অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રોસ્ટેટની તકલીફ – બી.પી.એચ.

પ્રોસ્ટેટની તકલીફ – બી.પી.એચ.

પ્રોસ્ટેટની ગ્રંથિ ફક્ત પુરુષોમાં જ હોય છે. પ્રોસ્ટેટ ની ગ્રંથિ ની તકલીફ થવા થી પેશાબમાં તકલીફ સામાન્ય રીતે પુરુષોમાં ૬૦ વર્ષ બાદ એટલે કે મોટી ઉમરે જોવા મળે છે.

ભારત અને વિશ્વભરમાં આયુષ્યરેખા માં થયેલા વધારા સાથે બી.પી.એચ.ના પ્રશ્નના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે.

પ્રોસ્ટેટ ક્યાં આવેલી હોય છે ? તેનું કાર્ય શું છે ?

પુરુષો માં સોપારીના કદની પ્રોસ્ટેટ મૂત્રાશયના નીચેના (Bladder Neck) ભાગમાં આવેલી હોય છે અને તે મૂત્રનલિકા (યુરેથ્રા)ના શરૂઆતના ભાગની આસપાસ વીંટળાયેલી હોય છે. એટલે કે મુત્રાશયમાંથી નીકળતી મૂત્રનલિકાનો શરૂઆતનો ભાગ પ્રોસ્ટેટની વચ્ચેથી પસાર થાય છે.

વીર્ય લઈ જતી નલિકાઓ પ્રોસ્ટેટમાંથી પસાર થઈ મૂત્રનલિકામાં બંને બાજુ ખૂલે છે. આ કારણસર પ્રોસ્ટેટ ગ્રંથિ તે પુરુષોના પ્રજનન તંત્રનું એક અગત્યનું અંગ છે.

બી.પી.એચ. – બીનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી (Benign prostatic hypertrophy) એટલે શું?

  • બીનાઇન પ્રોસ્ટેટિક એટલે કે ઉમંર વધવા સાથે સામાન્ય રીતે જોવા મળે તે પ્રકારની પ્રોસ્ટેટની તકલીફ.
  • હાઇપરટ્રોફી એટલે કે પ્રોસ્ટેટનું કદ વધવું.

ટુંકમાં, ઉમંર વધવા સાથે પુરુષોમાં પ્રોસ્ટેટની ગ્રંથિના કદમાં વધારો થતાં,સામાન્ય રીતે જોવા મળતી તકલીફને બી.પી.એચ. કહે છે. પ્રોસ્ટેટ નું કદ વધવાને કારણે તે મૂત્રમાર્ગ માં અવરોધ કરે અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. મુત્રનલિકા સાંકળી થવાને કારણે પેશાબની ધાર ધીમી અને પાતળી થાય છે. બી.પી.એચ. તે ફક્ત મોટી ઉમર ના પુરુષો મા જોવા મળતો રૉગ છે.

આ બી .પી.એચ.ની તકલીફમાં ચેપ, કેન્સર કે અન્ય કારણોને લીધે થતી પ્રોસ્ટેટની તકલીફનો સમાવેશ થતો નથી.

બી.પી.એચ. નાં ચિહનો :

બી.પી.એચ. નાં ચિહનો સામાન્ય રીતે ૫૦વર્ષની ઉમર પછી જોવા મળે છે. ૬૦ વર્ષની ઉમર બાદ અડધાથી વધુ પુરુષોમાં અને ૭૦ થી૮૦ વર્ષે ૯૦% પુરુષોમાં બી.પી.એચ. ના ચિહ્નો જોવા મળે છે.

બી.પી.એચ.ને કારણે પુરુષોમાં થતી મુખ્ય તકલીફો નીચે મુજબ છે

  • રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે.
  • પેશાબની ધાર ધીમી અને પાતળી થાય.
  • પેશાબ ઊતરવાની શરૂઆતમાં સમય લાગે.
  • અટકી-અટકીને પેશાબ થાય.
  • પેશાબ લાગે ત્યારે તરત જવું પડે અને કાબુ ન રહે, ક્યારેક કપડામાં જ પેશાબ થઈ જાય.
  • પેશાબ ગયા પછી ટીપે ટીપે પેશાબ ઊતરે.
  • પેશાબ સંપૂર્ણ રીતે ન ઊતરવો, પેશાબ કર્યાનો સંતોષ ન થાય.

