অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેલેરિયાને હળવાશથી ન લેવો જોઈએ

જો તમને ઠંડી સાથે તાવ આવે છે અને ધ્રુજારી લાગે તો હેલ્થ કેર સેન્ટરમાં જાઓ અને મલેરિયા અંગેની તપાસ કરાવો

  • મેલેરિયા એ મચ્છરોથી ફેલાતો રોગ છે. જે પ્લાઝમોડિયમ તરીકે ઓળખાતા પેરેસાઈટ નામક પરોપજીવી જીવાણુના કારણે થતો પેરાસાઈટીક રોગ છે જે જીવલેણ પણ બની શકે છે.
  • જ્યારે વ્યક્તિને ચેપગ્રસ્ત મચ્છર ડંખ મારે તેના ૧૦થી ૧૪ દિવસમાં રોગ થાય છે.
  • ભારતમાં પ્લાઝમોડિયમ વાઈવેક્સ, પી. ફાલ્સીપેરમ સામાન્ય રીતે જોવા મળે છે.
  • વાઈવેક્સ સૌથી સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ ફાલ્સીપેરમ સૌથી ઘાતક હોય છે.
  • મોટાભાગના દર્દીઓમાં વહેલું નિદાન અને સારવાર સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે.
  • ગર્ભવતી મહિલાઓ, બાળકો અને નોન-એન્ડેમિક એરિયા (રોગનો ફેલાવો ન હોય એવો વિસ્તાર)માંથી એન્ડેમિક એરિયા (રોગનો ફેલાવો હોય એવો વિસ્તાર)માં આવતા લોકો માટે તેનું ખાસ જોખમ રહે છે.
  • એનોફિલીસ મચ્છરોનો ઉછેર રોકવાના પગલાં ખાસ ઉપયોગમાં લેવાય છે.
  • જંતુનાશક દવાયુક્ત મચ્છરજાળી મચ્છરોના ડંખથી રક્ષણ મેળવવામાં સામાન્ય મચ્છર જાળી કરતા વધુ અસરકારક બની રહે છે.
  • આ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો ચેપી રોગ નથી.

મલેરિયા સદીઓથી અસ્તિત્વમાં છે. તેના વિશે કહેવાતું કે કાદવવાળી જમીન પરથી આવતી ખરાબ હવાના કારણે (MAL AIR) ના કારણે તાવ આવે છે અને તેથી આ રોગનું નામ મલેરિયા રખાયું છે. દક્ષિણ અમેરિકાના એક જેસ્યુટ પાદરીએ નોંધ્યું હતું કે ઠંડી સાથે આવતા તાવમાં સ્થાનિક લોકો સિન્કોના છાલનો ઉપયોગ કરતા હતા.

૧૮૯૭માં સિકંદરાબાદમાં કાર્યરત રોસે મલેરિયાથી પીડિત વ્યક્તિનું લોહી ચૂસનાર એનોફિલીસ મચ્છરના પેટમાં પ્લાઝમોડિયમ હોવાનું શોધી કાઢ્યું હતું.

ઐતિહાસિક રીતે એવું જોવા મળ્યું છે કે જે લોકોને હેમોગ્લોબીન સંબંધિત કેટલાક જનીનિક રોગો હોય છે તે મલેરિયાથી દૂર રહી શકે છે અને મલેરિયા એન્ડેમિક પ્રદેશમાં આવા જનસમુદાયને સુરક્ષિત રહેવામાં મદદ મળી શકે છે.

સામાન્ય રીતે, મલેરિયાના લીધે ઠંડી લાગવાની સાથે તાવ આવે છે, માથુ દુખે, ધ્રુજારી આવે,ઉલટી અને ફ્લુ જેવા અન્ય લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં તાવ દરરોજ આવે છે. જો તેની સારવાર કરવામાં ન આવે તો તે સમયાંતરે આવતા તાવની સ્થિતિમાં તબદિલ થાય છે. ફાલ્સિપેરમ મલેરિયાના લીધે મૂંઝવણ, ખેંચ, કમળો અને કાળા રંગના યુરિન જેવી સમસ્યા થાય છે. ગર્ભવતી મહિલાઓને ગંભીર મલેરિયા થવાનું જોખમ વધુ રહે છે. મલેરિયાના વહેલા નિદાન માટે રેપિડ સ્લાઈડ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના દર્દીઓને મોંએથી ગળવાની દવાઓથી ઈલાજ કરવામાં આવે છે પણ જેમને રોગની ગંભીર સ્થિતિ હોય એવા દર્દીઓને ઈન્જેક્શન દ્વારા એન્ટી-મલેરિયા સારવાર કરવામાં આવે છે.

મલેરિયાની ગંભીરતાના લક્ષણો:

ખૂબ તાવ, તેમજ નીચેમાંથી કોઈ એક પણ લક્ષણ જોવા મળે.

  • પ્રોસ્ટ્રેશન (બેસવામાં અસમર્થ), ચૈતન્યતામાં ફેરફાર, સુસ્તી આવે કે કોમા (બેહોશી).
  • શ્વાસમાં તકલીફ.
  • ગંભીર એનેમિયા.
  • સામાન્ય કન્વલ્ઝન્સ/ફિટ્સ(ખેંચ આવવી).
  • પ્રવાહી લેવામાં તકલીફ કે સતત ઉલટી.
  • ધૂંધળુ યુરિન અને/અથવા પેશાબનું પ્રમાણ ઘટવું..

