অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓબેસિટી હૃદય માટે સૌથી વધુ જોખમી

ભારત સહિત સમગ્ર દુનિયામાં CAD (કોરોનરી આર્ટરી ડિઝીઝ) હૃદય રોગ માટેનો સર્વસામાન્ય પ્રકાર છે. આ થવાનું મુખ્ય કારણ ઓબેસિટી (જાડાપણું, સ્થૂળતા કે મેદસ્વીતા) છે. CADમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ કડક અને સાંકડી બને છે. કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓની આંતરિક દીવાલો પર પ્લાક જામે છે. આથી લોહીનો પ્રવાહ અવરોધાય છે અને હૃદયના સ્નાયુઓને જરૂરી ઓક્સિજન મળી શકતો નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ વર્ષ 2017માં ભારતમાં 20 ટકા જેટલા લોકો ઓવરવેટ છે. સ્ત્રીઓ અને બાળકોમાં પણ આ પ્રમાણ વધી રહ્યું છે તથા પુરૂષોમાં છેલ્લા દસ વર્ષમાં પ્રમાણ બમણું થયું છે. તેથી ઓબેસિટીના કારણે હૃદયને થતા નુકસાનથી વાકેફ થવું જરૂરી છે.

ફાંદ સુખની નહીં, પીડાની નિશાની

ફાંદ નીકળેલી હોય તેને આપણે મજાકમાં સુખી છો એવું કહેતા હોઈએ છીએ, પરંતુ એ ચરબીનો ચક્રવ્યુહ અંદરોઅંદર મહા મુસીબતોનો ઘેરાવો કરતો હોય છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી ઓબેસિટીનું પ્રમાણ સમાજમાં ભયજનક રીતે વધી રહ્યું છે અને તેમાં જાતિ, ઉંમર કે દેશનો બાધ રહ્યો નથી. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના સર્વે મુજબ વિશ્વમાં દર છઠ્ઠો નાગરિક ઓવરવેટ છે. દર વર્ષે લગભગ 26 લાખ લોકો વજન વધવાને કારણે મોતને ભેટે છે. જેમાં હૃદય સંબંધિત બીમારીઓ (60 ટકાથી વધુ) નો સમાવેશ થાય છે. 2025 સુધીમાં તેનું પ્રમાણ 15થી 18 ટકા પ્રમાણે વધવાની શક્યતા છે.

ઓબેસિટી એટલે શું?

આપણા શરીરનું આદર્શ વજન તે યુવાન પુખ્ત વ્યક્તિ તેની શ્રેષ્ઠ કામગીરી વખતે તેની ઊંચાઈને ધ્યાનમાં રાખી માપવામાં આવે છે.

આ માટે વૈશ્વિક સ્તરે સામાન્ય પણે ઉપયોગમાં લેવાતા માપને ‘શરીર દળ સૂચક આંક’ અથવા BMI (બોડી માસ ઈન્ડેક્સ) કહેવાય છે. તેની ગણતરી નીચે મુજબ થાય છે. દરેક વ્યક્તિએ પોતાનો BMI અવશ્ય જાણવો જોઈએ.

BMI = વજન (કિલો) ane  ઊંચાઈ (મીટર)2

BMIના આધારે ઓબેસિટીને નીચેની રીતે વર્ગીકૃત કરવામાં આવે છે

<18.5- અન્ડરવેટ (જરૂર કરતા ઓછું વજન)

18.5થી 25 – માપસર, આદર્શ

25થી 30 ઓવરવેટ (જરૂર કરતા વધારે વજન)

> 30 ઓબેસિટી (સ્થૂળતા) રોગ

> 35 ગંભીર સ્થૂળતા

ઓબેસિટી થવાના કારણો?

  • મા-બાપ સ્થૂળ હોય તો બાળકને સ્થૂળ થવાની 50-60 ટકા શક્યતા
  • જંકફૂડ કે ફાસ્ટફૂડ જેવો ચરબીવાળો ખોરાક
  • શારીરિક શ્રમનો અભાવ (ભારતમાં સર્વે પ્રમાણે માત્ર 10 ટકા લોકો શરીરનો જરૂરી શારીરિક શ્રમ કરે છે)
  • માનસિક તાણ, ડિપ્રેશન
  • થાઈરોઈડ તથા અમુક જિનેટિક બીમારીઓ મૂળભુત રીતે જોઈએ તો આહારરૂપે લેવાતી શક્તિ તથા તેના ખર્ચ વચ્ચેના સતત અસંતુલનના કારણે વજન વધે છે

ઓબેસિટીથી શું તકલીફો થઈ શકે?