બી.પી.એચ.ને કારણે ઊભા થતા ગંભીર પ્રશ્નો :

પ્રોસ્ટેટ નું કદ ખુબજ વધારે હોય અને લાંબા સમય સુધી તેની સારવાર ન કરવામાં આવે તો અમુક દર્દીઓ માં તેને કારણે નીચે મુજબના ગંભીર પ્રશ્નો પણ થઇ શકે છે:

  1. પેશાબ એકાએક સાવ અટકી જાય, પ્રોસ્ટેટ નું કદ ઘણું વધારે હોય અને તેની સારવાર લાંબા સમય સુધી ન કરવામાં આવે તો એક તબક્કે પેશાબ ઉતારવાનું સદંતર રીતે બંધ થઇ જાય તેવું બની શકે છે. આ પ્રકાર ના દર્દી ઓ માં પેશાબ ઉતારવા માટે કેથેટર મુકવું પડે છે.
  2. પેશાબ સંપૂર્ણ રીતે ન ઊતારવાને કારણે પેશાબ મુત્રાશયમાંથી ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી થતો નથી. આ કારણસર પેશાબમાં વારંવાર ચેપ થઈ શકે છે અને ચેપ કાબુમાં લેવામાં તકલીફ પડે છે.
  3. મૂત્રમાર્ગમાં અવરોધ વધે ત્યારે મૂત્રાશયમાં ધણો વધુ પેશાબ એકઠો થાય છે. આ કારણસર કિડનીમાંથી મૂત્રાશયમાં આવતા પેશાબના માર્ગમાં અવરોધ ઊભો થાય છે, જેથી મુત્રવાહિની અને કિડની ફૂલી જાય છે. આ પ્રશ્ન વધે તો કિડની ફેલ્યર પણ થઈ શકે છે.
  4. મૂત્રાશયમાં હમેશાં પેશાબ રહેતો હોવાથી પથરી થવાની સંભાવના રહે છે.

શું ૫૦-૬૦ વર્ષ પછી દરેક પુરુષને પ્રોસ્ટેટ વધવાને કારણે તકલીફ થાય છે ?

ના.પ્રોસ્ટેટની ગ્રંથિનું કદ વધવા છતાં બધા જ પુરુષોને મોટી ઉમરે બી.પી.એચ.નાં ચિહનો જોવા મળતાં નથી. જે પુરુષોને બી.પી.એચ.ને કારણે મામૂલી તકલીફ હોય તેને કોઈ ખાસ પ્રકારની સારવારની જરૂર રહતી નથી. સામાન્ય રીતે ૬૦ વર્ષ કરતાં વધુ ઉમરના ૫% પુરુષોમાં બી.પી.એચ.ની સારવાર જરૂરી બને છે.

બી.પી.એચ.નું નિદાન

૧. રોગનાં લક્ષણો : દર્દીની ફરિયાદમાં બી.પી.એચ.નાં ચિહનો હોય તો પ્રોસ્ટેટની તપાસ કરાવવી જોઈએ .

૨. પ્રોસ્ટેટની તપાસ : સર્જન કે યુરોલોજિસ્ટ મળમાર્ગમાં આંગળી મૂકી તપાસ કરી (DRE-Digital Rectal Examination) પ્રોસ્ટેટના કદ વિશે અને અન્ય માહિતી મેળવે છે. બી.પી.એચ.માં પ્રોસ્ટેટનું કદ વધે છે અને ગ્રંથિ આંગળી મૂકી કરવામાં આવતી તપાસમાં લીસી, રબર જેવી સ્થિતિસ્થાપક લાગે છે. પ્રોસ્ટેટ ની આંગળી દ્વારા કરવામાં આવતી તપાસ માં જો પ્રોસ્ટેટ કઠણ ગાંઠ જેવી, ખરબચડી લાગે તો તે પ્રોસ્ટેટ નું કેન્સર હોય તેવું સૂચવે છે.

