હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / ચાલીસી પછી મેડિકલ ચકાસણી અનિવાર્ય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ચાલીસી પછી મેડિકલ ચકાસણી અનિવાર્ય

ચાલીસી પછી મેડિકલ ચકાસણી અનિવાર્ય

બહેનોને એક કુટેવ હોય છે કે જ્યાં સુધી માંદગીના બિછાને પડવાનો વારો ન આવે. ત્યાં સુધી તેઓ ડૉક્ટર પાસે જવાનું પસંદ કરતાં નથી. પરંતુ કોઈ પણ સ્ત્રી ૧૮ વર્ષની હોય કે ૮૦ વર્ષની, તેણે વર્ષમાં એક વાર પોતાના શરીરની ડૉક્ટરી તપાસ કરાવવી ખૂબ જ જરૃરી છે. આવી તપાસ કરાવવાથી બે લાભ થાય છે. પહેલો એ કે, તમે પૂરેપૂરાં તંદુરસ્ત છો, તેની ખાતરી થઈ જાય છે અને બીજો એ કે, કદાચ કોઈ બીમારી હોય, તો સમયસર તેનાં લક્ષણ દેખાય છે અને તેનો ઇલાજ વેળાસર તેમજ વ્યવસ્થિત શરૃ કરી શકાય છે. પરિણામે ખતરનાક બીમારીઓથી બચી શકાય છે. અહીં આવી જ કેટલીક ડૉક્ટરી તપાસની માહિતી આપવામાં આવી છે.

બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ

આપણા શરીરને સતત શર્કરાની જરૃર હોય છે, જે આપણને ભોજનમાંથી મળતી હોય છે. જમ્યા પછી ઇન્સ્યુલિન શર્કરાને વિભાજિત કરી શરીરના વિવિધ કોષો અને અંગોમાં વહેંચે છે. એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ જે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછંુ હોય અથવા તો શરીરમાંનું ઇન્સ્યુલિન સરખી રીતે કાર્ય ન કરતું હોય, તો તેને ડાયાબિટિસની તકલીફ હોય છે. આવા કેસમાં શર્કરા લોહીમાં જ રહી જાય છે. બ્લડ ગ્લૂકોઝ ટેસ્ટ કરાવવાથી જો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે દેખાય, તો એ પરથી ખબર પડે છે કે વ્યક્તિને ડાયાબિટિસ થયો છે. આવી રીતે જો બીમારીનાં લક્ષણ શરૃઆતમાં જ ઓળખાઈ જાય, તો આપણે પરેજી પાળીને અને યોગ્ય દવાઓ લઈને રોગ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ.

બ્લડ યૂરિયા નાઈટ્રોજન ટેસ્ટ

કિડનીને લગતા રોગોની તપાસ કરવા માટે આ પરીક્ષણ કરાય છે. બ્લડ યૂરિયા નાઈટ્રોજન શરીરનો કચરો છે, જે પેશાબ સાથે બહાર નીકળે છે. જો કિડની પેશાબ ગાળવાનું કામ સારી રીતે ન કરી શકે, તો આ હાનિકારક પદાર્થ લોહીમાંથી છૂટો પડતો નથી. શિરામાંથી લીધેલા લોહીના નમૂનાની ચકાસણીથી આ પદાર્થ લોહીમાં છે કે નહીં તેની ખબર પડી જાય છે.

બ્લડ કાઉન્ટ

બ્લડ કાઉન્ટની તપાસ લોહીની ઉણપ અથવા લોહી સંબંધી અન્ય બીમારીઓ જાણવા માટે ખૂબ જ જરૃરી છે. આ ટેસ્ટથી લોહીમાંના હીમોગ્લોબિનનું પ્રમાણ જાણી શકાય છે. હીમોગ્લોબિનનું ઓછું પ્રમાણ લોહીની ઉણપનું લક્ષણ છે. પ્લેટ લેટ્સ ઘામાંથી વહેતા લોહીને જમાવીને વહેતું બંધ કરવામાં સહાયક બને છે. જો આપણા શરીરમાં કોઈ ચેપ લાગ્યો હોય, તો તે ચેપ વાઈરસ, બેક્ટેરિયલ કે પેરોસટિક છે, તે આ પ્રકારના ટેસ્ટથી જાણી શકાય છે. લોહીનો થોડો નમૂનો લઈને આ બધી તપાસ કરાય છે.

છાતીનો એક્સ-રે

છાતીમાં હૃદય, ફેફસાં, નક્કર હાડકાંનું માળખું, પાંસળીઓ વગેરે કેટલાંય મહત્ત્વનાં અંગો હોય છે. એક્સ-રે દ્વારા ફેફસાંના ટીબી તેમજ હૃદયની બીજી બીમારીઓની ખબર પડી જાય છે. ડૉક્ટર સલાહ આપે, ત્યારે એક્સ-રે ચોક્કસ કરાવવો જોઈએ.

ઈલેક્ટ્રીટ કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી.)

આનાથી હૃદયની કાર્યક્ષમતા હૃદયને લગતી બીમારી વિશે જાણી શકાય છે. હૃદયના પ્રત્યેક ધબકારાની સાથે વિદ્યુતતરંગ ઉત્પન્ન થાય છે. જે હૃદયમાં ફેલાય છે. આનાથી હૃદયના સ્નાયુ સંકોચાઈને લોહીને શરીરમાં આગળ ધકેલે છે. હાર્ટએટક, અનિયમિત હૃદયગતિ, હૃદયનંુ કદ વધવું કે હૃદયનું ફૂલવંુ વગેરે જેવાં કષ્ટ થાય, ત્યારે આ તરંગો પર તેની અસર થાય છે, તેથી ઈ.સી.જી. બરાબર નથી આવતું. કોઈ કોઈ વાર આ પરીક્ષણ પણ કરાવી લેવું જોઈએ. આ પરીક્ષણ માટે ટેક્નિશયન અને ડૉક્ટર ટેબલ પર સીધાં સુવડાવી દે છે. ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાતી ધાતુની ચાર પ્લેટોને કોણી અને કાંડા પર લગાવી દેવાય છે. પાંચમો ઈલેક્ટ્રોડ ટેક્નિશિયન દર્દીની છાતી પર આમતેમ ફેરવી ફેરવીને મૂકે છે. આ માટે છાતી પર એક કંડક્ટિંગ પેસ્ટ લગાવાય છે. બધા ઇલેક્ટ્રોડના તાર ઈ.સી.જી. મશીનની સાથે જોડાયેલા હોય છે. એની મદદથી તમારા હૃદયના વિદ્યુતતરંગો એક ગ્રાફ પેપર પર અંકિત થઈ જાય છે.

પેપ સ્મીયર

કોઈપણ પ્રકારના સ્ત્રીરોગની શંકા પડતાં સ્ત્રી રોગ નિષ્ણાત આ પરીક્ષણની સલાહ આપે છે. આ પરીક્ષણથી સરવાઈકલ કેન્સરની પ્રાથમિક અવસ્થાનો ખ્યાલ આવી જાય છે. એટલે સમયસર સાચો ઇલાજ થવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ પરીક્ષણ માટે ડૉક્ટર યોનિમાર્ગમાં એક યંત્રની નળી નાખે છે, જેને સ્પેકુલમ કહે છે. યોનિમાર્ગમાંથી કોષનો નમૂનો લઈને તેની તપાસ કરે છે. સ્ત્રીઓએ આવા પરીક્ષણથી ગભરાવું જોઈએ નહીં, કેમ કે તેમાં બહુ તકલીફ થતી નથી.

યૂરિનાલિસિસ

આમાં સવારે ઊઠીને પહેલી વાર પેશાબ કરવા જતી વખતે લીધેલા પેશાબનો નમૂનો તપાસવામાં આવે છે. શરૃનો થોડો પેશાબ જવા દઈ, પછી ચોખ્ખી શીશીમાં આ નમૂનો લેવો જોઈએ. પેશાબના પરીક્ષણથી પેશાબમાં શર્કરા, પ્રોટીન, શ્વેતકણ, રક્તકણ, બેક્ટેરિયા (યૂરિન ટ્રેકઈન્ફેકશન, બિલિરૃબિન) વગેરેની માહિતી મળે છે.

મેમોગ્રાફી

આ પરીક્ષણથી રસોળી જેવી સ્તનની બીમારીઓની ખબર પડે છે. સ્તનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, તો આ પરીક્ષણ અચૂક કરાવવું જોઈએ. આ પરીક્ષણમાં બન્ને સ્તનોના એક્સ-રે લેવાય છે. આ એક સહેલુ  પરીક્ષણ છે.

હીમેટોક્રિટ

આ ખૂબ જ સાધારણ પરીક્ષણ છે. આમાં લોહીમાં રહેલા હિમોગ્લોબિનની ટકાવારીનું  પ્રમાણ મપાય છે. જો હીમેટોક્રિટ ઓછું હોય, તો એ સૂચવે છે કે લોહીમાં લોહતત્વ ઓછું છે તથા લોહીની ઊણપ છે. આ લક્ષણ મહિલાઓમાં વધુ જોવા મળે છે. માસિક ધર્મ વખતે વધારે લોહી વહી જવાથી લોહીની ઉણપ આવી જાય છે. આવી મહિલાઓને ડૉક્ટર સમતોલ આહાર લેવાની સલાહ આપે છે. આ પરીક્ષણ પણ શિરામાંથી થોડું લોહી લઈને કરવામાં આવે છે.

મળની તપાસ

૪૦ વર્ષથી ઉપરની મહિલાઓએ વર્ષમાં એક વાર આ પરીક્ષણ જરૃર કરાવવું જોઈએ. મળમાં લોહી આવવું એ આંતરડાં કે હોજરીમાં ચાંદુ અથવા કેન્સર જેવી બીમારી હોવાનું  સૂચક છે. પેથોલોજિસ્ટ મળનો નમૂનો લઈને આ પરીક્ષણ કરે છે. આજકાલ તો આ પરીક્ષણ માટેની કિટ પણ મળવા લાગી છે. માસિક ધર્મ વખતે આ પરીક્ષણ ન કરાવવું. આ પરીક્ષણના બે દિવસ પહેલાં લાલ માંસ ન ખાવું, નહીંતર ખોટું તારણ આવવાનો ભય રહે છે.

સ્ત્રોત: નીપા, સહિયર

3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top