હોમ પેજ / આરોગ્ય / બાળ આરોગ્ય / બાળકોને કરાતી સજા એક જાતનું બિહેવિયર મેનેજમેન્ટ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોને કરાતી સજા એક જાતનું બિહેવિયર મેનેજમેન્ટ

બાળકોને કરાતી સજા એક જાતનું બિહેવિયર મેનેજમેન્ટ છે

યોગ્ય સજા બાળકને પશ્ચાતાપની તક આપશે. સજા એ કોઈ ક્રૂરતા નથી, પણ સજા મનને કેળવવા માટે છે

ગુનેગારને જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે એનો એક આશય વિક્ટીમને કે એના સ્વજનોને ન્યાય કરીને રાહત પહોંચાડવાનો હોય છે. બીજો આશય સમાજમાં દાખલો બેસાડવાનો હોય છે અને ત્રીજો આશય અપરાધીને સુધારવાનો હોય છે. બાળકને સજા કરતી વખતે પણ આવા જ આશય હોય છે પણ પ્રાયોરીટીના ક્રમ ઊલટાઈ જાય છે. બાળકને સજા કરવાનો મુખ્ય આશય એના બિહેવિયરમાં પરિવર્તન લાવવાનો હોય છે.

બાળકને તાત્કાલિક સજા કરીને, ઉગ્રતાથી સજા કરીને કોઈ ફાયદો થતો નથી. બાળક પર ગુસ્સે થઈને હાથ ઉપાડી દેવો એ સજા કરવાનો સૌથી લોકપ્રિય (અને અસરકારક) ઉપાય છે. પણ આની (ખરાબ) અસર એટલી જ પડે છે કે બાળકને ગુસ્સે થવા માટેનું એક તૈયાર મોડેલ મળે છે. જે માર ખાય છે એ જ મારતાં શીખે છે. બીજું એ કે બાળકને ખ્યાલ આવે છે કે આ ઘરમાં ખરાખોટાની કોઈ સુનાવણી તો થતી નથી તેથી ખરા કે ખોટા હોવું મહત્વનું નથી, માબાપની અડફેટમાં ન આવવું મહત્વનું છે.

આવું ન બને તે માટે સજાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ એ વિશે થોડી ટીપ્સ જોઈએ. આવી પ્રક્રિયા કરવાની મજા એ છે કે પહેલા તો આ પ્રક્રિયા માબાપને સારા માબાપ બનવા માટે તાલીમ આપે છે. માબાપ પોતે સાતત્યપૂર્ણ અને નિષ્ઠાવાન બને તો જ આવી રીતે સજા કરી શકે. આમ, આમાં માબાપનો પોતાનો પણ વિકાસ થાય છે.

 1. જેમ એફઆઈઆર ફાટે એ કંઈ સજા નથી છતાં આરોપી કાયદાની ગિરફ્તમાં આવી જાય છે. તેમ બાળક દ્વારા નોંધપાત્ર ગેરવર્તન થાય ત્યારે એની નોંધ લઈ, આ વર્તન, પૂરતી તપાસ કર્યા પછી, અને ખુલાસાની તક આપ્યા પછી, સજાને પાત્ર છે, એવું કોમ્યુનિકેશન બાળક સાથે થવું જરૂરી છે. સજાની ઉતાવળ ન હોવી જોઈએ પણ બાળકની ક્ષતિની નોંધ લેવાઈ છે, એ બાળકને ખુદને ખ્યાલ આવવો જોઈએ. ‘મમ્મી પપ્પા કાચા કાનના નથી, તેથી લાગતા વળગતા સહુને સાંભળીને યોગ્ય નિર્ણય કરશે' એમ સમજી બાળક પોતે અનિવાર્યપણે સહકાર આપવાનું શરૂ કરશે. વળી, જેમ પોલિસ નાના ગુનામાં એફઆઈઆર ફાડવાને બદલે, માત્ર ધમકી કે ચેતવણી આપી છોડી દે છે એ રીતે પણ કરી શકાય. અમુક ભૂલ એવી હોય છે કે એમાં કાઉંટ આપી શકાય. પહેલી અને બીજી ભૂલ માફ કર્યા પછી ત્રીજી માટે સજા આપી શકાય.
 2. સજાની નોંધ લેવાયા પછી થોડો સમય પસાર કરવાથી બાળકની ભૂલ કયા સંજોગોમાં થઈ, એની વધુ માહિતી આપોઆપ બહાર આવવા માંડે છે. ઘણીવાર ગુનો ધારવા કરતાં મોટો નીકળે છે, ઘણીવાર ગુનો ધારવા કરતાં નાનો નીકળે છે.
 3. ક્યારેક બાળક પસ્તાવો અનુભવી કબૂલાત કરી લે છે તો કયારેક બહાનાબાજી અને ઢાંકપિછોડાનો દોર શરૂ થાય છે..
 4. બે-ત્રણ દિવસમાં સજાની ગંભીરતા બાળકના ખુલાસા, એનો પસ્તાવો વગેરે જોયા પછી, માતાપિતાએ સજા અનિવાર્ય છે કે નહીં તે નક્કી કરવું જોઈએ.
 5. સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળક સાથે પૂરતી સહાનુભૂતિથી વર્તવું જોઈએ. બાળક ખરાબ નથી પણ ગુનો ખરાબ છે, એ વાત પકડી રાખી બાળક પાસે કબૂલ કરાવવું જોઈએ કે એ વર્તન સ્વીકાર્ય નથી.
 6. યોગ્ય સજા બાળકને પશ્ચાતાપની તક આપશે. સજા એ કોઈ ક્રૂરતા નથી, પણ સજા મનને કેળવવા માટે છે.
 7. સજા શું હોઈ શકે તે બાળકને પોતાને નક્કી કરવાની તક આપવી જોઈએ..
 8. સામાન્ય સંજોગોમાં બાળકથી પરિવાર શેરી કે શાળામાં થતી ભૂલો માટે બે થી દસ દિવસ ચાલે એવી સજાઓ વિચારી શકાય.
 9. સજા સર્જનાત્મક હોય તો વધુ સારું. બાળકથી કેવા સંજોગોમાં શું ભૂલ થઈ એ બાબતે બાળક પાસે કબૂલાત અને સમજણનું લખાણ લખવા આપી શકાય. બીજાને ચીડવવાથી કે એ પ્રકારના કામ કરવાથી સામી વ્યક્તિ પર શું વીતે છે, એ કલ્પના કરી એનું લખાણ બાળક પાસે લખાવી શકાય. આ સમગ્ર ભૂલ અને સજાની પ્રક્રિયામાંથી એ શું શીખ્યો એ લખાવી શકાય.
 10. બાળકને સુવાક્યોની કોપી કરવા કહી શકાય. બાળક પાસે બાગકામ કરાવી શકાય, બાળક પાસે એનાથી થઈ શકે એવી સાફસફાઈ કરાવી શકાય.
 11. બાળકે જે પ્રકારની ભૂલ કરી હોય, એ પ્રકૃતિ સુધારવામાં ઉપયોગી થાય એવું પ્રેરક કે સાત્વિક લખાણ બાળક પાસે દિવસ દરમ્યાન વંચાવી, રાતે ડીનર પહેલા સહુની હાજરીમાં એ લખાણનો સાર બાળક સમજાવે, એવી યોજના વિચારી શકાય. અહીં બાળક વિચારતું થાય એ મુખ્ય હેતું છે, બોધ અપાય નહીં બોધ થાય, એ યાદ રહેવું જોઈએ.
 12. બાળકના ટીવી જોવાના કે રમવાના કલાકો પર કાપ મૂકી શકાય. આવી સજા કરવી જ પડે એ જુદી વાત છે, પણ વાતેવાતે ધમકી તરીકે આ વાતનો ઉપયોગ ન કરવો જોઈએ.

ચોકલેટ: જે વૃત્તિ કે વલણને કારણે બાળકથી ભૂલ થઈ જાય છે, બાળક એને ઓળખે અને એના વિશે સભાન બને એ જ સજાનો મુખ્ય આશય છે.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

 

2.84615384615
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top