অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ના રોગો વિશે ખોટી માન્યતાઓ અને હકીકત

કિડની ના રોગો વિશે ખોટી માન્યતાઓ અને હકીકત

  1. ખોટી માન્યતા ૧: કિડનીના બધા રોગો ગંભીર હોય છે.
  2. ખોટી માન્યતા ૨ : કિડની ફેલ્યરમાં એક કિડની બગડે કે બંને ?
  3. ખોટી માન્યતા ૩: કિડનીના કોઈ પણ રોગમાં સોજા આવવા તે કિડની ફેલ્યર સૂચવે છે.
  4. ખોટી માન્યતા ૪: કિડની ફેલ્યરના બધા જ દર્દીઓમાં સોજા મળે છે.
  5. ખોટી માન્યતા ૫: કિડનીના દર્દીઓ એ વધુ માત્રા મા પાણી લેવું જોઈએ.
  6. ખોટી માન્યતા ૬: - મારી તબિયત સારી છે, એટલે મને કિડની નો રોગ ન જ હોય.
  7. ખોટી માન્યતા ૭: હવે મારી કિડની સારી છે. મારે દવા લેવાની જરૂર નથી.
  8. ખોટી માન્યતા ૮: લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ થોડું વધારે હોય પણ તબિયત સારી હોય તે માટે ચિંતા કે ખાસ સારવારની જરૂર નથી.
  9. ખોટી માન્યતા ૯: એક વખત ડાયાલિસિસ કરાવવાથી વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે.
  10. ખોટી માન્યતા ૧૦: ડાયાલિસિસ થી કિડની ફેલ્યર મટી જાય છે.
  11. ખોટી માન્યતા ૧૧: કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને કિડની આપી ન શકે.
  12. ખોટી માન્યતા ૧૨ : કિડની આપવાથી તબિયત અને જાતીય સંબંધ પર વિપરીત અસર થાય છે.
  13. ખોટી માન્યતા ૧૩: કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની વેચાતી મળે છે.
  14. ખોટી માન્યતા ૧૪: કિડની ફક્ત પુરુષોમાં જ હોય છે, જે બંને પગ વચ્ચેની કોથળીમાં આવેલ છે.
  15. ખોટી માન્યતા ૧૫: હવે મારું લોહીનું દબાણ સામાન્ય છે, તેથી હવે મારે દવાની જરૂર નથી. મને તકલીફ નથી તો મારે શા માટે દવા લેવી ?

ખોટી માન્યતા ૧: કિડનીના બધા રોગો ગંભીર હોય છે.

હકીકત : ના, કિડનીના બધા રોગો ગંભીર હોતા નથી. વહેલા નિદાન અને સારવાર બાદ કિડનીના ઘણા રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે. ઘણા દર્દીમાં યોગ્ય સારવાર કિડની વધુ બગડતી અટકાવે છે અથવા કિડની બગડવાની ઝડપ ઘટાડે છે.

ખોટી માન્યતા ૨ : કિડની ફેલ્યરમાં એક કિડની બગડે કે બંને ?

હકીકત : બંને. સામાન્ય રીતે કોઈ દર્દીની એક કિડની સાવ બગડી જાય તોપણ દર્દીની કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની અને યુરિયાની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. જયારે બન્ને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી, જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યરનું નિદાન થાય છે.

ખોટી માન્યતા ૩: કિડનીના કોઈ પણ રોગમાં સોજા આવવા તે કિડની ફેલ્યર સૂચવે છે.

હકીકત : ના. કિડનીના કેટલાક રોગોમાં કિડનીની કાર્યક્ષમતા સંપૂર્ણ રીતે સામાન્ય હોવા છતાં દર્દીઓમાં સોજા જોવા મળે છે, જેમકે નેફ્રોટિક સિન્ડ્રોમ.

ખોટી માન્યતા ૪: કિડની ફેલ્યરના બધા જ દર્દીઓમાં સોજા મળે છે.

હકીકત : ના, કેટલાક દર્દીઓની બંને કિડની બગડી ગયેલી હોય અને દર્દી ડાયાલિસિસ કરાવતા હોય તેમ છતાં સોજા ન હોય તેવું શક્ય છે. ટૂંકમાં, કિડની ફેલ્યરના મોટા ભાગના દર્દીઓમાં સોજા જોવા મળે છે પરંતુ બધા જ દર્દીઓમાં નહી.

ખોટી માન્યતા ૫: કિડનીના દર્દીઓ એ વધુ માત્રા મા પાણી લેવું જોઈએ.

હકીકત:- ના, પેશાબનું પ્રમાણ ઘટવાથી સોજા ચડવા તે કિડનીના ઘણા રોગોનું મુખ્ય ચિહનો છે.આવા દર્દીઓને પાણીનું પ્રમાણ ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ પેશાબમાં રસી અથવા પથરીની તકલીફ વાળા દર્દીઓમાં કિડનીના સામાન્ય કાર્ય કરતી હોય ત્યારે પાણી લેવાની સલાહ આપવામાં આવે છે.

ખોટી માન્યતા ૬: - મારી તબિયત સારી છે, એટલે મને કિડની નો રોગ ન જ હોય.

હકીકત:- ક્રોનિક કિડની નો રોગના શરૂઆતના તબક્કે સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી.આ તબક્કે લોહીની તપાસમાં ક્રીએટીનીન ની માત્રા મા વધારો હોવો તે આ રોગનું એકમાત્ર ચિહનો હોઈ શકે છે.

ખોટી માન્યતા ૭: હવે મારી કિડની સારી છે. મારે દવા લેવાની જરૂર નથી.

હકીકત : કિડની ફેલ્યરના કેટલાક દર્દીઓમાં દવાથી તબિયત મા સુધારો થવાને કારણે દર્દીઓ પોતાની મેળે જ દવાં બંધ કરી દે છે, જે અત્યંત જોખમી બની શકે છે. દવાં અને પરેજીના અભાવે કિડની ઝડપથી બગડે અને ટૂંકા ગાળામાં જ ડાયાલિસિસની જરૂર પડે તે તબક્કો આવી જાય તેવો ભય રહે છે.

ખોટી માન્યતા ૮: લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ થોડું વધારે હોય પણ તબિયત સારી હોય તે માટે ચિંતા કે ખાસ સારવારની જરૂર નથી.

હકીકત : લોહીમાં ક્રીએટીનીન નું પ્રમાણ થોડું પણ વધવું તે કિડનીની કાર્યક્ષમતામા ઘટાડો થઇ રહીઓ છે તે સૂચવે છે અને તે માટે ખાસ કાળજી જરૂરી છે. વિવિધ રોગોને કારણે કિડની પર અસર થાય ત્યારે વહેલાસર કિડની નિષ્ણાંત (નેફ્રોલોજીસ્ટ) ને બતાવવું ફાયદામંદ છે.

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ક્રીએટીનીનના પ્રમાણમાં થોડો વધારો ત્યારે જ જોવા મળે છે કે જ્યારે બન્ને કિડનીની કાર્યક્ષમતામાં ૫૦% કરતા વધુ ધટાડો થાય. જયારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૧.૬ મી.ગ્રા. % કરતા વધારે હોય ત્યારે બંને કિડની ૫૦% કરતા વધુ બગડી છે તેમ કહી શકાય. આ તબક્કો યોગ્ય કાળજી, દવા અને પરેજી દ્વારા આપવામાં આવતી સારવારથી મળતા ફાયદા માટે ઉતમ ગણાય.

આ તબક્કે નેફ્રોલોજીસ્ટ દ્વારા આપવામાં આવતી સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવી રાખવા ખુબ જ મદદરૂપ બની શકે છે.

સામાન્ય રીતે જયારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૫.૦ મી.ગ્રા. % થાય ત્યારે બંને કિડની આશરે ૮૦% જેટલી ફેઈલ થઇ ગઈ છે તેમ કહી શકાય. આ તબક્કે કિડનીને નોંધપાત્ર નુકશાન થઇ ગયું હોય છે. આ તબક્કે યોગ્ય સારવારથી ફાયદો જરૂર થાય છે, પરંતુ સર્વોતમ ફાયદો મેળવવા માટે આપને મોડા પડ્યા છીએ એ ખ્યાલમાં રાખવું જોઈએ.

જયારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૮.૦ થી ૧૦.૦ મી.ગ્રા.% કરતા વધે ત્યારે બન્ને કિડનીને ઘણું જ વધારે નુકસાન થઇ ગયું હોય છે. આ તબક્કે દવા પરેજી દ્વારા સારવારથી ફાયદો મેળવવાની યોગ્ય તક આપણે લગભગ ગુમાવી દીધી છે તેમ કહી શકાય. મોટા ભાગના દર્દીઓને આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે.

ખોટી માન્યતા ૯: એક વખત ડાયાલિસિસ કરાવવાથી વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે.

હકીકત : ના,કેટલી વખત ડાયાલિસિસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલ્યરના પ્રકાર પર આધારિત છે.

  • ના, એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા ડાયાલિસિસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઇ જાય છે અને ફરી ડાયાલિસિસ કરાવવાની જરૂર રર્હેતી નથીઆવા દર્દીઓ ખોટી માન્યતાને કારણે ડાયાલિસિસ કરાવવામાં વિલંબ થાય તો દર્દી મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ શકે છે.
  • સી.કે.ડી.રોગમાં કિડનીની કાર્યક્ષમતામા ક્રમશઃ બગાડો થતો રહે છે અને તે ન સુધરી શકે તે પ્રકાર નો રોગ છે.

હા, ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નિયમીટ ડાયાલિસિસ તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે.

ટુંકમાં, કેટલી વખત ડાયાલિસિસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલ્યરના પ્રકાર પર આધરિત છે.

ખોટી માન્યતા ૧૦: ડાયાલિસિસ થી કિડની ફેલ્યર મટી જાય છે.

હકીકત : - ના, ડાયાલિસિસથી કિડની ફેલ્યર મટી નથી જતું. લોહીમાંના બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો દુર કરવા ,વધારાનું પાણી કાઢવું,પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવું,વધઘટ થયેલા ક્ષારોનું પ્રમાણ જાળવે અને એકઠા થયેલા એસીડ ના વધારે પ્રમાણ ને ઘટાડી યોગ્ય પ્રમાણ જાળવવુંએ ડાયાલિસિસ ના મુખ્ય કાર્યો છે. નિયમિત ડાયાલિસિસ બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય તેવા દર્દીઓને સ્વસ્થ તબિયત રાખવા માટે આવશ્યક છે.

ખોટી માન્યતા ૧૧: કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને કિડની આપી ન શકે.

હકીકત : ના. સરખી રચનાની કારણે પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે.

ખોટી માન્યતા ૧૨ : કિડની આપવાથી તબિયત અને જાતીય સંબંધ પર વિપરીત અસર થાય છે.

હકીકત : ના. એક કિડની વડે સંપૂર્ણ સામાન્ય જીવન, કાર્યો અને જાતીય સંબધ શક્ય છે.

ખોટી માન્યતા ૧૩: કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની વેચાતી મળે છે.

હકીકત : ના કિડની ખરીદવી અને વેચવી બંને કાનૂની ગુનો બંને છે. વળી, ખરીદેલી કિડની દ્વારા કરેલા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં નિષ્ફળતાનું જોખમ પણ વધારે રહે છે.

ખોટી માન્યતા ૧૪: કિડની ફક્ત પુરુષોમાં જ હોય છે, જે બંને પગ વચ્ચેની કોથળીમાં આવેલ છે.

હકીકત : ના. પુરુષ અને સ્ત્રી બંનેમાં એકસમાન રચના અને કદ ધરાવતી કિડની, પેટના પાછળના અને ઉપરના ભાગમાં કરોડરજ્જુની બન્ને બાજુએ આવેલી હોય છે. પુરુષોમાં પગ વચ્ચે કોથળીમાં આવેલું ગોળી આકારનું અંગ તે પ્રજનન માટે અગત્યનું અંગ ટેસ્ટીઝ (વૃષણ)છે.

ખોટી માન્યતા ૧૫: હવે મારું લોહીનું દબાણ સામાન્ય છે, તેથી હવે મારે દવાની જરૂર નથી. મને તકલીફ નથી તો મારે શા માટે દવા લેવી ?

હકીકત : લોહીનું ઊંચુ દબાણ ધરાવતા દર્દીઓમાં દવાથી લોહીનું દબાણ કાબુમાં આવ્યા બાદ, તેનાથી સંતોષ પામી કેટલાક દર્દીઓ બ્લડપ્રેશરની દવા બંધ કરી દે છે. ઘણા દર્દીઓને લોહીનું ઊંચુ દબાણ હોવા છતાં કોઈ પણ દેખીતી તકલીફ થતી નથી, તેથી તેઓ દવા લેવા માટે તૈયાર હોતા નથી. પરંતુ લોહીના ઊંચા દબાણને કારણે લાંબે ગાળે કિડની, હૃદય, મગજ વગેરે પર ગંભીર અસર થઇ શકે છે. આથી કોઈ પણ તકલીફ ન હોય તેમ છતાં આ આડ અસરોને અટકાવવા કાયમી દવા લેવી અત્યંત જરૂરી છે.

સ્ત્રોત : કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/2/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate