દુ:ખાવો થાય એટલે તરત જ બરફનો શેક કરવો અને એ દુ:ખાવો લાંબા સમયથી હોય અને સાંધાની આસપાસની માંસ-પેશીઓ જકડાઈ ગયેલી હોય તો ગરમ શેક કરવો
શરીરમાં કોઈપણ પ્રકારનો દુ:ખાવો થાય એટલે પ્રાથમિક સારવાર શું કરવી એની મૂંઝવણ કાયમી રહેતી હોય છે. બરફનો શેક કરવો કે ગરમ શેક/ ઘણા બધા ડોકટર ગરમ શેક કરવાની સલાહ આપે છે. જ્યારે ઘણા ઠંડો શેક અને ઘણા ડોક્ટર ગરમ અને ઠંડો બે પ્રકારના શેક વારાફરતી કરવાની સલાહ આપતા હોય છે. આથી દર્દીઓમાં મૂંઝવણ જોવા મળતી હોય છે. આજે આપણે જાણીએ કે શરીરના લોહીના પરિભ્રમણમાં ગરમ અને ઠંડો શેક કેવી રીતે કામ કરે છે અને દુ:ખાવો મટાડવામાં તે કઈ રીતે કામ આવે છે.
ધારી લો કે તમે તમારા બેઠક રૂમમાં ઊભા છો અને ત્યાંનું વાતાવરણ એકદમ નોર્મલ જ છે અને તમારું શરીર એકદમ કમ્ફર્ટેબલ (આરામદાયક) સ્થિતિમાં છે. જેને કારણે તમારા હૃદયના ધબકારા (હાર્ટ રેટ્સ) અને બ્લડ પ્રેશર પણ એકદમ નોર્મલ જ છે. હવે અચાનક જો ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ કરી દેવામાં આવે, તો હવા પણ એકદમ ઠંડી આવવા લાગે છે. જ્યારે રૂમ (ઓરડાનું) વાતાવરણ ઘટાડી દેવામાં આવે ત્યારે તમારા હૃદયના ધબકારા (હાર્ટ રેટ્સ) ઓછા થઈ જાય છે અને બ્લડ પ્રેશરમાં વધારો થઈ જાય છે. તમારું શરીર આવું તેની જાતે જ કરે છે, જેથી તમારા શરીરનું તાપમાન જળવાઈ રહે. તેથી તેની સાથે જ તમારા સ્નાયુઓ કામ કરવાની શરૂઆત કરી દે છે. એટલે સ્નાયુ દબાય અને ફૂલે એવી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. જેથી સ્નાયુઓ લોહીનું પરિભમ્રણ કરતી નળીઓ પર પણ તેના થકી દબાણ ઊભું કરે છે. પરિણામે આ નળીઓમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે. જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
એટલે જ ફ્રોઝન શોલ્ડરની તકલીફમાં જ્યારે ઠંડો શેક આપવામાં આવે છે અથવા તો શોલ્ડર અને ખભાના કોઈપણ દુ:ખાવામાં આપવામાં આવે છે ત્યારે તે ખભાની આસપાસની લોહીનો નળીઓ લોહીનું પરિભ્રમણ ઓછું કરે છે. તેના કારણે ઈજા થયેલા ભાગની માંશપેશીઓમાં છુટું પડતું પ્રવાહી અટકી જાય છે અને સોજો ઓછો થાય છે. એના કારણે જ એવું કહેવાય કે કોઈપણ માણસને જ્યારે પણ ખભામાં અથવા કોઈપણ ભાગમાં દુ:ખાવો થાય એટલે તરત જ બરફનો શેક કરવો જોઇએ. બરફનો શેક એ માત્ર સોજો ઓછો કરવામાં જ નહીં પરતું માંસપેશીઓ થવાવાં વધારે દુ:ખાવો અને ઈજા ઘટાડવા માટે પણ ખૂબજ લાભદાયી છે. બરફના શેકની બીજી લાક્ષણિકતા એ છે કે એ ઈજાના ભાગની આજુબાજુની નસોને થોડા ટાઈમ માટે નમ્બ (બહેરાશવાળી) કરી દે છે. તેથી દુ:ખાવો પણ ઓછો અનુભવ થાય છે. મેડિકલમાં આ પ્રક્રિયાને ‘વેઝો કન્સ્ટ્રીકશન’ કહેવામાં આવે છે.
હવે એવું ધારો કે જો તમે જે રૂમમાં છો એ રૂમનું તાપમાન ખૂબ જ વધારી દેવામાં આવે છે, જેથી તમને પરસેવો થવાની શરૂઆત થઈ જાય છે. જો રૂમનું તાપમાન વધી જાય તો તમારા હૃદયના ધબકારા (હાર્ડ રેટ) વધી જતા હોય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થવા લાગે છે, તેથી તમારું શરીર તેની જાતે જ તમારાં લોહીનો પ્રવાગ (પરિભ્રમણ) વધારી દે છે. જેનાથી શરીરનું તાપમાન પણ ઓછું થઈ જાય છે.
ફોઝન શોલ્ડરની તકલીફ વખતે જ્યારે પણ ગરમશેક કરવામાં આવે છે ત્યારે લોહીની નળીઓ પહોળી (એક્સપાન્ડ) થાય છે, જેનાથી લોહીનો પ્રવાહ અને પરિભ્રમણમાં વધારો થાય છે. પરિણામે ઈજા થયેલી નળીઓ સુધી વધારે લોહી પહોંચી શકે છે, જેનાથી તમારો ખભો રિલેક્સ થાય છે અને તેની આસપાસની માંસપેશીઓ વધુ ઢીલી ફ્લેક્સીબલ અને ઈલાસ્ટીકવાળી બને છે, તેથી જ જ્યારે તમને ફ્રોઝન શોલ્ડર અથવા ખભાનો દુ:ખાવો લાંબા સમયથી હોય અને ખભાની અથવા કોઈપણ સાંધાની માંસપેશીઓને ઢીલી કરવાની હોય ત્યારે તેમાં લોહીનું પરિભ્રમણ વધારવું જરૂરી હોય છે. જ્યારે પણ તમને કોઈ ઈજા થાય ત્યારે ઈજા થતાં જ શરીરમાં કુદરતી હીલિંગની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. ગરમ શેક કરવાથી લોહીનું પરિભ્રમણ વધે અને તેનાથી કુદરતી હીલિંગની પ્રકિયા વધુ ઝડપી બને છે.
મેડિકલ ભાષામાં આ પ્રક્રિયાને ‘વેઝો ડાયલેટેશન’ કહેવામાં આવે છે. મહત્વનું એ કે જ્યારે કોઈપણ દુ:ખાવો થાય એટલે તરત જ બરફનો શેક કરવો અને એ દુ:ખાવો લાંબા સમયથી હોય અને સાંધાની આસપાસની માંસ-પેશીઓ જકડાઈ ગયેલી હોય તો ગરમ શેક કરવો જોઇએ.
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/2/2020