অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટ્રિકોટિલોમેનિઆ:એક તરંગી મનોવિકૃતિ

ટ્રિકોટિલોમેનિઆ:એક તરંગી મનોવિકૃતિ

5 વર્ષનો સમીપ હમણાથી વિચિત્ર દેખાતો હતો. એની આંખની પાંપણ જ નહોતી. માથાની એક બાજુ નાની ટાલ પડી ગઈ હતી. કારણ એ હતું કે સમીપ જાતે જ પોતાના વાળ ખેંચીને કાઢી નાખતો. જેવા થોડા વાળ ઉગે કે તરત જ સમીપનો હાથ વાળ બાજુ જતો રહે અને એને ખેંચીને કાઢ્યા વગર રહે નહિ. ઈન શોર્ટ પોતે જ પોતાના વાળનો દુશમન બની ગયો હતો. મમ્મી વારે ઘડીએ ટોકે પણ સમીપ વાળ તોડવાનું બંધ નહોતો કરતો. જાણે એને એક પ્રકારની મજા આવતી હતી. એટલું જ નહિ, પણ મમ્મી કે પપ્પા જેટલું ટોકે તેટલું એને હસવું આવતું હતું.
છેલ્લા ત્રણ એક વર્ષના ગાળામાં સમીપનું વર્તન જાણે ઓવરઓલ બગડતું ગયું હતું. હવે તો બધા સાથે મિસબિહેવ કરતો. સ્કૂલમાંથી પણ ફરિયાદો આવવાનું ચાલુ જ હતું. ક્લાસમાં બીજા છોકરાઓને હેરાન કરે, ટીચરના ચેન-ચાળા પાડે, વિચિત્ર અવાજો કાઢે, અને હોમ-વર્ક તો ક્યારેય પતાવે જ નહિ. પ્રિન્સિપાલ પાસે નહિ-નહિ તોય છેલ્લા વર્ષમાં 6-7 વખત પેરન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. મમ્મીને નાની-મોટી વાતોમાં સતત ઊંચા જીવે રાખે. અલગ-અલગ ડિમાન્ડ્ઝ મૂકે. જો ન માને તો સામે હાથ પણ ઉપાડે. ઘરમાં મોટેથી બધાને અપશબ્દો બોલતો અને ફિઝીકલી- ઇમોશનલી હેરાન કરતો. સમીપને ગુસ્સો આવે એટલે ઘરમાં બધાએ સ્વીકારી લીધું હતું કે ઘરમાં નુકશાન થવાનું જ હોય. પોતાના નાના ભાઈને કોઈ જોતું ન હોય ત્યારે હેરાન કરવો અને જે વાતમાં ના પાડી હોય ત્યાં ખાસ પરાક્રમ કરવું... સોસાયટીની બહાર ગાય-કુતરાઓને પથ્થરથી મારવા. મમ્મી ટિફિન ભરીને બૅગમાં મૂકે, ટાઈ બાંધીને આપે, ઈન ફેક્ટ અમુક વાર તો બ્રશ પણ કરાવે. ટી.વી. જોવા એટલી જીદ કરે કે જો ભૂલથી પણ ના પડી હોય તો કકળાટ થઇ જાય. સમીપની વર્તન વિકૃતિને ટ્રિકોટિલોમેનિઆ કહેવાય છે. સાથે એડ્જસ્ટમેન્ટલ પ્રોબ્લેમ પણ છે જ.
ટ્રિકોટિલોમેનિઆ એવી કન્ડિશન છે જ્યાં વ્યક્તિ પોતાની જાતને પોતાના જ વાળ ખેંચવાથી રોકી શકતી નથી. આ એક ઈમ્પલ્સ-કન્ટ્રોલ ડિસઓર્ડર કહેવાય છે. આવા દર્દીઓમાં વાળ ખેંચવાની તીવ્ર ઈચ્છા ઉભી થાય છે. જ્યાં સુધી પોતાના વાળ ખેંચીને તોડી ના નાખે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. વાળ ખેંચ્યા પછી એક જાતની રાહત અનુભવે છે. આના લીધે ગિલ્ટ જેવી નકારાત્મક ઈમોશન ઉભી થાય છે. જાહેરમાં આવું વર્તન જયારે રોકી શકાતું નથી ત્યારે ક્ષોભ અને શરમ અનુભવાય છે. એટલે ક્યારેક ઊંધા ફરીને કોઈ જોતું ન હોય એ રીતે વાળ તોડી નાખે છે. આના લીધે આત્મ-વિશ્વાસમાં અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં ઘટાડો થાય છે.
ઈમ્પલ્સ-કંટ્રોલ ડિસઓર્ડર યુવકો અને યન્ગ-અડલ્ટ્સમાં અને ખાસ કરીને છોકરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી વાર ટ્રિકોટિલોમેનિઆ સાથે મૂડ ડિસઓર્ડર્સ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એન્ઝાઈટી ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર, કે સોશ્યલ ફોબિઆ પણ જોવા મળે છે. આમ તો આ વિકૃતિ થવાના ઘણા કારણો છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં સ્ટ્રેસફૂલ પરિસ્થિતિ જવાબદાર જણાય છે. માતા અને બાળક વચ્ચેના સંબંધમાં મુશ્કેલીઓ હોય ત્યારે આવું વિશેષ જોવા મળે છે.
