઠનો સાદો દુઃખાવો

અચાનક થઈ આવતો પીઠનો સાદો દુઃખાવો

પીઠનો દુઃખાવો સોમાંથી એંશી જણાને તેમની જિંદગીના કોઇને કોઇ તબકકામાં થાય જ છે. વિકસિત દેશોમાં ફેમીલી ડૉકટર પાસે સૌથી વધુ દર્દી શરદીનાં આવે છે અને એ પછીના ક્રમે પીઠના દુ:ખાવાના દર્દીઓ હોય છે. બ્રિટનમાં દર વર્ષે ૨૨ લાખ લોકો પીઠના દુ:ખાવા માટે ડૉકટર પાસે પહોંચે છે પરિણામે ૪,૬૫,૦૦,૦૦૦ કામ કરવાના દિવસો બગડે છે અને વાર્ષિક ૨૦૦ કરોડ પાઉન્ડનું ઉત્પાદન ઘટે છે આપણા દેશમાં આવા અભ્યાસો થયા નથી પણ પીઠના દર્દીઓની સંખ્યા આપણા દેશમાં પણ નાની સૂની તો નથી જ.
સદભાગ્યે, મોટા ભાગના દર્દીઓમાં અચાનક શરૂ થયેલ પીઠનો દુઃખાવો આપોઆપ જ થોડાક દિવસમાં મટી જાય છે અને મોટાભાગના દર્દીઓમાં પીઠની કોઈ મોટી બીમારી આવા દુ:ખાવા માટે જવાબદાર નથી હોતી. સામાન્ય રીતે પીઠના દુઃખાવાનો પહેલો અનુભવ વીસથી ચાલીસ વર્ષની ઉમરે થાય છે. કેટલાકને એક વખત દુઃખાવો થયા પછી કદી થતો જ નથી તો કેટલાકને વારંવાર દુઃખાવો થયા કરે છે અને અમુક લોકોને કાયમી દુઃખાવો રહે છે.

પીઠનો દુઃખાવો થવાનું કારણ શું?

પીઠમાં રહેલ કરોડસ્તંભમાં ૩૪ મણકા, ૧૩૯ સાંધાઓ અને અનેક સ્નાયુઓ તથા લિગામેન્ટ્રસ (અસ્થિબંધો અને સંબિંધો) આવેલા હોય છે. અને પીઠનો દુઃખાવો આમાંથી કોઈ પણ રચનામાં શરૂ થઈ શકે છે. કરોડસ્તભની કુલ લંબાઇમાં ચોથો હિસ્સો બે મણકા વચ્ચેની ગાદીઓ નો હોય છે જ્યારે બાકીનો હિસ્સો મણકાના હાડકાનો હોય છે. કમરના મણકાનો આગળનો મોટો ભાગ શરીરનું વજન ઉઠાવવાનું મુખ્ય કામ કરે છે. આવા બે મોટા ભાગની વચ્ચે ગાદી આવે છે જે બે મણકા વચ્ચેના “બફર” કે “સ્પ્રીંગ” જેવું કામ કરે છે અને ઝાટકા ખમી લે છે. બે મણકાને એકબીજાથી યોગ્ય અંતરે રાખીને શરીરના પૂરા હલનચલન દરમ્યાન ઝાટકા ન લાગે એ માટે ગાદી મોટો ફાળો આપે છે. બે મણકા વચ્ચે ગાદી ન હોય તો દરેક પગલે જમીન પર પગ પડવાથી લાગતો ઝાટકો આખા શરીર અને માથાને ધ્રુજાવી નાંખે!! વળી, કરોડસ્તંભમાંથી પસાર થતી કરોડરજ્જુ અને એની ચેતાઓને સલામત રાખવામાં પણ ગાદી ઉપયોગી છે. ગરદન અને કમરના ભાગોમાં ગાદી સૌથી વધુ જાડી હોય છે. કારણકે કરોડસ્તંભના આ બે ભાગમાં જ સૌથી વધુ હલનચલન થાય છે. યુવાનીમાં ગાદી વધુ સ્થિતિસ્થાપક હોય છે અને ઉંમરની સાથે એની સ્થિતિસ્થાપકતા અને પરિણામે કાર્યક્ષમતા ઘટતી જાય છે.