દર્દીઓ કે જેમને પ્રોસ્ટ્રેશન અને /અથવા શ્વાસની તકલીફ રહેતી હોય તેમને શક્ય હોય ત્યાં સુધી એન્ટી મલેરિયલ્સ અને એન્ટિબાયોટિક્સ ઈન્જેક્શનથી સારવાર આપવી જોઈએ.

વ્યક્તિઓનાં કેટલાક સમુહોમાં ગંભીર કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા વધુ હોય છે. એવા વિસ્તારો કે જ્યાં મલેરિયાનો ફેલાવો વધુ છે, ત્યાં પાંચ વર્ષથી નાની વયના બાળકો છે, અન્ય વિસ્તારોમાંથી આવતા લોકો કે કામદારોને ગંભીર મલેરિયા થવાની પૂરતી સંભાવના રહેલી છે. એવા વિસ્તારો કે જ્યાં મલેરિયાનો ફેલાવો ઓછો છે ત્યાં પણ તમામ લોકોને મલેરિયાનું જોખમ રહેલું છે પરંતુ પુખ્તોમાં તેના વધુ ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.

વારંવાર રોગના હુમલાઃ

મલેરિયાના વાઈવેક્સ સ્વરૂપના લીધે મલેરિયાનો વારંવાર હુમલો થઈ શકે છે અને લિવરમાંથી પેરેસાઈટને દૂર કરવા માટે સારવારનો લાંબો કોર્સ કરવો પડે છે. કેટલાક લોકોના શરીરમાંથી મલેરિયાનો ચેપ દૂર થતો નથી અને એમ અન્યોને ફરીથી મલેરિયા થઈ શકે છે. મલેરિયાને રોકવાનો કોઈ કાયમી ઉકેલ નથી કે મલેરિયા દૂર કરવા માટેની કોઈ રસી ઉપલબ્ધ નથી.

સમસ્યાનો વ્યાપ:

એનોફિલિસ મચ્છરો ધીમા વહેતા પાણી, પાણીના ખાબોચિયા કે ડાંગરના ખેતરોમાં, ગટરો વગેરેમાં પેદા થાય છે અને તેને સામાન્ય રીતે ગ્રામીણ સમસ્યા માનવામાં આવે છે પરંતુ મલેરિયાના કુલ કેસોમાંથી ૧૦ ટકા કેસો શહેરી વિસ્તારોમાંથી નોંધાતા હોય છે. ઔદ્યોગિક શહેર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો બહારથી આવ્યા હોય કે ખાણની કામગીરી ચાલતી હોય એવા શહેરમાં બહારથી આવેલા લોકો માટે ખાસ જોખમ મલેરિયાનું રહેલું છે.

૨૦૧૬માં, ચાલીસ હજારથી વધુ મલેરિયાના કેસો નોંધાયા હતા.

મલેરિયાને નાબૂદ કરવાના ઉત્તમ વિકલ્પોમાં જાગૃતિ સૌથી મહત્ત્વપૂર્ણ છે, આ ઉપરાંત રોકથામ અને સુરક્ષા મહત્ત્વના છે. સ્થાનિક સરકાર અને WHO મલેરિયાની રોકથામ અને તેના પરના અંકુશ અંગે સાથે મળીને કામ કરે છે.

શું કરવું જોઈએઃ

  • જો તમને ઠંડી સાથે તાવ આવે છે અને ધ્રુજારી લાગે તો હેલ્થ કેર સેન્ટરમાં જાઓ અને મલેરિયા અંગેની તપાસ કરાવો.
  • પ્રિસ્ક્રાઈબ કરાયેલી દવાનો સંપૂર્ણ કોર્સ પૂરો કરો.
  • પ્લાઝમોડિયમ પ્રકારના મલેરિયામાં અન્ય એક બીજી દવાનો સંપૂર્ણ ૧૪ દિવસ માટે ઈરેડિકેશન કોર્સ કરવો જોઈએ.
  • જો તમને ગંભીર મલેરિયાના લક્ષણો હશે તો ડોક્ટર તમને દાખલ કરશે અથવા હોસ્પિટલમાં રેફર કરશે.
  • તમારા ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. ખાબોચિયાઓમાં માટી નાખીને તેને બૂરી દો જેથી પાણી જમા ન થાય.
  • ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ દવાયુક્ત મચ્છરજાળીની અંદર સૂવું જોઈએ. આ વિષય પર તમને વધુ માહિતી અને સલાહ તમારું સ્થાનિક પ્રાથમિક સારવાર કેન્દ્ર આપી શકે છે.
  • ઘરમાં જંતુનાશનક સ્પ્રેનો ઉપયોગ કરો.
  • તળાવો કે કૂવા કે જ્યાં મચ્છરો પેદા થાય છે તેમાં ગંબુજિયા માછલીઓ ઉછેરો, આ માછલીઓ મચ્છરના લારવા ખાય જાય છે.
  • સ્થાનિક સરકારના સત્તાધીશોને જાણ કરો અને મચ્છરોને અંકુશમાં લેવા માટે તેમને સહયોગ આપો.

ડૉ પંકજ દુબે. કન્સલ્ટન્ટ- ક્રિટીકલ કેર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate