સ્કેલિંગ શું છે ?
દાંતનું આરોગ્ય એ તમારા સામાન્ય આરોગ્યનો મહત્વનો ભાગ છે. કોઈપણ વ્યક્તિને સ્વસ્થ દાંત હોવા જોઈએ. દાંતની યોગ્ય સાર સંભાળ દ્રારા આજીવન દાંતનું આરોગ્ય જાળવી શકાય છે.અ સ્કેલિંગ એક એવી પ્રક્રિયા છે જેનાં દ્રારા પેઢાંને સ્વસ્થ તથા મજબૂત રાખી શકાય છે. આ પ્રક્રિયા દ્રારા દાંતની સપાટી પર ભેગા થયેલાં ચેપી બેક્ટેરીયા, ખોરાકનાં કણો તથા ડાઘા દૂર કરવામાં આવે છે. આવા જમા થયેલાં બેક્ટેરીયા અથવા ખોરાકનાં કણોને જો સ્કેલિંગથી દૂરનાં કરવામાં આવે તો તે ચેપ લગાડે છે અને પેઢાંને ઢીલાં કરી નાખે છે અને છેલ્લે પાયોરીયા તથા દાંત પડી જવા જેવી સમસ્યા ઉભી કરે છે. સ્કેલિંગ એ સામાન્ય અને સુરક્ષિત પ્રક્રિયા છે જેનાથી દાંતની સપાટીને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી અને તેને ફક્ત દાંતનાં ડોક્ટર પાસે જ કરાવવું જોઈએ.
પ્લાંક શું છે ?
દાંતનાં પ્લાંક (ડેન્ટલ પ્લાંક) એ નરમ, ચીકણી અને રંગવિહીન જીવાણુઓ અને ખોરાકનાં કણોની બનેલી પટ્ટી (આવરણ) છે જે સતત દાંત પર જમા થતું રહે છે. જીવાણુઓ આ આવરણ પર સ્થાયી થઈ ઝડપથી પોતાની સંખ્યામાં વધારો કરે છે અને પેઢાંને ચેપ લગાડવાનું શરૂ કરે છે જે ઘણીવાર પેઢાંમાંથી થોડું થોડું લોહી નીકળવામાં પરિણમે છે. જો દાંતનાં પ્લાંકને બ્રશ વડે ૧૦-૧૪ કલાકમાં દૂર ન કરવામાં આવે તો તે સંગઠિત થઈ નાનાં સ્ફટિક (કેલક્યુલસ) બની જાય છે. એક વાર સ્ફટિક બની ગયાં બાદ તે બ્રશ વડે દૂર કરી શકાતાં નથી પરંતુ ફક્ત દંત ચિકિત્સક દ્રારા સ્કેલિંગ વડે જ દૂર કરી શકાય છે.
સ્કેલિંગ કેમ કરવામાં આવે છે?
રોજીંદા બ્રશિંગ તથા ફ્લોસીંગ છતાં જમા થતાં ટાર્ટર અથવા કેલ્ક્યુલસ ને દૂર કરવા દંતચિકિત્સક દ્રારા નિયમિત દાંતની સફાઈ કરાવવી ખૂબ જ મહત્વની છે. વ્યવસાયિક દાંતની સફાઈમાં સ્કેલિંગ અને દાંતને ચમકાવવાનો સમાવેશ (પોલીશિંગ) નો સમાવેશ થાય છે. સ્કેલિંગ એ દાંતની સપાટી ઉપર જમા થયેલ ચેપજન્ય કચરો જેવો કે ટાર્ટર અથવા કેલ્ક્યુલસને દૂર કરવાની વાઢકાપ વિનાની સામાન્ય પ્રક્રિયા છે. આ જમા થયેલાં કચરાંને જો દૂર ન કરવામાં આવે તો તેનાં દ્રારા પેરીઓડોન્ટલ (પેઢાંનો રોગ) થઈ શકે છે. પેરીઓડોન્ટલ રોગમાં દાંત અને પેઢાં વચ્ચેની જગ્યા ઉંડી થવા લાગે છે જે એનેરોબીક બેક્ટેરીયાને વિકસવા માટે અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડે છે. આ બેક્ટેરીયા ખૂબ જ ઝડપથી વિકસી અને વધારે પેઢાંઓને ચેપ લગાડે છે અને દાંતને આધાર આપતાં હાડકાંને ઓગાળવાનું શરૂ કરે છે. જેને કારણે દાંત ક્રમશ: ઢીલાં પડી જાય છે. દાંતને બચાવવા માટે આ સારવાર હવે વધારે વ્યાપક અને જટીલ બની છે. દાંતની આસપાસની પેશીઓને સ્વસ્થ બનાવવા માટે પેઢાંની સર્જરી જરૂરી છે.
સ્કેલિંગ કેટલાં સમયાંતરે કરવું જોઈએ ?
દાંત પર પ્લાંકનું બનવું એ સતત થતી પ્રક્રિયા છે. જો તેને બ્રશિંગ વડે દૂર કરવામાં ન આવે તો તે જમા થઈ ને ૧૦-૧૪ કલાકમાં ટાર્ટર બની જાય છે. આવા લોકોને સમયાંતરે, દર ૬ મહિને નિયમિત રીતે દાંતની તપાસ કરાવવી એ સુવર્ણ નિયમ છે. તમારા દંતચિકિત્સક તમને સ્કેલિંગની જરૂરીયાત છે કે નહિ તેની સલાહ આપી શકે છે અને દાંતને સ્વસ્થ રાખવાનાં ઘરગથ્થું ઉપાયો પણ સૂચવી શકે છે. અહિં ફરી એ ભાર મૂકવો જરૂરી છે કે સ્કેલિંગથી દાંત નબળાં પડતાં નથી પરંતુ રક્તસ્ત્રાવ કરે તેવા પેઢાંનાં રોગો થતાં અટકે છે અને તપાસવામાં ન આવે તો વધારે ગંભીર અને વ્યાપક પેઢાંની સમસ્યાઓ ઉદ્ધભવી શકે છે.
તારણ શું છે ?
મોંનું સારૂ આરોગ્ય દાંત અને મોં ને લગતી સમસ્યાઓને અટકાવવામાં તથા તેની સારવારમાં ખૂબ મહત્વપૂર્ણ છે. મોં નું સારૂ આરોગ્ય સ્વસ્થ મોંઢામાં પરીણમે છે. તદુપરાંત મોં એ સમગ્ર શરીરનું પ્રવેશદ્રાર છે અને સ્વસ્થ મોં એ સ્વસ્થ શરીરની ખાતરી આપે છે.