অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેટલાક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મુખવાસ

આયુર્વેદ જીવન સાથે જોડાયેલી નાનામાં નાની બાબતો વિશે ઝીણવટપૂર્વક માર્ગદર્શન કરે છે. રોજબરોજના જીવનમાં આયુર્વેદે સૂચવેલા માર્ગ પર ચાલવાથી રોગોને થતાં અટકાવી શકાય. નાના-મોટા રોગજનક કારણોને કુદરતી રીતે દૂર કરી શકાય છે. શરીરમાં તથા વાતાવરણમાં થતાં ફેરફારને ધ્યાનમાં રાખી આયુર્વેદે ઋતુઓની શરીર પર થતી અસર વિશે માર્ગદર્શન કર્યું છે. તેવી જ રીતે સવારના ઉઠ્યા ત્યારથી રાત્રે સૂતા પહેલાં આચરણમાં મૂકવા લાયક આરોગ્યલક્ષી સૂચનો કર્યા છે. જેમાં ભોજનવિધિ અને આહાર વિશે તો જણાવ્યું છે, તે સાથે ભોજન બાદ ‘તાંબૂલ ભક્ષણ' પાનબીડું કેવું ખાવું? તેનાં ફાયદા વગેરેની પણ માહિતી આપી છે.
આજના લેખમાં કેટલાંક મુખવાસ વિશે જણાવું છું. મુખવાસની પ્રથા ભારતીય પરંપરાની વિશિષ્ટતા છે. જમ્યા પછી સુગંધિત, મ્હોં સાફ કરે, મ્હોંની દુર્ગંધ દૂર કરે તેવા પદાર્થોમાંથી મુખવાસ બનાવાય છે. પરંતુ શું આપ જાણો છો કે એવા કેટલાંક મુખવાસ છે, જે નાની મોટી શારીરિક તકલીફ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

મુખવાસની પાચન પર થતી અસર

વરિયાળી, ધાણાની દાળ, તલ, સુવાદાણા, અજમો જેવા સુગંધિત, ઉડનશીલ તેલ ધરાવતા દ્રવ્યો માત્ર સુગંધિત, મનોરમ્ય છે તેટલું જ નહીં પરંતુ તેમના તૈલી પદાર્થ, રેસા, વિશિષ્ટ રાસાયણિક તત્વો પાચનક્રિયામાં એન્ઝાયમેટિક, એન્ટીસ્પાઝમોડીક અને ડાયજેસ્ટીવ અસર કરે છે.
સામાન્ય રીતે વરિયાળી, તલ, સુવાદાણા કે અજમામાં લીંબુ, મીઠું, હળદર ઉમેરી ૩-૪ કલાક રાખી, સૂકાયા બાદ શેકી અને મુખવાસ તરીકે વાપરવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ રીતે બનાવેલો મુખવાસ ફાયદાકારક છે. આ બધા જ દ્રવ્યોમાંથી તેમના પ્રમાણમાં થોડો ફેરબદલ કરી, થોડી વિશિષ્ટતાથી બનાવેલા મુખવાસ નાની-મોટી બીમારીમાં પણ ફાયદો પહોંચાડશે.

માસિક સમયે પેઢુમાં દુખાવો, માસિકની અનિયમિતતા

ગર્ભાશયના આકુંચન-પ્રસારણ સાથે કાર્યરત નાડીઓનું સંચાલન અપાનવાયુ દ્વારા થાય છે. તરૂણવયની કે પછી નબળું સ્વાસ્થ્ય ધરાવતી યુવાન સ્ત્રીઓને પણ માસિક પહેલાં ભૂખ ન લાગવી, ઓડકાર આવવા, બેચેની થવી, કબજીયાત થવી, પેઢુમાં દુઃખાવો થવાની તકલીફ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.પૌષ્ટિક, તાજો ખોરાક, યોગ્ય પ્રમાણમાં પ્રવાહી પીવું, નિયમિત શારીરિક કસરત કરવાની સાથે અપાનવાયુને રેગ્યુલેટ કરવા સુવા, તલ અને અજમાનો મુખવાસ ફાયદો કરશે.
સુવાદાણા, તલ અને અજમો સરખા પ્રમાણમાં ભેળવી તે પલળે તેટલો લીંબુનો રસ નાખવો. તેમાં મીઠાને બદલે સંચળ અને હળદર ઉમેરી સારી રીતે ભેળવી ૩-૪ કલાક પલાળવું, ઘરમાં જ ઢાંકીને થોડું સૂકાયા બાદ લોખંડના તાંસળામાં ભેજ ઉડે તેવું હલકું શેકવું. તેમાં રહેલાં તેલ બળી ન જાય તે માટે જરૂર પૂરતું જ શેકી, ઠંડુ થયે કાચની બોટલમાં ભરી લેવું. આ મુખવાસ જમ્યાબાદ ૫ ગ્રામ જેટલો ચાવીને ખાવો. અપાનવાયુનાં અસંતુલનથી થતી આંતરડાની નબળાઈ, કબજીયાત, અપચામાં પણ આ મુખવાસ ફાયદાકારક છે.

ગળામાં કફ લેપાયેલો રહેવો, ખાંસીના ઠસકા આવવા.

ગાંધીને ત્યાંથી બહેડાની સૂકી છાલ ખરીદી લાવી, ભીના કપડાથી લુછી સાફ કરવી. લીંબુના રસમાં સિંધવ, હળદર ઉમેરી છાલને ૭-૮ કલાક પલાળવી, ત્યારબાદ સુતરાઉ કાપડ પર ફેલાવી તડકે સૂકવી દેવી. આ પ્રમાણે આદુની ચીરીને પણ પલાળી, સૂકવી કાચની બોટલમાં ભરી શકાય. બ્હેડા અથવા આદુની સૂકવણી જમ્યા બાદ ચૂસવાથી ગળા-મ્હોંમાં કફ લેપાઈ જવો, ખાંસી આવવી જેવી તકલીફમાં ફાયદો થશે.

જમ્યા બાદ વાયુ, આફરો, અપચો, વજન ન વધવું

સારી ગુણવત્તાવાળી લીંડીપીપરને સાફ કરી લીંબુ, સંચળમાં ૨-૩ દિવસ પલાળી સૂકવવી. લીંડીપીપર તરીકે બજારમાં મળતી પીપર મુખવાસ સાથે પાચક ઔષધ છે. પીપરમાં તીખાશ હોવા છતાંપણ પચ્યા પછી રસમાં મીઠી અને શીતવીર્ય હોવાથી હાયપર એસિડિટી સાથે ગેસની તકલીફમાં પણ ફાયદો કરે છે.

આંતરડાની નબળાઈ, કબજીયાત

સૂકી કાળી દ્રાક્ષ (બીજ કાઢેલી) ૨૫૦ ગ્રામ, સાકર પાવડર ૪૦ ગ્રામ, સોનામુખીનું ચૂર્ણ ૩૦ ગ્રામ, હરડે ૪૦ ગ્રામ, જાવંત્રી, કેસરનું ચૂર્ણ ૧ થી ૩ ગ્રામ લઇ ખરલમાં બધું જ લસોટી અને ભેળવવું. આશરે કાબુલી ચણા જેવડી ગોળીઓવાળી સાકરનાં ભૂક્કામાં રગદોળી કાચની બોટલમાં ભરવું. રાત્રે જમ્યાબાદ ૧ થી ૨ ગોળી ચાવીને ખાવી. ગોળીનું પ્રમાણ સ્વયંની જરૂરિયાત મુજબ વધુ-ઓછી કરી શકાય.

ઈમ્યુનીટી ઓછી હોવી, હિમોગ્લોબીન ઓછું હોવું.

શિયાળામાં મળતાં તાજા રસાળ આંબળાને ધોઈ લુછી ઝીણા ટુકડા કરવા. આંબળાના ટુકડાને આંબળાના જ રસમાં સિંધવ, અજમાનું ચૂર્ણ ઉમેરી લોખંડનાં વાસણમાં ૧૦-૧૨ કલાક પલાળવા. સુતરાઉ કાપડ પર પાથરી તડકે સૂકવણી કરવી. આંબળાની સૂકવણી કાચની બોટલમાં ભરવી. જમ્યા બાદ આશરે ૩-૪ ગ્રામ જેટલી સૂકવણી ચૂસીને ખાવી. લોખંડનાં પાત્રનો ઉપયોગ કરવાના સૂચન પાછળ લોહતત્વ મળે તે ધ્યાનમાં રખાયું છે..
વજન વધતું ન હોય, માસિક વધુ આવતું હોય, બ્લીડિંગ પાઈલ્સ, નસકોરી ફૂટવી જેવી પિત્તની તકલીફ હોય તેઓ આંબળાને બાફી, ઠળિયા કાઢી, સાકરમાં પાણી ઉમેરી બે તારની ચાસણીમાં ડુબાડી ૭-૮ કલાક બાદ, તડકે-છાંયડે સૂકવીને કાચની બોટલમાં ભરી, મુખવાસની માફક જમ્યા બાદ ૨-૩ ચીરી ખાવાથી ફાયદો થશે. બદામ, પિસ્તા કે અન્ય તેલીબીયાઓને મીઠું-મરી ચઢાવી રોસ્ટેડ મુખવાસ કે જે સ્વાદિષ્ટ બનાવવા વધુ મસાલાઓ નાખેલા હોય તે જમ્યા પછી મુખવાસ સમજી વધુ માત્રામાં ખાવાથી પાચનને નુકશાન કરે છે. તેલીબીયાની પૌષ્ટિકતા પચાવવા માટે તેનું યોગ્ય પાચન થાય તેવા સમયે ખાવા.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત  સમય© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate