તમારી કિડની બચાવો’ આ પુસ્તક દ્વારા કિડનીના રોગોને સમજવા અને તેને અટકાવવા માટેનું માર્ગદર્શન આપવાનો મારો નમ્ર પ્રયાસ છે.
છેલ્લાં થોડાંક વર્ષો દરમ્યાન કિડનીના રોગોના પ્રમાણમાં ખુબ જ ઝડપી વધારો થયલો જોવા મળ્યો છે. કિડની ફેલ્યરના ઘણા દર્દીઓમાં રોગ મટી શકે તેવી કોઈ સારવાર હાલના તબક્કે ઉપલબ્ધ નથી.
આવા દર્દીઓમાં જો કિડની ફેલ્યરનું નિદાન વહેલું થઇ શકે તો આ તબક્કે સારવારનો ખર્ચ પ્રમાણમાં ઓછો પણ ફાયદો લાંબા સમય માટે અને વધારે મળે છે. પરંતુ મોટા ભાગના લોકોમાં કિડનીના રોગોના ચિન્હો અને તે વિશેની જાણકારી તથા જાગૃતિના અભાવે વહેલું નિદાન ઓછા દર્દીઓમાં થાય છે. આવા દર્દીઓમાં કિડની વધુ બગડે ત્યારે જરૂરી એવી ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી મોટા ભાગના દર્દીઓની પહોચની બહાર હોય છે. આ કારણસર કિડનીનો રોગ થતો અટકાવવા અને તેની વહેલી સારવાર લેવી એ કિડનીને બચાવવાનો એકમાત્ર ઉતમ વિકલ્પ છે.
વર્તમાન સમયની જરૂરરિયાતને ધ્યાનમાં લઇ, દરેક વ્યક્તિમાં કિડનીના રોગો વિશે સભાનતા કેળવવી એ આ પુસ્તક તયાર કરવા પાછળનો મુખ્ય ઊદેશ છે.
કિડનીના રોગનું નામ સાંભળતા જ દર્દી અને તેના કુટુંબીજનોના હૃદયના ધબકારા વધી જાય છે. સ્વાભાવિક રીતે જ તેઓ કિડનીના રોગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માંગતા હોય છે, પરંતુ મોટા ભાગના ડોકટરો દર્દીની સારવારમાં વધુ વ્યસ્ત હોવાના કારણે રોગ વિશે વિગતવાર માહિતી આપવા માટે સમય ફાળવી શકતા નથી.
દર્દી અને ડોકટર વચ્ચે ખૂટતી કડીના વિકલ્પરૂપ આ પુસ્તકમાં કિડનીના બધા મૂખ્ય રોગોના લક્ષણ, નિદાન, તેને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિડનીના જુદા જુદા રોગોમાં જરૂરી ખોરાકની પરેજી અને પસંદગી વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. પરંતુ વાચકમિત્રોએ યાદ રાખવું જરૂરી છે કે આ પુસ્તકમાં આપેલી માહિતી ડોકટરની સલાહ કે સારવારનો વિકલ્પ નથી, પણ ડોકટરની સારવારની પુરક છે. આ પુસ્તક વાચી તબીબી સારવાર અને પરેજીમાં જાતે ફેરફાર કરવાનો અખતરો જોખમી બની શકે છે.
‘ફૂલછાબ’ દૈનિકમાં કિડની વિશેની મારી લેખમાળા થોડા વર્ષો પહેલા પ્રગટ થયેલી, જેના સંકલન રૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક ને વધુ ઉપયોગી બનાવવા માટે આપ સૌના મુલ્યવાન સૂચનો આવકાર્ય છે.
આપને જો આ પુસ્તક ઉપયોગી લાગ્યું હોય કે ગમ્યું હોય તો આપ આપના સ્વજન કે મિત્રોને પણ આ પુસ્તક વાંચવા સૂચવશો. વળી, એક વાત કહેતા મને આનંદ થાય છે કે આ પુસ્તકની રોયલ્ટીમાંથી મળેલી રકમ કિડનીના દર્દીઓની મદદ માટે વાપરવામાં આવશે.
આભાર સહ, ડો. સંજય પંડ્યા રાજકોટ
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020