વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયેટિંગ ઘેલછા અને સમજદારી

ડાયેટિંગ ઘેલછા અને સમજદારી

તો તમે ક્યારેક વજન ઉતારવાનું નક્કી કર્યું હતું, બરાબર? એકથી વધુ વાર અલગ અલગ રીતે ડાયેટિંગ કરી જોયું. અને અલગ અલગ નિષ્ફળ અનુભવો થયા. ખરું ને? આવો આજે ડાયેટીંગની ફિલોસોફી અને વિજ્ઞાન સમજીએ.

મેટાબોલિઝમ

જેમ કાર ચાલવા માટે પેટ્રોલ વાપરે એમ શરીરનું તંત્ર ફેટ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનમાંથી મળતી કેલેરી વાપરે છે. આરામપ્રિય બેઠાડુ શરીરને દિવસમાં 1600-1800 જેટલી કેલેરી જોઈએ. વધારાની કેલેરી ચરબીરૂપે જમા થાય. બિમારીઓને નોતરે.

સૌથી મહત્ત્વનો નિયમ

આશરે 7 કેલેરી બર્ન કરવાથી, અથવા 7 કેલેરી જેટલું ડાયેટીંગ કરવાથી 1 ગ્રામ વજન ઉતરે છે અને 700 કેલેરી બર્ન કરવાથી અથવા 700 કેલેરી જેટલું ડાયેટીંગ કરવાથી 100 ગ્રામ વજન ઉતરે છે.

આના પરથી એ સમજાય છે કે.

 1. એક્સરસાઈઝ અને ડાયેટીંગ એ બે રસ્તા છે વજન ઉતારવાના.
 2. 700 કેલેરી બર્ન કરવા માટે દોઢ કલાક કસરત કરવી પડે. જે મુશ્કેલ છે.
 3. 700 કેલેરી ડાયેટીંગ કરવા માટે દિવસમાં 1/3 ખોરાક ઓછો કરવો પડે જે મુશ્કેલ છે.
 4. એક કલાક એક્સરસાઈઝની 500 કેલેરી અને 500 કેલેરી જેટલું ડાયેટીંગ, આ બેના સમન્વયથી દિવસે 150 ગ્રામ વજન ઉતરે, જે મહિને ચાર સાડાચાર કિલો વેઈટલોસની એવરેજ આપી શકે. આનાથી વધુ વેઈટલોસ કરવા માટે જીવ પર ભારે જુલમ કરવો પડે.
 5. વજન ઉતારવા માટે કોઈ ચમત્કારી રસ્તો નથી. શરીરના ચોક્ક્સ ભાગમાંથી વજન કે ચરબી ઉતારે એવી કોઈ કસરત હોતી નથી. ઓવરઓલ જ વજન ઉતરે.
 6. કસરત કર્યા પછી તરત વજન કરવાથી 400 ગ્રામ વજન ઘટેલું દેખાય તો ખુશ ન થશો, એ પરસેવાના કારણે થયેલા ડિહાયડ્રેશનનો વેઈટલોસ છે.
 7. છ દિવસ ડાયેટીંગનું પુણ્ય કર્યા પછી સાતમાં દિવસે સાત ઈંચનો ચીઝ પીઝા ખાવાનું પાપ કરી લઈએ તો છ દિવસનું પુણ્ય ધોવાઈ જાય છે. વેઈટ લોસની મોટી મોકાણ એ છે કે દિવસમાં 500 જેટલી કેલેરી ઓછી લીધી હોય તો એ ભૂખ અને અશક્તિ આપણને ક્ષણેક્ષણે ક્ષીણ કરે છે અને એક કે બે ચીઝ કે બટર ભરેલા ‘મીલ' આપણી જાણ બહાર આખા અઠવાડિયાની મહેનત પર પાણી ફેરવી દે છે..
  1. વજન વધારવું કે ઘટાડવું ન હોય તો આપણી સામાન્ય જરૂરિયાત 2000 કેલેરી કરતાં ઓછી હોય છે. હોટલોમાં કે લગ્નમાં ભરપેટ ખાઈએ તો 4000 કેલેરી જેટલો ખોરાક થાય છે (બે પીસ સ્ટાર્ટર, બે બટર રોટી, હાફ જીરા રાઈસ અને સ્વીટ.. આટલું 4000 કેલેરી થઈ જાય!).

ચોકલેટ

વજન ઉતારવા માટે ભૂખમરા કે કસરતના અતિરેક કરતાં નિયમિતતા અને જાગૃતિ વધુ મહત્ત્વના છે.

મહત્ત્વની ટીપ્સ.

 1. ડાયેટીંગ કરનારે સૌપ્રથમ તો રોજ ઓછું ખાઈશ એમ નક્કી કરતાં પહેલા કદીય અઠવાડિયામાં એક વાર પણ, વધારે નહીં ખાઉં એમ નક્કી કરવું જોઈએ. પહેલો મંત્ર છે નો ઓવર ઈટિંગ!.
 2. ડાયેટીંગમાં કોઈ પણ વસ્તુ છોડવાની જરૂર નથી. પણ અમુક હાઈ કેલેરી વસ્તુ જીભ માટે ખાવી, પેટ માટે નહીં. ડાયેટીંગનો બીજો મંત્ર છે વેરી સ્મોલ પોર્શંસ.
 3. વારંવાર થોડું થોડું ખાવાથી ભૂખ ભાંગે છે. સવારનો મધ્યમસરનો નાસ્તો, મીડ મોર્નિંગ સ્નેક્સ, નાનું લંચ, સાંજનો હળવો નાસ્તો, રાતનું માપસરનું વહેલું ડીનર, આમ પાંચવાર થોડું થોડું ખાવું જોઈએ, ડાયેટીંગ પર હોઈએ ત્યારે 1/3 (33 ટકા) ખોરાક ઓછો કરવાથી મહિને 4 કિલો અને 1/4 (25 ટકા) ખોરાક ઓછો કરવાથી મહિને ત્રણ કિલો વજન ઉતરી શકે, જો વચ્ચે લગ્નોમાં કે હોટેલમાં ન ખાઈએ તો!.
 4. લગનમાં કે હોટેલમાં જઈએ તો લો કેલેરી ફૂડ તરીકે પહેલા ભરપેટ સલાડ ખાવું (મેયોનીઝ વગર!) પછી જો પાણીપુરી કે ભેળપુરી હોય એને ન્યાય આપવો. પ્લેન રોટી કે પ્લેન ફુલકાનો આગ્રહ રાખવો, શાક તેલ નિતારીને લેવું અને ભજિયા વગેરે ટિસ્યૂ પેપરથી તેલ શોષીને ખાવા. ટોટલ ખોરાક ત્રણસો ગ્રામથી ન વધે (ત્રણ વાટકી) એનો ખ્યાલ રાખવો. સ્વીટના કાઉંટરને દૂરથી પ્રણામ કરવા અથવા ¼ ટુક્ડો ચાખવો. એક પોર્શન ફાસ્ટ્ફૂડ કે બે ત્રણ ટુકડા સ્વીટ ખવાઈ ગયા હોય તો 30 મિનિટ વધારે ચાલી લેવાથી એ પાપ ધોઈ શકાય. પરંતુ 4000 કેલેરી ખાધા પછી (જે ખૂબ સહેલું છે), વજન ન વધે એ માટે 5 કલાક કસરત કરવી પડે (જે ખૂબ ભારે છે). આપણે ભારતીયો સામજિક પ્રાણીઓ છીએ એટલે લગ્નમાં જવાનું થશે જ. 22 વરસમાં વિકાસ થયો હોવાથી હોટલોમાં જવાનું પણ વધ્યું છે. લગ્નમાં અને હોટેલમાં “એક દિવસ ખાઈ લો ને!” એમ કહેનાર મેનકાઓ બહુ મળશે પણ આપણે વિશ્વામિત્ર બનવું નહીં.
લેખક રઈશ મણિયાર, નવગુજરાત સમય ફેમિના
2.84375
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top