૩. સોનોગ્રાફીની તપાસ : બી.પી.એચ.ના નિદાનમાં આ તપાસ ધણી જ ઉપયોગી છે. આ તપાસમાં બી.પી.એચ.ને કારણે પ્રોસ્ટેટના કદમાં વધારે થવો, પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં પેશાબ રહી જવો અને કેટલીક વખત મૂત્રાશયમાં પથરી થવી કે મુત્રવાહિની અને કિડનીનું ફૂલી જવું વગેરે ફેરફાર જોવા મળે છે.

આ તપાસમાં પેશાબ કાર્ય બાદ રહેલા પેશાબ મૂત્રાશય માં જાણી શકાય છે. આ માત્રા જો ૫૦ ml કરતા ઓછી હોય તો તે સામાન્ય હોય છે. પરંતુ જો આ માત્ર ૧૦૦ ઍમ.ઍલ થી વધુ હોય તો આગળ યોગ્ય તપાસ અને સારવાર લેવી જરૂરી હોયે છે.

મોટી ઉમંરે પેશાબ સાવ અટકી જવાનું મુખ્ય કારણ બી.પી.એચ. છે.

પ્રૉસ્ટેટ સિંપ્ટમ સ્કોર અથવા ઇંડેક્સ (Prostrate Symptom Score or Index): ઇન્ટરનેશનલ પ્રૉસ્ટેટ સિંપ્ટમ સ્કોર(International Prostrate Symptom Score)ની મદદ દ્વારા આપણ ને બિ.પિ.ઍચ. ના નિદાન માં મદદ મળે છે. દર્દી ને પ્રોસટેટ ની બિમારી સંબંધિત ફરિયાદો ની હાજરી ને ધ્યાનમાં લઈ ને ચાર્ટ બનવામાં આવે છે. આ ચાર્ટ માં ફરિયાદ ના પ્રમાણ મુજબ સ્કોર નક્કી કરવામા આવે છે, જે રોગના નિદાન અને ઍનિ ગંભીરતા અંગે માહિતી આપે છે.

૪. લેબોરેટરી તપાસ : આ તપાસ દ્વારા બી.પી.એચ.નું નિદાન થતું નથી, પરંતુ બી.પી.એચ.માં સંભવિત એવી તકલીફના નિદાન માટે તે મદદરૂપ બને છે. પેશાબની તપાસ, પેશાબમાં ચેપની તકલીફ અને લોહીમાં ક્રિએટીનીનની તપાસ કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી આપે છે. પ્રોસ્ટેટની તકલીફ કેન્સરને કારણે તો નથી ને, તે નક્કી કરવા ખાસ પ્રકારની લોહીની પી.એસ.એ.(P.S.A. – Prostate Specific Antigen)ની તપાસ કરવામાં આવે છે.

૫. અન્ય તપાસ :બી.પી.એચ. જેવાં ચિહનો ધરાવતા દરેક દર્દીને બી.પી.એચ.ની તકલીફ હોતી નથી. દર્દીના રોગના પાકા નિદાન માટે કેટલીક વખત યુરોફ્લોમેટ્રી (Uroflowmetry), આઈ.વી.પી. યુરોડાયનામીકસ્ટડી, સિસ્ટોસ્કોપી, પ્રોસટેટ બાયોપ્સી, સિ.ટી.યુરોગ્રામ, અને રિટ્રોગ્રૅડ પાયલોગ્રાફી ની મદદ લેવા મા આવે છે. જેવી તપાસની મદદ લેવામાં આવે છે.

શું બી.પી.એચ. જેવી તકલીફ ધરાવતા દર્દીને પ્રોસ્ટેટના કેન્સરની તકલીફ હોઈ શકે છે ? તેનું નિદાન કઈ રીતે થઇ શકે?

હા, પરંતુ આપણા દેશમાં બી.પી.એચ. જેવી તકલીફ ધરાવતા દરદીઓ માં ના બહુ જ જુજ દર્દીમાં પ્રોસ્ટેટના કેન્સરની તકલીફ હોય છે. પરંતુ મોટાભાગે બી.પી.ઍચ. ની તકલીફ નુ કારણ પ્રોસટેટ નુ કેન્સર નથી હોતુ.

પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન :

૧. આંગળી દ્વારા તપાસ : મળમાર્ગમાં આંગળી મૂકી કરાતી તપાસ (Digital Rectal Examination)માં પ્રોસ્ટેટ કઠણ પથ્થર જેવી લાગે કે ગાંઠ જેવી અનિયમિત લાગે તે કેન્સરની નિશાની હોઈ શકે છે.