સામાન્ય વજનવાળા વ્યક્તિઓ કરતા જાડા માણસોમાં મૃત્યુનું પ્રમાણ 50-60 ટકા વધી જાય છે. ઘણી શારીરિક તથા માનસિક બીમારીઓ ઓબેસિટી સાથે સંકળાયેલી છે. ખાસ કરીને હૃદયરોગ તથા હાઈ બીપીનું પ્રમાણ ઓબેસ લોકોમાં વધે છે. લાંબા સમયની ઓબેસિટીનો બીપી અને હૃદય રોગ સાથે સીધો સંબંધ છે. આ ઉપરાંત બીજી ઘણી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, આર્થરાઈટીસ (સાંધા ઘસાઈ જવા), પીતાશયની તકલીફ તથા પાચનના રોગો, શ્વાસોશ્વાસની તકલીફ (સ્લીપ એપ્નિયા), અમુક પ્રકારના કેન્સર (ગર્ભાશય, આંતરડાનું કેન્સર), સ્ત્રીઓમાં માસિક તથા ગર્ભધારણની સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં ઘણી માનસિક તકલીફો જેમકે ડિપ્રેશન, નેગેટીવ સેલ્ફ ઈમેજ (લઘુતા ગ્રંથી) સામાજિક એકલતા પણું તથા સામાજિક ભય પણ જાડા લોકોમાં ઘર કરી જાય છે.

ઓબેસિટી/ઓવરવેટ માટેના સામાન્ય સૂચનો

  • લીલા શાકભાજી તથા ફળો પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ
  • ખોરાકમાં વધારે પ્રોટિન તથા ઓછા પ્રમાણમાં ચરબી તથા કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ. આખું અનાજ, દાળ, ફણગાવેલા કઠોળ તથા રેસાયુક્ત ખોરાક પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ.
  • નિયમિત રીતે આયોજનપૂર્વક કરસતો કરવી જોઈએ. ઉપવાસ તથા માર્ગદર્શન વગરની જીમની કસરતો કેટલીકવાર હાનિકારક સાબિત થઈ શકે છે.

ઓબેસિટી તથા હૃદયરોગ

સિવિયર ઓબેસિટી એટલે કે વ્યક્તિનું BMI > 35 કીલો (m2) ગંભીર બીમારી તથા મૃત્યુને નોતરે છે તથા જેટલો લાંબો સમય વધારે વજન રહે તેટલું હૃદયરોગનું પ્રમાણ વધતું જાય છે. તેનો મતલબ કે નાની ઉંમરથી જ વજન ન વધે તેના માટે સક્રિય થઈ જવું જોઈએ. બીજી એક અગત્યની નોંધપાત્ર વાત છે કે ઘણા ઓબેસ લોકો પ્રયત્નો કરવા છતાં પણ વજન ઘટાડી શકતા નથી અને હતાશ થઈ જાય છે ત્યારે સમજવું કે, વજન ભલે ન ગુમાવો પણ મન ગુમાવવું નહીં.

પ્રમાણિત સર્વે દ્વારા એવું સાબિત થયેલું છે કે જાડા વ્યક્તિઓ જે શરીરને ફિટ રાખવા એક્સરસાઈઝ વગેરે કરે છે તેમનામાં વજન ન ઘટે છતા હૃદયરોગનું પ્રમાણ ઓછું થાય છે.

‘FIT FOR FAT’ એક આંતરરાષ્ટ્રીય ટર્મિનોલોજી

‘ફીટ ફોર ફેટ’ રહેવા ઉપરાંત ઓબેસ લોકોએ હૃદયરોગ ન થાય તેના માટે નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ

  • બીપી- ડાયાબિટીસ હોય તો કંટ્રોલમાં રાખવું
  • નિયમિત અંતરે કાંઈ તકલીફ ન હોય તો પણ હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું
  • કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ રાખવું
  • વજન ન ઘટે તો પણ હતાશ ન થવું, પ્રયત્નો ચાલુ રાખવા.

હૃદયરોગથી બચવા ઝડપી ચાલવું તે શ્રેષ્ઠ કસરત ગણાય

હૃદય માટે સૌથી સરળ અને અસરકારક કસરત ઝડપી ચાલવું તે છે. ઝડપી ચાલવાથી હૃદયના ધબકારા વધવા લાગે છે. દરેક ધબકારા સાથે હૃદયની નલીઓનું લચીલાપણુ બની રહે છે. ઝડપી ચાલવાથી હૃદય મજબુત બને છે. તમારી ઉંમર 40 વર્ષથી વધારે હોય તો એક વખત ડૉક્ટરની સલાહ બાદ કસરત શરૂ કરવી જોઈએ.

સંદર્ભ

ડૉ. હિતેશ જસવંતરાય શાહ: M.D., D.M. (ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજી), FESC (Fellow of European Society of Cardiology) - MBBS, MD, DM (B J Medical College, Ahmedabad),- આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે યુ.એન.મહેતા હોસ્પિટલમાં પાંચ વર્ષ સેવા આપી - હાલ શહેરની રાજસ્થાન હોસ્પિટલ અને સાલ હોસ્પિટલ સાથે સંકળાયેલ

કહાન કાર્ડિયાક ક્લિનિક: 320-બી, ત્રીજો માળ, શુકન મોલ, રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ,સંપર્ક નંબરઃ 99245 77711,76238 48978, 99245 77726,વેબસાઈટઃ drhiteshshah.com

સ્ત્રોત: ડૉ.હિતેશ શાહ(ઈન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate