ડો. સંજય પંડ્યાએ લખેલા ‘તમારી કિડની બચાવો’ પુસ્તકની પ્રસ્તાવના લખતા મને ખુબ જ આનંદ અને વિશેષાધિકારની લાગણી થાય છે. ડો. સંજય પંડ્યા એક કુશળ નેફ્રોલોજીસ્ટ હોવા ઉપરાંત એક સમર્પિત શિક્ષક અને સારા પ્રતીસ્થિત લેખક પણ છે. આ અગાઉ તેમણે મેડિકલ વિદ્યાથીઓ તેમજ પ્રેકટીશનરો માટે એક પુસ્તક લખ્યું છે, જે ડોકટરોમાં ખુબ જ લોકપ્રિય બનેલું છે. આ પુસ્તકની સફળતાં બાદ હવે તેમણે લખેલું પુસ્તક કિડનીના રોગો અટકાવવા માટે અને કિડનીના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
કિડનીના રોગો ઘણા લોકોને થાય છે. સદભાગ્યે કિડનીના ઘણાખરા રોગોની સારવાર થઇ શકે છે અને તેમને અટકાવી શકાય છે. પરંતુ કમનસીબે ઘણા લોકો સમયસર યોગ્ય સારવાર લેતા ન હોવાથી રોગ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ પકડે છે અને ક્રોનિક કિડની ડિસીઝ અવસ્થાએ પહોચે છે.
ક્રીનિક કિડની ડીસીઝ (CKD) તેના વિશાળ ફેલાવા અને સારવારમાં ઓછી સફળતા તેમજ ઊચા ખર્ચને કરને આરોગ્યનો વિશ્વવ્યાપી પ્રશ્ન બની ગયો છે. પશ્ચિમના દેશોમાં વસ્તીના ૧૦% લોકો સી.કે.ડી. ના ભોગ બન્યા છે અને તેના પ્રમાણમાં ઉતરોતર વધારો થતો જાય છે. ભારતમાં પણ આ રોગનું પ્રમાણ ઘણું વધારે છે અને આશરે ૧૦ કરોડ લોકો આ રોગના ભોગ બન્યા છે.
જો ક્રોનિક કિડની ડિસીઝ સમયસર યોગ્ય સારવાર ન લેવાય તો તે અંતિમ તબક્કાના કિડની ડિસિઝ (ESKD) ની અવસ્થાએ પહોચે છે અને ત્યાર પછી જીવનભરના ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સિવાય બીજા કોઈ ઉપાયો રહેતા નથી. આ બંને ઉપાયો એટલા બધા ખર્ચાળ છે. કે બધાને પરવડી શકે નહીં. આપણા દેશના ૯૫ ટકા દર્દીઓને આવી સારવાર ઉપલબ્ધ નથી કે પોસાતી નથી. આથી ક્રોનિક કિડની ફેલ્યરનું વહેલાસર નિદાન કરી કિડની વધુ બગડે તે પહેલા તેને અટકાવવાનું કે પાછા ઠેલવાનું અત્યંત આવશ્યક બની સહે છે.
મારા મત પ્રમાણે ક્રોનિક કિડની ફેલ્યરના રોગને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય લોકોમાં તેને વિશે સમજ કેળવવાનો છે. લોકો જો કિડનીના રોગોના કારણો જાણતા થાય તો તેઓ તેને અટકાવવાની કાળજી લેશે. જો લોકોને રોગનાં ચિન્હોની જાણ હોય તો કિડનીનો રોગ થયાનું વહેલાસર જાણી શકશે અને તેની યોગ્ય સારવાર લઇ શકશે. ડો. પંડ્યાનું આ પુસ્તક બરાબર આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
આવું અદભુત પુસ્તક લખવા માટે હું ડો. પંડ્યાને અભિનંદન આપું છું. સંજોગોવશાત આ પુસ્તક એવે સમયે બહાર પડે છે કે જયારે જગતે ક્રોનિક કિડની ડીસીઝને આરોગ્યને લગતા વિશ્વવ્યાપી ગંભીર પ્રશ્ન તરીકે સ્વીકારી, આ વર્ષ ૨૦૦૬ થી દર વર્ષે ૯મીમાર્ચના દિવસને વિશ્વવ્યાપી કિડની દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
લેખક : ડો. ભરત શાહ,કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ-એકેડેમિક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, લીલાવતી હોસ્પિટલ,અને કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ, નાણાવટી હોસ્પિટલ, મુંબઈ
સ્ત્રોત :કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/7/2019