પુરુષોમાંથતા બી.પી.એચ.ના નિદાન માટેની મુખ્ય તપાસ પ્રોસ્ટેટની આંગળી દ્વારા તપાસ અને સોનોગ્રાફી છે.

૨. લોહીની પી.એસ.એ.ની તપાસ :આ લોહીની ખાસ જાતની તપાસમાં પી.એસ.એ.નું પ્રમાણ વધારે જોવા મળે છે.

૩. પ્રોસ્ટેટની બાયોપ્સી :ખાસ જાતના સોનોગ્રાફી પ્રોબની મદદ વડે, મળમાર્ગમાંથી સોય મૂકી પ્રોસ્ટેટની બાયોપ્સી કરવામાં આવે છે. જેની હીસ્ટોપેથોલોજીની તપાસ કેન્સરના નિદાન માટે મદદરૂપ બની શકે છે.

બી.પી.એચ.ની સારવાર :બી.પી.ઍચ. ના દર્દી માં રૉગ ના ચિહ્નો ની હાજરી, તેની તીવ્રતા અને સાથે જોડાયેલ અન્ય તકલીફો દર્દીને રોજીદા કાર્યો માં કેટલા પ્રમાણમાં નડતરરૂપ થાય તેના આધારે યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે ચે. સારવાર નો હેતુ ચીહ્નો ની તીવ્રતા ઓછી કરવી, બિ.પિ.ઍચ. ને કારણે જીવનશૈલી માં થયેલ ફેરફારમાં સુધારો, પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં રહેલો પેશાબના પ્રમાણમાં ઘટાડો કરવો અને બી.પી.એચ. ના કારણે અન્ય પ્રશ્નો થતા અટકાવવા નો છે.

બી.પી.એચ.ની સારવાર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય:

  • જીવનશૈલી માં ફેરફાર અને અન્ય કાળજી
  • દવા દ્વારા સારવાર
  • દવા સિવાયની અન્ય ખાસ સારવાર

૧. જીવનશેલી માં ફેરફાર અને અન્ય કાળજી , બી.પી.એચ. ના દર્દી ઓ ને જો તકલીફ હળવી થતી હોય ત્યારે કોઈ પણ દવા આપવામાં આવતી નથી. યોગ્ય કાળજી, વાર્ષિક ચેક અપ, જીવનશૈલી માં ફેરફાર કરી રોગ ના ચિહ્નો ને ઘટાડી શકાય અથવા વધુ બગાડવા થી અટકાવવી શકાય છે.

  • પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવ માં ફેરફાર કરવા.
  • દર બે કલાકે પેશાબ કરવો જોઈએ. વધુ લાંબા સમય માટે પેશાબ રોકી ના રાખવો.
  • બે વખત પેશાબ કરવો. પેશાબ કર્યા બાદ થોડી વાર પછી ફરી પેશાબ કરવો (Double voiding).
  • લોહીની પી.એસ.એ.ની તપાસ દ્વારા પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થઇ શકે છે.
  • સાંજ તથા રાત્રી સમય દરમ્યાન ચા-કોફી વગેરે કેફીન ધરાવતા પીણા અથવા આલ્કોહોલ ન લેવા.
  • વધુ પ્રમાણમાં પ્રવાહી ન લેવું આ ઉપરાંત એકસાથે વધુ પ્રવાહી લેવા કરતા આખા દિવસ માં થોડા થોડા સમયે ઓછુ પ્રવાહી લેવું.
  • રાત્રે સુતા પહેલા અથવા બહાર ગામ જતા પહેલા પ્રવાહી ઓછુ લેવું.
  • જે દવાઓ થી વધુ પ્રમાણમાં પેશાબ થતો હોયે તેને લેવાનો સમય બદલાવી નાખવો.
  • યોગ્ય કાળજી રાખી ઠંડી થી બચવુ અને નિયમિત કસરત કરવી.
  • શરદી, ઉધરસ વગેરેની દવાઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી કારણ કે આ દવાઓ ના કારણે અચાનક પેશાબ બંધ થવાનુ જોખમ રહે છે.
  • કબજીયાત ની યોગ્ય સારવાર લેવી.

૨. દવા દ્વારા સારવાર :

જ્યારે બી.પી.એચ.ને કારણે પેશાબમાં થતી તકલીફ વધુ પ્રમાણમાં ન હોય કે તેને કારણે ગંભીર પ્રશ્નો થયા ન હોય, તેવા મોટા ભાગના દર્દીઓમાં દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. આ પ્રકારની દવાઓમાં આલ્ફા બ્લોકર્સ (પ્રેઝોસિન, ટેરાઝોસીન, ડોક્સઝોસીન, ટેમ્સુલોસીન વગેરે) અને ફિનાસ્ટેરાઈડ તથા ડયુરેસ્ટેરાઈડનો સમાવેશ થાય છે.

દવાની સારવાર મૂત્રમાર્ગમાં અવરોધ ઘટાડે છે, જેથી પેશાબ ઊતરવામાં પડતી તકલીફ ધટે છે.

૫-આલ્ફા રીડક્ટેસ ઈન્હિબિટર: આ દવાથી પ્રોસટેટ નુ કદ ઓછુ થાય છે, પેશાબ સરળતાથી ઉતરે છે અને બી.પી.ઍચ. ના ચીહ્નો માં ઘટાડો થાય છે. આલ્ફાબ્લોકર્સ ની જેમ આ દવા ઓ ની અસર થતા પણ સમય લાગે છે.

- આલ્ફાબ્લોકર્સ અને આલ્ફા રીડક્ટેસ ઈન્હિબિટર બન્ને દવા અલગ અલગ રીતે કામ કરે છે. આ કારણે બન્ને દવા ઓ સાથે આપવાથી વધુ ફાયદો મળે છે.

બી.પી.એચ.ના ક્યા દર્દીઓમાં દવા સિવાયની સારવારની અન્ય પદ્ધતિઓની જરૂર પડે છે ?

યોગ્ય દવા છતાં સંતોષજનક ફાયદો થતો ન હોઈ તેવા દર્દીઓમાં દૂરબીન, ઓપરેશન કે અન્ય પદ્ધતિની સારવારની જરૂર પડે છે.

બી.પી.એચ. ના હળવા ચિહનો માટે દવા વગર જીવનશૈલી માં ફેરફાર ફાયદામંદ છે.

  • પ્રયત્ન કરવા છતાં પેશાબ ન ઊતરવો કે કેથેટરની મદદથી જ ઊતરતો હોય.
  • પેશાબમાં વારંવાર ચેપ થાય કે લોહી આવે.
  • પેશાબ અટકવાને કારણે પથરી થી થતી હોય.
  • પેશાબ કર્યા બાદ પણ મૂત્રાશયમાં વધુ પ્રમાણમાં પેશાબ રહી જતો હોય.
  • બી.પી.ઍચ. ના કારણે કિડ્ની ફેલ્યર થવુ.
  • મૂત્રાશયમાં વધુ પેશાબ એકઠો થવાથી કિડની અને મુત્રવાહિની ફૂલી ગયાં હોય.

૩. દવા સિવાયની અન્ય સારવાર :

દવા સિવાય ની અન્ય સારવાર માં પણ બે મુખ્ય વિકલ્પો હોય છે.

૧. ઓપરેશન કરાવુ

૨. ઓછી શશ્ત્રક્રીયા વાળી આધુનિક પદ્ધતી.

દવા દ્વારા આપવામાં આવતી સારવાર નિષ્ફળ નીવડે ત્યારે ઉપલબ્ધ સારવારના વિકલ્પો નીચે મુજબ છે :

૧. દૂરબીન દ્વારા સારવાર – ટી.યુ.આર.પી.(TURP- Trans Urethral Resection of Prostate):

દવા સિવાય ની સારવાર ની વિવિધ પધ્ધતિ ઑ માં ટી.યુ.આર.પી. સારવાર નો શ્રેષ્ઠ અને અસરકારક વિકલ્પ છે. ૮૫%-૯૦% દર્દીઓમાં પેશાબ માં થતી તકલીફ માં સંપૂર્ણ સુધારો જોવા મળે છે. અને વર્ષો સુધી આ સુધારો જળવાય છે. આ ઓપરેશન યુરોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં પેશાબ માં અવરોધ કરતા પ્રોસ્ટેટ ના ભાગ ને કાઢી નાખવામાં આવે છે. આ ઓપરેશન માં હોસ્પિટલ માં સામાન્ય રીતે ૨-૩ દિવસ રોકાણ થાય છે પરંતુ ચેકો કે ટાંકા લેવા પડતા નથી.

ઓપરેશન પહેલા શું કરવું જોઈએ:

  • ઓપરેશન માટે દર્દી ફીટ છે તેની ખાતરી યોગ્ય તપાસ દ્વારા
  • બીડી, તંબાકુ ની આદત હોય તો પહેલા બંધ કરો. આ આદત થી છાતી અને ઑપરેશન ના ઘા માં ચેપ થવાનું જોખમ વધે છે અને ઓપરેશન બાદ ના સુધારા ની પ્રક્રિયા માં વિલંબ જોવા મળે છે.
  • ઓપરેશન પહેલા લોહી પાતળું કરવાની દવાઓ (warfarin, aspirin, clapodigel) થોડા દિવસ બંધ કરવી જરૂરી છે.
  • મોટા ભાગના બી.પી.એચ.ના દર્દીઓની સારવાર હાલ દવા વડે શક્ય છે.

ઓપરેશન દરમ્યાન:

ઓપરેશન દરમ્યાન પ્રોસ્ટેટનાં ભાગને લઇને લેબોરેટરી માં તપાસ માટે મોકલવા માં આવે છે તેની તપાસ દ્વારા કેન્સર છે કે નહિ તે નક્કી કરી શકાય છે.

  • આ સારવાર સામાન્ય રીતે દર્દીને બેભાન કર્યા વગર, કમરમાં ઇન્જેક્શન (Spinal Anesthesia) આપી, કમર નીચેનો શરીરનો ભાગ ખોટો પાડી કરવામાં આવે છે.
  • બી.પી.એચ.ની સારવાર માટેની આ સરળ, અસરકારક અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. હાલના તબક્કે દવાની સારવાર થી યોગ્ય ફાયદો ન થયો હોય તેવા મોટા ભાગના (૯૫%) બી.પી.એચ.ના દર્દીઓની પ્રોસ્ટેટની ગાંઠ આ પદ્ધતિથી દુર કરવામાં આવે છે.
  • આ પદ્ધતિમાં ઓપરેશન કરવાની (ચેકો મુકવાની કે ટાંકા લેવાની) જરૂર પડતી નથી.
  • આ પદ્ધતિમાં પેશાબના રસ્તા(Urethra)માં દૂરબીન (Endoscope) મુકીને પ્રોસ્ટેટની ગાંઠનો અડચણ કરતો ભાગ દૂર કરવામાં આવે છે.
  • આ પ્રક્રિયા દૂરબીન કે વિડીયો એન્ડોસ્કોપી દ્વારા સતત જોઇને કરવામાં આવે છે, જેથી પ્રોસ્ટેટ યોગ્ય પ્રમાણમાં દુર કરી શકાય છે અને આ દરમ્યાન નીકળતા લોહીને ચોક્કસપણે કાબુમાં લઈ શકાય છે.
  • આ ઓપરેશન બાદ સામાન્ય રીતે દર્દી ઍ ત્રણ થી ચાર દિવસ જ હોસ્પિટલ મા રહેવાની જરૂર પડે છે.
ઓપરેશન કર્યા બાદ શું કરવું ?
  • હોસ્પિટલમાં ત્રણ થી ચાર દિવસ કર્યાનુ રોકાણ હોય છે.
  • ઓપરેશન બાદ પેશાબ ના રસ્તા (Urethra) માં ત્રણ નળી વાળું કેથેટર મુકવા માં આવે છે.
  • ઓપરેશન બાદ ના પહેલા ૧૨-૨૪ કલાક સુધી તે કેથેટર માંથી મૂત્રાશય માં ખાસ પ્રવાહી નાખી તેને સતત સાફ (Bladder Irrigation) કરવામાં આવે છે. આ પ્રક્રિયા થી ઓપરેશન દરમ્યાન મૂત્રાશયમાં ભેગા થયેલ લોહી ના ગંઠા કાઢી શકાય છે.
  • યોગ્ય સમય પર જયારે પેશાબ એકદમ ચોખો આવે ત્યાર બાદ કેથેટર કાઢી નાખવામાં આવે છે.
  • બી.પી.એચ.ની દવા સિવાયની સફળ અને સૌથી વધુ પ્રચલિત એવી ખાસ સારવાર ની પદ્ધતિ ટી.યુ.આર.પી. છે.

હોસ્પિટલ માં થી રજા બાદ ઘરે શું કાળજી રાખવી જોઈએ:

  • વધુ પ્રમાણ માં પ્રવાહી લેવું.
  • કબજીયાત ન થાય તે માટે કાળજી રાખવી અને સંડાસ કરતી વખતે જોર ના કરવું.
  • ડોક્ટર ની સલાહ વગર લોહી પાતળું કરવાની દવા ચાલુ ના કરવી.
  • ૪-૬ અઠવાડિયા માટે ભારે અથવા વજન વાળું કાર્ય ના કરવું.
  • ૪-૬ અઠવાડિયા માટે સંભોગ ના કરવો.
  • બીડી, સિગરેટ, દારૂ, કેફીન, વધુ મસાલા વાળા ખોરાક નુ સેવન ન કરવું.

ટી.યુ.આર. પી. બાદ હોસ્પિટલ માંથી રજા મળ્યા પછી ડોક્ટર નો સંપર્ક તાત્કાલીક ક્યારે કરવો?

  • પેશાબ ન ઉતારવો કે ઉતારવામાં તકલીફ થાય.
  • સતત દુખાવો રહેવો, દવા લીધા બાદ પણ
  • પેશાબ માં વધુ લોહી ના ગંઠા પડવા.
  • ચેપ લાગવા ના ચિહ્નો જેમ કે તાવ કે ઠંડી લાગવી.

ઓપરેશન દ્વારા સારવાર :

જ્યારે પ્રોસ્ટેટની ગાંઠ ખુબ જ મોટી હોય અથવા સાથે મૂત્રાશયની પથરીનું ઓપરેશન પણ જરૂરી હોય અને યુરોલોજિસ્ટ ના અનુભવે તે દૂરબીનથી દૂર કરવાનું શક્ય ન હોય તેવા જુજ દર્દીઓમાં ઓપરેશનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ ઓપરેશનમાં સામાન્ય રીતે પેડુના ભાગમાં ચેકો મૂકી, પ્રોસ્ટેટની ગાંઠ કાઢવામાં આવે છે.

ટી.યુ.આર.પી બેભાન કર્યા વગર દૂરબીન થી કરવામાં આવે છે અને હોસ્પિટલમાં ત્રણ થી ચાર દિવસ જ રહેવું પડે છે.

સારવારની અન્ય પદ્ધાતિઓ :

બી.પી.એચ.ના દર્દીઓની સારવારમાં કેટલીક વખત નીચે મુજબની અન્ય પદ્ધતિઓ પણ વપરાય છે :

દૂરબીનની મદદથી પ્રોસ્ટેટ પર કાપો મૂકી મૂત્રમાર્ગની અડચણ ધટાડવામાં આવે છે (TUIP – Transurethral Incision of Prostate).

  • લેઝર દ્વારા સારવાર (Transurethral Laser Prostatectomy).
  • ખાસ પ્રકારની ગરમી(Thermal Ablation) દ્વારા સારવાર .
  • મૂત્રમાર્ગમાં ખાસ નળી (Urethral Stenting)દ્વારા સારવાર.

બી.પી.એચ.ના દર્દીઓ ડોક્ટર નો સંપર્ક તાત્કાલીક ક્યારે કરવો?

  • પેશાબ ન ઉતારવો કે ઉતારવામાં તકલીફ થાય
  • સતત દુખાવો રહેવો, દવા લીધા બાદ પણ
  • પેશાબમાં બળતરા થવી દુખાવો થાવ કે દુર્ગંધ આવે અથવા તાવ કે ઠંડી લાગવી
  • પેશાબમાં લોહી પડવું.
  • પેશાબ નો કાબૂ ન રહેવો અને અંદર ના કપડા ભીના થઈ જવા

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate