મોં તથા દાંતનું સ્વાસ્થ્ય સમાજમાં બધા માટે અત્યંત મહત્વનું છે. મોંનું આરોગ્ય સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. નીચે મુજબનાં સૂચનો તમને મોંનું સારૂ આરોગ્ય જાળવવામાં માર્ગદર્શન પૂરૂ પાડશે.
ગુલાબી પેઢાં એ સારા આરોગ્યની નિશાની છે. તમારા દાંતની આસપાસ આવેલા પેઢાં દાંતને તેનાં સ્થાને જકડી રાખવામાં મદદ કરે છે. પેઢાંને સ્વસ્થ રાખવા મોંનાં આરોગ્યની સારી આદતો પાડવી જોઈએ જેવી કે, દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું, દિવસમાં ઓછામાં ઓછું એકવાર ફ્લોસ (દોરી વડે સફાઈ) કરવું તથા નિયમિત દાંતનાં ડોક્ટરની મુલાકાત લેવી. જો તમારાં પેઢાં લાલાશ પડતાં તથા સુજેલા હોય અથવા તેમાંથી લોહી નીકળતું હોય તો તેને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે, જેને જીન્જીવાઈટીસ તરીકે ઓળખવામાં આવે છે. ત્વરિત સારવાર દ્રારા મોંનું સ્વાસ્થ્ય પુન: મેળવી શકાય છે. પરંતુ સારવારનાં અભાવે જીન્જીવાઈટીસ દ્રારા તીવ્ર પેઢાંનો રોગ (પેરીઓડોન્ટીસ) પણ થઈ શકે છે અને દાંત પડવાની શકયતાઓ પણ રહેલી છે.
મોંનાં સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ દાંત સાથે શરૂ થાય છે, જેનાં માટે નીચે મુજબની બ્રશ કરવાની મુળભૂત આદતો ધ્યાનમાં લો.
દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું: બ્રશ કરતાં સમયે ઉતાવળ ન કરવી તથા પૂરતો સમય લઈ યોગ્ય રીતે સફાઈ કરવી.
યોગ્ય ટૂથપેસ્ટ તથા ટૂથબ્રશ વાપરવું: ફ્લોરાઈડવાળી ટૂથપેસ્ટ તથા નરમ દાંતાવાળું ટૂથબ્રશ વાપરવું.
યોગ્ય રીત વાપરવી: ટૂથબ્રશને દાંતની થોડું ત્રાંસુ રાખી થોડું થોડું આગળ પાછળ ફેરવવું. દાંતની અંદરની બાજુ, ચાવવાની સપાટી તથા જીભ પર પણ બ્રશ કરવું. દબાણપૂર્વક અથવા ભારપૂર્વક ઘસવાનું ટાળવું કે જેનાથી પેઢાંને નુકસાન થાય છે.
ટૂથબ્રશ બદલવું: દર ૩ થી ૪ મહિને અથવા જો દાંતા બગડી ગયા હોય તો તેનાથી પણ વહેલા ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/6/2019