જ્યારે કમરની ગાદીની સ્થિતિસ્થાપકતા ઘટી ગઈ હોય ત્યારે વધુ પડતું દબાણ ગાદી પર આવે તો ગાદી વધુ દબાવાથી એનો થોડો ભાગ કરોડસ્તંભની બહાર તરફ નીકળી આવે છે જે ડીસ્ક હર્નિએશન તરીકે ઓળખાય છે.

કરોડસ્તંભના ગરદનના ભાગે સાત મણકા (સર્વાઇકલ સ્પાઇન) હોય છે. છાતીના ભાગે બાર મણકા (થોરેસિક સ્પાઈન) હોય છે અને કમરના ભાગે પાંચ મણકા (લમ્બર સ્પાઇન) હોય છે. આ મણકાઓ જે તે ભાગના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર સાથે એના ઉપરથી અપાતા ક્રમના આંક મુજબ ઓળખાય છે. એટલે કમરના મણકા ઉર્ફે લમ્બર સ્પાઇન ના પાંચ મણકા એલ-૧ (લમ્બર-૧) થી એલ-૧ (લમ્બર-૫) સુધીના નંબરથી ઓળખાય છે. એલ-૫ મણકાની નીચે સેક્રમ અને કોકસીક્ષ નામના એકબીજા સાથે જોડાયેલા મણકા હોય છે, જેમનું આંતરિક હલનચલન થઈ શક્યુ નથી. ટૂંકમાં એલ-૧ થી એલ-૫ મણકાઓ સૌથી વધુ બોજ સાથે શરીરનું હલનચલન કરે છે. કરોડરજ્જુનો મુખ્ય ભાગ એલ-૧ અથવા એલ-૨ આગળ પૂરો થઈ જાય છે અને એની નીચેના ભાગોમાં કરોડરજ્જુમાંથી નીકળેલી ચેતાઓ જ હોય છે.

કરોડસ્તંભની બધી ગાદીઓ પૈકી કમરના મણકા વચ્ચે આવેલી ગાદીઓ સૌથી વધુ મજબૂત હોય છે અને આશરે એક હજાર કિલોગ્રામ જેટલું સીધુ દબાણ સહન કરી શકે છે. જ્યારે એક વ્યક્તિ ટટ્ટાર ઉભો રહે છે ત્યારે સામાન્ય રીતે કમરના મણકા વચ્ચે આવેલી ગાદી ઉપર જેટલું દબાણ હોય છે એનાથી ચોથા ભાગનું દબાણ સીધા સૂતી વખતે અને દોઢ ગણું દબાણ ખુરશી પર બેસતી વખતે અનુભવાય છે. ખુરસી પર બેઠા બેઠા આગળ ઝુકીને કોઈ વસ્તુ ઉંચકવાથી આ દબાણ અઢી ગણું થઈ જાય છે. ગાદીની જેમ જ મણકા વચ્ચેના સ્નાયુઓને પણ જુદી જુદી શારીરિક સ્થિતિમાં જુદાં જુદાં પ્રમાણમાં ખેંચાણનો અનુભવ થાય છે. કમરેથી ઝૂકીને વજન ઉઠાવવાથી ઉચ્ચાલનના સિધ્ધાંત મુજબ સ્નાયુ અને ગાદી પર ખૂબ બોજો પડે છે. જો વજન ઊંચકીને કોઈ વ્યકિત કમ્મરેથી વળે તો એની પીઠને નુકસાન થવાની શકયતાઓ ઘણી વધી જાય છે.

મણકાનું ફેકચર થવાથી, બે મણકા વચ્ચેની ગાદી ખસી જવાથી, કેન્સરથી, ટી.બી.થી કે સંધિવાથી પણ પીઠનો દુઃખાવો થઈ શકે છે. પણ આવી ગંભીર બીમારીઓ સોમાંથી માંડ પાંચ દર્દીને જ હોય છે. અત્યારે આપણે આ સિવાયના ૯૫ ટકા દર્દીઓને હેરાન કરતાં, અચાનક ઉઠી આવતાં પીઠના દુ:ખાવાની જ વાત કરીશું.

પીઠના દુખાવાને રોજિંદા કામ સાથે સંબંધ ખરો?

જે વ્યવસાયમાં

  1. કઠોર શારીરિક પરિશ્રમ
  2. વજન ઊંચકીને હેરફેર કરવાનું
  3. વારંવાર વળવાનું કે સીધા થવાનું
  4. એકની એક બિનઆરામદાયક સ્થિતિમાં બેસી રહેવાનું કે
  5. વાહન પર ખૂબ હરફર કરવાનું થતું હોય એ દરેક વ્યવસાયમાં કમ્મરના દુઃખાવાના અસંખ્ય દર્દીઓ મળી રહે છે.

આજકાલ યુવાનોમાં આ રોગ વધવાનું કારણ ખરાબ રસ્તાઓ પર બેફામ ઝડપે વાહન ચલાવવાનું છે. બીજુ અગત્યનું કારણ ઓફિસોમાં, દેખાવમાં આકર્ષક પણ બેસવામાં બિનઆરામદાયક ખુરશીઓ છે જેને કારણે પીઠનો ઝીણો દુઃખાવો ઘણા કર્મચારીઓને થાય છે. ટાઇપીંગ કે કોમ્યુટર ઓપરેટ કરનારાઓમાં તો ખાસ આ બીમારી જોવા મળે છે.

કામ સિવાય અન્ય કયાં પરિબળો પીઠનો દુઃખાવો કરી શકે?

પીઠના દુ:ખાવાના અનેક દર્દીઓના વ્યવસ્થિત અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે બીડી-સિગરેટ પીનાર વ્યકિતને પીઠનો દુઃખાવો થવાની શકયતા એ ના પીનાર વ્યક્તિ કરતાં ઘણી વધારે રહે છે.

સ્ત્રીઓમાં, ઊંચી એડીનાં સેન્ડલ પહેરવાથી કમ્મર અને પીઠનો દુઃખાવો થતો હોવાનું પણ જોવા મળ્યું છે આ ઉપરાંત, માનસિક તાણ, ડીપ્રેશન વગેરેને કારણે પણ પીઠનો દુ:ખાવો શરૂ થઈ શકે છે અથવા ચાલુ દુઃખાવો વધી શકે છે. દુઃખાવો કોઇ ગંભીર બીમારીને કારણે તો નહીં થતો હોયને એવો ભય પણ ઘણીવાર પીઠનો દુઃખાવો વધારવામાં મદદ કરે છે.

અચાનક થઇ આવેલ પીઠના દુઃખાવા માટે કઈ તપાસ કરાવવી જરૂરી છે?

સામાન્ય રીતે જો દુઃખાવો ત્રણ-ચાર અઠવાડિયામાં મટી જાય તો કોઈ તપાસ કે એક્ષ-રે કરાવવાની જરૂર નથી હોતી. આથી લાંબા સમય સુધી ચાલુ રહેતા દુઃખાવા માટે નીચલા મણકાના એક્ષ-રે કરાવવા જરૂરી થઈ જાય છે. અને પછી બહુ ઓછા દર્દીમાં) જરૂર પડયે અન્ય તપાસ (સી.ટી.સ્કેન કે એમ.આર.આઈ.) ડોકટરની સલાહથી કરાવવી પડે છે.

અચાનક શરૂ થયેલ પીઠના દુ:ખાવાની સારવારમાં શું ધ્યાન રાખવું?

મોટાભાગના અચાનક શરૂ થયેલ પીઠના દુ:ખાવા આપોઆપ જ મટી જતા હોય છે એટલે દુઃખાવાથી ગભરાઈ જઈને ડૉકટરો અને દવાઓ પાછળ ખોટી દોડ મૂકવાની કે બદલ્યા કરવાની કોઈ જરૂર નથી હોતી.

પહેલાં ડૉકટરો પીઠના સખત દુઃખાવા માટે અઠવાડિયા સુધી સતત આરામ કરવાની સલાહ આપતા હતા પરંતુ છેલ્લાં સંશોધનો અનુસાર માત્ર બે દિવસનો આરામ જ જરૂરી હોય છે. જે સ્થિતિમાં સૌથી ઓછો દુઃખાવો અને સૌથી વધુ આરામ લાગતો હોય તે સ્થિતિ આદર્શ ગણાય. પીઠના દુઃખાવાના દર્દીઓ સામાન્ય રીતે ઘૂંટણ નીચે એક બે તકિયા મૂકીને કઠણ સપાટી પર સૂવાથી મહત્તમ આરામ અનુભવે છે.

દુઃખાવાની જગ્યાએ કોઈ મલમ ઘસવાથી ખાસ કોઈ ફાયદો થતો નથી. ગરમ પાણીનો શેક કરવાથી તાત્કાલિક રાહત પહોંચી શકે છે. દર્દશામક દવાઓ પણ વધુ પડતા દુ:ખાવાને કાબૂમાં લેવા માટે ઉપયોગી થઈ શકે છે. બસ, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી પીઠનો દુઃખાવો આપોઆપ સારો થવાની ગતિ વધી શકે છે. આ તબકકે મસાજ કે કસરત કરાવવાનું હિતાવહ નથી હોતું.

પીઠના દુઃખાવાની સારવાર માટે મસાજ અને કસરત ઉપયોગી થઈ શકે?

પીઠના અચાનક થઇ આવેલાં દુખાવા માટે કસરતથી કોઈ ફાયદો થતો નથી પરંતુ જે દર્દીઓને પીઠનો કાયમી કે વારંવાર દુઃખાવો રહેતો હોય એમને માટે કસરત ઘણી ઉપયોગી સાબિત થઇ શકે. કસરત કરવાથી કરોડસ્તંભના સ્નાયુઓ વિકસે છે અને નબળાં પડેલા ભાગને મજબૂત બનાવી શકે છે. ટૂંકમાં, કસરત એ કાયમી દુઃખાવા માટે ઉપયોગી થાય છે. મસાજથી કોઇ ફાયદો થતો નથી. તરવાની કસરત પીઠના દુઃખાવા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.

જેમને કાયમી કે વારંવાર પીઠનો દુખાવો થતો હોય તેમણે શું કાળજી રાખવી જોઇએ?

આપણો કરોડસ્તંભ શરીરને આધાર આપવા માટે છે. જો એનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો એને નુકસાન થવાનું ચાલુ રહે છે. માટે, કરોડસ્તંભની કાળજી માટે નીચેના અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખો. વજન ઊંચકતી વખતે :- કયારેય પણ કમ્મરેથી વાંકા વળીને વજન ન ઊંચકો. જમીન પરથી વજન ઉઠાવવા માટે ઘૂંટણમાંથી પગ વાળો. ઊંચકેલું વજન શરીરની એકદમ નજીક રાખો. હાથમાં વજન ઊંચકેલું હોય ત્યારે બંને હાથમાં લગભગ સરખું વજન રાખો. લાંબો સમય ઊભા રહેતી વખતે :લાંબો સમય ઊભા રહેવાનું ટાળવું. ઊભા રહેવું જ પડે તો વારા ફરતી એક-એક પગ ટૂલ કે ખુરશી પર મૂકવો.

સૂતી વખતે : નરમ પથારી ન વાપરવી. કઠણ પથારીમાં જ ઘૂંટણ નીચે તકિયા રાખીને સૂવું.

બેસતી વખતે :- જાંઘના સાંધા કરતાં ઘૂંટણ ઊંચો રહે એ રીતે બેસવું. લાંબા સમયના કામ માટેની ખૂરશી મોટી હોવી જોઇએ, જે કમ્મરના પાછલા ભાગને ટેકો આપે, હાથને ટેકો આપે અને પગ મુકવાની જગ્યા પૂરી પાડે. ડ્રાઇવીંગ - લાંબા ડ્રાઇવીંગ વખતે વચ્ચે વચ્ચે દર અડધા કલાકે આરામ લેવો જોઇએ. જો સીટ ઓછી ફાવતી હોય તો એકાદ ઓશીકું પીઠના - નીચેના ભાગને ટેકો આપવા માટે ગોઠવવું જોઇએ.

ઘરમાં કામ કરતી વખતે :વાંકા વળીને કચરો-પોતુ કરવાને બદલે લાંબા હેન્ડલવાળા ઝાડુ અને પોતુ બનાવીને વાપરવાથી કમ્મરને આરામ રહે છે.

તરવાની કસરતથી પીઠના દુખાવામાં ફાયદો થઇ શકે

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate