હોમ પેજ / આરોગ્ય / પોષણ / સાત્ત્વિક ખોરાક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાત્ત્વિક ખોરાક

સાત્ત્વિક ખોરાક વિશેની માહિતી આપવામાં આવી છે

સાત્ત્વિક ખોરાક કોને કહીશું?

અધ્યાત્મ અને આરોગ્ય આ બન્ને દ્રષ્ટિકોણથી સાત્વિક ખોરાક અંગે જાગ્રતતા કેળવાવી જોઈએ. સામાન્ય રીતે અધ્યાત્મ અને ધર્મને સમાનાર્થી સમજવામાં આવે છે. પરંતુ આ બન્ને વચ્ચે ભેદ છે. અધ્યાત્મ એટલે શું તે વિશે જાણીએ. અધ્યાત્મ શબ્દ અધિ + આત્માનાં જોડાણથી બન્યો છે. સંસ્કૃત સાહિત્યમાં અધ્યાત્મ શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા કરતાં જણાવાયું છે ; ‘આત્માનિ અધિ ઇતિ અધ્યાત્મ' જેનો સામાન્ય અર્થ એવો થાય કે જે આત્માને અનુકૂળ હોય તે આધ્યાત્મિક કહેવાય. ભગવત ગીતામાં અધ્યાત્મ વિશે જણાવતાં લખ્યું છે; ‘અક્ષર બ્રહ્મ પરમં સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે' જે નાશવંત નથી તેવું અક્ષર તત્વ બ્રહ્મ છે અને એવા સનાતન બ્રહ્મનાં સ્વભાવને અધ્યાત્મ કહે છે. આમ આત્માને અનુકૂળ, આત્માને અનુલક્ષીને થતી પ્રવૃત્તિ આધ્યાત્મિક કહી છે. ધર્મ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે, ‘ધારયતિ ઈતિ ધર્મ' જે ધારણ કરે છે. જે ટકાવી રાખે છે. તે ધર્મ. ધર્મએ એવી પરંપરા, પ્રવૃત્તિ છે જે જીવન જીવવા માટે જરૂરી બાબતો વિશે માર્ગદર્શન કરે છે. ધર્મના કેન્દ્ર સ્થાને આસ્થા છે. પ્રત્યેક ધર્મના આગવા નીતિનિયમો હોય છે. જેના પાલનથી જીવનમાં સંયમ, સરળતા અને શ્રધ્ધા જળવાઈ રહે. આમ ધર્મની સાથે જોડાયેલી માન્યતા, પરંપરા મુજબ ધાર્મિક પ્રવૃત્તિ, ઉત્સવ, રૂઢિ વગેરેમાં વિવિધતા હોય છે. એક જ ધર્મના અલગ-અલગ સંપ્રદાયોમાં પણ પ્રથા-પરંપરા, વિધિ-વિધાનોમાં વિવિધતા જોવા મળે છે.

અધ્યાત્મ અને ધર્મ વચ્ચેનો ભેદ જાણવાનો આશય સાત્વિકતા વિશે સમજવાનો છે. અલગ-અલગ ધર્મ, સંપ્રદાયો મૂજબ સત્વ-સારાપણું, સત્યની નજીક લઇ જાય તેવી પ્રવૃત્તિ, પૂજન, ભોજન વિશે વિવિધતા હોય છે. જેમકે અમુક સંપ્રદાયો મૂર્તિપૂજાનો આગ્રહ રાખે છે. પૂજન-અર્ચન, પ્રસાદ ધરાવવાની પ્રથા હોય છે. ભગવાનને ધરાવેલા ભોગનાં ચોક્કસ નિયમો હોય છે અને આવા પ્રસાદને સાત્વિક કહે છે. તો વળી અમુક સંપ્રદાયો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. જીવહિંસા ન થાય તેના પર ભાર મૂકે છે. જે તે ખાદ્યપદાર્થ જેમાં જીવહિંસા ન થઇ હોય તેને સાત્વિક કહે છે. તો વળી કોઈ સંપ્રદાય લસણ, ડુંગળી જેવા તીવ્ર વાસ ધરાવતા ખાદ્યપદાર્થને તમોગુણી કહે છે. આથી લસણ-ડુંગળી વગરનાં ખોરાકને જ સાત્વિક કહે છે. આમ ધર્માનુસાર સાત્વિક ખોરાક વીશે મતમતાંતર છે.

સાત્ત્વિક એટલે શું ?

આયુર્વેદે વાયુ, પિત્ત અને કફ એવા ત્રણ મુખ્ય તત્વને શરીરનાં બંધારણ-કાર્યપ્રવૃતિ વિશે વિગતે ઉપદેશ કર્યો છે. આ મુખ્ય તત્વનાં સંતુલનમાં બાધા થવાથી રોગના કારણ બનતાં હોવાથી તેમને દોષ કહેવાયા. આવી જ રીતે માનસિક ક્રિયાઓના સંતુલન માટે સત્વ, રજ અને તમ વિશે જણાવ્યું છે. જયારે રજ અને તમ દોષનું સંતુલન બગડે છે ત્યારે માનસિક અને શારીરિક આડઅસર થાય છે. સ્વસ્થ મનનો ગુણ ‘સત્વ' છે. આયુર્વેદમાં મનને સત્વ પણ કહે છે. આથી ‘સત્વ' ગુણનું સંતુલન જળવાઈ રહે તેવી શારીરિક, માનસિક પ્રવૃત્તિઓ ‘સાત્વિક' કહેવાય. જો સાત્વિક આહારની વાત કરીએ તો જે ખોરાક મનની સાત્વિકતા જાળવે તે સાત્વિક આહાર. સત્વ ગુણનો પ્રભાવ સંતુલન, પ્રકાશમય, જ્ઞાન આપનારો, ધૈર્ય-ક્ષમાવાન, સાહજિક આનંદપ્રદ છે. આવા સાત્વિક પ્રભાવવાળી માનસસ્થિતિ જાળવવામાં મદદ કરે તેવા આહાર સાત્વિક આહાર કહેવાય. અહીં એ જાણવું પણ જરૂરી છે કે, સત્વ ગુણ માત્ર માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. અને રજ-તમ ગુણ નકામાં છે તેવું નથી. સત્વ, રજ અને તમ ત્રણેય તત્વોને ગુણો કહ્યાં છે. રજોગુણ વાયુપ્રધાન છે તથા તમોગુણ કફપ્રધાન છે. આ બન્ને ગુણોની યોગ્ય સ્થિતિ શરીર-મનનાં વિવિધ સંચાલન માટે જરૂરી છે. આથી જ એવો આહાર જે શારીરિક ત્રિદોષ-વાયુ, પિત્ત અને કફનું સંતુલન જાળવે તથા રજોગુણ-તમોગુણનું સંતુલન જાળવે તેવા આહાર આયુર્વેદિય દ્રષ્ટિકોણથી સાત્વિક આહાર કહેવાય..

સામાન્ય રીતે ગાયનું ઘી, દૂધ, કુદરતી રીતે મીઠા રસવાળા, જલિય, રસથી ભરેલાં ફળો-વનસ્પતિ, યોગ્ય સમયે પાકેલા-ગુણવત્તાપૂર્ણ ઘઉં, જવ, ચોખા જેવા અનાજ, મગ જેવા કઠોળ, મેથી, બથવો, ડોડી, સરગવો જેવી ભાજી વગેરે ખોરાક સાત્વિક આહાર બની શકે જયારે તેમનો ઉપયોગ ઋતુ, વ્યક્તિની પ્રકૃતિ, બળ, પાચનશક્તિ વગેરે ધ્યાનમાં રાખી કરવામાં આવે.

અનુભવ સિદ્ધ : જે રીતે સ્વયંની ભૂખ મટાડવા અનાવશ્યક જીવહિંસા ન કરવી જોઈએ તેવી જ રીતે આરોગ્ય માટે આવશ્યકતાથી વધુ કે ઓછો આહાર પણ યોગ્ય નથી.

સ્ત્રોત: યુવા ઐયર, નવગુજરાત હેલ્થ

2.9512195122
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top