ઓવર-ડિમાન્ડિંગ અને વધુ પડતા પ્રેમ અને ઇનસિક્યોરિટી વાળી મમ્મી તેમ જ એગ્રેસિવ પપ્પા આવા વિકૃત વર્તનને જન્મ આપી શકે છે. ઘણી વાર બીજા સંતાનનો જન્મ અથવા તિરસ્કૃત થયાની ભાવના તંગદિલીને વધારે છે. પછી મોટું બાળક પરિવારનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા માટે જાણે-અજાણે આવું વર્તન અમલમાં મૂકે છે. વાળ ખેંચ્યા પછી થતી રાહત ફરી વાળ ખેંચવાના વર્તનનું કારણ બને છે એટલે આ વિષચક્ર ચાલ્યા કરે છે. કેટલાક કિસ્સાઓમાં ટ્રિકોટિલોમેનિઆ ઈમ્પલ્સ-કંટ્રોલ ડિસઓર્ડર અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર પણ વારસામાં ચાલ્યા આવે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં વાળ ખેંચીને દર્દી ખાઈ જાય છે જેને ટ્રીકોફેજિઆ કહેવાય છે. કેટલાક ટ્રિકોટિલોમેનિઆના દર્દીમાં બ્રેઈન એબ્નોર્માલિટીઝ અને જિનેટિકલ કારણો પણ જોવા મળ્યા છે. સિરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટરની ઉણપ તેમ જ હોર્મોનલ લેવલમાં થતા વિકૃત ફેરફારો પણ જવાબદાર જણાય છે.
સમીપના કિસ્સામાં નાના ભાઈના જન્મ પછી આશરે ચારેક વર્ષ બાદ આ તકલીફ પહેલી વાર દેખાઈ હતી. એ વખતે તો પેરન્ટ્સને એવું લાગ્યું કે સમીપ વાળ સાથે રમત કરે છે. ધીમે-ધીમે જયારે આ વર્તન વધતું ગયું ત્યારે ઘરમાં બધા લોકો સમીપ પર ગુસ્સો કરવા લાગ્યા. અને વધુમાં ઘરે આવતા મહેમાનો હંમેશા નાના ભાઈને વધારે રમાડે તેમ જ તે વધારે સ્માર્ટ છે તેવા સ્ટેટમેન્ટ આપ્યા કરે એટલે સમીપને અંદરથી લઘુતાગ્રંથિ અને નાના ભાઈ પ્રત્યેની દુશમનાવટની ભાવના વધતી ગઈ. એક વખત કોઈએ એવી પણ કમેન્ટ કરેલી કે સમીપના વાળ વધારે સારા છે. અલબત્ત, સામાન્ય સંજોગોમાં આ સ્ટેટમેન્ટ વખાણ કહેવાય પણ સમીપે અચેતન સવરૂપે માતા-પિતા સામે બળવાખોર બનીને પોતાની જ સારી વાતને કે વાળને ડિસ્ટર્બ કરવાનું શરુ કર્યું. અને જેમ વાળ તોડે તેમ મમ્મી-પપ્પા ગુસ્સેએ થાય તેમ તેને વધારે મજા આવતી. મતલબ એક પ્રકારે માતા-પિતાની દુખતી નસ અજાણપણે પકડાઈ ગઈ અને તેમને હેરાન કર્યાનો પ્રપીડક આનંદ લેવાનું શરુ થઇ ગયું.
સમીપની સારવાર સૌ પ્રથમ તો ડર્મેટોલોજિસ્ટ પાસે લઇ જવાથી શરુ થઇ હતી. એમણે સૂચન કર્યું કે આ સાઈકોલોજિકલ તકલીફ છે એટલે બીહીવિયરલ ટ્રિટમેન્ટ્સ કરવી પડશે. ઇન્સાઇટ ઓરિએન્ટેડ થેરાપી દ્વારા આ સમસ્યા સફળતાપૂર્વક દૂર થાય છે.એવા સ્કિન કે વાળના ડિસઓર્ડર્સ કે જેમાં સાઈકોલોજિકલ પરિબળો જવાબદાર હોય છે તેવી સ્થિતિમાં હિપ્નોથેરાપી અને બિહેવિઅર થેરાપી સફળ નીવડે છે. અલબત્ત, ધીરજ જરૂરી છે. માસ્ટર માઈન્ડ: ગુસ્સો, ઈર્ષા અને અસલામતી ક્યારેક વિચિત્ર સ્વરૂપે પોતાના જ દુશમન થઈને બહાર આવે છે.
લેખક ઉત્સવી  ભીમાણી, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate